એક અમેરિકન સ્વામીની સ્પિરિચ્યુઅલ થ્રિલર
ચિત્રલેખા અંક તા. ૨ એપ્રિલ ૨૦૧૨
કોલમઃ વાંચવા જેવું
* * * * *
કલ્પના કરો. અમેરિકાના શિકાગો શહેરનો એક છોકરો છે. રિચાર્ડ સ્લેવિન એનું નામ. સુખી યહૂદી પરિવારનું એ ફરજંદ છે. ઉંમર હશે માંડ ઓગણીસ વર્ષ. એક દિવસ ડાઈનિંગ ટેબલ પર ડિનર કરતાં કરતાં એ શાંતિથી ઘોષણા કરે છેઃ ‘ત્રણ દિવસ પછી હું મારા ફ્રેન્ડ સાથે યુરોપ જઈ રહ્યો છ . ફરવા. સપ્ટેમ્બરમાં કોલેજ ખૂલે એ પહેલાં પાછા આવી જઈશું. મારી ચિંતા ના કરતા.’
છોકરો પહેલેથી જ જરા અલગ સ્વભાવનો. નાનો હતો ત્યારે ધરાર નીચે પલાંઠી વાળીને એકલો જમતો. નવાંનક્કોર કપડાં જૂનાં ન દેખાય ત્યાં સુધી એની માએ વારંવાર ઘસીને ધોવા પડતાં. નવાં જૂતાં પણ પથ્થરથી ઘસી ઘસીને જૂનાં કરી નાખે પછી જ પહેરે. કૂમળી વયથી ઊંડી આધ્યાત્મિક સંવેદન અનુભવતો આ છોકરો કંઈક ગજબની બેચેની અનુભવી રહ્યો છે. એ જાણે કે કશુંક શોધી રહ્યો છે. કદાચ ખુદની સાચી ઓળખ, કદાચ પોતાના જીવનનો સાચો ઉદ્દેશ… પૂરેપૂરી સ્પષ્ટતા આ ઉંમરે તો કેવી રીતે હોય?
ખેર, એ હિપ્પી બનીને હિચહાઈકિંગ કરતો કરતો એટલે કે વાહનોમાં લિફ્ટ માગી માગીને લંડનથી પ્રવાસ આરંભી દે છે. ઈટલી, સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ… એક સાંજે ભૂમધ્ય સમુદ્રના કિનારે, જાણે અંતઃ પ્રેરણા થઈ રહી હોય તેમ, તેના હૃદયમાંથી મધુર આદેશ સંભળાય છેઃ ‘ભારત જા!’ રિચાર્ડ વિચારમાં પડી જાય છે. ભારત શા માટે? આ દેશ કેટલો દૂર છે એની એને કશી ગતાગમ નથી. સ્કૂલમાં ભણ્યો હતો એટલે માત્ર એટલી ખબર છે કે ભારત પૂર્વ દિશામાં છે, બહુ ગરીબ દેશ છે અને ત્યાં ખૂબ બધા મદારીઓ રહે છે! બસ, આટલું જ. નથી એની પાસે નક્શો કે નથી પૈસા, પણ તોય એ ભારત તરફ નીકળી પડે છે. એકલો, પગપાળા!
…અને પછી શરૂ થાય છે શ્વાસ અધ્ધર કરી દે એવી એની આધ્યાત્મિક તલાશ. એક પ્રવાસી તરીકે નહીં, પણ સત્યના શોધક તરીકે આદરેલી યાત્રામાં શું શું બને છે? એને પોતાના પ્રશ્નોના ઉત્તર મળે છે? એની શોધનો તાર્કિક અંત આવે છે? આ સવાલોનો રસપ્રદ જવાબ એટલે ‘પેલે પારનો પ્રવાસ’ નામનું આ આત્મકથનાત્મક પુસ્તક.
રિચાર્ડ ગ્રીસથી તુર્કીમાં પ્રવેશ કરે છે. તુર્કીમાં દાવાનળની જેમ કોલેરા ભડકી રહ્યો છે. એમાંથી જીવતો પસાર થઈને એ ઈરાન પહોંચે છે. ઈરાનથી અફઘાનિસ્તાન અને ત્યાંથી ખૈબર ઘાટ થઈને પાકિસ્તાન. એ દિવસોમાં એટલે કે ૧૯૭૦ના દાયકામાં હિપ્પી કલ્ચરમાં માનતા અલગારી જીવો અત્યંત ઓછા ખર્ચે ભયંકર હાડમારીઓ વેઠીને વિશ્વપ્રવાસો કરતા. એમાંના ઘણાખરા સાહસવૃત્તિથી પ્રેરાઈને આમ કરતા તો કેટલાક આધ્યાત્મિક ઝુકાવને લીધે. રિચાર્ડ ભારત માટે તીવ્ર તલસાટ અનુભવી રહ્યો હતો. હુસૈનીવાલા નામના સરહદી શહેરની ચોકીમાં એક ઉદ્ધત મહિલા અધિકારીએ કહી દીધુંઃ ભારતમાં પ્રવેશ કરવા માટે તારી પાસે ઓછામાં ઓછા ૨૦૦ ડોલર હોવા જોઈએ. ક્યાં છે તારા પૈસા? તને પ્રવેશ નહીં મળે. ભારતમાં શું ભીખારીઓની કમી છે?
ખેર, ભારતની ધરતી પર આખરે રિચાર્ડે પગ મૂક્યા ખરા. પહેલાં જ દિવસે કોઈ એને ભાંગ પીવડાવી દે છે અને તીખા તમતમતા લાલ મરચાને એ મીઠાઈ સમજીને મોંમાં મૂકી દે છે! ભારત આવ્યા પછી એના જીવનમાં જે નાટ્યાત્મક ઘટનાઓ બનવાની છે એનું આ તો નાનકડું ટ્રેલર માત્ર છે! ખેર, એનું સદનસીબ જુઆ. દિલ્હી આવતાવેંત રિચાર્ડની નજર ‘વિશ્વ યોગ સંમેલન’ની જાહેરખબર પર જાય છે. ચાર દિવસ દરમિયાન સેંકડો ગુરુ, સાધુ, લામા અને પંડિત એને એક જ સ્થળે મળી જાય છે. કશાક દિવ્ય ઉઘાડની જાણે કે આ શરૂઆત છે. રિચાર્ડનું ભારતભ્રમણ શરૂ થાય છે. લેખક કહે છેઃ
‘ક્યારેક ગમગીન બનાવે તો ક્યારેક ઉલ્લાસિત કરી મૂકે એવા અનુભવોથી મારો રસ્તો સભર હતો. દરેક અનુભવ મારા માટે એક એવા વિશ્વની બારી ખોલી નાખતો, જ્યાંથી મારા જીવનને આગળ વધવા અમુક નવી દિશા મળતી રહેતી.’
રિચાર્ડ સ્વયં સાધુ બનીને હૃષીકેશ, હરિદ્વાર, કુલુ, બનારસ, કલકત્તા, પશુપતિનાથ, ધરમશાલા, મુંબઈ, ગોવા, મથુરા, વૃંદાવન, નેપાળ જેવા કેટલાય સ્થળે એકધારું ફરે છે. કંઈકેટલાય યોગી, સાધુબાવા અને તપસ્વી સંપર્કમાં આવે છે. એક સ્પોન્જની જેમ રિચાર્ડ પોતાને મળતા મનુષ્યો પાસેથી જ નહીં, કુદરત પાસેથી પણ સતત શીખતો રહે છે, ગ્રહણ કરતો રહે છે. એની આધ્યાત્મિક અનુભૂતિઓ ઘુંટાતી જાય છે. જોકે એક વાતે એ સ્પષ્ટ છે કે કોઈના સ્થાયી શિષ્ય બનવું એ બહુ મોટી જવાબદારીવાળું કામ છે. તેથી જ્યાં સુધી હું બધું જોઈશસમજીશઅનુભવીશ નહીં ત્યાં સુધી ગુરુ બનાવવામાં હું ઉતાવળ નહીં કરું! પ્રલંબ ઘટનાપ્રચુર પ્રવાસને અંતે એ જેને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપે છે એ છે, શ્રીલ પ્રભુપાદ.
યુરોપના પ્રવાસથી માંડીને વિસ્મયકારક સાધુસંતોની દુનિયા અને એમની સાથેના પોતાના સહવાસનું લેખકે વર્ણન એટલું અસરકારક અને ચિત્રાત્મક છે કે વાચકની સામે સિનેમાની જેમ સમગ્ર ઘટનાક્રમ ઉઘડતો જાય છે. વાચક રિચાર્ડના સહયાત્રી બનીને સાથે સાથે વહ્યા કરે છે. રિચાર્ડ સાથે આપણે પૂરેપૂરું સમસંવેદન અનુભવીએ છીએ. એની પીડા, ઉદ્વેગ, કરુણા અને ધન્યતા આ બધું જ સંવેદનશીલ વાચક સ્વયં અનુભવતો રહે છે અને એ લેખકની કલમની તાકાત છે. આ લખાણમાં વાચકને આંજી નાખવાનો ઉદ્દેશ નહીં, પણ પ્રામાણિકતા અને પારદર્શિતા ઝળકે છે. વચ્ચે વચ્ચે થતાં રમૂજના છાંટણાં વાતના પ્રવાહને ઓર મજેદાર બનાવતાં રહે છે. લખાણનાં સ્પંદનો સાચાં સ્વરૂપમાં વાચક સુધી પહોંચતાં રહે છે એ હકીકત સુંદર અનુવાદનો પુરાવો છે. આ પુસ્તક વાંચતી વખતે તમને સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો ‘મારા અનુભવો’ અને ‘મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો’ યાદ આવશે. એલિઝાબેથ ગિલ્બર્ટનું બેસ્ટસેલર પુસ્તક ‘ઈટ, પ્રે, લવ’ પણ કદાચ મનમાં ઝબકી જાય, એવુંય બને.
રિચાર્ડના અસાધારણ અને અસામાન્ય પ્રવાસની વાત કરતું આ પુસ્તક વાસ્તવમાં એક સ્પિરિચ્યુઅલ થ્રિલર છે. નિઃશંકપણે માણવા જેવું અતિ સુંદર પુસ્તક.
પેલે પારનો પ્રવાસ
લેખકઃ રાધાનાથ સ્વામી
અનુવાદઃ ડો. ગિરીશ રાઠોડ (ગિરિરાજ દાસ)
પ્રકાશકઃ
તુલસી બૂક્સ, શ્રી તુલસી ટ્રસ્ટ, ગિરગાંવ ચોપાટી, મુંબઈ
ફોનઃ ૦૯૯૩૦૧ ૪૧૮૨૫
કિંમતઃ રૂ. ૧૯પ /-
પૃષ્ઠઃ ૩૫૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply