આપણે દરેક બાબતમાં વિભાજન શોધી જ લઈએ છીએ… પણ વિભાજનથી ક્યારેક એકતા ખોરવાઈ જાય છે. કહેવાય છે ને એક આંગળી કરતા આંગળીઓનો સમૂહ એક મુઠી બનાવે… તાકાત આપે. પરંતુ આપણે સંગઠનને બદલે દરેક બાબતે વિભાજન શા માટે પસંદ કરીએ છીએ? શોધવામાં કે સમજવામાં સરળતા રહે એટલે કે પછી મહત્વતા દર્શાવવા ? ખેર….
શરીરનું વિભાજન…. માણસે આ વિભાજનની પોતાના અંગથી જ શરૂઆત કરી દીધી. આખું શરીર કેટલી સુંદર કુદરતી રચના. પણ અલગ અલગ અંગો રૂપી ઉચ્ચારી એની વિશેષતાનું વિભાજન કરી તેની મહત્વતા વત્તા – ઓછા પ્રમાણમાં ઘટાડી કે વધારી દીધી. જયારે પણ કઈ વાગે એટલે તરત જ એક વિચાર આવે.. અરે ! આ બાજુ જ વાગવું તું..? હવે મારે કામ કેમ થશે ? તો શું આપણાં માટે બીજી બાજુની કોઈ કિંમત જ નથી? તેવી જ રીતે આંખ- કાન-નાક એ આપણી ઇન્દ્રિયો છે. અને તેનું કામ વધુ પડે એટલે તેના વિગર ના ચાલે. પણ હા ત્વચા કે વધતી ચરબી ઉપર ધ્યાન આપવું એટલું વ્યાજબી નથી લાગતું. કારણ કે તે શું કામની? પણ જયારે કોલેસ્ટ્રોલ વધી જાય કે પછી ડાયાબીટીઝ જેવા રોગ થાય ત્યારે આપણને એકએક એનું ભાન થઈ જાય છે. આપણે આવી રીતે આખા શરીરને ધ્યાન આપવાના બદલે શરીરનું વિભાજન કરી આપણી રીતે જ વધુ કે ઓછી મહત્વતા સમજી લીધી છે.
હવે વાત કરીએ ભણતરની… ઘણા ને કહેતા સાંભળ્યું છે, આ વખતે તો બોર્ડ એટલે વધુ મહેનત કરવાની. મનમાં હમેશાં પ્રશ્ન થાય એમ કેમ? શું પ્રાથમિક કે હાઈ સ્કૂલમાં વગર મહેનતે પાસ થઇ જવાય છે? આપણી માનસિકતા જ આપણે એવા વિભાજનથી ચીતરી દીધી છે. પ્રાથમિક ધોરણમાં એટલે જલસાથી ભણવાનું, પરીક્ષા આવે ત્યારે રૂમ બંધ કરી ચોપડીઓના થોકડા ભરી અને આખો દિવસ ઊંધે માથે વાચ્યાં કરવાનું.. બાકી તો આખું વર્ષ એને સ્કૂલમાં જલસા પાર્ટી ! અને જો બોર્ડનું વર્ષ હોય ત્યારે તો આખું વર્ષ ભણવાની જ ક્રિયા ચાલે આવું કેમ વળી ? એ સમજાતું નથી. મેં ઘણા ઘરોમાં જોયું છે કે પરીક્ષા નજીક આવે એટલે ટેલીવિઝન – રેડિયો ને સંપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી દેવામાં આવે.. પરંતુ પરિણામ તો શૂન્ય જ આવે પાછુ. કારણ કે આપણે ભણતરમાં પણ વિભાજન કરી બેઠા છીએ.. પાયો જ કાચો હોય તો વૃક્ષ નામી જ જશે એ નથી સમજતા.. અને ભણતરના ભાગલા પડી… પ્રાથમિક માં તો ચાલે..પણ બોર્ડનું વર્ષ અગત્યનું એટલે આખું વર્ષ ભણવાનું..એવા નિયમો ભળી કાઢીએ.. અને આ વિભાજનમાં ભણતરને પણ હોમી દઈએ છીએ.
સંબંધોનું વિભાજન…ફેસબુક પર થયેલા ફેરફારોમાં અલગ પ્રકારનું વિભાજન જોવા મળ્યું .. જે આપણે પહેલેથી આચરતા જ હતા. પણ હવે છડે ચોક બહાર આવ્યું. ફ્રેન્ડ લીસ્ટ… આપણે મિત્રો તો બનાવીએ છીએ..પણ એ મિત્રતામાં કે સંબંધમાં પણ વિભાજન થઇ જાય છે.. સંબંધી મિત્રો, કાર્યકર મિત્રો, ખાસ મિત્રો, સહપાઠી મિત્રો.. વિગેરે વિગેરે… પણ આમાં સાચા મિત્રો કે સાચા સંબંધો કોઈ હશે ખરા ? બસ, મિત્રો એટલે મિત્રો.. અને સંબંધ એટલે સંબંધ.. એમાં વળી વિભાજન શેનું? ક્યારેક લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં પણ આપણે જોયું છે કે અલગ સંબંધોમાં અલગ પ્રકારે નિમંત્રણ પાઠવવામાં આવે છે. વિભાજન આપણી સરળતા માટે કરીએ છીએ અને આ સરળતાની સાથે આપણે importance જેવું સ્વાર્થીપણું જોડી દઈએ છીએ.
લાગણીનું વિભાજન.. હમેશાં મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. તમને કઈ નથી તો તમે ok પણ જો તમને કંઈ દુઃખ દર્દ છે તો તમે બધાથી અલગ તારી જશો. તમારે સામાન્ય થી કંઈ અલગ દર્શાવું છે તો કંઈક દુઃખ દર્દ તો સાથે રાખવા જ પડશે..પરંતુ જે વ્યક્તિનું દુઃખ દેખાતું નથી.. એટલે કે દુઃખને એ વ્યક્તિ વ્યક્ત થવા દેતા નથી. તેની કદાચ ઉપેક્ષા પણ એટલી જ થાય છે. દુઃખ પણ દર્શાવવું પડે બોલો…! એક સુખ દુઃખ જ નહિ.. દરેક લાગણીઓનું પણ આપણે વિભાજન કરી નાખીએ છીએ. પિતાનું મૃત્યુ થાય ત્યારે એક દીકરી વધુ રડે એટલે તેને દુઃખ વધારે છે તેમ સમજી લઈએ છીએ પરંતુ બીજી દીકરી ઓછી રડે ત્યારે આપણે આશ્ચર્ય કરીએ કે આને કેમ એના પિતાનું દુઃખ નહિ હોય? બીજી દીકરી કદાચ દુઃખ વ્યક્ત ના કરી શક્તિ હોય. પરંતુ લોકો વધુ રડતી દીકરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.. અને તેની ચિંતા કરતા આશ્વાસન દાખવશે. આમ લાગણીઓ તો બન્ને દીકરીઓને સરખી જ થવાની છે. તેનો ભાવ અલગ સ્વરૂપે બહાર આવશે. પરંતુ આપણે તરત જ લાગણીઓનું પણ વિભાજન કરી નાખીશું.
સંતાનમાં વિભાજન…. સંતાન હોવું એ સૌથી મોટું વરદાન અને સુખ ગણાય. દીકરો આવે તો પેંડા અને દીકરી આવે તો જલેબી એવું શું કામ? પેંડા પર દીકરાની જ શું જાગીરદારી છે? દીકરો આવે તો વારસદાર જણાય… એક પેઢી આગળ વધી એવું કહેવાય… ઘણી જગ્યા એ તો દીકરો જન્મે તો વધામણી અને નામ પાડવાનો પ્રસંગ થાય છે..પણ દીકરી માં નહિ.. આપણાં આવા વિભાજનના કારણે જ આજે ભ્રુણ હત્યા જેવો પ્રશ્ન સળગી રહ્યો છે.. અને બેટી બચાવો અભિયાન આવા વિભાજનનું જ પરિણામ છે..
ખબર નહિ પણ આપણે દરેક જગ્યાએ વિભાજનના આટલા હિમાયતી કેમ બની ગયા છીએ? જાણ્યે – અજાણ્યે વિભાજન કરી નાખીએ છીએ અને ક્યારેક તો ખુદ આના માથા પરિણામ ભોગવીએ છીએ. આસપાસ નજર નાખી જુઓ. કેટલાય વિભાજન આપણે કરેલા જ જોવા મળશે અને ક્યારેક તો આપણને નડતર રૂપ બનશે જ.
આસપાસ જ્યાં નજર મારી ફરે …
વિભાજનના વિચારો લોકોમાં હમેશાં કેમ રહ્યા કરે.?
ઈશ્વરે માત્ર આ ખુબસુરત દુનિયા બનાવી… પણ આપણે દેશ, રાજ્ય વિગેરેનું વિભાજન કરી અને બોર્ડર બનાવી અને દુશ્મનાવટ ઉભી કરી નાખી.. ઈશ્વરે માત્ર મનુષ્યો બનાવ્યા..પણ આપણે જાતિ-જ્ઞાતિ, ધર્મ વિગેરેનું વિભાજન કરી અને એક-બીજાને અલગ કરી દીધા. ઈશ્વરે માત્ર હૃદય અને મનની લાગણીઓ બનાવી.. અને આપણે તેમાં પણ સારી-નરસી લાગણીઓમાં વિભાજન કરી નાખ્યું. વિભાજન કરવું સરળ છે..પણ વિભાજનનું ફરી સંયોજન ખુબ જ કઠીન છે.
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૦૨ )
Leave a Reply