અજબ શોઝની ગજબ વાતો
ચિત્રલેખા – અંક તા. 9 જુલાઈ 2012
કોલમઃ વાંચવા જેવું
* * * * *
વિદેશનાં પ્રવાસવર્ણન વિશેનાં ઢગલાબંધ લખાણો આપણી આંખ સામે આવતાં રહે છે, પણ એમાં સ્થાનિક રંગભૂમિ અને અજબગજબના શોઝ વિશેની વાતો કાં તો સદંતર ગાયબ હોય અથવા તો એના વિશે સાવ ઉપરછલ્લા ઉલ્લેખો હોય. ઈવન વિદેશપ્રવાસ કરી આવેલા મિત્રો-પરિચિતો પાછા આવીને ઉત્સાહભેર વાતો કરતા હોય ત્યારે એમાં આ પ્રકારના શોઝ લગભગ ગેરહાજર હોય છે. આનું કારણ છે શોઝની મોંઘીદાટ ટિકિટો. દેખીતું છે કે થોડી મિનિટો કે કલાકો ચાલતા આવા એક શો માટે દસ-વીસ હજાર રૂપિયા ખર્ચવા કંઈ સૌને ન પોષાય. ધારો કે પોષાતું હોય તો એ માટે જરુરી પેશન કે ઊંડો રસ હોતા નથી.
આ ફરિયાદનો કાયમી છેદ ઉડાવી દેવો હોય એમ સંગીતા જોશી એકસાથે બે પુસ્તકો લઈને આવ્યાં છે ‘ઓપેરા હાઉસ’ અને ‘અમેરિકાના શો’. બન્ને પુસ્તકોમાં આ વિષય એટલી સરસ રીતે ખેડાયો છે કે એક સ્તરે વાંચનાર ઊંડો સંતોષ અનુભવે અને બીજા સ્તરે, એને જોરદાર તાલાવેલી જાગે કે ક્યારે વિદેશ જાઉં અને અને ક્યારે આ શોઝ ખુદ માણવાની તક ઝડપું! ‘અમેરિકાના શો’ના ૨૩ લેખોમાં માત્ર સ્થાનિક શોઝની વાતો છે, જ્યારે ‘ઓપેરા હાઉસ’ના ૩૮ લેખોમાં અમેરિકા સિવાયના દેશોના શોઝ આવરી લેવામાં આવ્યા છે. આ તમામ લેખો અગાઉ ‘મુંબઈ સમાચાર’માં કોલમ સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે.
લેખિકા કહે છે કે સિંગાપોર ગયા હો અને સેન્ટોસા આઈલેન્ડ પર ચાલતો ‘સોંગ ઓફ ધ સી’ ના દેખા તો ક્યા દેખા! અહીં દરિયાકિનારે એક અનોખો અને અદભુત પરમેનન્ટ સેટ છે, જે પાણીની અંદર ઊભો કરવામાં આવ્યો છે. ૨૫૦૦ પ્રક્ષકો સમાઈ શકે એટલી બેઠકોની સાવ આગળની રૉ અને દરિયાના પાણી વચ્ચે ચાલીસેક ફૂટનું અંતર હોય. પાણીમાં ૧૨૦ મીટર લાંબા સ્ટ્રક્ચરમાં મલેશિયન ગામડાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. પાણીના ફુવારા ઉડાડવા માટે ૬૯ મશીન, આકાશમાં અદભુત આતશબાજી કરતાં મશીન, લેસર લાઈટના શેરડા છોડતા મશીન અને પાઈરોટેક્નિક ડિસ્પ્લે કરતાં મશીન વગેરે સેટ પર ખૂબીપૂર્વક સંતાડવામાં આવે છે. રેતી પર ગોઠવાયેલા મોટા ખડકોમાં કાં તો સ્પીકર્સ સંતાડેલા હોય અથવા તો આગની જ્વાળા છોડતાં યંત્ર. શાપિત રાજકુમારીની વાર્તા કરતો આ ઝાકઝમાળભર્યો શો એક વાર જુઓ એટલે દિમાગમાં કાયમ માટે અંકિત થઈ ગયો સમજો!
લેખિકા પાસે તીવ્ર વિસ્મયભાવ છે. એમની જિજ્ઞાસા ફક્ત મંચ પર થતી ગતિવિધિઓ પૂરતી સીમિત નથી. સ્વયં ગુજરાતી તખ્તાનાં અનુભવી અભિનેત્રી હોવાથી એમના મનમાં બેકસ્ટેજની ચહલપહલ વિશે ય કુતૂહલ હોય છે. એ માત્ર ‘શું?’ પર અટકી જતાં નથી, એમને ‘કેવી રીતે’માં પણ ઊંડો રસ પડે છે. તેથી જ તેમના લેખો પાક્કી વિગતો અને આંકડાથી સમૃદ્ધ હોય છે. જેમ કે ‘લીડો’ નામના શોની વાત કરતી વખતે એ નોંધે છે કે આ શો પેરિસમાં ૧૯૪૬થી અને લાસ વેગાસમાં ૧૯૫૮થી ચાલે છે. ૯૦ મિનિટના આ શોમાં ૨૩ વખત સેટ બદલાય છે. એક સાથે ચાર લેવલ પર અલગ અલગ કોસ્ચ્યુમ્સમાં જુદી જુદી જાતના ચાર નૃત્યો ચાલતાં હોય ત્યારે ક્યાં જોવું ને ક્યાં ન જોવું એ સવાલ થઈ પડે. સ્ત્રીના વિવિધ ભાવ અને સ્વરૂપ નિરૂપતા નૃત્યાંગના મોટે ભાગે કાં તો ટોપલેસ હોય અથવા તો પારદર્શક વસ્ત્રોમાં હોય, પણ ક્યાંય કશુંય બિભત્સ નહીં, બલકે ગરિમાપૂર્ણ લાગે. થોડી જ પળોમાં નગ્નતા એક તરફ હડસેલાઈ જાય અને દર્શકો કળામાં ખોવાતા જાય.
લેખિકાને શબ્દોની પટ્ટાબાજી રમીને વાંચકોને આંજી નાખવા માગતાં નથી. એમનો અભિગમ રીડર-ફ્રેન્ડલી છે. એ જાણે છે કે વાચક માટે કઈ માહિતી ઉપયોગી પૂરવાર થવાની. તેથી જ તુર્કીના કાપાડોકિયા શહેરમાં ચાલતા નાઈટ શોની વાત કરતી વખતે લેખિકા કહે છેઃ ‘જો તમે એકલા હો તો ૪૫ યુરો અને જો ગ્રુપ બુકિંગ કરો તો વ્યક્તિ દીઠ ૧૭ યુરોના દરે નાઈટ શોના આયોજકો છેક તમારી હોટલ પરથી તમને લઈ જઈ શોમાં તમને તમારું મનોરંજન કરી અને રાત્રે પાછા હોટલ સુધી મૂકી જવાની જવાબદારી ઉપાડી લે છે. શિયાળામાં રાત્રે ૮ વાગ્યે અને ઉનાળામાં ૮.૩૦ વાગે શરૂ શતો આ શો ૧૧.૩૦ વાગે પૂરો થઈ જાય છે.’
‘ઓ’ નામના હેરતઅંગેજ શોનું વર્ણન ખૂબ રસપ્રદ છે. ફ્રેન્ચ ભાષામાં ‘ઓ’ એટલે પાણી. સ્ટેજ નજીક પાણીના વિશાળ હોજમાં લોકો તરવાને બદલે પાણીની સપાટી ઉપર ચાલતા દેખાય! કલાકાર એક છેડેથી બીજા છેડે પહોંચે એટલી વારમાં પાણી ગાયબ થઈ જાય અને હોજમાં જમીન દેખાવા લાગે. પછી અંગકસરતના અજબગજબના ખેલ શરૂ થાય, જેમાં આગનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવ્યો હોય. જલ, અગ્નિ, વાયુ, આકાશ અને ધરતી આ પાંચેય તત્ત્વોને વણી લેતા આ માયાવી શોમાં સાત હાઈડ્રોલિક લિફ્ટ્સ, બાવીસ દેશના ૮૪ કલાકારો, ૧૫૦ સ્કુબા ટેક્નિશિયનો અને ૧૨૦૦ કોસ્ચ્યુમ્સનો ઉપયોગ થયો છે!
કેટકેટલા શોઝ અને કેટકેટલી વાતો. કાળાગોરાના ભેદભાવ વિશે વાત કરતું બ્રોડવેનું ‘મેમ્ફિસ’, મહાન ઓસ્ટ્રિયન સંગીતકાર મોઝાર્ટની પ્રતિભાથી હીન ગ્રંથિથી પીડાતા એન્ટોનિયો સેલિયરીની વાત કરતું ‘એમેડસ’, પાંચ હજાર રૂમો ધરાવતી લાસ વેગાસ સ્થિત દુનિયાની સૌથી મોટી હોટલ એમજીએમનો ‘કા’ નામનો શો, થાઈલેન્ડની શાન ગણાતા ફિંગરનેઈલ નૃત્યની વાતો, ગણિતજ્ઞ રામાનુજન અને કેમ્બ્રિજ યનિવર્સિટીના તત્કાલીન ડીન જી. એચ. હાર્ડીની વાત કરતું ઇંગ્લેન્ડનાં અદભુત નાટક ‘અ ડિસઅપિઅરીંગ નંબર’….
લખાણમાં સાદગી, અટક્યા વગર વાંચતા રહી શકાય એવી આકર્ષક પ્રવાહિતા અને શિસ્ત એ લેખિકાના સૌથી મોટા પ્લસ પોઈન્ટ્સ છે. એ કશુંય ઉભડક કે અધ્ધરતાલ છોડતાં નથી. એક ઘડાયેલા ફિલ્ડ જર્નલિસ્ટની જેમ એ જેતે શોનું પાક્કું રિપોર્ટિંગ કરે છે. સંગીતા જોશી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘બન્ને પુસ્તકોમાં જે શોઝની વાત કરી છે તે તમામ મેં પ્રત્યક્ષ જોયા છે. શોની એકેએક પળ માણવાની હોય એટલે એ જોતી વખતે તો મારા હાથમાં ડાયરી અને પેન ન હોય, પણ પછી હું નોંધ ટપકાવી લઉં. શો વિશે માહિતી આપતાં પુસ્તકો ઉપલબ્ધ હોય તો એ ખરીદી લઉં. લેખ લખતી વખતે સ્મરણ અને રિસર્ચ ઉપરાંત આ તમામ મટીરિયલને ઉપયોગમાં લઉં.’
થિયેટર, કળા અને પ્રવાસમાં રસ ધરાવનારાઓને સુંદર તસવીરોવાળાં આ પુસ્તકો ખૂબ પસંદ પડશે. વિદેશપ્રવાસનું પ્લાનિંગ કરતી વખતે આ પુસ્તકોને ખાસ રિફર કરી જવાં જેવાં છે. 0 0 0
ઓપેરા હાઉસ /- અમેરિકાના શો
લેખિકાઃ સંગીતા જોશી
પ્રકાશકઃ
નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૧, અમદાવાદ-૧
ફોનઃ (૦૨૨) ૨૦૦૧ ૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪ ૦૭૭૦
કિંમતઃ અનુક્રમે રૂ. ૩૦૦ અને રૂ. ૨૦૦
કુલ પૃષ્ઠઃ ૪૦૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply