ચૈન્નઇની બોક્સઓફિસ પર પહેલા દિવસે જ બાહુબલીનો રેકોર્ડ તોડી નાખનારી અલબત્ત માત્ર ચૈન્નઇમાં જ એવી વિવેગમ જોઇ. વિવેગમ જોયા પછી લાગ્યું કે સાઉથની આ ફિલ્મમાં જ્યારે આયર્ન મેન, જીઆઇજો અને એકાદ બે ચાઇનીઝ ફિલ્મોનો મસાલો ભરી દીધો છે. લેખકડો નક્કી આવી બે ચાર ફિલ્મો જોઇને બેઠો હશે. એકનું એક કાન ફાડી નાખે તેવું સંગીત. જ્યારે કોઇ કાનમાં કાંટા ચૂંભાવતું હોય.
અજીત કુમારની અગાઉની ફિલ્મો માથે પડેલી પણ એટલી બધી પણ નહોતી પડેલી. વેદલમ જોયા જેવી હતી. તેમાં થોડું સસ્પેન્સ હતું. થ્રીલર હતું. પણ ‘વ’ ધારી ફિલ્મો તેને હિટ અપાવવાની હોય તેમ વિવેગમમાં તો બધો મસાલો ભરી દીધો હતો. સિનેમેટોગ્રાફરની અદભૂત કારીગરી કે તેણે ફિલ્મ ગેમ બનાવતા હોય તેવી રીતે બનાવી નાખી. કલાકારોના આઉટફિટ પણ એકદમ ગેમ પ્રકારના. ડબીંગ પણ ભંગાર.
સાઉથની ફિલ્મોનો મોટાભાગનો આધાર ડબીંગ પર રહેલો છે. આપણા બે ચાર ડબીંગ આર્ટિસ્ટો જે સાઉથની ફિલ્મો માટે કરારબદ્ધ કરવામાં આવ્યા છે, તે અહીં પણ હતા. પણ વિવેગમમાં સૌથી ભંગાર ડબીંગ લાગ્યું પેલા નેશનલ જ્યોગ્રોફીના ડબીંગ આર્ટિસ્ટનું. જેનો અવાજ સાંભળીને લાગતું હતું કે ફિલ્મની જગ્યાએ નર અને માદાની સંવનન ક્રિયા શરૂ થવાની હોય.
છેલ્લે સુધી તે અજય કુમાર બનતા અજીત કુમારના વખાણ કર્યા રાખ્યો અને અંતમાં પણ ઓર શેર કો ઉનકી ખુરાક મિલ ગઇની જેમ પૂછડું મારતો ગયો.
ફિલ્મ એટલી ફાસ્ટ હતી કે અજીત કુમારે ટોટલ કેટલા ગુંડાઓને માર્યા તે પણ સરખું ન દેખાયું. છેલ્લે ટોટલ કરતા આંકડો લગભગ 600 જેટલો અવશ્ય થતો હતો. જેમ સુપરહિરો ફિલ્મમાં તમારે કોઇ વધારે અપેક્ષા રાખવાની ન હોય તેમ સાઉથનો સ્ટાર જ્યારે એરોપ્લેન મોડમાંથી ફાઇટીંગ મોડમાં આવે ત્યારે તમારે કંઇ વિચાર કરવાનો ન હોય. 80 જેટલા ગુંડાઓને 56ની છાતી કરી મારતો અજીત કુમાર ઉર્ફે અજય કુમાર 50 કિલો ગુંડાઓને મારી દરવાજો ખોલી બહાર નીકળે ત્યારે પવિત્ર રિશ્તા સિરીયલમાં કોન કોના કક્ષમાંથી નીકળે છે તેવી આપણી હાલત થઇ જાય.
ફિલ્મમાં નહીં નહીંને દોઢસો વખત બોલાતો ડાઇલોગ-દોસ્ત, ફ્રેન્ડ. લેખકશ્રી શિવા આ પટકથા લખ્યા પછી રિફર કરવાનું ભૂલી ગયા હોવા જોઇએ. સંજય દત્ત અને ફુટી ગયેલી તોપ જેવા વેરી ટેલેન્ટેડ મામાના ભાણેજ ઇમરાન ખાનની ફિલ્મ લકમાં છેલ્લે આટલી વખત કોઇ એક ને એક શબ્દ બોલાયો હતો. દોસ્ત બોલતા જાય અને એક બીજા પર વાર પ્રહાર કરતા જાય. આવું તે ક્યાંય જોયું તમે ?
વિવેક ઓબરોય વિલન તરીકે ફિલ્મમાં જામે છે. એક્શન હિરો તરીકે લુક વાઇઝ જ્યોર્જ ક્લૂનીને પછાડતો આપણો અજીત કુમાર પણ સારો લાગે છે. પણ જ્યારથી વિવેગમ અને બાદમાં નેનુ રાજા નેનુ મંત્રી જેવી ફિલ્મોમાં કાજલ અગ્રાવલ સાડીમાં રોલ કરવા લાગી છે ત્યારથી તેની ઉંમર વધી ગઇ હોય તેવું લાગ્યા કરે છે.
આ બંન્ને ઉપરાછાપરી ફિલ્મોમાં તેનું કામ હિરોના દિકરા કે દિકરીને પેટમાં રાખવાનું રહ્યું. તેમાં નેનુ રાજા નેનુ મંત્રીમાં તો પ્રતિશોધ જ પેટના બાળ્યાની જેમ ફાટીને નીકળે છે. આ ફિલ્મ પણ માથે પડેલી જ.
વિવેક ઓબરોયની એન્ટ્રી સાથે બોલાતો ડાઇલોગ, મેરા દોસ્ત જિંદા હૈ ત્યારે તેના એક્સપ્રેસન પરથી એવું લાગે જ્યારે સલમાન ખાને તેને માફ કરી દીધો છે.
હસવું તો ત્યાં આવે કે એવી કઇ સંસ્થા આ લોકો ચલાવી રહ્યા છે તે રો,એફબીઆઇ કરતા પણ મોટી છે. ડૉન ફિલ્મના ચાહકો વર્ષોથી એક ડાઇલોગ સાંભળે છે કે, ગ્યારાહ મુલ્કો કી પુલીસ ઢુંઢ રહી હૈ… અહીં બોલવું બોલવું ને ઓછું ક્યાં બોલવું…. 80 અને કોઇ વાર તો આંકડો 130 સુધી પહોંચાડી દે ત્યારે આપણને થાય કે દુનિયામાં આતંકવાદ નામના શબ્દનો કોઇ અર્થ જ નથી સરતો.
એમાં પણ ઘટે તો જિંદગી ઘટેની જેમ એક ટકલો રાખવામાં આવ્યો છે. જે ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ ફિલ્મના એક કેરેક્ટરની ગરજ સારતો હોય. એક માર્શલ આર્ટસ કરતી અબલા નારી જે તલવાર લઇ ગમે તેની ઉપર તુટી પડે. આ પાંચ મિત્રોની વાર્તા દોસ્તીમાંથી દુશ્મનીમાં બદલે. આપણા વિલનનું કામ દુનિયામાં તેમાં પણ ભારતની રાજધાની દિલ્હી તો અટેક કરવા માટે જ બની હોય તેમ ત્યાંજ 8 કે 9ની તિવ્રતાનો ભૂકંપ લઇ આવવા માગે છે. આ સીન સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારા પેટમાં ભૂકંપ આવી ગયો હોય.
ફરી લેખક અને ડિરેક્ટર શિવા પર આવીએ તો તેણે ભરત નામના એક કલાકારના નામને ફિક્શન કરવાનું પણ નથી વિચાર્યું. તેને ભરત જ નામ આપી દીધું છે. હિરોની અક્ષરા હસનને શોધવા માટેની દોડાદોડ ફિલ્મમાં જામતી નથી પણ ફિલ્મ ફિલ્મ જેવી લાગે માટે કરવી રહી. અક્ષરા હસનનો રોલ તેની હાઇટ જેટલો જ રહ્યો છે. તેમાં પણ અડધે સુધી તો ટોપી પહેરી ઘુમ્યા કરે છે.
અત્યાર સુધી આપણા ફિલ્મ ક્રિટિકો ફરમાવી ચૂક્યા છે કે સ્ટોરી સ્લો હતી. પણ આ ફિલ્મમાં સ્ટોરી થોડી વધારે જ ફાસ્ટ છે. મને માર ખાતા જૂનિયર આર્ટિસ્ટ જેવા વિલનોનો એક પણ ચહેરો યાદ નથી. ખાલી તેમણે ગોથલીયા ખાધા એ આછું આછું યાદ આવે છે.
સાઉથની ફિલ્મો હોય એટલે ગુજરાતી કનેક્શન તો તે ગમે ત્યાંથી કાઢે. અહીંયા પણ ક્રૂનકરન નામનો સાઉથનો કોમેડી આર્ટિસ્ટ છે. જેનું નામ એપી છે. એપી એટલે અરૂમઇ પ્રકાશમ જેની ડબીંગમાં પટેલ ઓળખ આપી દીધી છે. કોમેડીમાં કંઇ લેવાલ નથી છતા અમદાવાદ અને ફાફડા ગાંઠીયા બોલ્યે જાય છે. ગુજરાતી તરીકે આપણને હસુ ન જ આવે કારણ કે એ માણસ આપણી મજાક ઉડાવવામાંથી બાજ નથી આવતો.
વાત કરીએ લીડ હિરો અજીત કુમારની ઉર્ફે અજય કુમારનો અભિનય અને માચો લુક સાઉથ સહિત દુનિયાના ખૂણે ખૂણે વસતા સાઉથપ્રેમીઓના દિલમાં વસી ગયો છે. તેની ફિલ્મો કરોડોની કમાણી કરે જ. એક રિજનલ ફિલ્મનો હિરો સલમાન ખાનની ફિલ્મો જેટલી કમાણી કરે એટલે ? પણ આ ફિલ્મમાં અજીત કુમાર એટલે સલમાન ખાનનો પર્યાય બીજુ કંઇ નહીં. રશિયામાં પહોંચી ધડાધડી કરી નાખે.
ફિલ્મમાં અજીત કુમારે સાબિત કરી બતાવ્યું છે કે, રજનીકાંતને જે નથી આવડતું તે બધુ મને આવડે છે. કાજલ અગ્રાવલ દોઢ કિલોમીટર છેટે છે તો પણ પતિધર્મ નિભાવવા રક્ષા કાજે પહોંચી ગયેલા અજીત કુમાર ત્યાંથી ગરબા રમતા હોય તેમ ગોળીઓ માર્યા માર થયો છે. પત્ની શું કરે ? બારીની કોરમાં હળવી થપાટ મારે અને પતિદેવ બોલે, ધેટ્સ માય…. (હવે જોઇ લેવું હું એકલો થોડો ખમું) એને પત્નીની થપાટ સંભળાઇ જાય અને બંદુકડી ફોડે. સાવ ધડ માથા વિનાની ફિલ્મ. ખાલી મુગ્ધસિનેમારસિકો અને સાઉથ પ્રેમીઓ માટે બનાવેલી ફિલ્મ.
ફિલ્મના કેટલાક હિન્દી ડાઇલોગ તમિલમાંથી સીધા ઉઠાંતરી કરેલા છે, પણ તે ડબીંગ દરમ્યાન એટલા ખરાબ લાગે છે કે, કોઇ મોટીવેશનલ સ્પીકરનો ધંધો ભાંગી નાખે.
બુદ્ધિજીવી કહેવાતી ચૈન્નઇની પબ્લિક આ સહન કેમ કરી શકી ? પણ આ સિવાય વધુ એક સાઉથની હિન્દી ડબ ફિલ્મ આવી ગઇ છે. નામ છે વિક્રમ વેધા… મસ્તમજાની ફિલ્મ છે. તમિલમાં સબટાઇટલ સાથે જોઇ અને હવે હિન્દીમાં !! ત્યારે ડબીંગ રાઇટરે મગજ દોડાવ્યા વિના સીધા ડાઇલોગ અનુવાદ કર્યા હોવાથી ફિલ્મના સંવાદો પણ સાંભળ્યા જેવા છે. અને શું છે ફિલ્મની સ્ટોરી, ફિલ્મની સ્પીડ અને પરફેક્ટ લંબાઇ સાથે તસુભાર પણ કંટાળો નહીં ઉપજે. સાથે વિક્રમ વેતાલનું કનેક્શન એવી રીતે બેસાડ્યું કે આ ફિલ્મ બનાવવાનો બોલિવુડ સર્જકોને વિચાર તો હજુ બે વર્ષ પછી જ આવેત. કદાચ આવેત પણ નહીં.
વિક્રમ વેધા વિશે ક્રિટિક્સે કહેલું છે કે, માધવન કે વિજય સેથ્થુપથ્થી કોઇ એવા ચીરફાડ કલાકારો નથી જેને જોઇ થીએટરમાં સીટી મારવાનું મન થાય. પણ આ ફિલ્મ થીએટરમાં એકવાર જોયા પછી બીજીવાર કોઇ દર્શક પગ મુકે એટલે તે માધવન કે સેથ્થુપથ્થીની એન્ટ્રી પર સીટી મારવાનો જ. બાકી વિવેગમ મારી બે કલાક ખાઇ ગયું.
~ મયૂર ખાવડુ
Leave a Reply