Sun-Temple-Baanner

અમદાવાદ એટલે કે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અમદાવાદ એટલે કે…


અમદાવાદ એટલે કે…

ચિત્રલેખા અંક તારીખ ?? જાન્યુઆરી ૨૦૧૧ માટે

અમદાવાદ બતાવું ચાલો…

સ્લગઃ વાંચવા જેવું

જહેમતપૂર્વક તૈયાર થયેલા આ પુસ્તકમાં અમદાવાદ શહેરનાં કેટલાંય સ્પંદનો, દષ્ટિકોણો અને ઈતિહાસના લસરકા શબ્દસ્થ થયાં છે. આ પુસ્તક અમદાવાદના ચેતનાતંત્રનો એક્સ-રે પણ છે અને પેઈન્ટિંગ પણ છે.
આગામી ફેબ્રુઆરીમાં અમદાવાદ શહેરનો સ્થાપના દિન આવી રહ્યો છે. અમદાવાદનો છસ્સોમો બર્થડે! આ નિમિત્તે અમદાવાદને એક કાવ્યાત્મક ભેટ એડવાન્સમાં મળી છે ‘અમદાવાદ બતાવું ચાલો’ નામના આ પુસ્તક સ્વરૂપે. કવિ-લેખકોને પોતાના વતન અને કર્મભૂમિ પ્રત્યે કંઈક વિશેષ લગાવ રહેતો હોય છે. નગરકાવ્યો ખૂબ લખાયાં છે, આખી દુનિયામાં સતત લખાતાં રહ્યાં છે. વોલ્ટ વ્હીટમેને ન્યુયોર્ક શહેર વિશે અને વિલિયમ વર્ડ્ઝવર્થે લંડન વિશે એકાઘિક કવિતાઓ લખેલી. અત્યારે વાત અમદાવાદ વિશેનાં કાવ્યોની થઈ રહી છે અને મજા એ વાતની છે કે કોઈ એક જ શહેરને કેન્દ્રમાં રાખીને આખેઆખો કાવ્યસંગ્રહ બહાર પડ્યો હોય તેવો ગુજરાતી સાહિત્યનો આ સંભવતઃ પહેલો પ્રસંગ છે.

અમદાવાદ વિશેનાં ગીતોની વાત નીકળે ત્યારે સૌથી પહેલું કોનું સ્મરણ થાય? રમરમાટ દોડતી રિક્ષામાં મસ્ત બનીને ‘હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો નવ્વાણુ નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો…’ ગીત ગાતા અલ્લડ યુવાન અસરાનીનું! અમદાવાદ વિશેનું આ સૌથી લોકપ્રિય અને અમર ગીત છે. ‘માબાપ’ ફિલ્મ માટે અવિનાશ વ્યાસે રચેલાં આ ગીતની ચહેરા પર સ્મિત ફરકાવી દે તેવી એક કડી જુઓ –

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાનામોટાં ખાય…

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જયાફત ઊડે
અરે પાણીપુરી ને કુલ્ફી ભજિયાં, શેઠમજૂર સૌ ઝૂડે…

આના જેટલું જ અને લગભગ લોકગીતની કક્ષાએ પહોંચી ગયેલું અને શરીરને થરકારી દેતું ‘એક લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ’ ગીત પણ અવિનાશ વ્યાસે જ રચ્યું છે, ‘સંતુ રંગીલી’ ફિલ્મ માટે. જો આ બે જ કૃતિઓ અમદાવાદનું આવું ઝમકદાર ચિત્ર પેશ કરતું હોય તો કલ્પના કરો કે પ્રસ્તુત સંગ્રહમાં ૯૪ કવિઓની રચનાઓમાં આ શહેરના કેટકેટલા શેડ્ઝ ઝીલાયા હશે! આદિલ મન્સૂરીએ એકલા માણેકચોક વિશે આખી કવિતા લખી છે. માત્ર ભાવજગત નહીં, કાવ્યની રચનારીતિમાં પણ પુષ્કળ વૈવિધ્ય છે. જેમ કે, બ. ક. ઠાકોરે શાર્દૂલવિક્રીડિત છંદમાં કાવ્ય લખ્યું છે તો જયંત જી. ગાંધી ‘કુસુમાયુધે’ સવૈયા છંદમાં અભિવ્યક્તિ કરી છે. મણિલાલ દેસાઈએ ગદ્યકાવ્ય લખ્યું છે, તો હરદ્વાર ગોસ્વામી અને અલ્પ ત્રિવેદીએ મુક્તકો લખ્યાં છે. અહીં હાઈકુઓ પણ છે, રમેશ પટેલે રચેલાં.

ભવાઈવેશો ગુજરાતની આગવી ઓળખ છે. અસાઈત ઠાકર રચિત ૩૬૦ જેટલા ભવાઈવેશોમાંથી જે થોડાક સચવાયા છે એમાંના એકનો નશીલો અંશ જુઓઃ

કાકરિયે મેં કાલા પાની, તાથૈ (૨)
બીચ નગીના વાડી

માલી સીંચે મોગરાં, મતબાલા પીવે તાડી, તાથૈ

તાડી પી મતબાલા હોવે, તાથૈ (૨)
ભર ભર પીને તરીયાં…

ખરેખર, ભવાઈને દારૂબંધી કે તાડીબંધી સાથે શું લાગેવળગે! અમદાવાદ વિશેનાં કાવ્યો હોય અને તેમાં ડાયાસ્પોરા ગુજરાતીઓનો અવાજ ન હોય તેવું કેમ બને. ગીતા ભટ્ટ શું લખે છે?

રસ્તામાં ચીપ ટિકિટ લીધી હતી ને? પહેલાં ઊંધાં પૂગ્યાં
શિકાગોથી કેલિફોર્નિયા ને ત્યાંથી ન્યુયોર્ક વળિયાં

ત્યાંથી ઊડ્યાં યુરોપ ભણી ને મિડલ ઈસ્ટમાં ઘૂમ્યાં
કુવૈત-શાહજાહ-દુબઈ-જોર્ડન કંઈક બખાળા કીધા

કંઈક નવું ને કંઈક પુરાણું એ બધ્ધુંય સાથ લઈને
અમે અમેરિકાથી અમદાવાદ જવા આવી રીતે રખડિયાં.

આ સંગ્રહમાં માત્ર મસ્તી અને રમૂજ છે એવું ન માનશો. અહીં ગુલાબી ચશ્માં પહેરીને અમદાવાદને માત્ર મુગ્ધ દષ્ટિએ નિહાળવાનો કોઈ આશય નથી. આ પુસ્તકમાં નિર્ભાન્તિ છે, પીડા છે અને પાર વગરનો આક્રોશ પણ છે. આ શહેર એટલી વેદના જન્માવી શકે છે કે ચિનુ મોદીએ કહેવું પડે છે

આ શ્હેર
કિયા જનમનું લેતું વેર?
હું એને છોડી શકું નહીં

અને એક ક્ષણ
અહીં મૂંઝારા વગર જીવી શકું નહીં.

‘જબ કૂત્તે પે સસ્સા આયા’વાળા સંદર્ભને રવીન્દ્ર પારેખ આ રીતે ચોટદાર ટિ્વસ્ટ આપે છે –

કૂંતરાંને ભગાડવામાં અહીંના સસલાંઓ
એટલે દૂર નીકળી ગયાં છે કે

કૂતરાં પાછાં આવી ગયાં છે,
પણ સસલાં પાછાં ફર્યાં નથી.

તો ભાવેશ ભટ્ટ ‘મન’ ધારદાર સવાલ કરે છે –

એક સસલાએ કૂતરા પર મારેલી તરાપની
સજા ભોગવી રહ્યું છે?
૬૦૦ વર્ષથી.

લોહિયાળ સ્ખલનો અનુભવી ચૂકેલાં આ શહેર પર શું કાયમ અશુભનો ઓથાર ઝળુંબતો રહે છે? એ સિવાય અંકિત ત્રિવેદી શા માટે એવું કહે કે

કેમ બધું સરખું ચાલે છે, કઈ તૈયારી રાહ જુએ છે?!
શહેરની ચુપકિદી પાછળ શું મારામારી રાહ જુએ છે!

નિરંજન ભગતે ૧૯૫૧માં લખેલુંઃ

આ ન શ્હેર, માત્ર ધૂમ્રના ધૂંવા
રૂંધાય જ્યાં મનુષ્યનાં રુંવેરુંવાં

ન શ્હેર આ, કુરુપની કથા,
ન શ્હેર આ, વિરાટ કો’ વ્યથા.

પણ ધીરુ પરીખ આ વાત સાથે સહમત નથી. એટલેસ્તો તો તેમણે નિરંજન ભગતની ઉપરોક્ત રચનાને જવાબ આપતું પ્રતિકાવ્ય લખ્યું જેની શરૂઆત જ આ રીતે થાય છેઃ

હું નગર
નરી વિરૂપની કથા?

‘અભિયાન’ સાપ્તાહિક સાથે સંકળાયેલા દિનેશ દેસાઈની જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને અમદાવાદ છે. તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આ પુસ્તક માટે મેં લાઈબ્રેરીઓમાં જઈને અમદાવાદ વિશે લખાયેલાં શક્ય તેટલાં વધારે કાવ્યો શોધ્યાં. કેટલાક કવિઓને ખાસ આમંત્રણ આપ્યું અને કવિતાઓ લખાવી. બહુ સંતોષકારક રહ્યો આ અનુભવ. હવે હું વડોદરા, સુરત અને રાજકોટ વિશેની કવિતાઓના આ જ પ્રકારના સંગ્રહો પર કામ કરી રહ્યો છું.’

જહેમતપૂર્વક તૈયાર થયેલા આ પુસ્તકમાં અમદાવાદ શહેરનાં કેટલાંય સ્પંદનો, દષ્ટિકોણો અને ઈતિહાસના લસરકા શબ્દસ્થ થયાં છે. આ પુસ્તક અમદાવાદના ચેતનાતંત્રનો એક્સ-રે પણ છે અને પેઈન્ટિંગ પણ છે. કેટલીક જોડકણાં જેવી કાચી રચનાઓ ટાળી શકાઈ હતી તો સંગ્રહ ઓર ખૂબસૂરત બનીને નિખર્યું હોત. હવે પછીના નગરકાવ્ય સંગ્રહોની ઉત્સુકતા રહેશે એ તો નક્કી.

(સંપાદકઃ દિનેશ દેસાઈ – જયશ્રી દેસાઈ)

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળ નાકા સામે,
ગાંધી માર્ગ,
અમદાવાદ – ૩૮૦૦૦૧
ફોનઃ (૦૭૯) ૨૭૪૯ ૭૧૯૫

કિંમતઃ રૂ. ૧૨૫ /-
કુલ પૃષ્ઠ સંખ્યા – ૨૦૦

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.