Sun-Temple-Baanner

મહાન મેનેજમેન્ટ ગુરુ… મહાત્મા ગાંધી!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મહાન મેનેજમેન્ટ ગુરુ… મહાત્મા ગાંધી!


મહાન મેનેજમેન્ટ ગુરુ… મહાત્મા ગાંધી!

ચિત્રલેખા – અંક તા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૨

કોલમ: વાંચવા જેવું

* * * * *

સગા દીકરા સપરિવાર ઘરે આવે, આનંદોલ્લાસથી રહે અને આખરે વિદાય લે ત્યારે એમણે શું રહેવા-ખાવા-પીવાના ખર્ચનું બિલ ભરવાનું હોય? વાત જો ગાંધીજી અને કસ્તૂરબાની હોય તો જવાબ છે, હા. બાપુ માટે તો આશ્રમ જ એમનું ઘર હતું. આશ્રમ સાર્વજનિક ખર્ચે ચાલતો હોય. આથી ગાંધીજી-કસ્તૂરબાને મળવા સ્વજનો-સગાસંબંધી આવે ત્યારે એમનો ખર્ચ કોણ ઉઠાવે એ પ્રશ્ન કાયમ ઊભો થતો. બાપુ નિયમપાલનની બાબતમાં ભારે પાક્કા. એમણે તોડ કાઢ્યો: છોકરાઓ આવે, રહે અને આશ્રમમાંથી કોઈની સેવા લે એનો ખર્ચ એ આશ્રમને આપી દે.

કસ્તૂરબાને આ વાત કેટલી પીડાદાયી લાગતી હશે એ સમજી શકાય એમ છે, પણ આ કઠોર નિયમ એમણે કમને સ્વીકારી લીધો. દીકરાઓ આશ્રમમાં થોડા દિવસ રહીને પછી જવાનાં થાય ત્યારે બા ધીમે પગલે આશ્રમના વ્યવસ્થાપક પાસે જઈને કહેતાં: જુઓ, હવે આ લોકો જવાના છે. એમનું જ કંઈ ખરચ થયું હોય એનું બિલ એમને આપી દેજો…

કેટલું પારદર્શક મેનેજમેન્ટ! ગાંઘીજીને આશ્રમના ટીમ-લીડર તરીકે કલ્પો. જ્યારે કેપ્ટન ખુદ પોતાની જાત પર આટલા કડક નિયમ લાગુ પાડતો હોય ત્યારે એમના ટીમ-મેમ્બર્સ નિયમભંગ કરવાની હિંમત કરી શકે ખરા? ગાંધીજયંતિ હજુ તાજી તાજી છે ત્યારે આપણે ‘મેનેજમેન્ટ મહાત્મા’ પુસ્તકની વાત કરીએ. અહીં ગાંઘીજીનાં વિરાટ વ્યક્તિત્ત્વને એક વિશિષ્ટ દષ્ટિકોણથી નીરખવાનો પ્રયાસ થયો છે – એક મેનેજમેન્ટ ગુરુ સ્વરુપે. મેનેજમેન્ટ ગુરુનું મુખ્ય કર્તવ્ય શું? સ્વયં દષ્ટાંતરૂપ જીવન જીવીને લોકોને પ્રેરણા અને દિશા પૂરું પાડવાનું. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન એ જ તો કર્યંુ છે. સુકલકડી શરીરવાળા ગાંધીજીએ શી રીતે શક્તિશાળી અંગ્રજોને ભારતમાંથી હાંકી કાઢ્યા? શું આ માત્ર એમની અહિંસક લડતનો પ્રતાપ હતો? ના. આ જબરદસ્ત સિદ્ધિ પાછળ ગાંધીજીની એેક સાથે કેટલાંય કામ સાથે કરવાની આવડત અને મેનેજમેન્ટની તીવ્ર સૂઝ પણ કારણભૂત હતી.

પુસ્તકનો કોન્સેપ્ટ ખરેખર સુંદર છે. પુસ્તકને ૨૬ પ્રકરણોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે. એક પ્રકરણ દીઠ એક ગુણ. પ્રકરણનો પ્રારંભ સુંદર અવતરણથી થાય, પછી જે-તે ગુણને ઉજાગર કરતો ગાંધીજીના જીવનનો એકાદ પ્રસંગ આવે, ત્યાર બાદ મેનેજમેન્ટના સંદર્ભમાં તેની સરળ મીમાંસા થાય અને છેલ્લે અન્ય મહાનુભાવોની અનુભવવાણી. ઉદાહરણ તરીકે, ‘સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ’ પ્રકરણમાં નોંધાયું છે કે ગાંધીજીએ કોઈએ ભેટમાં આપેલા નહાવાનો પથ્થર લેવા માટે મનુબહેનને કેટલાય કિલોમીટર ચાલીને પાછો લેવા મોકલ્યાં હતાં. માત્ર એક લોટો પાણી અને પેપરથી જાજરુ કઈ રીતે સાફ કરી શકાય એ બાપુએ પોતાની ટીમને કરી દેખાડ્યું હતું. આ પ્રસંગ ટાંકીને આગળ કહેવાયું છે કે, ‘ટાંચા સાધનોથી પણ શ્રેષ્ઠ કામ લઈ શકાય છે. એક સફળ મેનેજર માનવ અને મશીન સહિતના તમામ ઉપલબ્ધ સંસાધનો પાસેથી એની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ કામગીરી લે છે. સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગનો મતલબ છે, દરેકને એની ક્ષમતા મુજબ જવાબદારીની વહેંચણી. જો સંસાધનોનો ઉત્તમોત્તમ ઉપયોગ કરવાની આવડત હોય તો કંપનીમાં કોઈ કટોકટી પેદા નહીં થાય.’

એક વાર વલ્લભભાઈ પટેલ એક વાર ગાંધીજી માટે ખજૂર ધોઈ રહ્યા હતા. એમણે બાપુને પૂછ્યું, બાપુ, કેટલા ધોઉં? બાપુ કહે, પંદર. વલ્લભભાઈને એમ કે બાપુ થોડા વધારે ખજૂર ખાય તો સારું. એમણે કહ્યું, પંદર અને વીસમાં શું ફેર? આ સાંભળીને બાપુ તરત બોલ્યા: તો દસ! કારણ કે દસ અને પંદરમાં પણ શું ફેર?

વાત કરકસરની છે, કંજૂસાઈની નહીં. અલબત્ત, માલિકે કર્મચારીઓના પગાર ઘટાડીને કરકસર કરવાની ભુલ કદી ન કરવી. વેતનમાં કરકસર થશે તો સ્ટાફના પર્ફોર્મન્સ પર એની અવળી અસર થશે. સંસ્થાની એવી કેટલીય બાબતો હશે જેમાં ખર્ચ ઘટાડી શકાય. જ્યાં એક માણસ, એક કમ્પ્યુટર કે એક ટ્યુબલાઈટથી ચાલતું હોય ત્યારે બે-ચાર માણસો, બે-ચાર કમ્પ્યુટરો ને બે-ચાર ટ્યુબલાઈટસના ઠઠારા શા માટે કરવા?
ટીમલીડર કમ્યુનિકેશનમાં કાચો પડે એ પણ ન ચાલે. ગાંધીજી કમ્યુનિકેશનના ખાં હતા. જે જમાનામાં રેડિયો કે ટીવી ન હતાં અને મોટાભાગના ભારતીયો અશિક્ષિત હતા ત્યારે ગાંધીજી જે રીતે આખા દેશ સાથે કમ્યુનિકેટ કરી શકતા હતા એ કોઈ ચમત્કારથી કમ નથી.

ગાંધીજી કાયમ રેલગાડીના ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા હતા એ જાણીતી વાત છે. એક વાર ગાંધીજીને ઢાકા જવાનું હતું. બન્યું એવું કે દાર્જિલિંગ-કલકત્તા મેલ દોઢ કલાક મોડો પડ્યો, કનેક્ટિંગ ટ્રેન છૂટી ગઈ. કોઈએ ડરતાં ડરતાં કહ્યું કે બાપુ, સ્પેશિયલ ટ્રેન કરીએ તો ઢાકા સમયસર પહોંચી શકાય, પણ સ્પેશિયલ ટ્રેનનું ભાડું ખૂબ વધી જશે. સૌના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘વાઈસરોયને આપેલો સમય જેટલી સખ્તાઈથી હું પાળતો હોઉં એટલી જ સખ્તાઈથી આપણા લોકોને મળવાનો સમય પણ મારે પાળવો જ જોઈએ!’ પોતાના પર આવેલ પરબીડિયાની બીજી બાજુનો પણ લખવા માટે ઉપયોગ કરી લેતો આ ‘કંજૂસ વાણિયો’ સમયપાલન માટે હજારો રુપિયા ખર્ચતા અચકાયો નહીં. કહેવાનું તાત્પર્ય એ કે સફળ મેનેજર ટાઈમ મેનેજમેન્ટ અંગે હંમેશાં સજાગ રહે છે. સમયસર કામ થાય છે ત્યારે જ આપણી એક વિશ્વાસુ અને કમિટેડ-નિષ્ઠાવાન માણસની છાપ ઊભી થાય છે.

પરખશક્તિ, શ્રેષ્ઠતા, જવાબદારી, નીડરતા… આ તમામ ગુણોને પુસ્તકમાં સરસ રીતે ચકાસવામાં આવ્યા છે. લેખક પરેશ પરમાર ‘ચિત્રલેખા’ને કહે છે:

‘મેનેજમેન્ટના ફન્ડા માત્ર કોર્પોરેટ ઓફિસો કે મોટા મેનેજરો માટે જ નથી હોતા. ચાર-પાંચ માણસનો સ્ટાફ ધરાવતી નાની ઓફિસ કે દુકાનના માલિકને પણ કુશળ સંચાલન કરવું પડે છે. અમારો ઉદ્દેશ મેનેજમેન્ટની હાર્ડકોર વાતો કરવાનો નહીં, પણ ગાંધીજીનો સંદર્ભ લઈને આમઆદમીને ઉપયોગી થઈ પડે એવું મેનેજમેન્ટનું હળવું પુસ્તક તૈયાર કરવાનો હતો.’

લેખક અને એમના ઊભરતા યુવા પ્રકાશક ચેતન સાંગાણીનો ઉદ્દેશ પાર પડ્યો છે. પુસ્તકમાં, અલબત્ત, કેટલીક દેખીતી ક્ષતિઓ રહી ગઈ છે, જે નવી આવૃત્તિમાં દૂર થઈ જવી જોઈએ. વિદ્યાર્થીઓથી માંડીને મેનેજરો અને ગૃહિણીથી માંડીને સીઈઓ સુધીના સૌ કોઈને ગમે એવું સુંદર પુસ્તક. ૦૦૦

મેનેજમેન્ટ મહાત્મા

લેખક: પરેશ પરમાર
પ્રકાશક: ડબલ્યુ.બી.જી. પબ્લિકેશન, અમદાવાદ
ફોન: ૦૯૧૭૩૨ ૪૩૩૧૧

કિંમત: – ૭૫ /-
પૃષ્ઠ: ૧૧૪

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.