Sun-Temple-Baanner

૨૦ ઈન્ટેલિજન્ટ ઈડિયટ્સ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


૨૦ ઈન્ટેલિજન્ટ ઈડિયટ્સ


૨૦ ઈન્ટેલિજન્ટ ઈડિયટ્સ

ચિત્રલેખા – અંક તા. ૩૦ મે ૨૦૧૧માં પ્રકાશિત

કોલમ – વાંચવા જેવું

૨૦ ઈન્ટેલિજન્ટ ઈડિયટ્સ

* * * * *

મદ્રાસથી મુંબઈ ભાગી આવેલો સત્તર વર્ષનો પ્રેમ ગણપતિ નામનો છોકરો. ડિશવોશર તરીકે કામ એ કરે છે. કાળી મજૂરી કરીને સૌથી પહેલાં તો પછી સડકછાપ ઢોસાની લારી અને ત્યાર બાદ નવી મુંબઈના એક રેલવે સ્ટેશન પર ફાસ્ટફૂડની દુકાન શરૂ કરે છે. તે પછી નવા શરૂ થઈ રહેલા શોપિંગ મોલમાં પોતાની રેસ્ટોરાં ખોલવાની તેને તક મળે છે. અર્ધશિક્ષિત માણસ માટે આટલી સફળતા તો ઘણી કહેવાય, ખરું? ના. પ્રેમ ગણપતિના સંઘર્ષ અને સફળતાની કથા આગળ વધતી રહે છે. પરિણામસ્વરૂપે તેના ‘ઢોસા પ્લાઝા’ની આજે ભારતભરમાં ૨૬ શાખાઓ છે. અરે, ન્યુઝીલેન્ડમાં પણ એક ફ્રેન્ચાઈઝી આપી છે! ‘અગર ચાન્સ મિલતા હૈ પઢને કા, તો પઢના ચાહિએ,’ પ્રેમ ગણપતિ કહે છે, ‘લેકિન આદમી જોબ કરકે ભી સીખ સકતા હૈ. અસલી સ્ટુડન્ટ કો હર આદમી સે, હર એક્સપિરિયન્સ સે કુછ ના કુછ સીખને કો મિલતા હૈ.’

પ્રેમ ગણપતિની વાત અને કહાણી તમને ઈન્ટરેસ્ટિંગ લાગે છે? તો રશ્મિ બંસલ લિખિત ‘શૂન્યમાંથી સર્જન’ પુસ્તકમાં સમાવાયેલી વીસેવીસ વ્યક્તિઓની કથામાં તમને જલસો પડશે તેની ગેરંટી! આ બધા જ ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મની પેલી ત્રિપુટી જેવા છે. બુદ્ધિશાળી, વિચક્ષણ, બીબાંઢાળ વિચારસરણીને તોડીફોડીને આગવી કેડી કંડારનારા અને સફળતાને નહીં, શ્રેષ્ઠતાને પોતાનું ધ્યેય બનાવનારા. કોણે કહ્યું કે સફળ બિઝનેસમેન બનવા માટે મેનેજમેન્ટની ભારેખમ ડિગ્રી જરૂરી છે? અરે, એમબીએ તો ઠીક, અહીં કેટલાય પાસે સાદી ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ નથી. જે ક્ષેત્રનું ભણતર લીધું હોય તેના કરતાં સાવ જુદી દિશામાં પણ તેજસ્વી કરીઅર બનાવી શકાય છે.

વિશાખાપટ્ટનમના કલ્યાણ વર્માની વાત કરો. નવી નવી સ્થપાયેલી યાહૂ કંપનીમાં આ એન્જિનીયરે જોબ મેળવી. બાવીસ વર્ષની વય અને તોતિંગ પગાર. પર્ફોર્મન્સ એટલું ઉત્તમ કે ‘યાહૂ સુપરસ્ટાર’નો અવોર્ડ પણ મળ્યો. નાનકડા રૂમમાં શરૂ થયેલી કંપનીએ પછી તો જાયન્ટ કોર્પોરેશનનું સ્વરૂપ લેવા માંડ્યું અને તેની સાથે ફોર્માલિટી પણ વધતી ગઈ. મસ્તમૌલા કલ્યાણે રાજીનામું આપી દીધું. ગૂગલ જેવી કેટલીય કંપનીઓમાંથી લોભામણી ઓફર્સ ઠુકરાવી એણે જંગલમાં આવેલા એક રિસોર્ટમાં ગાઈડની જોબ લઈ પોતાના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીના શોખને પોષવા માંડ્યું! તેના બ્લોગ પર મૂકાયેલી દેડકાઓની તસવીરો જોઈને બીબીસી તરફખી પ્રસ્તાવ મળ્યોઃ અમે ભારતના ચોમાસા વિશે પશ્ચિમ ઘાટમાં ફિલ્મ શૂટ કરી રહ્યા છીએ. તમારા માટે આ વિસ્તાર જાણીતો છે. અમારી ટીમમાં જોડાઈ જાઓ!

કલ્યાણને તો આટલું જ જોઈતું હતું. જંગલમાં આખું વર્ષ ગાળ્યા પછી સિક્યોરિટી કન્સલ્ટન્ટ તરીકે જે કામ શરૂ કરેલું તેને કલ્યાણે તરત તિલાંજલિ આપી દીધી અને ફોટોગ્રાફીના ખોળે આખું જીવન વિતાવવાનું નક્કી કરી લીધું. પોતાના કામમાં એણે એટલી મહારત હાંસલ કરી કે બીબીસીએ તેને અન્ય સિનિયર વિદેશી તસવીરકારો જેટલું જ મહેનતાણું ચૂકવવાનું શરૂ કર્યું રોજના ૨૪,૦૦૦ રૂપિયા. કલ્યાણ બીબીસી માટે વર્ષના ત્રણ મહિના ‘ફુલટાઈમ’ કામ કરે અને સારું કમાઈ લે. જોકે આ તેમની કુલ આવકનો અડધો જ હિસ્સો થયો. બાકીના મહિનાઓમાં તે વર્કશોપ્સ યોજે, પોતે ખેંચેલી તસવીરો કેલેન્ડર, વગેરે બનાવતા ઉત્પાદકોને પોતાની તસવીરો વેંચે વગેરે. ‘આઈટીની લાઈનમાં હોત તો જેટલું કમાતો હોત એટલું જ આજે હું ફોટોગ્રાફીમાંથી કમાઈ લઉં છું. જોકે હવે હું ફક્ત ફોટોગ્રાફર નથી, વન-મેન-એન્ટરપ્રાઈઝ છું…’ કલ્યાણ કહે છે.

કેટકેટલી વાતો, કેટકેટલા કિસ્સાઓ. સાસરાની જાહોજલાલી વચ્ચે જીવતાં સુનીતા રામનાથકરને ક્રીમ બ્લિચ બનાવવાનો વિચાર સ્ફૂર્યો. વીસ વર્ષમાં ‘ફેમ બ્લિચ’ નામની બ્યુટી પ્રોડક્ટ બનાવતી તેમની કંપનીનું ટર્નઓવર ૧૦૦ કરોડ સુધી પહોંચી ગયું! કુંવર સચદેવને સ્કૂલમાં ફિઝિક્સ-મેથ્સ સાથે બાપા માર્યા વેર હતા, પણ આજે તેમના શ્વાસોશ્વાસમાં પાવર ઈલેક્ટ્રોનિક્સ વસે છે. ઈન્વર્ટર બનાવતી ૫૦૦ કરોડની સુકેમ કંપનીના તેઓ મેનેજિંગ ડિરેક્ટર છે. હનમંત ગાયકવાડ નાના હતા ત્યારે હાલત એટલી ખરાબ કે માએ ઘરેણાં ગિરવે મૂકીને ઘર ચલાવવું પડે. ૨૦૦૩માં બસ્સો રૂપિયાના ભાડે તબેલામાં તેમણે કંપની શરૂ કરી. કામ શું? ફેક્ટરી, પ્લાન્ટ્સ વગેરેની સાફસફાઈ કરવાનું. આજે તેમનું ભારત વિકાસ ગ્રુપ ૩૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઈ છે, જે મસમોટા કોમ્પલેક્સીસ, એરપોર્ટસ અને અન્ય જાહેરખાનગી ઈમારતો જ નહીં, બલકે રાષ્ટ્રપતિ ભવન સુદ્ધાંનાં રંગરોગાન તથા મેન્ટેનન્સનું કામ કરે છે. ઓરિસ્સાના નાનકડા ગામમાં વેઠિયા મજૂરોને ભેગા કરીને પ્રિન્સ ડાન્સ ગ્રુપની સ્થાપના કરનાર ક્રિષ્ના રેડ્ડીની નામના આજે આખા ભારતમાં છે. સૌરભ વ્યાસ અને ગૌરવ રાઠોડ નામના આઈઆઈટી ગ્રેજ્યુએટ્સ પોલિટિકલ કન્સલ્ટન્ટ છે. તેમની એજન્સી રાજકારણીઓને ઉપયોગી ડેટા પૂરો પાડે છે, જેમકે તેમના મતવિસ્તારમાં કઈ જ્ઞાતિના કેટલા વોટ છે, મતદાતાઓને કેવી ભેટ ગમે (દારૂ, સાડી કે નાણાં!), ક્યા મથક પર બોગસ વોટિંગ થયું હતું, ક્યા વિસ્તારમાં શું બોલવા જેવું છે વગેરે! સ્વતંત્રપણે કામ કરવું જ હોય તો ક્ષેત્રોની ક્યાં તંગી છે!

લેખિકા રશ્મિ બંસલ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આ પુસ્તક માટે મેં ૩૦થી ૪૦ વ્યક્તિઓને શોર્ટલિસ્ટ કરી હતી. મારા માટે તેમના જીવનની કહાણી અને સ્ટ્રગલ ઈન્ટરેસ્ટિંગ હોય તે મહત્ત્વનું હતું, તેમની કંપનીઓનાં ટર્નઓવર નહીં. અંતિમ પસંદગી કરતી વખતે મેં એ વાત ધ્યાનમાં રાખી કે પુસ્તકમાં સ્થાન પામેલી વ્યક્તિઓના બેકગ્રાઉન્ડ, સેટઅપ અને ફિલોસોફીમાં પૂરતું વૈવિધ્ય જળવાયું હોય. દેશભરમાં ફરીને આ વીસેવીસ વ્યક્તિઓની વિસ્તૃત મુલાકાત લીધી. આ આખી પ્રક્રિયા આઠથી નવ મહિના ચાલી હતી.’

પુસ્તક રસાળ, માહિતીપ્રદ અને પ્રેરણાદાયી છે. આ એક ઉત્તમ કોમ્બિનેશન છે. મૂળ અંગ્રેજીમાં ‘કનેક્ટ ધ ડોટ્સ’ ટાઈટલ ધરાવતા પુસ્તકનો સોનલ મોદીએ ગુજરાતીમાં કરેલો સુંદર ભાવાનુવાદ ઓર એક પ્લસ પોઈન્ટ છે. એક ઉદાહરણ જોઈએ. ભારતનાં કેટલાંય શહેરોમાં ક્રોસવર્ડ જેવા પ્રસિદ્ધ બુકશોપની શૃંખલા ઊભી કરનાર આર. શ્રીરામે કારકિર્દીની શરૂઆત લેન્ડમાર્ક નામના બુકસ્ટોરથી કરી હતી. તે તબક્કાના વર્ણન દરમિયાન એક વાક્ય આવે છે ‘એક બાજુ રામ બીજી બાજુ ગામ!’ આ પ્રકારનો પ્રાસાનુપ્રાસ ધરાવતું વાક્ય અસરકારક રીતે મૂકવું તે અનુવાદિકાની ભાષાકીય સૂઝ દર્શાવે છે, જે આખા પુસ્તકમાં સતત વર્તાય છે. મુખપૃષ્ઠ પર ‘શૂન્યમાંથી સર્જન’ ટાઈટલમાં ‘શૂન્ય’ અને ‘માંથી’ અક્ષરોને જે રીતે તોડવામાં આવ્યા છે તે જરૂર કઠે છે.

રૂટીન નોકરીની ઝંઝાળ તોડી ખુદનો બિઝનેસ કરવા માગતા યુવાનોમાં જુસ્સો ભરી દેવાનું કૌવત આ પુસ્તકમાં છે. અરે, તેમને જ શા માટે, જીવનમાં કશુંક ઉત્તમ અને ઓરિજિનલ કરવા માગતી કોઈ પણ વ્યક્તિને આ પુસ્તક એટલું જ સ્પર્શી જશે.

શૂન્યમાંથી સર્જન

લેખિકાઃ રશ્મિ બંસલ
ભાવાનુવાદઃ સોનલ મોદી

પ્રકાશકઃ એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન
પ્રાિસ્થાન – નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩૨૯૨૧/૨૨૧૩૯૨૫૩

કિંમતઃ રૂ. ૧૫૦ /-
પૃષ્ઠઃ ૨૮૦

0 0 0

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.