Sun-Temple-Baanner

એકવીસમી સદીના ચેમ્પિયન્સ કોણ હશે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એકવીસમી સદીના ચેમ્પિયન્સ કોણ હશે?


એકવીસમી સદીના ચેમ્પિયન્સ કોણ હશે?

ચિત્રલેખા – અંક તા. 17 ડિસેમ્બર 2012

કોલમ: વાંચવા જેવું

* * * * *

ચાલો, એક સાવ સાદા સવાલનો જવાબ આપો. માણસ પોતાના કેટલા ટકા દિમાગનો ઉપયોગ કરે છે? તમારું જનરલ નોલેજ ઠીકઠાક હશે તો તમે તરત કહેશો: ૧૦ ટકા. આ ટકાવારી નીચે ઉતરીને ત્રણ ટકા સુધી જાય તો પણ જવાબ ‘સાચો’ ગણાશે, કારણ કે લેખકો, ઘર્મોપદેશકો, મનની શક્તિઓના મેનેજમેન્ટ ગુરુઓ, યોગાભ્યાસુઓ, સફળ સેલિબ્રિટીઓ અને કેટલાક ડોક્ટરો સુધ્ધાં વર્ષોથી આ વાત આપણા માથે હથોડાની જેમ સતત ફટકારતા આવ્યા છે. પણ આજના પુસ્તક ‘જય હો!’ના જોશીલા લેખક જય વસાવડાને પ્રચલિત સત્યોમાં રસ નથી. એ તરત પ્રતિ-પ્રશ્ન કરે છે:

‘આ બધા દિમાગી દહીં કરનારા વિદ્વાનોને પૂછો કે તમારી પાસે આ વાતનો શું આધાર-પૂરાવો છે? કોઈ અંગ્રેજી કિતાબનો હવાલો આપશે. કોઈ કહેશે ‘આધુનિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે…’ કયા વિજ્ઞાની? ક્યા પ્રયોગો? ક્યાં, ક્યારે, કેવી રીતે થયા? એવું બધું નહીં પૂછવાનું!… ટૂંકમાં, જાહેરમાં મોટા બ્રહ્મસત્યની અદામાં કોલર ટાઈટ કરીને જે માહિતી ફેંકી સુજ્ઞ જનતાને અચંબિત અને હતાશ કરી દેવાય છે, એવી આ ‘વૈજ્ઞાનિક માહિતી’ના આધાર-પુરાવા ઈન્ટરનેશનલ સાયન્સ પાસે તો ઠીક, સાદી અદાલતોમાં પણ માન્ય થાય એવા નથી હોતા! તો વૈજ્ઞાનિક રીતે માણસ પોતાના માત્ર ૧૦ ટકા દિમાગનો જ ઉપયોગ કરે છે એ વાત સાચી કે ખોટી? તો સાંભળી લો સાફ વાત: ખોટી, હળાહળ ખોટી. નરદમ જુઠ્ઠાણું. કપોળ કલ્પિત ગપ્પાથી વિશેષ કશું જ નહીં!’

આ એક આકર્ષક છટા છે આ પુસ્તકની. જે કંઈ સર્વસ્વીકૃત છે એની નીચે આંખ બંધ કરીને સહી કરતા રહેવાની જરૂર નથી. વિચારો, સવાલ કરો, તર્ક લડાવો, વાતમાં ઊંડે ઊતરો, મહેનત કરો અને પછી તમારા તારણ સુધી પહોંચો. અલબત્ત, આ પુસ્તકનું સૌથી મહત્ત્વનું પાસું તો વાચકને પાનો ચડાવી દે એવી એની મોટિવેશનલ ક્વોલિટી છે, જે એની ટેગલાઈનમાં પ્રતિબિંબિત થાય છે: ‘આઈ ડુ ઈઝ બેટર ધેન આઈ કયૂ’. પુસ્તકના ત્રણ ખંડોના શીર્ષકો જ ઘણું બધું કહી દે છે: સાહસ અને શોર્ય, તક અને તૈયારી, જીગર અને જિંદગી!

યુવા પેઢી પ્રત્યે લેખકને હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. ઊભરતા યંગસ્ટર્સને લક્ષ્યમાં રાખીને એમણે બેસ્ટ કરીઅર માટે મસ્ત ફોર્મ્યુલા પેશ કરી છે. યાને ટાઈમ, ટેસ્ટ અને ટ્રેઝર. જે-તે કરીઅર જમાવવા માટે જેટલો સમય આપવો પડે એ તમારી પાસે છે? એટલી ધીરજ છે? ટેસ્ટ એટલે પરીક્ષાવાળી ટેસ્ટ નહીં, પણ સ્વાદવાળો ટેસ્ટ. જે ક્ષેત્રમાં કરીઅર બનાવવું છે એમાં તીવ્ર રસ અને રુચિ છે? ન ગમતા ક્ષેત્રમાં રસ ન પડે. રસ ન પડે તો સમય ન અપાય. સમય ન અપાય તો ગુણવત્તા ન જળવાય. ગુણવત્તા ન જળવાય તો કશું યાદ ન રે. યાદ ન રહે તો નિષ્ણાત ન બનાય. નિષ્ણાત ન બનો તો કરીઅર ન બને! ત્રીજું, ટ્રેઝર. મતલબ કે ખજાનો, નાણાં. કરીઅર પૂરતા રિસોર્સીસ વગર કરીઅર ન બને. બૂક્સ, સીડી, ક્મ્પ્યુટર, ટ્રાવેલિંગ… આ બધું બેસ્ટ કરીઅર માટેનો ખર્ચ નહીં, પણ રોકાણ છે. આ રોકાણ તમે કરી શકો એમ છો?

વેલ, આ ત્રણેય ‘ટી’ તગડા હોય તો પણ કરીઅર આપણી ધાર્યો હતો એવો પરફેક્ટ આકાર ધારણ ન કરે, એમ બને. પરફેક્ટ કશું જ હોતું નથી. આપણે જેને ભગવાન ગણીને પૂજીએ છીએ એમનાં જીવન પણ ક્યાં પરફેક્ટ છે? માણસ થાકી જાય, કંટાળી જાય, હારી જાય, દર્દથી તૂટી જાય ત્યારે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે… પરંતુ રામ, કૃષ્ણ, મોહમ્મદ, જિસસ વગેરે દેવતાઈ અવતારોએ પણ જો દુખદર્દ, પીડાવેદના, આફતસંકટ આવતા હોય તો આપણું શું ગજું? પીડાદાયી પરિસ્થિતિમાં પીસાવું એક વાત થઈ, પણ જીવનથી હારી જઈને જીવન ટૂંકાવી દેવું એ તદ્દન જુદી વાત થઈ. એમાંય પરીક્ષાના પરિણામથી નાસીપાસ થઈને કે બીજા કોઈ પણ કારણસર ઊગીનો ઊભો થતો યુવાન આપઘાત કરે એના કરતા વધારે અફસોસજનક વાત બીજી કોઈ હોઈ ન શકે. લેખક કહે છે કે, ‘મોક્ષની ફ્રેન્ચાઈઝી ધરાવનારા ગુરુઓ પાપી પશ્ચિમને પેટ ભરીને વખોડ્યા બાદ ભવ્ય ભારતના ભરપૂર વખાણ કરે, ત્યારે એ સગવડપૂર્વક ગુપચાવી જાય છે કે વસતિ જ નહીં, રેશિયો મુજબ પણ જગતમાં સૌથી વધુ આત્મહત્યા કહેવાતા ‘સંતોષી અને સુખી’ ભારતમાં થાય છે!’

એકવીસમી સદીના ચેમ્પિયન્સ કોણ હશે? લેખકના મત મુજબ એ લોકો જેમની પાસે આ ‘ફાઈવ આઈ’ હશે- ઈમેજિનેશન, ઈન્ફર્મેશન, ઈન્ટેલિજન્સ, ઈનોવેશન અને ઈન્સાઈટ! અને કશું વાંચ્યા વિના આ દરવાજાની ચાવી ક્યાંથી મળશે? વાંચનની ટેવને તરફેણમાં લેખકે બિલકુલ યોગ્ય રીતે જોરશોરથી દાખલા-દલીલો પેશ કર્યા છે. એ કહે છે કે અમેરિકાને ગાળો આપતા આપતા આપણે ત્યાંથી મેકડોનાલ્ડ્સ ઉપાડી લાવ્યા, પણ બાર્ન્સ એન્ડ નોબલ્સ જેવા બૂકસ્ટોરની ચેઈન આપણને પચતી નથી! લેખકની સ્પષ્ટ માન્યતા છે કે રીડર બન્યા વગર લીડર થઈ શકાય જ નહીં. શાહરુખ ખાને એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘મુંબઈમાં મારાથી વધુ હેન્ડસમ દેખાતા લાખ છોકરાઓ છે, જે ડિઝાઈનર બ્રાન્ડેડ કપડાં પહેરે છે. ડાન્સ કે ઘોડેસવારી કરે છે. બોડીબિલ્ડર છે. પણ એ સવારે છાપું વાંચતા નથી. ધે ડોન્ટ નો, વોટ ઈઝ હેપનિંગ અરાઉન્ડ! માટે એ લોકોને સમજી શકતા નથી. એમને કળા કે સાહિત્યની સૂઝ નથી. માટે એ લોકો મેગાસ્ટાર નથી!’

પુસ્તકમાં સ્ટીવ જોબ્સ, બરાક ઓબામા અને હેરી પોટરનાં રચયિતાંની જે.કે. રોલિંગ જેવાં મહાનુભાવોની અફલાતૂન સ્પીચ મૂકીને લેખકે બહુ મજાનું કામ કર્યું છે. આ મૌલિક લેખોમાં જીવન વિશેની લેખકની સુંદર સમજ પણ સ્વાભાવિક રીતે વણાતી થઈ છે. જેમ કે, ‘સ્લમડોગ મિલિયોનેર’ વિશેના સુંદર લેખમાં કહેવાયું છે કે, ‘લાઈફની ક્વીઝના જવાબ જનરલ નોલેજની કિતાબોમાં નથી હોતા. એ જિંદગીના કાગળ પર વળતી કાળની ગડીઓથી સર્જાતા સળ જેવી ઘટનાઓની સ્મૃતિમાં હોય છે. જિંદગી એટલે કોઈ મોટો નેકલેસ નહીં, પણ નાના-નાના મોતીડાની માળા. ક્યારેક અગાઉ બનેલો એક સંબંધ, અગાઉ વાંચેલી એક વાત, અગાઉ જોયેલો એક કાર્યક્રમ, અગાઉ સાંભળેલો કોઈ શબ્દ… આ ફરી પાછા આપણને ભટકાઈને મળશે, તેનો અંદાજ માંડી શકાતો નથી!’

જય વસાવડા આગવી લેખનશૈલીથી આગળ નીકળી ચૂકેલા લેખક છે. એમની પોતીકી બ્રાન્ડ વિકસી ચૂકી છે. જીવનરસથી ધસમસતી, તેજસ્વી અને પ્રભાવશાળી. આ રુપકડાં પુસ્તકના પચાસ સંકલિત લેખોમાં એ પૂર્ણ કળાએ ખીલ્યા છે. બજારમાં એકધારા ઠલવાયા કરતાં પ્રેરણાદાયી પુસ્તકોમાંથી મોટા ભાગનામાં નથી નવી વાત કહેવાયેલી હોતી કે નથી રજૂઆતમાં તાજગી હોતી. એ બધા વચ્ચે ‘જય હો!’ સહજપણે વિશેષ ધ્યાન ખેંચે છે. નિ:શંકપણે એક કરતાં વધારે વખત વાંચવું અને વંચાવવું ગમે એવું સત્ત્વશીલ પુસ્તક. 00

જય હો!

લેખક: જય વસાવડા

પ્રકાશક:
રિમઝિમ ક્રિએશન્સ, ગોંડલ

વિક્રેતા:
નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧
ફોન: (૦૨૮૨૫) ૨૨૩૭૭૬, (૦૭૯) ૨૨૧૩ ૨૯૨૧

કિંમત: ૩૫૦ /-
પૃષ્ઠ: ૨૩૦

‘’

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.