Sun-Temple-Baanner

વાર્તામાં હોવું એટલે કોઈનાં સ્વપ્નમાં હોવું?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વાર્તામાં હોવું એટલે કોઈનાં સ્વપ્નમાં હોવું?


વાર્તામાં હોવું એટલે કોઈનાં સ્વપ્નમાં હોવું?

ચિત્રલેખા – અંક તા. ૧ ઓક્ટોબર ૨૦૧૨

કોલમ: વાંચવા જેવું

* * * * *

એક પુસ્તકોનું મ્યુઝિયમ છે. લાઈબ્રેરી નહીં, પણ મ્યુઝિયમ. આખેઆખું જોતાં એક હજાર ને એક દિવસ લાગે એવડું મોટું. મ્યુઝિયમમાં પહાડ પણ હોય અને રણ પણ હોય. રણમાં ‘વિખરાતાં પુસ્તકો’ નામનો વિભાગ છે, જ્યાં એવાં પુસ્તકો રાખવામાં આવેલાં જે રેતીની જેમ ખરતાં જાય, આપણી મુઠ્ઠીમાંથી સરતાં જાય. કહે છે કે રણ એવાં પુસ્તકોનાં ખરવાથી જ બનેલું! આ મ્યુઝિયમમાં આવેલી એક યુવતીને ઘણા વખતથી સપનામાં એક પુસ્તક દેખાય છે. એેને લાગે છે કે રોજ એ એક જ સપનું જોઈ રહી છે, રોજ એક જ દિવસ જીવી રહી છે. આ સપનાંને કારણે એની ઊંઘ તદ્દન વેરાઈ ગઈ છે. કોઈએ એને સલાહ આપી કે તું કોઈ એવું પુસ્તક વાંચ જે સ્વપ્નમાં આવતાં પુસ્તકની અસરને મારી શકે. તો જ તને તારી ઊંઘ પાછી મળી શકશે! તેથી એ આ પુસ્તકોના મ્યુઝિયમમાં આવી છે…. અને પછી શરૂ થાય છે એ પુસ્તકની રોમાંચક શોધ!

તો… બળકટ વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે! છેલ્લે આપણે આપણી ભાષામાં ક્યારે નાવીન્યપૂર્ણ અને તાજગીભર્યો, અર્થઘન છતાંય રસપૂર્ણ નવલિકાસંગ્રહ વાંચ્યો હતો? અજય સરવૈયાનું પુસ્તક ‘ફેક્ટ એન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ’ આત્મવિશ્વાસપૂર્વક ગુજરાતી નવલિકા-વિશ્વમાં એક નવો અને બુલંદ અવાજ બનીને ઊપસે છે.

આ સંગ્રહમાં અગિયાર વાર્તાઓ છે. કેટલીક ટૂંકી તો કેટલીક પ્રલંબ. આ કથાઓ છેલ્લાં કેટલાંક વર્ષોેમાં જુદાં જુદાં સાહિત્યિક સામયિકોમાં છપાઈ છે, પણ અહીં એક સાથે એ સૌમાંથી પસાર થતાં જાણે કોઈ અલગ અને નક્કર પેટર્ન ઊભરી રહી હોય એવી અનુભૂતિ થાય છે. લેખક અઠ્ઠંગ પુસ્તકપ્રેમી છે. તેથી પુસ્તકો અને તેની સાથે સંકળાયેલું ભાવવિશ્વ આ સંગ્રહનો જાણે કે એક સ્થાયી ભાવ બની રહે છે. ‘જેની શરૂઆત નથી હોતી’ નવલિકામાં નાયક લાઈબ્રેરીમાં રોજ એક ચોક્કસ પુસ્તક વાંચવા જાય, પણ એનો એક ફકરો રોજ બદલાયા કરે. નાયક રોજ વાંચે ને રોજ એક ફકરો જુદો હોય. ‘આ વાર્તા પાનખરમાં નહીં વાંચતા’માં તો આખું પ્રકરણ, આખેઆખું પાત્ર ગાયબ થઈ જાય!

અહીં મેજિક રિઅલિઝમની આકર્ષક છટા છે. ખબર પણ ન પડે એવી રીતે વાસ્તવ રંગ બદલીને ફેન્ટસીમાં પરિવર્તિત થઈ જાય છે અને ફેન્ટસી મનના પડળો ભેદીને વિચારોને રણઝણાવે છે. વાર્તાને અંતે ચમત્કૃતિ હોય પણ ખરી અને ન પણ હોય. અહીં વાચકને ચમકાવી મૂકવાનો નહીં, પણ એને કદાચ એક ચોક્કસ એસ્થેટિક વાતાવરણમાં ખેંચી જવાનો ઉદેશ છે. એક નવલિકામાં કહેવાયું છે કે દરેક વાર્તાની ઘણી શરૂઆતો હોય છે ને ઘણા અંત. માટે દરેક વાર્તાની ભીતર બીજી ઘણી વાર્તાઓ હોય છે અને એક વાર્તામાંથી બીજી વાર્તા ઉદભવતી રહે છે. આ સંગ્રહનું પણ એવું જ છે. અહીં બધી નવલિકાઓ જાણે એકમેકમાં પરોવાઈને ઊભી છે, એ એકમેકનાં એક્સટેન્શન જેવી છે.

‘જગતનો નક્શો’ વાર્તા વળી રહસ્યરંગમાં ઝબોળાઈ છે. પ્રોફેસર કથાનાયકને અચાનક કોઈ અજાણી મધ્યવયસ્ક સ્ત્રીનો ફોન આવે છે. એ સ્ત્રીનો પતિ છ મહિનાથી સહસા ગાયબ થઈ ગયો છે. કોઈ જ સ્પષ્ટ કે અસ્પષ્ટ કારણ નહીં, કોઈ હિન્ટ પણ નહીં. સ્ત્રી કહે છે કે, ‘એ મારી દરેકેદરેક વસ્તુનું ધ્યાન રાખતા. એટલા પરફેક્ટ કે એ ખોટા હતા. તમે ઝાડને નિયમિત, ભૂલ્યા વગર પાણી આપતાં રહો તો એ ઊગે, ખીલે, પણ કોઈ વ્યક્તિ સાથે એટલા નિયમિત વર્તો તો એ વર્તન એનો અર્થ ગુમાવી બેસે. હું ચાહતી હતી કે એ મને ચકિત કરી મૂકે, આળસ કે કંટાળાના નામે ફરિયાદ કરે… પણ એ અકળાઈ ઉઠતા. હું ગુસ્સે થતી, ચીસો પાડતી કે એ કંઈક બોલે, જુદુ બોલે, જુદું કરે, મને ફટકારે, ગાળો ભાંડે, પણ એ ભીંતની જેમ બેસી રહેતા. જે રીતે છાપાં પર નજર ફેરવતાં એ જ રીતે મને જોઈ લેતાં…’

ખોવાયા એની આગલી રાતે અને થોડા દિવસોથી પતિદેવ વિખ્યાત ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખનાં ‘માપામુંડી’ સિરીઝનાં પેઈન્ટિંગ્સ જોતા હતા. કથાનાયકે આ સિરીઝનાં ચિત્રો પર લેખો લખ્યા હતા. માત્ર એથી જ, સ્ત્રીને કોણ જાણે કેમ લાગે છે કે ગુમશુદા પતિને શોધી કાઢવાનું જે કામ પોલીસ પણ કરી શકી નથી, એ કામ કરવામાં આ કથાનાયક સફળ થઈ શકશે!

આખાં પુસ્તકમાં લેખકના પ્રિય સર્જકો નિર્મલ વર્મા, બોર્હેસ, મિલાન કુન્દેરા વગેરે છૂટથી ઉલ્લેખ પામતા રહે છે. કથાઓમાં લેખકની જીવન વિશેની સમજ અને સુંદર વિચારકણિકાઓ પણ સહજ રીતે વણાતી ગઈ છે. જેમ કે, ‘ફેક્ટ અને ફિક્શન’ નવલિકામાં કહેવાયું છે:

‘સુખ એ ચમત્કાર છે, કારણ કે એ ઝાઝું નથી ટકતું. ટકી શકે પણ નહીં. નહીં તો એ સુખ નહીં રહે. જે બટકે નહીં, ભાંગીને ભૂકો ન થાય, ઓગળીને અદશ્ય ન થાય, એ સુખ કેવું? સુખ એ હંમેશા કશાકનું હોય છે. ક્યાંકથી આવે છે. થોડીવાર માટે, પછી ક્યાં જાય છે, કોઈ નથી જાણતું. સુખ હંમેશાં વાસ્તવ અને ભ્રમની વચ્ચે હોય છે. બીજી રીતે કહું તો, એ વાસ્તવ અને ભ્રમ વચ્ચેનો ભેદ ભૂંસી નાખે છે.’

‘સુખનું નામ નથી હોતું’ વાર્તાનો પ્રારંભ જુઓ:

‘દુખ આવતું નથી, હળવેથી કે વેશ બદલીને. દુખ વરસતું નથી, કે તૂટી પડતું નથી. દુખ નથી આગળ હોતું કે પાછળ નથી આવતું. દુખ સાથે પણ નથી હોતું. દુખ ફૂટી નીકળે છે, ઝબકી ઊઠે છે. જે ક્ષણોમાં અપેક્ષા નથી હોતી એ ક્ષણોમાં.’

આ વાર્તામાં આગળ લેખક કહે છે કે, ‘મળવું અને ગુમાવવું એક થઈ જાય ત્યારે સુખ અને દુખ વચ્ચેની રેખા ભૂંસાઈ જાય છે.’

આ જ વાર્તાનું ઓર એક અવતરણ જુઓ:

‘પ્રેમમાં વધારે શું કે ઓછું શું? કઈ રીતે નક્કી કરીશું? પછી ખબર પડી, પ્રેમમાં સંતુલન હોતું જ નથી. પ્રેમનું ત્રાજવું હંમેશાં ઊંચું કે નીચું, ઓછું કે વધારે જ રહેવાનું. અસંતુલનનો અર્થ જ એ કે તમે વ્યક્તિ તરીકે શ્વાસ લઈ રહ્યા છો, મથી રહ્યા છો, કે તમે હજી કોઈના તાબે થયા નથી. શું ઈશ્વર પણ અપૂર્ણ નથી? એ પણ સતત ઘડાતો નથી?’

લેખકે નવલિકાની પારંપરિક વિભાવનાઓથી સંપૂર્ણપણે તો નહીં, પણ બને એટલું અંતર જાળવીને આગવો લય પેદા કરવાની સફળ કોશિશ કરી છે. અહીં શાલીન પ્રયોગશીલતા છે, સ્થૂળ પ્રયોગખોરી નહીં. અહીં કશું જ દુર્બોધ કે ક્લિષ્ટ નથી, બલકે સુંદર પ્રવાહિતા છે. અલબત્ત, કોઈક જગ્યાએ નકરી માહિતી રસક્ષતિ જરૂર કરે છે. ઉપલક દષ્ટિએ આ વાર્તાઓમાં ભલે વિષય વૈવિધ્ય ન લાગે, પણ લગભગ ચમત્કારિક રીતે એનું હોવું-ન હોવું અહીં અપ્રસ્તુત બની ગયું છે. કદાચ વાર્તાઓની સળંગસૂત્રતાને કારણે જ પુસ્તક એક વિશિષ્ટ માહોલ ઊભો કરી શક્યો છે.

એમ. એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લિંગ્વિસ્ટિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત યુવા લેખક અજય સરવૈયાની લેખનયાત્રા ‘ગદ્યપર્વ’ અને ‘નવનીત સમર્પણ’ જેવાં સામયિકોથી થઈ હતી. એ ‘ચિત્રલેખા’ને કહે છે:

‘હું નવલિકા લખવા બેસું ત્યારે અંત સ્પષ્ટ ન હોય. જેમ જેમ આગળ લખાતું જાય એમ ક્રમશ: વાર્તા ઊઘડતી જાય. મને વાર્તા ફક્ત લખવા ખાતર લખવામાં રસ હોતો નથી. મારો પ્રયત્ન એવું સર્જન કરવાનો હોય છે – નવા અપ્રોચ, નવી સંકલ્પનાઓ, નવા પ્રયોગ – જેના થકી સંભવત: સાહિત્યમાં કશુંક ઉમેરાતું હોય. સત્યની શોધ આપણે મનોવિજ્ઞાનથી, ફિલોસોફીથી, ધાર્મિકતાથી કરતા હોઈએ છીએ, પણ કેટલાંક સત્યો એવાં છે જે કેવળ સાહિત્ય દ્વારા જ શોધી શકાય. મારાં લેખનની દિશા આ સત્યોને શોધવા તરફની છે.’

એક નિશ્ચિત સ્તરની સાહિત્યિક સજ્જતા ધરાવતા વાચકોને વારંવાર વાંચવું ગમે એવું પુસ્તક. ચીલાચાલુ ટાઈમપાસ વાર્તાઓના શોખીનોએ આ સંગ્રહથી દૂર રહેવું! 0 0 0

ફેક્ટ એન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ

લેખક: અજય સરવૈયા

પ્રકાશક:
સાહચર્ય પ્રકાશન-મુંબઈ,
નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ
ફોન: (૦૭૯) ૨૨૧૪ ૦૭૭૦

કિંમત: ૧૭૫ /-
પૃષ્ઠ: ૨૩૮

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.