ખામોશ! નાટક ચાલુ છે…
ચિત્રલેખા – અંક તા. 28 November 2011
કોલમઃ વાંચવા જેવું
લગભગ યુદ્ધ જેવો માહોલ છે. હાકોટા-પડકારા થઈ રહ્યા છે અને ચહેરાઓ પર ગજબની તીવ્રતા છે. ફર્ક એટલો છે કે સ્થળ યુદ્ધનું મેદાન નહીં, પણ કેન્ટીનનું કાઉન્ટર છે. એકસાથે લંબાયેલા કેટલાય હાથોમાં અસ્ત્રોશસ્ત્રો નહીં, પણ પચાસ-સો રૂપિયાની નોટો છે. સૌને ગરમાગરમ વડાપાઉં ઝાપટવાની જોરદાર તલબ ઉપડી છે. અહીંના વડાપાઉં બહુ વખણાય છે અને રવિવાર બગાડીને અહીં સુધી આવ્યા હોઈએ તો વડાપાઉં તો ખાવા જ પડે, યુ નો. આ બધા ગુજરાતી નાટક જોવા આવેલા રસિક પ્રેક્ષકજનો છે. ઈન્ટરવલમાં ધક્કામુક્કી કરીને, ભીડમાં ઘુસીને વડાપાઉં ખરીદવા અને પછી એક બાજુ શાંતિથી ઊભા રહીને ચટણી ઢોળાય ન જાય તે રીતે વડાપાઉં ખાવા એ તેમની નાટ્યઅનુભૂતિનો જ એક મહત્ત્વનો ભાગ છે. નાટક જેવું હોય એવું, વડાપાઉંમાં તૃપ્તિ ગેરેંટીડ છે!
ઉત્પલ ભાયાણી લિખિત ‘રંગભૂમિ ૨૦૧૦’ પુસ્તકની મુખપૃષ્ઠ તસવીરે મુંબઈની કમર્શિયલ ગુજરાતી રંગભૂમિ અને તેના દર્શકોની આ તાસીર આબાદ ઝડપી છે. એક વરિષ્ઠ અને સર્વસ્વીકૃત નાટ્યસમીક્ષક તરીકે લેખક દાયકાઓથી પ્રતિબદ્ધતાપૂર્વક લખતા આવ્યા છે. તેમની સમીક્ષાઓના સંગ્રહો નિયમિતપણે પ્રગટ થતા રહ્યા છે. આ પુસ્તકમાં મુંબઈની રંગભૂમિ પર ૨૦૧૦ દરમિયાન થયેલી ગતિવિધિઓનો ચિતાર છે.
૨૦૧૦માં મુંબઈમાં ૩૨ ફુલલેન્થ ગુજરાતી નાટકો બન્યાં અને ભજવાયાં. મતલબ કે દરેક મહિને લગભગ ત્રણ નવાં નાટકો. એક બાજ ‘અમરફળ’ અને ‘સાત તરી એકવીસ (ભાગ ૨)’ જેવાં જુદાં મિજાજની કૃતિઓ છે, તો બીજી બાજ અને બહુમતીમાં ‘મારી બાયડી ભારે વાયડી’ તેમજ ‘કુંવારો લાખનો પરણેલો સવા લાગનો’ જેવાં રુટિન નાટકો છે. લેખક જે-તે નાટક કેવું છે અને કેવું નથી એટલું જ લખીને લેખ સમેટી નાખતા નથી, બલકે, આગળપાછળના પાકા સંદર્ભો આપતા જઈને વાતને પૂરેપૂરી ખોલતા જાય છે. જેમ કે, ‘દીકરીનો બાપ ડોટકોમ’ નાટકની સમીક્ષામાં એ લખે છે કે ૧૯૫૦માં વિન્સેન્ટ મિનેલીના ડિરેક્શનમાં હોલીવૂડમાં ‘ફાધર ઓફ ધ બ્રાઈડ’ એની નામની ફિલ્મ બની હતી, જે ઓસ્કર અવોર્ડઝની એકાધિક કેટેગરીમાં નોમિનેટ થયેલી. તે પછી ‘ફાધર્સ લિટલ ડિવિડન્ડ’ નામની સિક્વલ બની અને ૧૯૬૧૬૨માં સિરિયલ પણ બની. ૧૯૯૧માં સ્ટીવ માર્ટિન ડાયેન કીટનને ચમકાવતી રિમેક બની અને ૧૯૯૫માં એનીય સિક્વલ આવી ગઈ. ‘ફાધર ઓફ ધ બ્રાઈડ’ નામનું કેરોલીન ફ્રેન્કે લખલેુ ત્રિઅંકી નાટક પણ તૈયાર થયું હતું. તેના પરથી સિતાંશુ યશશ્ચંદ્રે ‘આશીર્વાદ’ નામનું ગુજરાતી રૂપાંતરણ કર્યું, જે અરવિંદ જોશીએ ડિરેક્ટ કર્યું અને ભજવ્યું. ‘દીકરીનો બાપ ડોટકોમ’ એ ‘આશીર્વાદ’નું જ લેટેસ્ટ સ્વરૂપ છે. એ જ રીતે, સિદ્ધાર્થ રાંદેરિયાના ‘લો, ગુજ્જભાઈ ઘોડે ચડ્યા’ નાટકનાં મૂળિયાં ‘એકા લગ્નાચી ગોષ્ઠ’ નામનાં મરાઠી નાટકમાં દટાયેલાં છે, જેના પરથી સિદ્ધાર્થ રાંદેરિયાએ જ ‘પરણેલા છીએ કોને કહીએ?’ નામનું હિટ નાટક બનાવ્યું હતું. ‘લો, ગુજ્જભાઈ ઘોડે ચડ્યા’ એટલે તે જ નાટકનું નવું સ્વરૂપ. ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ નાટકના ટાઈટલ વિશે વાત કરતી વખતે લેખકે પ્રભુલાલ દ્વિવેદીએ જૂની રંગભૂમિના ‘સમયની સાથે’ નામના નાટક માટે લખેલાં ગીતનો અંતરો ખાસ ટાંક્યો છે.
કલાકાર-કસબીઓની ટીકા થતી વખતે શબ્દો ચોરાતા નથી. સુજાતા મહેતા-લતેશ શાહની જોડીએ ઘણાં નાટકો કર્યાં, પણ ‘ચિત્કાર’થી ઉપર કશું ન ગયું અને ‘એક અહમની રાણી’ પણ નહીં જાય એમ કહીને લેખક નોંધે છે કે ‘ગર્વથી કહો અમે ગુજરાતી છીએ’ નાટકમાં દર્શન ઝરીવાલા જેવો સંવેદનશીલ અને બુદ્ધિશાળી એક્ટર વેડફાયો છે. એક જગ્યાએ એ લખે છેઃ ‘રંગમંચ પર જોખમ લેવાની ઈચ્છા અને શક્તિ બહુ ઓછા નિર્માતાઓની છે. ગણ્યું જે પ્યારાએ, અતિપ્યારું ગણી લેવાનો અભિગમ નિર્માતાઓનો પ્યારા પ્રેક્ષકો માટે રહ્યો છે. રંગભૂમિનો વિકાસ કે હિત ગૌણ છે.’ આની સામે, લેખક જે ઉત્તમ છે એને ઉમળકાભેર વધાવી પણ લે છે. જેમ કે સૌમ્ય જોશીના ‘વેલકમ જિંદગી’ નાટક વિશે લખતી વખતે તેઓ દિલ ખોલીને પ્રશસ્તિ કરે છે.
પુસ્તકમાં ફિલર તરીકે મૂકવામાં આવેલા પ્રસિદ્ધ રંગકર્મી સત્યદેવ દૂબેના ખુદના અથવા તેમના વિશેનાં અવતરણો રસપ્રદ છે. સત્યદેવ દૂબેનું એક ક્વોટ છેઃ મારા માટે ઓડિયન્સ એક સ્ત્રી છે અને હું એને સિડ્યુસ કરવા માગું છ એટલે કે એને પાપનો આનંદ આપવા માગું છ! બીજ એક ક્વોટઃ હું ઐતિહાસિક હસ્તી કરતાં દંતકથાનું પાત્ર બનવાનું વધારે પસંદ કરું, કારણ કે દંતકથા ઈતિહાસ કરતાં વધારે રસિક હોય છે…
પુસ્તક માત્ર ગુજરાતી નાટકો પૂરતું સીમિત નથી, અહીં મરાઠી, હિન્દી અને અંગ્રેજી નાટકો વિશે પણ લખાયું હોવાથી મુંબઈની રંગભૂમિનો બહુપરિમાણી ચિતાર મળે છે. રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં કસ્તૂરબાની યાદગાર ભુમિકા ભજવનાર રોહિણી હટંગડી વર્ષો પછી ‘જગદંબા’ નામના મરાઠી નાટકમાં ફરી એકવાર આ જ પાત્ર સાકાર કરે છે. ‘સેક્સ, મોરાલિટી એન્ડ સેન્સરશિપ’માં બહુ ગાજેલા ‘સખારામ બાઈન્ડર’ નાટકની ભજવણીની આપવીતી પેશ થાય છે. મકરંદ દેશપાંડેના ‘જોક’ નામના અટપટા નાટકને કલાકૃતિનો ઘાટ મળતો નથી. શેફાલી શાહની મુખ્ય ભુમિકાવાળા ‘બસ, ઈતના સા ખ્વાબ હૈ’ નાટકમાં પ્રેક્ષાગારનું દશ્ય પણ મંચ પરની ભજવણી જેટલું જ ઈન્ટરેસ્ટિંગ છે, કેમ કે પહેલી હરોળમાં અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અક્ષયકુમાર અને ટિં્વકલ બેઠાં છે અને તેમની પાછળ આશુતોષ ગોવારીકર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા પ્રથમ પંક્તિના ફિલ્મ ડિરેક્ટરો બિરાજમાન છે! પુસ્તકને અંતે ચારેય ભાષાઓનાં નાટકોની વિગતવાર સૂચિ મૂકવામાં આવી છે. લેખક ન્યુયોર્કના બ્રોડવે અને લંડનના વેસ્ટ એન્ડમાં જોયેલા ‘બિલી એલિયેટ’ અને ‘ધ ફેન્ટમ ઓફ ઑપેરા’ જેવાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નાટકોની વાતો પણ શૅર કરે છે જે પુસ્તકમાં એક આકર્ષક રંગ ઉમરી દે છે. અલબત્ત, અખબારમાં છપાયેલા લેખોને પુસ્તક સ્વરૂપ આપતી વખતે ‘બે અઠવાડિયાં પહેલાં જેની સમીક્ષા કરી હતી…’ જેવા ઉલ્લેખો આસાનીથી નિવારી શકાયા હોત.
૨૦૧૦માં મુંબઈમાં જે નાટકો આવ્યાં, જેવાં નાટકો આવ્યાં તે સૌની અહીં પાક્કી નોંધ લેવાયેલી હોવાથી આ પુસ્તક દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. રંગમંચની દુનિયામાં રસ ધરાવનારાઓને ચોક્કસપણે ગમી જાય તેવું પુસ્તક.
૦ ૦ ૦
રંગભૂમિ ૨૦૧૦
લેખકઃ ઉત્પલ ભાયાણી
પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,
મુંબઈ- ૧, અમદાવાદ- ૬
ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪
કિંમતઃ રૂ. ૧૫૦ /-
પૃષ્ઠઃ ૧૭૪
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply