હસમુખ ગાંધીએ અણ્ણા હઝારે – બાબા રામદેવ વિશે શું લખ્યું હોત?
ચિત્રલેખા – અંક તા. ૧૧ જલાઈ ૨૦૧૧
કોલમઃ વાંચવા જેવું
એબનોર્મલ દૈનિક.
પોતે જણેલા અને પોષેલા અખબાર ‘સમકાલીન’ માટે હસમુખ ગાંધી સ્વયં આ શબ્દપ્રયોગ કરતા. અખબાર અથવા સામયિક જો એના તંત્રીના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ગણાતું હોય તો એ ન્યાયે સ્વ. હસમુખ ચીમનલાલ ગાંધી (જન્મઃ૧૯૩૨, મૃત્યુઃ ૧૯૯૯) પણ એબનોર્મલ માણસ ગણાય. તંત્રી હસમુખ ગાંધી માટે, અલબત્ત, ‘એબનોર્મલ’ કરતાં ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ શબ્દ વાપરવો પડે. તે સિવાય ‘ગાંધીભાઈના આગમન પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ’ અને ‘ગાંધીભાઈના ‘સમકાલીન’ પછીનું આધુનિક ગુજરાતી પત્રકારત્વ’ એવા જે બે સ્પષ્ટ ભાગ પડ્યા છે તે ન પડ્યા હોત.
ગાંધીભાઈના ગાંધીત્વનો આબાદ પરિચય કરાવતું એક સુંદર પુસ્તક, એટલા જ મજાનાં અન્ય ચાર પુસ્તકો સાથે, તાજેતરમાં બહાર પડ્યું છે. સંપુટનું નામ છે, ‘મારા મનગમતા તંત્રીલેખો’. બાકીનાં ચાર પુસ્તકોમાં ભગવતીકુમાર શર્મા (‘ગુજરાત મિત્ર’), શાંતિલાલ શાહ (‘ગુજરાત સમાચાર’), કુંદન વ્યાસ (‘જન્મભૂમિ’) અને અજય ઉમટ (‘દિવ્ય ભાસ્કર’) લિખિત ચુનંદા તંત્રીલેખોનો સંગ્રહ છે. સીમિત જગ્યાને કારણે આપણે અત્યારે હસમુખ ગાંધીના તંત્રીલેખો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.
હસમુખ ગાંધી કલમથી પટ્ટાબાજી ખેલતા અને કોઈને ન બક્ષતા. ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ પ્રકાશિત થયેલા ‘સમકાલીન’ના સૌથી પહેલા અંકના તંત્રીલેખમાં ગાંધીભાઈએ ગર્વિષ્ઠ ઘોષણા કરી હતીઃ ‘છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય એવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દોઃ આ બધાને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે.’ આ ઠાલા શબ્દો નહોતા, ગાંધીભાઈએ આ પ્રમાણે કરી બતાવ્યું.
માહિતીની સમૃદ્ધિ, વૈચારિક સ્પષ્ટતા અને તીખીતમતી ભાષા – ગાંધીભાઈના લખાણમાં આ ત્રણેયનું ડેડલી કોમ્બિનેશન થતું. એમની ચીડ અને અણગમો હંમેશા તીવ્રતાથી વ્યક્ત થતાં. મધર ટેરેસા વિશે બીબીસીએ એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એના સંદર્ભમાં ‘નરકની દેવીનો ભાંડો ફૂટે છે’ એવું શીર્ષક ફટકારીને ગાંધીભાઈએ લખ્યું હતુંઃ ‘મધર ટેરેસાની અસ્કયામતો ત્રીજા વિશ્વના અનેક દેશોની એસેટ્સ કરતાં ચડી જાય એટલી વિરાટ છે. મધર ટેરેસાની પ્રવૃત્તિઓથી કોને લાભ થાય છે? તો કે હીણા ડિટેક્ટરોને, વેટિકનને અને ભ્રષ્ટ લોકોને. સેવા? ક્રાઈસ્ટ, ક્રાઈસ્ટ કરો.’ ઘોંઘાટ વિશેના એક તંત્રીલેખમાં તેમણે ત્રસ્ત થઈને લખ્યું હતુંઃ ‘સૌથી દુષ્ટ પેલા હરેરામકૃષ્ણવાળા છેઃ ઝાંઝપખાજ વડે પિક અવર વખતે ચર્ચગેટ સ્ટેશનમાં તેઓ નાચે છે અને બહાર પુસ્તકો વેચવા માટે માઈકનો ઉપયોગ કરે છે.’
હસમુખ ગાંધી વિશેના એક લેખમાં પત્રકાર-લેખક સૌરભ શાહે લખ્યું છેઃ ‘ગુજરાતી ભાષામાં છપાઈને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની તેમનામાં જબરદસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠતી, સત્તરમી કળા પેપરવેઈટ ઉછાળવાની.’
સહેજે વિચાર આવે કે ગાંધીભાઈ અત્યારે જીવતા હોત તો અણ્ણા હઝારે અને બાબા રામદેવે ઘટનાઓનો જે વંટોળ ઊભો કર્યો છે તેના વિશે કેવું કચકચાવીને લખતા હોત! લંપટ સ્વામી કેશવાનંદનો કિસ્સો બહુ ચગ્યો હતો તે વખતે ગાંધીભાઈએ અંધશ્રદ્ધાળુઓને તો ઠીક, ગુજરાતી અખબારોની પણ બરાબરની ખબર લઈ નાખી હતીઃ ‘ગુજરાતી અખબારોએ વર્ષો સુધી દોરાધાગા, મૂઠમાદળિયાં, વળગાડઉતાર, વહેમ અને અંધશ્રદ્ધાને પોષ્યાં છે. આ અખબારોએ વાંઝિયણ સ્ત્રીને બાળક અવતરે એવો મંત્ર અને એ માટેનું યંત્ર આપનાર ધુતારાઓની ચિક્કાર જાહેરખબરો છાપી છે. હવે આ જ દૈનિકો દિવસો સુધી કેશવાનંદને ટપલી મારતા અગ્રલેખો બહાદુરીપૂર્વક છાપશે. કેવી છલના. કેવી આત્મવંચના. કેવાં બેવડાં ધોરણો.’
પત્રકારત્વ ગાંધીભાઈનું પેશન હતું. ગુજરાતી જર્નલિઝમના તેઓ ‘બિગ ડેડી’ હતા. ગુજરાતી છાપાંમેગેઝિનો, તેમાં કામ કરતા માનવપ્રાણીઓ અને ઈવન વાચકો વિશે વાત કરતી વખતે તમની કલમ જબરી ઉત્તેજિત થઈ જતી. એક લેખમાં તેઓ આકળવિકળ થઈને લખે છેઃ ‘૨૫ ઈન્કમ્બન્ટ તંત્રીઓ અને ૨૫ ભૂતપૂર્વ તંત્રીઓને રાખીને તમે ગુજરાતી પેપર કાઢો તોય એ પેપર ખરાબમાં ખરાબ અંગ્રેજી દેનિક કરતાંય ઊતરતું હશે. આમ કહેવાથી આપણી ગુજરાતી અસ્મિતા ઘવાતી હોય તો તમે, મિસ્ટર નૌતમલાલ ઠક્કર, બે કેરીના રસની સાથે રોટલી વધુ ખાજો. ગુજરાતીમાં (ફોર ધેટ મેટર, વર્નાક્યુલર ભાષાઓમાં) પત્રકારત્વ હતું જ નહીં, છે જ નહીં અને હશે જ નહીં.’
નોતમલાલ ઠક્કર એટલે ગાંધીભાઈએ પેદા કરેલું પોતાના ઓલ્ટર ઈગો જેવું એક કાલ્પનિક પાત્ર. ગાંધીભાઈની અતિશયોક્તિ કરવાની અદા પણ આકર્ષક હતી. ગાંધીભાઈના નિધન પછી મધુ રાયે અંજલિલેખમાં કહ્યું હતુંઃ ‘‘સમકાલીન’ની ભાષામાં એક પર્વર્સ વાઈટાસિટી યાને વકરેલી જવાની હતી. હસમુખભાઈ ગુજરાતી લિપિ સામે સિરજોરી કરતા હતા, ગલોફામાં ભાંગની પકોડી મૂકીને, સાથળ પર થાપા મારીને, આખી ગુજરાતી ભાષાનું આવાહન કરતા હતા… એડિટરસાહેબ પોતાના ‘સબ’લોકો પાસે ભાષાની વ્યાયામશાળામાં લેજિમનૃત્ય કરાવતા, પત્રકારત્વનાં તત્ત્વ શીખવવાની મદરેસા ચલાવતા, અને ખૂનખાર પત્રકાર તરીકેની ખ્યાતિ ઉપાર્જિત કરતા હતા.’
આ પુસ્તકના સંપાદક દિવ્યાંગ શુક્લે ગાંધીભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ કહે છે, ‘હું પત્રકારત્વમાં પ્રવેશ્યો એની પહેલાંથી ગાંઘીભાઈના લેખોનાં કટિંગ્સ કરતો અને પછી વર્ષો સુધી કરતો રહ્યો. તેમના મૃત્યુ પછી ‘સમકાલીન’માં અમે નામની પૂર્તિ બે ભાગમાં બહાર પાડી હતી. મને ખૂબ ગમેલા અને સાચવી રાખેલા ગાંઘીભાઈના લેખોમાંથી આ પુસ્તક તૈયાર થયું છે. ગાંધીભાઈને આપેલી આ મારી ગુરૂદક્ષિણા છે…’
કહે છે ને કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા સ્થળે કોઈ પણ જગ્યાએ કેમેરા ધરીને ક્લિક ક્લિક કરી દો તો પણ તસવીર અફલાતૂન જ આવે. ગાંધીભાઈનાં લખાણોનું પણ એવું જ. જલસો કરાવે એવું આ પુસ્તક મિસ કરવા જેવું નથી. 000
(મારા મનગમતા તંત્રીલેખો – હસમુખ ગાંધી
સંપાદકઃ દિવ્યાંગ શુક્લ
પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન્સ, મુંબઈ-૧
ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧
કિંમતઃ રૂ. ૧૫૦ /-
પૃષ્ઠઃ ૧૩૮
0 0 0
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply