આપણે શા માટે આપણી નબળાઈનું ઘમંડ કરીએ છીએ?
ચિત્રલેખા – સપ્ટેમ્બર ૨૦૧૩
કોલમ: વાંચવા જેવું
* * * * *
વાત સિંગાપોરની છે. એંસીના દાયકામાં અહીંના એક પ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો. તેની સામે પ્રથમદર્શી કેસ દાખલ કરવામાં આવ્યો. પોતે આ આરોપમાંથી બચી શકે એમ છે કે કેમ તેની ચર્ચા કરવા પ્રધાન વડાપ્રધાનને મળ્યો. વડાપ્રધાને સ્પષ્ઠ શબ્દોમાં કહી દીધું કે તમારી પોલિટિકલ કરીઅર હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તમને સજા થશે તે નિશ્ર્ચિત છે અને તમે ભવિષ્યમાં કદી ચૂંટણી લડી નહીં શકો. પ્રધાન ઘરે પાછો ફર્યો. પિસ્તોલની ગોળીથી લમણું વીંધીને એણે આત્મહત્યા કરી નાખી. આ ઘટનાથી સિંગાપોરના તમામ રાજકારણીઓને સંદેશ મળ્યો કે ભ્રષ્ટાચારને નહીં જ સાંખી લેવાય.
સિંગાપોર પ્રકારની સ્થિતિ આપણે ત્યાં કલ્પી શકાય છે? ભ્રષ્ટ નેતા આત્મહત્યા કરી લે એવું આપણે ન ઈચ્છીએ, પણ કમસેકમ એ પોતાની નફ્ટાઈ અને બેશરમી ઓછી કરે એવી અપેક્ષા પણ આપણે રાખી શકીએ એમ છીએ ખરા? આજે જેની ચર્ચા કરી રહ્યા છીએ તે ‘નહીં માફ નીચું નિશાન’ પુસ્તકમાં એન. આર. નારાયણ મૂર્તિએ સિંગાપોરનો કિસ્સો ટાંક્યો છે. આ પુસ્તક એટલે એમણે છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન દુનિયાભરમાં આપેલાં ૩૮ ચુનંદા વકતવ્યોનો સંગ્રહ. નારાયણ મૂર્તિ પ્રતિષ્ઠિત આઈટી ઈન્ડસ્ટ્રીઅલિસ્ટ છે, ઈન્ફોસિસ કંપનીના કો-ફાઉન્ડર છે. દેશના સૌથી આદરણીય અને બુદ્ધિમાન વ્યક્તિઓમાં એમનું સ્થાન છે. તેથી જ એ જ્યારે ગંભીરતાપૂર્વક કશુંક કહી રહ્યા હોય ત્યારે કાન દઈને સાંભળવાનું હોય.
ભ્રષ્ટાચારના મામલે નારાયણ મૂર્તિ આશાવાદી છે. એ માને છે કે જો જુદીજુદી કામગીરીમાંથી સરકારની સીધી દરમિયાનગીરી દૂર કરવામાં આવે તો કમસે કમ સરકારી સેવા ક્ષેત્રે ચાલતો ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે. દાખલા તરીકે, અગાઉ નાની ઈલેક્ટ્રોનિક કંપનીઓ ભ્રષ્ટાચારનો સૌથી વધુ ભોગ બનતી હતી, પણ સરકારે જેવું કમ્પ્યુટરના આયાત પરથી લાઈસન્સિંગ દૂર કર્યંુ કે તરત ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો. પાન નંબર ફાળવવાની પ્રક્રિયા સરકારે યુટીઆઈને સોંપી પછી કામગીરી ઝડપી પણ બની હતી અને ભષ્ટાચાર પણ દૂર થયો હતો. સરકાર અવનવી સ્કીમ બહાર પાડ્યે રાખે છે, જેના કારણે વ્યવસાયો માટે સરકારી મંજૂરીની આવશ્યકતા રહે છે. નારાયણમૂર્તિનું સૂચન છે કે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાડવા કેટલીક સેવા સરકારમાંથી ખસેડીને અર્ધસરકારી કે ખાનગી સંગઠનોને સોંપી દેવી જોઈએ.
નારાયણ મૂર્તિના કેટલાક વિચારો સ્વામી સચ્ચિદાનંદને યાદ અપાવે એવા છે. આંખ-કાન બંધ કરીને ‘મેરા ભારત મહાન… મેરા ભારત મહાન’ના ગીતડાં ગાતાં રહેતા લોકોને નારાયણ મૂર્તિ લપડાક લગાવતા કહે છે:
‘મેં ઘણો પ્રવાસ ખેડ્યો છે, પરંતુ મેં એવો એક પણ સમાજ નથી જોયો, જેણે ભારતની માફક આટલી ઓછી પ્રગતિ કરી હોવા છતાં વિકસિત સમાજોની નિંદા કરતો હોય. વર્તમાનમાં બહુ ઓછી સિદ્ધિ હાંસી કરી હોવા છતાં આપણે ભવ્ય ભૂતકાળને યાદ કરીકરીને બડાઈ હાંકયા કરીએ છીએ. પ્રગતિશીલ સમાજનું સૌથી અગત્યનું પરિબળ છે, આપણા કરતાં વધારે સફળતા મેળવનાર લોકોને આદરની દષ્ટિથી જોવું તેમ જ તેમની પાસેથી કશુંક શીખવાની અપેક્ષા સેવવી. આપણો બૌદ્ધિક ઘમંડ સમાજ માટે મદદરુપ નથી. આપણે આપણું વલણ બદલવું પડશે. આપણા કરતાં વધારે સારો દેખાવ કરનાર લોકોનું સાંભળવું પડશે, તેમની પાસેથી શીખવું પડશે અને તેના કરતા બહેતર દેખાવ કરવો પડશે. આપણે આપણી નિષ્ફળતા છાવરવા તર્કસંગત દલીલો આપ્યે રાખીએ છીએ. આવું કૌશલ્ય દુનિયાના બીજા કોઈ દેશ પાસે નથી!’
સમસ્યાનો ઉકેલ સામે દેખાતો હોવા છતાં આપણે શા માટે એનો અમલ કરતા નથી? આપણી ઉદાસીનતા પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે? નારાયણ મૂર્તિ કહે છે કે હજાર કરતાં વધારે વર્ષોથી વિદેશીઓએ આપણા પર શાસન કર્યું છે તેથી આપણી કદાચ એવી માનસિકતા બની ગઈ છે કે જાહેર કે સામાજિક પ્રશ્ર્નો બીજા કોઈના છે, તે ઉકેલવાની જવાબદારી આપણી નથી! પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની આપણી જવાબદારીમાંથી છટકવા માટે આપણે નસીબને દોષ દઈએ છીએ. અહમ, દંભ અને ઉપેક્ષા જેવા દુર્ગુણોએ આપણને સેંકડો વર્ષોથી ભીંસમાં લીધા છે.
નારાયણ મૂર્તિનું એક નિરીક્ષણ ઈન્ટરેસ્ટિંગ છે. એ કહે છે કે ભારતીય સમાજે વર્ષો સુધી પરિવાર પ્રત્યેની નિષ્ઠાને સમાજ પ્રત્યેની નિષ્ઠા કરતાં વધારે પ્રાથમિકતા આપી હતી. બીજી તરફ, પશ્ર્ચિમી સમાજે કુંટુંબ કરતાં સમાજ તરફની નિષ્ઠાને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. આ બન્ને સમુદાયોની સારી બાજુઓનું સંયોજન કરવાથી આપણે અપેક્ષિત ઉકેલ સુધી પહોંચી શકીશું. પશ્ર્ચિમમાં તમે ગમે તે હોદ્દા પર હો, પરંતુ તમે જે પ્રવૃત્તિ કરો છો, એ માટે માત્ર તમે જ જવાબદાર ગણાઓ છો. ભારતમાં તો તમે જેટલી ‘મહત્ત્વની’ વ્યક્તિ હો એટલી તમારી જવાબદારી ઓછી. શ્રમનું મહત્ત્વ એ પશ્ર્ચિમી મૂલ્ય-વ્યવસ્થાનું ઓર મહત્ત્વનું પાસું છે. પશ્ર્ચિમમાં લોકો પોતાનાં કાર્ય પ્રત્યે ગર્વ અનુભવતા હોય છે. ભારતમાં શારીરિક શ્રમને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે.
નારાયણ મૂર્તિના મૂળિયાં ભારતીય છે અને દષ્ટિકોણ ગ્લોબલ છે. એ આપણા દેશની વાસ્તવિકતાને આંતરરાષ્ટીય પરિમાણોથી ચકાસી શકે છે. આ દેશમાં ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકવાનો એકમાત્ર ઉપાય નોકરીની વધુ તકો સર્જવાનો છે અને તે માટે ઉદ્યોગ-સાહસિકતાને ઉત્તેજન આપવું આવશ્યક છે એવું એ દઢપણે માને છે. એમણે કહેલી એક વાત સૌએ ગાંઠે બાંધી લેવા જેવી છે: ‘આપણે જટિલ યુગમાં જીવી રહ્યા છીએ. સફળ થવા માટે એક કરતાં વધારે યોગ્યતા અને ખંતની જરુર પડે છે.’
નારાયણ મૂર્તિનાં પ્રવચન કરતી વખતે જરુરી આંકડા ટાંકે, મહાપુરુષો-વિચારકોનાં અવતરણો ટાંકે, પોતાના અનુભવોને વણી લે અને એ રીતે ગંભીર વિષયને પણ રસપ્રદ બનાવી દે. દેશવિદેશના વિદ્યાર્થીને કરાયેલાં ઉદબોધન, ગંભીર રાષ્ટ્રીય પ્રશ્રો, શિક્ષણ, નેતૃત્વ સામેના પડકાર વગેરે જેવે કેટલાય વિષયો પણ વ્યક્ત થયેલા એમના મૌલિક તેમજ અભ્યાસપૂર્ણ વિચાર વાંચવા જેવા છે. હેતલ સોંદરવાએ સમજપૂર્વક કરેલો ગુજરાતી અનુવાદ આ પુસ્તકનો પ્લસ પોઈન્ટ છે. સુંદર, વિચારશીલ અને ઉપયોગી પુસ્તક.
નહીં માફ નીચું નિશાન
લેખક: એન. આર. નારાયણમૂર્તિ
અનુવાદક: હેતલ સોંદરવા
પ્રકાશક :
આર.આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમત: ૨૨૫ /-
પૃષ્ઠ: 266
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply