આ લેખકે 1971માં કોલેજકાળ દરમિયાન પેનો કી જેલ નામની મેગેઝીનમાં લખવાનું શરૂ કર્યુ. 1971માં પહેલી નવલકથા પોતાના નામે નહિ પરંતુ વેદ પ્રકાશ કંબોજના નામે લખી.( તેનું કારણ આગળ ઉપર) પહેલી હિટ નોવેલ એટલે વર્દી વાલા ગુંડા જેની 15 લાખ કોપી છપાઇ. જે પછી કોઇ દિવસ ગણતરી નથી રાખતા. આમાં ગણતરી ન જ રખાય. દર વર્ષે ત્રણ નવલકથા લખે છે, જેની પ્રકાશકો 1.5 લાખ જેટલી કોપી છાપી મારે છે. કેમ કે આ ભાઇનું નામ જ કાફી છે. તેમની નવલકથા પરથી ત્રણ ફિલ્મો બની ચુકી છે. જ્યારે લખવા બેસે છે, તો એકધારા સતત આઠ કલાક સુધી લખે છે. આઠ કલાક કમ્પલિટ ન થાય ત્યાં સુધી ભોજન પણ નહિ અને કોઇ સાથે વાતો પણ નહીં. અને આવુ અઘરૂ લેખનકાર્ય કરનારા વ્યક્તિનું નામ છે વેદ પ્રકાશ શર્મા.
એ વાત ઉપર તો કલાકો સુધી આપણે માથાકૂટ કરી શકીએ કે, લેખક જન્મજાત હોય કે બને. હકીકતે લેખક બનતો હોય છે અનુભવથી ,જીવનથી, પ્રસંગોથી અને આજ રીતે બન્યા વેદ પ્રકાશ શર્મા. હિન્દી પલ્પ ફિક્શનના લેખક. જેમને ઘણા ભારતીયોએ તુચ્છ કહી બે દખલ પણ કર્યા. સુરેન્દ્ર મોહન પાઠક પછી જો આવા લુગદી સાહિત્યમાં કોઇનો નંબર આવતો હોય તો તે છે વેદ પ્રકાશ શર્મા. એક પ્રકારનું રેલ્વે સ્ટેશન પર કે બસ સ્ટેન્ડ પર વેચાતુ સાહિત્ય. હું હજુ કોઇ રેલ્વે કે બસ સ્ટેન્ડ પર જાવ તો અચુક આવી ટચુકડી પોકેટ નોવેલ ખરીદુ. નામ વાંચીને ડર લાગે તેવા ટાઇટલો. અને પાછા 100 રૂપિયાની અંદર આવી જાય. હવે તો હાર્પર કોલિન્સ પણ સુરેન્દ્ર મોહનની નોવેલના સેટ છાપી પૈસા કમાતુ થયુ છે, એટલે કોલર ઉંચા કરી ફરવાની વાત આવે. તો એકધારા આઠ આઠ કલાક લખતા આ લેખકોમાં વેદ પ્રકાશનો જન્મ કેમ થયો. ઇન્ટ્રેસ્ટિંગ છે, ચાલો આ લેખકના જીવનમાં ધક્કો ખાઇ આવીએ.
6 જૂન 1955 માં ઉતરપ્રદેશના મુઝફરનગર જિલ્લાના બિહરા ગામમાં એમનો જન્મ થયો. પિતા મિશ્રીલાલ શર્મા. એક બહેન અને સાત ભાઇઓમાં સૌથી નાના વેદનું બાળપણ ગરીબીમાં જ વિત્યુ. તેમના સિવાય એક ભાઇ અને બહેનને છોડતા તમામ ભાઇના મોત કુદરતી થયા. 1962માં જ્યારે મોટાભાઇની મૃત્યુ થઈ ત્યારે બિહરામાં ધોધમાર વરસાદ પડેલો. જેના કારણે તેમનું ભાડાનું મકાન પણ તુટી ગયુ. અને આખો પરિવાર રસ્તા પર આવી ગયો. આટલુ ઓછુ હોય તેમ ગેંગરીનના રોગને કારણે પિતાનો ડાબો પગ કાપવો પડ્યો. એટલે ઘર સાચવવાની જવાબદારી મમ્મી પર આવી ગઈ. ત્યારે વેદના મામાએ મદદ કરવાની જગ્યાએ બાળકોને હલવાઇની દુકાન પર મજૂરી કામ કરવાનું કહ્યું. વેદ પ્રકાશની માંનો મામા સાથે ઝઘડો થયો,”મારો પરિવાર છે, હું સાચવી લઇશ.” અને વેદની માતા પરિવારનું ભરણપોષણ કરવામાં લાગી ગયા. તેમની માતા અભણ હતા. અને એટલે જ વેદ પ્રકાશ શર્માની ફેવરિટ ફિલ્મ મધર ઇન્ડિયા છે. આ ફિલ્મ જોઇ ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયેલા. કેમ કે તેમને આ ખુદની કહાની લાગતી.
કોલેજમાં પહોચ્યા ત્યાં સુધીમાં તેમણે ગુલશન નંદા(વન ઓફ માય ફેવરિટ રાઇટર ) ઇબ્ને સાફી , ઓમ પ્રકાશ શર્મા આ તમામ લેખકોને વાંચી લીધા. અને હવે તેમના માઇન્ડમાં ખુદની નોવેલ આકાર લેવા માંડી હતી. આ બધા લેખકો તેમના માનીતા હોવા છતા તેમને સૌથી વધુ પ્રિય અને જેમને તે પોતાના ગુરૂ માની ચુકેલા તે વેદ પ્રકાશ કંબોજ હતા. હા , આ કેવુ તેમના જ ફેવરિટ લેખકને વાંચી તેમને એવુ લાગતુ કે હું આનાથી પણ વધારે સારૂ લખી શકુ. (કોઇ ખુદને અશ્વિની ભટ્ટ સાથે ન સરખાવે. )
એકવાર હાઇસ્કૂલની પરીક્ષા પૂરી કરી પોતાના ગામ બિહરામાં આવ્યા . ત્યાં તેમનું કોઇ ફ્રેન્ડ સર્કલ નહિ એટલે શહેરથી લઇ આવેલી નોવેલ વાંચે. બે કલાકમાં વાંચી નાખે. આ વાંચતા વાંચતા તેમણે એક લખી પણ મારી. જે વાંચી તેમની મમ્મીએ તેમને ખૂબ માર્યા,”પહેલા ખાલી વાંચતો હતો, હવે તો લખે પણ છે.” જે સાંભળીને તેમના પિતાએ વેદની લખેલી કોપી લીધી અને વાંચવા માંડ્યા. સવાર સુધી વાંચીને પૂરૂ કર્યુ અને કહ્યું,”ખૂબ સરસ લખ્યું છે, પણ તારા દિમાગમાં આ વાર્તા આવી ક્યાંથી ? ” તેમના પિતાએ તેમનો હાથ પકડ્યો અને લક્ષ્મી પોકેટ બુક્સ લઇ ગયા. જે નકલી નોવેલ છાપતી હતી. જેમકે ટાઇટલ નામ ગુણવંત શાહનું પણ લખી મેં હોય. ત્યારે લક્ષ્મી પોકેટ બુકના એડિટર જંગ બહાદુર. તેમણે ચાર પાના વાંચ્યા અને કહ્યું, “ચાર કલાક બાદ આવો.” ચાર કલાક બાદ જંગ બહાદુરે પૂછ્યું,”આનો રાઇટર કોણ છે?” વેદ પ્રકાશ શર્માએ હાથ ઉંચો કર્યો. જંગ બહાદુર શોકગ્રસ્ત.
તેમણે વેદ પ્રકાશને કહ્યું, “હું તને એક પોકેટ નોવેલ લખવાના 100 રૂપિયા આપીશ.” વેદને એમ કે મારૂ નામ છપાશે. ફોટો છપાશે, પણ એવુ કંઇ નહિ. જંગ બહાદુરે કહ્યું, “તારે આ વેદ પ્રકાશ કંબોજના નામે લખવાની છે.” કોઇ લેખક માટે ગરીબી આંટો દઇ ગઇ હોય ત્યારે તેને આ પણ કરવાનું મન થાય. (અંગત અનુભવ પરથી. )
આખરે ડિસેમ્બરે 1972માં સિક્રેટ ફાઇલ નામનો આ ઉપન્યાસ છપાયો. અને લોકોમાં સરપ્રાઇઝલી નકલી કંબોજ ફેમસ થઈ ગયો. માધુરી પોકેટ બુક્સનું ત્યારે નકલી પલ્પ ફિક્શન છાપવામાં ખૂબ મોટું નામ. તેમણે પણ વેદ પ્રકાશ સાથે આ કારસ્તાન રમ્યું અને અમીર થઈ ગયા. આખરે લક્ષ્મી પોકેટ બુક્સે અસલી રાઇટરને સામે લાવવા અને હરિફ માઘુરી પોકેટ નોવેલને પછાડવા તેમનું સાચુ નામ છાપ્યું. એ પહેલી નવલકથા એટલે “આગ કા બેટા.”
તુલસી પોકેટ બુક્સે તેમની 176 નવલકથાઓમાંથી 70 નવલકથાઓ છાપી, પરંતુ તેમને સૌથી વધારે લોકપ્રિયતા મળી 1993માં જ્યારે તેમની નવલકથા “વર્દી વાલા ગુંડા ” આવી. આ નવલકથાએ એટલો તહેલકો મચાવ્યો કે, એક અખબારી અહેવાલ મુજબ તેની 15 લાખ કોપીઓ વેચાય ગઈ.
તો તેઓ વિષયની પસંદગી કેવી રીતે કરે છે ? તેમણે ખુદ કબુલાત કરી છે કે તેઓ વૃતાંતમાંથી આવા વિષયો શોધે છે. ફરવા જાય ત્યારે તેમના મનમાં કોઇ ઘટના જોઇ વિષય આકાર લે છે. જેમ કે એક જગ્યાએ પોલીસને ગુંડાઓ મારતા હતા, જેના પરથી વર્દી વાલા ગુંડા લખાય. કશ્મીરમાં પત્ની સાથે ફરવા ગયા અને ત્યાં પત્નીની હત્યા થઈ જાય તો ? આ વિષય પર ,”હત્યા એક સુહાગિની કી” લખાય. પોતાની આ વિચારશૈલીના કારણે જ તે ભારતીય યુવાનોના સૌથી માનીતા લેખક બની ગયા છે. તેમણે લોકોને જે થ્રિલ જોઇએ તે આપ્યુ. તેમની નવલકથામાં સેક્સનું વર્ણન નથી હોતુ, એટલે ઓર્થોડોક્સ લોકો પણ વાંચી શકે.
તેમની નોવેલ બહુ માંગે ઇન્સાફ પરથી 1985માં શશીલાલ નાયરેફિલ્મ બનાવી.
ત્યારબાદ 1999માં બડા ખિલાડી પરથી લિલ્લુ નામની ફિલ્મ બનાવી. અક્ષય કુમાર સાથેની તેમની નોવેલના સેમ ટાઇટલ પરથી ઇન્ટરનેશનલ ખિલાડી બની. જે નોવેલની સ્ક્રીપ્ટ મેં 20 રૂપિયામાં ખરીદી. અને છેલ્લે એક થી ડાયન…..
એકવાર વેદ પ્રકાશ શર્મા લીફ્ટમાં જતા હતા અને ત્યાં ગરોળી જોઇ. રોજ લિફ્ટમાં ગરોળી જુએ. એવામાં વેદ પ્રકાશ લીફ્ટમાં ફસાયા. ગરોળી આવી. અને વેદ પ્રકાશના દિમાગનો રાઇટર જાગ્યો. લીફ્ટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જાય તેના કરતા નર્કમાં ચાલી જાય તો ? ગરોળી ડાયન બને તો ? તેના લાંબા કાળા વાળમાં તેનો જીવ હોય તો ? અને એક જાદુગર ( ઇમરાન હાશ્મી ) હોય તો ? તો જે બને તે નોવેલ એક થી ડાયન.
~ મયુર ખાવડુ
Leave a Reply