વાંચવા જેવું : ડૂબશે તોયે દ્વારકા છે સનાતન
ચિત્રલેખા – અંક તા. જૂન ૨૦૧૩
કોલમ: વાંચવા જેવું
* * * * *
તમે દ્વારકા ગયા હો તો ક્યારેય પ્રશ્ન થયો છે કે શ્રીકૃષ્ણના પિતા વાસુદેવજીના મંદિરને દ્વારકાધીશ મંદિર સંકુલની અંદર શા માટે સ્થાન આપવામાં આવ્યું નથી? આ સવાલનો તર્કશુદ્ધ ખુલાસો એ છે કે શ્રીકૃષ્ણને સાત પટરાણી હતી. એમને પ્રાઈવસી મળી રહે અને મર્યાદાભંગ ન થાય તે માટે સસરાજીનું મંદિર મુખ્ય સંકુલની બહાર પશ્ચિમ દિશામાં સ્થાપવામાં આવ્યું, બ્રહ્મપુરી પાસે વાસુદેવ શેરીમાં! શ્ર્વસુરની બાજુમાં જ જેઠ બલદેવજી પણ બિરાજમાન છે! આજનાં પુસ્તક ‘દ્વારકા’માં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી છે.
ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી મૂળ દ્વારકાનું નામ હતું દ્વારાવતી. એને બીજાં નામો પણ હતા – કૃશસ્થલી, ઉષામંડલ, આનર્તપુરી વગેરે. કૃષ્ણેે ગોકુલ-મથુરાથી આવીને સમુદ્ર પાસેથી બાર યોજન જમીન સંપાદિત કરી, દ્વારાવતી નગરીની સ્થાપના કરી, લગાતાર ૧૦૦ વર્ષ સુધી એને પોતાની કર્મભૂમિ બનાવી હતી. દ્વારાવતી એટલે આદિકાળનું આ પ્રથમ લોકતાંત્રિક પ્રજાસત્તાક રાજ્ય. ‘પેરિપ્લસ’ નામની એક ગ્રીક સાગરકથા છે, જે ઈશુની પહેલી સદીમાં લખાઈ હતી. એમાં દ્વારકાનો ઉલ્લેખ ‘બરાકે’ તરીકે થયો છે. આ સાગરકથામાં જણાવ્યા પ્રમાણે આ પ્રદેશ કચ્છના નીચેના હિસ્સામાં તીક્ષ્ણ ખડકાળ કિનારાવાળા સાત ટાપુ સ્વરુપે અસ્તિત્ત્વ ધરાવતો હતો, જે કાળક્રમે રેતી તથા પરવાળા ભરાવાથી તેમજ ધરતીકંપ કે સુનામીની આપત્તિથી એક સળંગ ટાપુમાં પરિવર્તિત થતો ગયો. દ્વારકામાં ઉત્ખનન કાર્યો અને સાગર સંશોધનો થતાં રહે છે, પણ હજુ સુધી મૂળ દ્વારકાની ભાળ મળી નથી. અલબત્ત, હાલનું દ્વારકા કૃષ્ણએ વસાવેલા દ્વારકાની જગ્યા પર વસેલું છઠ્ઠું સંસ્કરણ છે એટલો સંતોષ પુરાતત્ત્વવેત્તાઓ લઈ રહ્યા છે. હાલની દ્વારકા ઓરિજિનલ દ્વારકા ન હોય તો શું થયું, શ્રદ્ધાળુઓ શ્રીકૃષ્ણના સ્પંદનો અહીં જરુર અનુભવી શકે છે. કદાચ તેથી જ કવિ ન્હાનાલાલે કૃષ્ણના મુખેથી બોલાવ્યું છે કે,
દ્વારકા મારી છે ને મારી રહેશે, કાળની કૃપાણ છેદશે નહીં અમને
દ્વારકાના શિખરે છું, હૈયામાં છું, ડૂબશે તોયે દ્વારકા છે સનાતન.
એમ તો ‘હું પણ દ્વારકા’ એવો દાવો કરતાં ઘણાં સ્થળો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, માધવપુર, કોડીનાર, વિસાવાળા, પિંડારા અને ડાકોર ઉપરાંત મૈસુર પાસે હડેબીડ, કેરળમાં ગુરુવાયુર, ચેન્નાઈમાં મન્નારગુડી, મારવાડમાં ખેડદ્વારકા, પંજાબમાં કાસુર તેમજ ઉત્તરપ્રદેશમાં લખનૌને પણ દ્વારકા માનવામાં આવે છે. સંશોધકોએ તો ભારત બહારનાં સ્થળોને મૂળ દ્વારકાની સંભાવના તરીકે પેશ કર્યા છે, જેમ કે, કંબોજની રાજધાની દ્વારકા, સિયામીની પ્રાચીન રાજધાની આયુથ્ય તથા અફઘાનીસ્તાનનું દારવાઝ.
જૂના જમાનામાં દ્વારકામાં બૌદ્ધો, જૈનો, ઈજિપ્શિયનો, આરબો પણ આવ્યા. દ્વારકાક્ષેત્ર પ્રાચીન કાળથી અનેક સંપ્રદાયોનું આશ્રયસ્થાન રહ્યું છે. એક સમયે અહીં વૈષ્ણવ સંપ્રદાયનો સુવર્ણયુગ પ્રવર્તમાન હતો. સૂર્યપૂજાની બોલબાલા હતી. ઈરાનથી આવેલા મગી બ્રાહ્મણો અહીં સૂર્યપૂજા તથા કર્મકાંડ સાથે લઈ આવ્યા હતા. મગી બ્રાહ્મણોમાંથી ઊતરી આવેલા અબોટી બ્રાહ્મણો આજે પણ આ પંથકમાં વસે છે. અબોટી બ્રાહ્મણ ઉપરાંત ગુગળી બ્રાહ્મણ, રાજગોર બ્રાહ્મણ, લોહાણા, ખારવા, રબારી, ચારણ, વાઘેર, આહીર તથા મુસ્લિમ ભડાલા અહીંની મૂળ પ્રજા. કહેવાય છે કે આમાંના કેટલાક શ્રીકૃષ્ણ સમયે મથુરાથી દ્વારકાથી આવેલા. અતિ કર્મકાંડને કારણે સૂર્યપૂજાને ઝાંખપ લાગી એટલે વૈષ્ણવ સંપ્રદાયે એને પોતાનામાં ભેળવી લીધી. તે પછી સૂર્યદેવ વૈષ્ણવ સંપ્રદાયનું મહત્ત્વનું અંગ બની દ્વારકામાં પૂજાતા રહ્યા. આ સંપ્રદાયે અહીં સાહિત્ય, સંગીત, ચિત્રકલા, મૂર્તિકલા, સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું છે.
શ્રાદ્ધક્રિયા માટે દ્વારકાની ગોમતી નદીનું મહાત્મ્ય અપરંપાર છે તે આપણે જાણીએ છીએ. બ્રહ્માની આજ્ઞાથી ગંગાજી ગોમતી નામ ધારણ કરીને દ્વારકાના કિનારે પ્રગટ થયાં હતાં. તેથી જ ગોમતીકિનારે બ્રહ્મકુંડનું સર્જન કરવામાં આવ્યું હશે. આજની તારીખે પણ અહીં બ્રહ્માની મૂર્તિનું પૂજન થાય છે. અહીં સ્નાન કરવાથી ગંગાસ્નાનનું પુણ્ય મળે છે. શાસ્ત્રો કહે છે કે ગોમતીકિનારે શ્રાદ્ધ કરવાથી મૃતકને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે! અહીં યાત્રીઓને સ્નાન સંકલ્પ કરાવવાનું કામ ગુગળી બ્રાહ્મણો કરે છે, તો દ્વારકાધીશ મંદિરના ઉત્તુંગ શિખરે ધ્વજારોહણનું કપરું કામ અબોટી બ્રાહ્મણો દ્વારા થાય છે.
મહાભારતકાળના અવશેષ સમાન ઊલૂખલ દ્વારકાની શાન છે. ઊલૂખલ એટલે પથ્થરમાંથી કોતરવામાં આવેલાં વિરાટ ખાંડણીયાં. આમાંના કેટલાય ખાંડણીયા તૂટી ગયા છે યા તો નાશ પામી રહ્યા છે. લેખક બિલકુલ વ્યાજબીપણે ચિંતા વ્યક્ત કરે છે કે દ્વારકાની અસ્મિતા જાળવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. દ્વારકા સંબંધિત પૌરાણિક – ધાર્મિક – ઐતિહાસિક સંદર્ભો ઉપરાંત દ્વારકાનાં વિવિધ મંદિર, કુંડ, વાવ, ગુપ્ત માર્ગ, આશ્રમ, સૂર્યમંદિર આસપાસનાં સ્થળ, દર્શનની સમયસારણી જેવી ચિક્કાર માહિતી ભારે જહેમતપૂર્વક લેખકે પુસ્તકમાં રજૂ કરી છે. એમણે દ્વારકા સંબંધિત જુદા જુદા સર્જકોની કવિતાઓ અને કાવ્યપંક્તિઓનો પણ સરસ ઉપયોગ કર્યો છે. જેમ કે, કવિ દયારામ એક જગ્યાએ કહે છે:
દ્વારકાપુરી પછી ગયો, જ્યાં સદા જગજીવન
ગોમતી સાગર ચક્રતીર્થે કર્યું સ્નેહે સ્નાન
શ્રી વિક્રમ માધવ પુરુષોત્તમ નિર્ખિયા કૃષ્ણ કલ્યાણ.
વડોદરાની એમ.એસ. યુનિર્વસિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચુકેલા સવજી છાયા લેખક ઉપરાંત ચિત્રકાર પણ છે. પુસ્તકનું વિશેષ આકર્ષણ એનાં ખૂબસૂરત રેખાંકનો છે, જે લેખકે ખુદ તૈયાર કર્યાં છે. આ પુસ્તક શ્રદ્ધાળુઓને ખૂબ ગમશે, પણ પુસ્તકનો માઈનસ પોઈન્ટ છે, એનું નબળું એડિટિંગ. વાચનસામગ્રીના વિભાજન અને ક્રમબદ્ધ ગોઠવણીમાં ખાસ્સી અરાજકતા છે, જે હવે પછીની આવૃત્તિઓમાં દૂર થઈ જવી જોઈએ. નબળાઈઓ સહિત પણ એક ઉત્તમ રેફરન્સ મટિરીયલ બની રહે એવું પુસ્તક. 000
દ્વારકા
લેખક-ચિત્રકાર: સવજી છાયા
પ્રકાશક-પ્રાપ્તિસ્થાન: સવજી છાયા, જગત મંદિર સામે, દ્વારકા -૩૬૧૩૩૫
ફોન: ૯૮૭૯૯ ૩૨૧૦૩
કિંમત: ૨૨૫
પાનાં: ૩૦૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply