Sun-Temple-Baanner

કાંતિ ભટ્ટનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાંતિ ભટ્ટનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?


કાંતિ ભટ્ટનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?

મેરા મગજ મહાન!

ચિત્રલેખા અંક તારીખ ૨૧ માર્ચ ૨૦૧૧માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું

અમેરિકામાં એક પ્રયોગ થયો. પ્રતિષ્ઠિત કોલેજોમાં સાઈકોલોજી ભણાવતા સાત પ્રોફેસરો જાણે પોતે માનસિક રીતે બિમાર હોય તેવો સ્વાંગ સજીને એક સાઈકિએટ્રિક હોસ્પિટલના ડોક્ટર પાસે ગયા. આ સાતેયને તપાસવામાં આવ્યા અને તેમના અભિનયને સાચો માનીને હોસ્પિટલમાં દાખલ સુધ્ધાં કરી દેવામાં આવ્યા. બાવન દિવસો પછી તેમને છુટા કરાયા સાજા થયેલા દર્દી તરીકે નહીં, પણ અમુક હદે સુધારો પામેલા દર્દી તરીકે. આટલા દિવસો સુધી સાઈકિએટ્રિસ્ટો, નર્સો કે વોર્ડબોય્ઝમાંથી કોઈને ખબર ન પડી કે આ લોકો પાગલ હોવાનું નાટક કરી રહ્યા છે! આ અખતરો પછી અલગ અલગ બાર મેન્ટલ હોસ્પિટલમાં રિપીટ કરવામાં આવ્યો અને દર વખતે લગભગ એકસરખું પરિણામ આવ્યું!

કાન્તિ ભટ્ટે આ રસપ્રદ કિસ્સો તેમનાં ‘મગજશક્તિ’ પુસ્તકમાં લખ્યો છે. માનવીનું મગજ દુનિયાનું સૌથી જટિલ ફિઝિકલ ફોર્મ છે. તેના વિશે લખવું, વારંવાર લખવું અને સૌને રસ પડે તે રીતે લખવું સહેલું નથી. આ પુસ્તકમાં સંગ્રહ પામેલા ૩૦ લેખોમાં મગજ વિશે ચિક્કાર અને વૈવિધ્યસભર માહિતી પિરસવામાં આવી છે.

માર્ચ-એપ્રિલ એટલે પરીક્ષાની સિઝન. કાંતિ ભટ્ટ લખે છે કે બદામ ખાવાથી કંઈ નહીં વળે, મગજની સમસ્યા મગજથી જ ઊકેલાશે. રોજ ૨૦ થી ૩૦ મિનિટ કંઈ પણ વિચાર્યા વગર રિલેક્સ થઈને પડ્યા રહો. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસોમાં આ ખાસ કરવા જેવું છે. અઢાર કલાક સતત વાંચવાને બદલે અડધો કલાક ટેલિવિઝન કે વિડીયો પર મનગમતો રમૂજી કાર્યક્રમ સાંભળી લેવાથી મગજની સ્મરણશક્તિ વધે છે.

કાંતિ ભટ્ટના લેખોમાં આંકડા અને વિગતોની રેલમછેલ હોવાની. તેઓ લખેે છે કે મગજના કોષોની સંખ્યા ૧૦ અબજ છે કે ૧૦૦ અબજ છે તે નક્કી થઈ શક્યું નથી. શરીરમાં મગજ જ એક એવું અંગ છે જેને પીડા થતી નથી. પુરુષના મગજનું વજન લગભગ ૧૪૦૦ ગ્રામ અને સ્ત્રીના મગજનું વજન આશરે ૧૨૬૦ ગ્રામ સરેરાશ હોય છે. જોકે ૧૮થી ૮૦ વર્ષનાં સ્ત્રીપુરુષોનાં મગજના તપાસને અંતે તારણ નીકળ્યું કે પુરુષોના મગજ સ્ત્રીઓના મગજ કરતા ત્રણગણી ઝડપે તેનાં કોષોને ગુમાવે છે. સ્ત્રીનું મગ લાંબુ ટકે છે, પુરુષનું મગજ જલદીથી ખરાબ થઈ જાય છે. સ્ત્રીના સૌથી મોટા અને વજનદાર મગજનો રેકોર્ડ ૧૫૬૫ ગ્રામનો હતો… અને એ સ્ત્રી ખૂની હતી!

સ્ત્રી હોય કે પુરુષ, શું માણસ વૃદ્ધ થાય એટલે તેના મગજશક્તિ ઓછી થાય જ તે જરૂરી છે? ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ૭૪ વર્ષની વયે પત્રકારને કહેલુંઃ મારામાં ક્ષીણતા નહીં આવે, હું કૃશ નહીં થાઉં, માનસિક રીતે પણ નહીં. આટલું કહીને કાન્તિ ભટ્ટ ઉમેરે છેઃ ‘જે માણસ સતત નિરીક્ષણ કરે છે, જે નીરખે છે તેને મનમાં ઉતારે છે, આત્મસાત કરે છે, એ પછી ચારેકોરથી ઊઠતા સવાલના જવાબ શોધે છે, તે કદી ક્ષીણ થતો નથી. તેની ફેકલ્ટીઓ જાગતી રહે છે. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ પોતે આ પ્રમાણે જીવ્યા.’

મગજની અંદર જટિલ પ્રકારે વણાયેલા વિવિધ કોષો અને કણોમાં જે પ્રકારે ફેરફાર થાય તે પ્રમાણે માનવીનાં મનમાં કે વર્તણૂકમાં ફેરફાર થાય છે. કાન્તિ ભટ્ટ લખે છે,‘જુદા જુદા એકસોથી વધુ પ્રકારના રસો મગજના પિંડમાંથી ઝરે છે. આ રસોને આપણી લાગણીઓ સાથે સીધો સંબંધ છે. માનવીની લાગણીઓ દ્વારા કે ધ્યાન દ્વારા આપણે તમામ રસોને યોગ્ય દિશામાં વાળી શકીએ નહીં, પણ એક વાત ચોક્કસ છે કે આપણે જે કોઈ વિચારો કરીએ છીએ તેનું કેમિકલ રેજિસ્ટ્રેશન થાય છે. સારા કે નરસા વિચારો કરતી વખતે ખ્યાલ રાખજો કે આ વિચારોની રાસાયણિક નોંધ તુરંત લેવાઈ જાય છે.’

એક લેખમાં નોંધાયું છે તે પ્રમાણે, નોબલ પારિતોષિક વિજેતા ડો. હેસ સેલ્વેએ લખ્યું છે કે શાંતિવાળા અને આશાસ્પદ વિચારો આપણા મગજમાં લાભપ્રદ હોર્મોન પેદા કરે છે. કોર્ટીઝોન નામનું હોર્મોન આપણને શાંત કરે છે અને એડ્રેનેલીન આપણને આક્રમક બનાવે છે. ચિંતા કે મગજની તાણ સદંતર મિટાવી તો ન શકાય. ડો. સેલ્વે કહે છે કે આ સ્ટ્રેસ આપણા જીવનનો નોર્મલ ભાગ છે. અમુક માણસો આ માનસિક તાણ સામે જીવી શકે છે, પણ બધા તાણને જીરવી શકતા નથી.

લેખની શરૂઆતમાં જે કિસ્સો ટંકાયો છે તે પ્રમાણે સાઈકિએટ્રીના નામે લોલમ્લોલ ચાલે છે તે સાચું, પણ આજના જમાનામાં પ્રોફેશનલ માનસચિકિત્સાનું મહત્ત્વ દિન-બ-દિન વધી રહ્યું છે તે પણ એટલું જ સાચું. માનસ ચિકિત્સકે મનના બીમાર માનવીની ચિકિત્સા કરતી વખતે બે વાત ખાસ લક્ષ્યમાં રાખવી પડે છે. એક તો, માનવી પોતે પ્રેમ ઈચ્છે છે અને બીજાને પોતાનો પ્રેમ આપવા માગે છે. બીજું, એ માનવી આ દુનિયામાં ભારરૂપ નથી પણ ઉપયોગી છે અને મહત્ત્વનો છે તેવું ભાન થવું જોઈએ એટલે કે તે પોતાને તેમજ બીજાને વફાદાર રહી શકે છે તેવી ભાવના જાગૃત કરવી જોઈએ.

મગજ સાથે સંકળાયેલી કેટકેટલી વાતો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે ટેલીપથી, વશીકરણ, સ્પિરિચ્યુઅલ હિલીંગ, મેગ્નેટિક હિલીંગ, સાઈકિક સર્જરી, બુદ્ધિમાં ન ઊતરે તેવી વહેમની વાતો, પુનર્જન્મ, યુરિ ગેલરની વિસ્મયકારી વાતો, સ્વામી શિવાનંદજીની પ્રાણાયામની વાતો… અરે, પુસ્તકમાં ‘સદમા’ ફિલ્મની વાત પણ વાત છે. કાન્તિ ભટ્ટ લખે છે, ‘ શ્રીદેવીને ફિલ્મમાં અકસ્માત પછી રમકડાં જેવી બતાવી છે એ ખોટું છે. મગજને હાનિ થાય પછી દર્દી સતત દર્શનશ્રવણસંબોધન વગેરે દરેક ક્રિયા અત્યંત પીડા સાથે કરે છે. શ્રીદેવીની જે હાલત થયેલી તેને તબીબી ભાષામાં પ્રોસોપેગ્નોસિયા કહે છે. આ નામ બે ગ્રીક શબ્દો પરથી બનેલો છે પ્રોસોપોન એટલે ચહેરો અને એગ્લોસિસ એટલે ન ઓળખવું.’ આ માહિતી કદાચ ખુદ શ્રીદેવી પાસે પણ નહીં હોય!

કાન્તિ ભટ્ટ સંભવતઃ સૌથી જાણીતા ગુજરાતી પત્રકાર છે. તેમની સાદગીભરી લેખિનીમાં હંમેશા આકર્ષક હળવાશ અને ગતિશીલતા હોય છે. તેઓ વાચકને સીધા સંબોધીને આત્મીયતાપૂર્વક વાત કરે છે. તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આરોગ્ય મારો પ્રિય વિષય છે. તેમાં મગજનું આરોગ્ય પણ આવે. મગજ વિશે બહુ ઓછું લખાય છે. હું અમેરિકા જાઉં ત્યારે મહત્ત્વનાં ઘણાં શહેરોમાં આઉટલેટ્સ ધરાવતા બાર્ન્સ એન્ડ નોબલ બુકશોપમાંથી બ્રેઈન સંબંધિત પુસ્તકો જરૂર ખરીદું. હું હિન્દી સાહિત્યકાર અજ્ઞેયને વાંચીને સમજ્યો છું કે મગજ, બ્રેઈન અગર માઈન્ડ કરતાં અને જ્ઞાન કરતાં આત્મસૂઝ વધુ મહત્ત્વની છે. મગજને અનુસરજો, જ્ઞાનને પચાવજો, પણ તે પછી આત્મા કહે તે પ્રમાણે જ કરજો.’

ંજર્મન સ્પિરિચ્યુઅલ ગુરૂ ઈખાર્ટ ટોલી કહે છે કે માણસનું મગજ સભાનાવસ્થાને જન્મ નથી આપતું, પણ સભાનાવસ્થા મગજને જન્મ આપે છે. ઈખાર્ટ જે તત્ત્વને સભાનાવસ્થા કે કોન્શિયસનેસ તરીકે વર્ણવે છે એને જ કાન્તિ ભટ્ટ આત્મસૂઝ કહે છે? કદાચ.

આ પુસ્તકનો વિષય જ એવો છે કે તે તરૂણોથી માંડીને સિનિયર સિટીઝનો સુધીના સૌને અપીલ કર્યા વગર ન રહે. પ્રૂફની ભુલો જોકે રહી ગઈ છે. જેમ કે, એક આખા લેખમાં ‘સ્કિઝોફ્રેનિયા’ને બદલે ‘સીઝેફેનિયા’ શબ્દ છપાયો છે. ખેર, તે સહિત પણ સુંદર પુસ્તક. શુષ્ક ઈન્ફોર્મેશન નહીં, પણ પ્રેરણા અને પોઝિટિવિટીથી ભરપૂર પુસ્તક. દિમાગને દોસ્તી કરવાનું મન થાય તેવું પુસ્તક!

મગજશક્તિ

લેખકઃ કાન્તિ ભટ્ટ

પ્રકાશકઃ
નવભારત સાહિત્ય મંદિર-અશોક પ્રકાશન મંદિર,
કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળ સામે,
ગાંધી રોડ, અમદાવાદ-૧ અને ૧૩૪,
શામળદાસ ગાંધી રોડ, મુંબઈ-૨
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૧૪૦ /-
પૃષ્ઠ સંખ્યાઃ ૨૦૨

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.