Sun-Temple-Baanner

પહેલો હક ભાવનગરનો!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પહેલો હક ભાવનગરનો!


પહેલો હક ભાવનગરનો!

ચિત્રલેખા – અંક તા. 3 સપ્ટેમ્બર ૨૦૧૨

કોલમ: વાંચવા જેવું

* * * * *

રાત્રિના ૧૧ વાગ્યા છે. દિલ્હીમાં બિરલા હાઉસ સ્થિત નિવાસસ્થાનમાં ગાંધીજી પરવારીને પોતાનાં અંતેવાસી મનુબહેન ગાંધીને ફરી એક વાર તાકીદ કરે છે: ‘દરવાજે સમય કરતાં પાંચેક મિનિટ વહેલી ઊભી રહેજે. મુલાકાતીને બરાબર સારી રીતે આવકાર આપજે.’

મનુબેનને નવાઈનો પાર નથી. એવું તો કોણ મળવા આવવાનું છે? ગાંધીજીને મળવા તો વાઈસરોય સહિતના અનેક મુલાકાતીઓ આવે છે, પણ તેમના માટે પણ ગાંધીજી આવી પૂર્વતૈયારી કરતા નથી! આ આગંતુક છે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. વર્ષો પહેલાં ગાંધીજી ભાવનગરના મહેલમાં આવ્યા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજી તેર વર્ષના તરૂણ હતા. આજે એ ૩૬ વર્ષના યુવાન બની ગયા છે. આટલાં સમયમાં ગંગામાં ઘણાં નીર વહી ગયાં છે. દેશ આઝાદ થઈ ચૂક્યો એ વાતને ય ચાર મહિના થઈ ગયા છે.

શું હતું મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આગમનનું પ્રયોજન? અખંડ ભારતમાં ભળવા માટે દેશભરના રજવાડાઓ જ્યારે આનાકાની કરી રહ્યા હતા ત્યારે નોખી માટીના આ રાજવી સામે ચાલીને પોતાની રાજ્યસત્તા અને જાહોજલાલી નિષ્કપટ ભાવથી ગાંધીજીને ચરણે ધરી દેવા આવ્યા હતા. એમણે ગાંધીજીને વિનમ્રભાવે કહ્યું હું રોકડ, મિલકતો વગેરે જવાબદાર રાજતંત્રને સોંપી દઈશ. તમારી સંમતિ હશે એટલી જ ખાનગી મિલકત રાખીશ અને સાલિયાણું પણ તમે નક્કી કરી આપો એટલું જ લઈશ. સૂર્યવંશી ગોહિલકુળના ૭૦૦ વર્ષના શાસનના સંધિકાળે ઈતિહાસે કપરી પરિસ્થિતિ સર્જી નાખી હતી, પણ મહારાજાએ આત્મગૌરવપૂર્વક મૂઠીઉંચેરો નિર્ણય લઈ ગાંધીજી સહિત સૌને આશ્ચર્યચકિત કરી દીધા. તેમનાં આ પગલાએ દેશની અખંડતા અને એકતાને સાકાર કરવાની પ્રક્રિયાને પ્રચંડ વેગ આપી દીધો.

આજનાં પુસ્તકમાં ભાવનગરના આ પ્રજાવત્સલ અને દૂરંદેશી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની રસપ્રદ જીવનકથા આલેખાઈ છે. મહત્ત્વની વાત એ છે કે આ કંઈ રાજવી પર ઠાલા ગુણગાનનો વરસાદ વરસાવી દેતું ફરમાસુ પુસ્તક નથી. આ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું બહુ-પરિમાણી સર્જન છે. અહીં મહારાજાના સમયનો સંપૂર્ણ રાજકીય અને સામાજિક પરિવેશ રસપ્રદ રીતે વાચક સામે ક્રમશ: ઊઘડતો જાય છે.

કૃષ્ણકુમારસિંહજીના પિતા એટલે મહારાજા ભાવસિંહજી (બીજા). સર પ્રભાશંકર પટ્ટણી એમના મિત્ર અને વિચક્ષણ દીવાન. ભાવસિંહજીનાં લગ્ન ૧૯૦૫માં નંદકુંવરબા સાથે થયાં પછી લાંબા સમય સુધી સંતાન ન થયું. તેથી પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવાનું વ્રત લીધેલું. આખરે ૧૯૧૨માં યુવરાજ કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ત્યારે મહારાજા સ્વયં પ્રભાશંકરને વધામણી આપવા વહેલી પરોઢે એમના ઘર ગયા હતા. કમનસીબે કૃષ્ણકુમારસિંહજીના નસીબમાં માતા-પિતાનું સુખ ઝાઝું લખાયું નહોતું. એ હજુ માંડ સાત વર્ષના થયા ને મસ્તક પરથી મા-બાપ બન્નેની છત્રછાયા જતી રહી. એ પછી કૃષ્ણકુમારસિંહજી તેમજ એમનાથી ય નાનાં એક ભાઈ અને એક બહેન માટે પ્રભાશંકર પટ્ટણી વડીલ સ્વજન બની રહ્યા.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીના બહુઆયામી વ્યક્તિત્વને ઉજાગર કરતાં કેટલાય પ્રસંગો પુસ્તકમાં વર્ણવાયા છે. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એમને મદ્રાસ પ્રાંતના પહેલા ભારતીય રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. ભાવનગરની જનતાને લાગણીશીલ બનાવી દેવા માટે આ સમાચાર પૂરતા હતા. મહારાજાએ મદ્રાસ જતાં પહેલાંના અંતિમ પ્રવચનમાં હૃદયભીના શબ્દોમાં કહ્યું હતું કે હું ગમે ત્યાં હોઉં, પણ ભાવનગરને ભૂલીશ નહીં. આ જન્મ ભાવનગરની પ્રજા વાસ્તે ભગવાને મને દીધો છે એટલે મારા પર પહેલો હક આપનો છે. જ્યારે આપને મારી જરૂર હશે ત્યારે આ ચાકર તમારી સેવામાં હાજર થઈ જશે.

દક્ષિણ ભારતીયોને આમેય ઉત્તર ભારતના લોકો માટે થોડો અણગમો. એમાંય આ નવા ગર્વનર તો પાછા રાજવી કુળના વંશજ. ન એમને મદ્રાસીઓને ભાષા આવડે કે ન એમની રહેણીકરણીથી પરિચિત. છતાંય કૃષ્ણકુમારસિંહજી પોતાના વર્તાવ અને વ્યક્તિત્વથી ધીમે ધીમે એમના દિલમાં સ્થાન બનાવી શક્યા.

કૃષ્ણકુમારસિંહજીના ગર્વનરકાળ દરમિયાન એક અકલ્પ્ય ઘટના બની. બૂરી સંગતમાં પડી ગયેલા એમના નાના ભાઈ નિર્મળકુમારસિંહજી રાજકોટ જિલ્લાના રીબ નામના ગામમાં ધાડ કેસમાં સપડાયા. એમની ધરપકડ થઈ. કૃષ્ણકુમારસિંહજી ધારત તો પોતાની વગનો ઉપયોગ કરીને ભાઈને છોડાવી શકત, પણ કાયદાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો એમના સિધ્ધાંતનિષ્ઠ સ્વભાવની વિરુદ્ધ હતું. ભાઈને પૂરા છ વર્ષનો જેલવાસ થયો. મહારાજા ખૂબ દુખી થયા. એમનો સ્વભાવ ક્રોધી અને ચિડીયો થઈ ગયો. ગર્વનર તરીકેના કાર્યકાળના હજુ તો માંડ સાડાત્રણ વર્ષ થયા હતા છતાં એમણે દોઢ વર્ષ વહેલું રાજીનામું આપી દીધું. એ એટલા બધા ઘવાયા હતા કે નાના ભાઈની સજા પૂરી થઈ ગયો પછી પણ બે વર્ષ સુધી એમને મળ્યા નહીં. ખેર, અન્યોની સમજાવટથી આખરે એ ભાઈને ફ્કત એક જ વખત મુલાકાત આપી. એ પછી મહારાજા ૫૩ વર્ષની વયે દેવ થઈ છેક ત્યારે નિર્મળકુમારસિંહજી પહેલી વાર નીલમબાગ પેલેસમાં પધાર્યા હતા.

પુસ્તક તૈયાર કરવા પાછળ લેખક ગંભીરસિંહ ગોહિલે લીધેલી જહેમત સ્પષ્ટપણે દેખાય છે. પાને પાને તસવીરો, ચિક્કાર ફૂટનોટ્સ, ટાઈમલાઈમ અને પરિશિષ્ટ રૂપે અપાયેલી કેટલીય સામગ્રીને કારણે પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. રસાળ અને પ્રવાહી શૈલીને કારણે પુસ્તક સહેજે શુષ્ક બનતું નથી. લેખકે લખ્યું છે:

‘જીવનકથાના લેખકે હકીકતોની છાનબીન કરવાની હોય છે, પણ તેથીય વિશેષ હકીકતોના આંતરસત્ત્વને તેણે સમજવું પડે છે. તેવી સમજ મેળવવા જતાં જીવનકથાના ચરિત્રનાયકના ચિત્તતંત્રને પણ તાગવું પડે છે. આવા પ્રયાસો મેં ક્યાંક ક્યાંક કર્યા છે. તે દષ્ટિએ મહારાજાના વાર્તાલાપો કે મનોમંથનો મેં મૂક્યાં છે. તેમાંના કેટલાક ખરેખરા સંદર્ભો પર આધારિત છે. જ્યાં વાસ્તવિક આધાર નથી ત્યાં પણ સંભવિતતાને ધ્યાનમાં લીધી છે.’

લેખકના પ્રયાસો સફળતાને પામ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ જીવનકથા એક સંદર્ભગ્રંથ તરીકે પણ ઉપયોગી પૂરવાર થાય એમ છે. 000

પ્રજાવત્સલ રાજવી

લેખક: ગંભીરસિંહ ગોહિલ

પ્રકાશક:
રાજવી પ્રકાશન, કાળવીબીડ, ભાવનગર-૨
ફોન: (૦૨૭૮) ૨૫૬ ૯૮૯૮

કિંમત – ૬૦૦ /-
પૃષ્ઠ: ૬૩૨

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.