Sun-Temple-Baanner

મા આખરે તો માણસ છે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મા આખરે તો માણસ છે…


મા આખરે તો માણસ છે…

ચિત્રલેખા – અંક તા. ૨૫ જુલાઈ ૨૦૧૧

કોલમ – વાંચવા જેવું

* * * * *

– એ કેટલા છોકરાઓ હતા?
એક રૂઆબદાર મહિલાએ પોતાના દીકરા સામે ‘શોલે’ના કિતને આદમી થે?ના અંદાજમાં ડાયલોગ ફેંક્યો.
– ચાર.
– અને તને ફક્ત ચાર છોકરાઓ મારી ગયા! પાછો જા અને એ ચારેયને ખોખરા કર્યા વગર પાછો ન આવતો.

દીકરામાં હિંમત આવી. એ ગયો અને ચારેયને ધીબેડીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો ઘરે પાછો ફર્યો. દાયકાઓ પછી દીકરો લખે છેઃ ‘મારી માતાએ તે દિવસે મારામાંથી એક વિજેતાને બહાર આણ્યો.’ ભીરૂ દીકરાને ભડવીર બનતા શીખવનાર એ માતાએ પછી છોકરો જુાન થયો ત્યારે બોલડાન્સ, વોલ્ટ્ઝ અને ફોક્સટ્રોટ ડાન્સ કરતાં પણ શીખવ્યું. આ રૂઆબદાર માનુની એટલે તેજી બચ્ચન અને પેલો છોકરો એટલે અમિતાભ બચ્ચન!

મા વિશે કેટલું લખી શકાય? શું લખી શકાય? જન્મદાત્રીનો આભાર માનવાનો હોય? કે પછી, પ્રતિષ્ઠિત નાટ્યલેખક પ્રવીણ સોલંકી કહે છે તેમ, ‘થેન્ક યૂ મમ્મી’ એ વાક્ય જ અવાસ્તવિક છે? નરેન્દ્ર મોદીએ ભલે ‘માનું માર્કેટિંગ ન થાય’ એમ કહીને લેખ લખવાનું ટાળ્યું હોય, બાકી સંતાનો ધારે તો પોતાની જનની વિશે લખી શકે છે, દિલપૂર્વક લખી શકે છે અને સરસ લખી શકે છે. આ વાતની સાબિતી છે આ રૂપકડું પુસ્તક. વીર નર્મદથી લઈને ફિલ્મસ્ટાર પ્રાચી દેસાઈ સુધી અને મહાત્મા ગાંધીથી લઈને લોર્ડ ભીખુ પારેખ સુધીના ૪૭ સંતાનોના પોતાની મા વિશેનાં હૃદયસ્પર્શી લખાણો અહીં સંગ્રહ પામ્યાં છે.

‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર અજય ઉમટનાં મમ્મી અનેક વખત મજાકમાં કહેતાંઃ ‘જો હું જાતને ન સાચવી શકું એવી પરવશ થઈ જાઉં તો મને પ્રેમથી વિદાય આપજો. મારો જીવ ન જતો હોય તો ‘પાકીઝા’નું થાડે રહીયો એ બાંકે યાર રે વગાડજો.’ માત્ર ૫૬ વર્ષની વયે એમનાં માતાજીએ લીધેલી વિદાય માટે ડાયાબિટીસ નિમિત્ત બન્યો, જ્યારે જાણીતા કોલમિસ્ટ જય વસાવડાનાં માતાજીને જીવલેણ કેન્સરે હણી લીધાં. મમ્મી ભાંગી ન પડે તે માટે હકીકત છુ૫વવામાં આવી હતી. જોકે સ્વજનો અને તબીબો દઢપણે માને છે કે તેમને સચ્ચાઈની જાણ હતી જ. જય વસાવડા લખે છેઃ‘માત્ર મેં જે (બીમારી છૂપાવવાનું) નાટક કર્યું છે તેમાં હું રાજી રહું એટલે મૃત્યુપર્યંત એણે એક પણ વખત પીડા વચ્ચે પણ એનો પ્રગટ એકરાર ન કર્યો. પ્રેમની આનાથી વધુ મોટી પરાકાષ્ઠા કઈ હોઈ શકે?’

જાણીતા ફિલ્મ-ટીવીલેખક તથા કોલમિસ્ટ સંજય છેલની અટક વાયડા છે અને તેઓ પોતાની મમ્મીને તોફાનભર્યા વહાલથી ‘કુસુમ છેલ વાયડી’ કહે છે! સંજય છેલ લખે છેઃ ‘મમ્મીને મારા સુખની ચિંતા હતી અને મને મારા સુખની, મારાં સપનાંઓની. અને એ મારું સુખ મળવવાની સફરમાં મેં અને એણે એકબીજાંને ખૂબ દુખ આપ્યાં છે. અમે ખૂબ લડ્યાં ઝઘડ્યાં છીએ… મને સો ટકા ખાતરી છે કે મૃત્યુ પછીય મારી મમ્મી ભૂત બનીને મારી આસપાસ આવીને ફરકશે અને પૂછશેઃ ‘તું સુખી છે? તું જમ્યો? સવારે વહેલો ઉઠીશ? થોડો ડિસીપ્લીન્ડ થઈશ? થોડું ગંભીર લખીશ?’ વગેરે વગેરે વગેરે અને મા કમસ મને ભૂત કરતાંય વધારે આ પ્રશ્નોનો ડર લાગે છે…’

મા વિશેનાં લખાણો પૂજ્યભાવથી છલકાવા માંડતાં હોય તો એ સ્વાભાવિક છે, પણ જો લાગલગાટ આ જ પ્રકારના લેખોની હારમાળા રચાય તો પુસ્તકને એકાંગી, એકવિધ અને એકપરિમાણી બનતાં વાર ન લાગે. આ સંગ્રહનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં માતૃત્વના કેટલાક અપ્રિય લાગે એવા રંગો પણ પ્રામાણિકતાપૂર્વક ઝીલાયા છે. તેને લીધે પુસ્તક મલ્ટિડાયમેન્શનલ બની શક્યું છે.

રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્ર ગોહિલને જન્મ તો આપ્યો જેસલમેરનાં રજવાડાંનાં કુંવરી રુક્મિણીદેવીએ, પણ માનો સાચો પ્રેમ મળ્યો દાઈમા રુખ્ખણ તરફથી. દાઈમાએ એમને સગા દીકરાથી વિશેષ ગણી એમને ઉછેર્યો, જ્યારે રુક્મિણીદેવી સાથેનો તેમનો પહેલેથી જ તંગ અને સૂકો રહ્યો. પોતે હોમોસેક્સ્યુઅલ છે એવી માનવેન્દ્રે ઘોષણા કરી ત્યારે રુક્મિણીદેવી દીકરા સામે યુદ્ધે ચડ્યાં હતાં. રાજઘરાનાની સંપત્તિમાંથી એમને રદબાતલ ઠેરવી દીધા અને અખબારોમાં મોટી જાહેરાત પણ આપી દીધી કે હવેથી માનવેન્દ્ર મારો દીકરો મટી ગયો છે. માનવેન્દ્ર કહે છે, ‘એમણે વળી ક્યારે મને પુત્ર ગણ્યો હતો કે હવે પુત્ર હોવાની ના પાડે છે? હું ક્યારેય એમનો પુત્ર હતો જ નહીં.’ માનવેન્દ્રે પોતાની સેક્સ્યુઅલિટીની જાહેરાત કરી તે પહેલાં જ દાઈમાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. માનવેન્દ્ર લખે છેઃ ‘મારા ગે હોવા વિશે દાઈમાને પણ બહુ મોટો આઘાત જરૂર લાગ્યો હોત, પણ એ અભણ બાઈએ મને આખરે તો સ્વીકારી જ લીધો હોત, કારણ કે એને તો એના લાલા સાથે પ્રેમ હતો, લાલો શું છે એની સાથે નહીં.’ ગે એક્ટિવિસ્ટ અશોક રાવ કવિને માનવેન્દ્ર પોતાની ત્રીજી મા, ગે-મા, ગણે છે!

આખા પુસ્તકમાં સંભવતઃ સૌથી ધ્યાનાકર્ષક લેખ હોય તો તે છે પત્રકાર જ્યોતિ ઉનડકટનો. તેઓ લખે છેઃ ‘માત્ર પ્રેમ જ એકતરફી નથી હોતો, ઘણી વખત નફરત પણ એકતરફી હોય છે. હા, ભાભીને (એટલે કે મમ્મીને) મારાં પ્રતિ એકતરફી નફરત છે. આજે કદાચ ભાભીને કોઈ પૂછે કે તમને સૌથી વધુ નફરત કોના ઉપર છે? તો એ મારું જ નામ લે.’ જ્યોતિની જીવનસાથીની પસંદગી પરિવાર પચાવી ન શક્યો અને તેમનો તીવ્ર રોષ, અબોલા અને સંબંધવિચ્છેદની સ્થિતિ એક દાયકા સુધી ખેંચાઈ. પણ પિતાનું મૃત્યુ થયું ત્યારે જ્યોતિથી ન રહેવાયું. અવસાનના છઠ્ઠા દિવસે જ્યોતિ પોતાનાં ઘરે ગયાં. ઈચ્છા તો માને વળગીને રડી લેવાની હતી, પણ સાડા સત્તર મિનિટની શુષ્કતા પછી જ્યોતિએ જ્યારે ઘરની બહાર પગ મૂક્યો ત્યારે માના શબ્દો કાનમાં પડઘાતા હતાંઃ ‘હું મરી જાઉં ત્યારે તું ન આવતી…’

માતૃપ્રેમના મહિમા વિશે કેટલાંય પુસ્તકો છપાયાં છે અને ભવિષ્યમાંય છપાતાં રહેશે. માનું માર્કેટિંગ ભલે ન થાય, પણ સંપાદકબેલડી અમીષા શાહ – મૃગાંક શાહ કહે છે તેમ, મા પ્રત્યેની ઈન્દ્રધનુષી લાગણીઓનું ઈમોશનલ શેરિંગ ચોક્કસ થાય. સુંદર છપાઈવાળું આ પુસ્તક લેખકોની પસંદગી તેમજ લખાણોની નક્કર પારદર્શિતાને લીધે વાંચનક્ષમ બન્યું છે એ તો નક્કી. 000

થેંક યૂ મમ્મી

સંપાદકઃ અમીષા શાહ- મૃગાંક શાહ

પ્રકાશકઃ
આવિષ્કાર પબ્લિશર્સ
વડોદરા-૯

વિતરકઃ
આર. આર. શેઠની કંપની
ફોનઃ (૦૨૨) ૨૨૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩

કિંમતઃ રૂ. ૨૪૪ /-
પૃષ્ઠઃ ૩૦૦

– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.