યાન માર્ટેલ… એકજ નોવલે. ફક્ત એક જ નોવેલ. અને જેટલું કહેવું હતું તે બધુ કહી નાખ્યું. જેને સમજાયું તેને સમજાયું બાકીના લોકોની ઊપરથી ગયું. વાર્તાઓની એક ફ્લોપ પુસ્તક આપ્યા પછી તમે જે લખવા માટે ભ્રમણ કરો અને તેમાંથી તમને એ વસ્તુ પ્રાપ્ત થાય જે તમને મેન બુકર પ્રાઈઝ સુધી લઈ જવાની હોય. જે 50 દેશની સરહદો ટપીને પહોંચવાની હોય અને 12 મિલિયન કરતા વધારે કોપીઓ વેચાવાની હોય. આ બુકનું નામ એટલે લાઈફ ઓફ પાઈ. હિન્દીમાં પાઈ પટેલની દાસ્તાન, અને ગુજરાતી અનુવાદમાં છેલ્લા કેટલાક પાના ઉડધુડ કરી નાખ્યા છે તેવું પુસ્તક(નવી આવૃતિમાં બદલી નાખ્યું હોય તો ખ્યાલ નહીં)
યાન માર્ટેલના પિતાની તો કંઈ ખબર નહીં કારણ કે પીએચડી પ્રોફેસર થયા પછી તેમણે કંઈ ખાસ યોગદાન આપ્યું નહીં, પણ તેની માતા એક કેનેડિયન રાઈટર હતી. જેણે 1995માં ફ્રેન્ચ લેંગ્વેજ પોંઈટ્રીનો એર્વોડ જીતેલો. જેમણે કેનેડામાં રહીને સ્પેનિશ લીટરેચરનો ખૂબ ફેલાવો કર્યો, પણ યાનના મમ્મી સાહિત્યમાં કંઈ ખાસ ન કરી શક્યા. અને જેમ પાંચ રૂપિયાની કવિતા છપાવી સાહિત્યકારનું મૃત્યુ થઈ જાય તેમ તેમનું સાહિત્યકાર તરીકે મૃત્યુ થઈ ગયું.
યાનનો જન્મ થયો એ પછી તેણે અઢળક જગ્યાઓ ઘુમી. જેમકે કોલંમ્બિયા, પોર્ટુગલ, મેડ્રિડ, ફેરબેન્કસ અલાસ્કા, વિક્ટોરિયા… મોટા થતા તેણે પિતાની માફક ફિલોસોફીમાં ડિગ્રી હાંસલ કરી એટલે માતાની ઈચ્છા દબાઈ ગઈ. નોકરીની શોધમાં યાને અવનવા કામ કર્યા પાર્કિંગ ગોઠવવાનું, વૃક્ષોનું સમારકામ કરવાનું…
એટલામાં યાને પહેલી વાર્તા લખી નાખી હતી. જેનું નામ હતું મિસ્ટર અલી એન્ડ ધ બેરેલમેકર. આ માટે યાનને કેટલાક પારિતોષિકો એનાયત થયા, પરંતુ એર્વોડથી ઘર-બાર ચાલતા નથી. આવી છુટીછવાઈ વાર્તા યાને પ્રશંસા પામ્યા બાદ પુસ્તક બનાવવાના વિધાઉટ ધડમાથાના વિચારમાં પરિવર્તિત કરી. આ નર્યુ નાટક થવાનું હતું. જે વિવેચકોએ જ્યાં જ્યાં તેની પ્રશંસા કરી હતી, તે કદાચ ફેન્સની સામે વાચકોની સામે હિટ પૂરવાર ન પણ થાય. અને થયું પણ એવું જ. યાનનો વાર્તાસંગ્રહ પબ્લિશ થયો, પરંતુ કોઈ લેવા માટે તૈયાર નહતું. સાહિત્યમાં તમને કેટલા એર્વોડ મળ્યા છે, તે મહત્વના નથી. કારણ કે ભાલચંદ્ર નેમાડેની સુપરહિટ નવલકથા કકુન અને કેટલાક સંગ્રહો માટે તેમને જ્ઞાનપીઠ એર્વોડ મળ્યો, પણ ગુજરાતમાં કેટલા લોકોએ કકૂન વાંચી ? સિવાય કે અંગ્રેજીના વિદ્યાર્થીઓ જેમને ભણવામાં આવે છે. આવુ જ કંઈક યાનની વાર્તાઓનું થયું.
યાનના લાંબાવાળવાળો ફોટો જૂઓ તો એ વાતનો ખ્યાલ આવશે કે, યાન એક સમયે જોકર પણ બન્યા હતા. યાનની માથે દેવુ થઈ ગયું હતું અને આ દેવુ ઊતારવા માટે કામ કરવું પડે. અગાઊ ટ્રાફિક-પાર્કિગ જેવા કામો કરેલા એટલે આ કામ તેના માટે નવું નહતું. તે જોકર પણ બન્યો. તેણે દેશ વિદેશમાં નજર દોડાવી. તેની ઈચ્છા હતી કે હું એક એવા શહેરમાં જાઊ જે સસ્તો હોય. જંગલ હોય, ટેબલ હોય, જેની ઊપર મારો કોફીનો મગ પડેલો હોય. આજુબાજુમાં મારી નોવેલના ડ્રાફ્ટ પડેલા હોય. અને આ દેશ હતો ભારત. આ આખી કહાની તો યાને પોતાની બુક લાઈફ ઓપ પાયમાં ટાંકી છે. પરંતુ ભારત વિશે યાન શું વિચારે છે ખ્યાલ છે.
ભારત વિશે યાનનું માનવું છે કે, આ મહાત્મા ગાંધીનો દેશ છે, આઈડિયોલોજી અને કરપ્શનમાં માનનારો ! ખરૂ છે. બે પૈસાનું કામ કરાવવા માટે મહાત્મા ગાંધીના ફોટો નીચે બેઠેલા અમલદારને 100ની નોટ લેવામાં જરા પણ શરમ નથી આવતી. કેવુ કહેવાય જે આપે તેના હાથમાં પણ ગાંધીજી અને પાછળ ફોટામાં પણ ગાંધીજી. હાથમાં નોટ આપવામાં આવે છે, તે કરપ્શનની છે, તેમાં પણ ગાંધીજી અને પાછળ ફોટો છે તે તેની આઈડિયોલોજી છે, તો તેમાં પણ ગાંધીજી. અને યાને તો પોતાના ઈન્ટરવ્યુમાં કહેલું છે, ‘ભારત એ હોરીબલ-ભયાનક દેશ છે.’
આ દેશમાં તમારે ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડે. ઈશ્વર પર કે અલ્લાહ, બુદ્ધ, મહાવીર, જીસસ પર… કંઈ કેટલા ધર્મ છે. હું તો ચોંકી ગયેલો. અને આવુ બધુ જોઈને મને આશ્ચર્ય થયું કે દુનિયામાં આવો પણ એક દેશ છે, જ્યાં બધા ધર્મોમાં માનવામાં આવે છે, પાડવામાં આવે છે. અને આ વિચારે મને લાઈફ ઓફ પાઈમાં કંઈક લખવા માટે પ્રેરિત કર્યો.
યાને પોતાની આ ભારત યાત્રા દરમિયાન બોલિવુડ અને તમિલ સિનેમાની કેટલીક ફિલ્મો નીહાળી. તેમાં પણ તમિલ ફિલ્મો જોઈ તેઓ હસી હસીને લોટપોટ થઈ ગયા હતા. તો ભારતીય અંગ્રેજી લેખકોને પણ પૂરજોશમાં વાંચ્યા. જેમાં તેમના ફેવરિટ આર.કે.નારાયણ હતા. માલગુડીનું વિશ્વ તેમને પસંદ આવ્યું, પરંતુ અંગત જીવનમાં યાન માર્ટેલ દાન્તેની ડિવાઈન કોમેડીના દિવાના છે.
લાઈફ ઓફ પાઈ જ્યારે પબ્લિશ થઈ ત્યારે યાન માર્ટેલે કેનેડાના પ્રાઈમ મિનિસ્ટરને એક બાદ એક એમ 101 કોપી મોકલી હતી, પરંતુ કેનેડાના પ્રાઈમ મિનિસ્ટેરે અ સિંગલ શબ્દમાં પણ તેનો જવાબ ન આપ્યો. જ્યારે બરાક ઓબામાને મોકલતા, તેમણે તુરંત જ બુકનો રિવ્યુ લખી મોકલ્યો. એટલે બરાક સૌના પ્રિય પ્રેસિડન્ટ રહી ચુક્યા છે. 2012માં યાન લાઈફ ઓફ પાઈનું પ્રમોશન કરવા ભારત આવ્યા ત્યારે મનમોહન સિંહ ભારતના પ્રેસિડેન્ટ હતા. એક પત્રકારે તેમને પૂછ્યું, ‘તમે મનમોહન સિંહને કઈ બુક વાંચવા આપો ?’ તેમણે લીયો ટોલ્સટોયની બુક ઈવાન ઈચ કહી. તેનું કારણ તેનો નાયક ધીમે ધીમે મરે છે !!
તો ફિલ્મમાં તમે વાઘને જોયો હશે, આ વાઘ એડગર એલન પોલની નવલકથા ધ નેરેટિવ ઓફ ઓથર ગોર્ડન પાઈમ ઓફ નનટકેટનું કેરેક્ટર હતું. જેમાં એક કૂતરાને વાઘ બતાવવામાં આવ્યો હતો. જેના પરથી પ્રેરણા લઈ વાઘનું નામ રાખવામાં આવ્યું. “અ રોયલ બેંગોલ ટાઈગર રિચાર્ડ પાર્કર.”
2002માં જ્યારે યાન માર્ટેલને લાઈફ ઓફ પાઈ માટે બુકર મળ્યું ત્યારે તેના જીતવાના ચાન્સીસ ખૂબ ઓછા હતા. જેનું કારણ તેના અપોનટ રોહિટન મિસ્ત્રી, સરાહ વોટર્સ, ટીમ વિન્ટન, વિલિયન ટ્રેવોલ અને કારોલ શિલ્ડ હતા. જે સાહિત્ય જગતના ધૂરંધરો છે. તો પણ જીત્યા માર્ટેલ જ…
~ મયુર ખાવડુ
Leave a Reply