Sun-Temple-Baanner

રઘુવીરોત્સવ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રઘુવીરોત્સવ


રઘુવીરોત્સવ

ચિત્રલેખા- અંક તા. 26 જાન્યુઆરી 2015

કોલમ: વાંચવા જેવું

‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?… કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’

* * * * *

હજુ ગયા શનિવારે, દસમી જાન્યુઆરીએ, અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં એક મસ્તમજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આપણી ભાષાના ઊંચા ગજાના સાહિત્યકાર રઘુવીર ચૌધરીના જીવન અને કર્મને કેન્દ્રમાં રાખીને લેખકમિત્રો અને સ્નેહીઓએ હૂંફાળો ઉત્સવ મનાવ્યો. આજે આપણે પણ ‘અમૃતાથી ધરાધાર’ પુસ્તક વિશે વાત કરતાં કરતાં એ જ કરવાના છીએ- રઘુવીર ચૌધરીનાં સર્જકત્વનું સેલિબ્રેશન.

આ પુસ્તક વાસ્તવમાં રધુવીર ચૌધરી અધ્યયનગ્રંથ શ્રેણીની બીજી દળદાર કડી છે. એમાં રઘુવીર ચૌધરી કૃત નાટક, કવિતા, નિબંધ, ચરિત્ર, વિવેચન, સંપાદન અને સંશોધન વિશે અન્ય જુદા જુદા સર્જક દ્વારા લખાયેલા લગભગ ૮૬ જેટલા રસપ્રચુર લેખોનો અફલાતૂન સંગ્રહ થયો છે. વિખ્યાત કલમોનો અહીં રીતસર મેળો જામ્યો છે. કેન્દ્રમાં છે, રઘુવીર ચૌધરી અને એમની લેખનયાત્રા.

‘ભૃગુલાંછન’ નિબંધસંગ્રહ વિશે વાત કરતી વખતે અશ્ર્વિન દેસાઈ સૌથી પહેલાં તો એક સવાલ કરે છે કે, ‘ગુજરાતી ભાષામાં લખતા ભારતીય પણ વૈશ્ર્વિક કક્ષાના સર્જકચિંતકો છે ખરા?’ અને પછી એનો સ્પષ્ટપણે જવાબ પણ આપી દે છે કે હા, છે. ગુજરાતી ભાષામાં સાંપ્રતકાળમાં જે ગણ્યાગાંઠ્યા સર્જકચિંતક છે, તેમાંના એક રઘુવીર ચૌધરી. એમની પોતીકી મુદ્રા અને નિજી સત્ત્વશીલતાના કારણે સાહિત્યના અનેકાનેક સ્વરુપોમાં થયેલું એમનું લેખન ગુજરાતી ભાષામાં હોવા છતાં તત્ત્વત: ભારતીય અને વૈશ્ર્વિક કક્ષાનું બની રહે છે.

વિનોદ ભટ્ટની નજરે એક વાર રઘુવીર ચૌધરીની એક સરસ ચેષ્ટા ચડી ગઈ હતી. બન્ને ગુજરાતી સાહિત્ય પરિષદના મેદાનમાં ઊભા હતા. વરસાદ પડી ગયા પછીની માટી રઘુવીરના બૂટ પર ચોંટી હતી. નીચા વળીને એક સાંઠીકડા વડે બૂટ પરની એ ભીની માટી ઉખાડીને રઘુવીર બોલ્યા: ‘પરિષદની માટી પણ ઘરે ન લઈ જવાય.’ આટલું નોંધીને વિનોદ ભટ્ટ ઉમેરે છે કે, ‘દર વર્ષે પરિષદ પાછળ એમને બારથી પંદર હજાર રુપિયા ઘરના વેઠતા મેં જોયા છે.’

રઘુવીર ચૌધરીએ દોરેલાં સુંદર કેટલાક સાહિત્યકારો વિશેનાં વ્યક્તિચિત્રો ‘સહરાની ભવ્યતા’માં સંગ્રહ પામ્યાં છે. આ પુસ્તક વિશેના લેખમાં પન્ના નાયક નોંધે છે:

‘રઘુવીરના સ્વભાવમાં રહેલું મશ્કરાપણું અથવા તો ગંભીર વાતને ક્ષણમાં હળવા કરી દેવાની ખૂબી વીજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. જેમ કે, સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે જ્યારે રઘુવીર ચૌધરી બે વરસની કામગીરી વિશે સ્નેહરશ્મિને પ્રશ્ર્ન પૂછે છે ત્યારે લાલચોળ થઈ ગયેલા સ્નેહરશ્મિ રઘુવીરભાઈને ‘તમે મધ્યસ્થના સભ્ય છો, તમે શું કર્યું?’ જેવા પશ્ર્નસ્વરુપે વળતો ઘા કરે છે. એ સમયે ખડખડાટ હસી પડતા રઘુવીર કેટલો માર્મિક જવાબ આપે છે- ‘કેમ, તમને સવાલ પૂછીએ છીએ એ ઓછું છે?

અકાદમી વિજેતા અને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા રધુવીર ચૌધરીએ ‘માનસથી લોકમાનસ’માં આલેખેલું મોરારિબાપુની જીવનચરિત્ર પણ ખાસ્સું વખણાયું છે. સૌરભ શાહે આખી રાત જાગીને આ પુસ્તક પુરું કર્યું હતું. પછી અંગત પ્રસન્નતા વ્યક્ત કરવા રઘુવીર ચૌધરીને પત્રમાં લખ્યું કે તમારા કલમે બાપુ જેવી વ્યક્તિનું જીવનચરિત્ર લખાય એટલે તમે ઘન્ય અને બાપુની વ્યાસપીઠને તમારા જેવા બાયોગ્રાફર મળે એટલે વ્યાસપીઠ ધન્ય!

રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલના કિસ્સામાં પણ એવું જ બન્યું છેને. ભોળાભાઈ પટેલ માણસાની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા ત્યારે રધુવીર એ જ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા એ જાણીતી વાત છે. રઘુવીરને ભોળાભાઈ જેવા ટીચર મળ્યા અને ભોળાભાઈને રઘુવીર જેવો સ્ટુડન્ટ મળ્યો. બન્ને ધન્ય!

ફક્ત ૨૭ વર્ષની ઉંમરે ‘અમૃતા’ જેવી વિચારપ્રધાન નવલકથા આપનાર રઘુવીર સૌધરીએ સાહિત્યસર્જનની શરુઆત કવિતાથી કરેલી. એમણે કવિતા પ્રમાણમાં ઓછી પણ નોંધપાત્ર કવિતા લખી છે.

હર્ષદ ત્રિવેદી અને રમેશ ર. દવેના સંગાથમાં અમદાવાદમાં ગયા શનિવારે પેલો કાર્યક્રમ યોજનાર કિરીદ દૂધાતે યોગ્ય જ લખ્યું છે કે ગાંધીયુગમાં આપણે ત્યાં સામાજિક ચેતનાની કવિતા રચવાનું અને પ્રમાણવાનું સહજ હતું, પણ પછી આધુનિકતાવાદની અસરમાં ચિત્ર પલટાયું. એ પણ એટલી હદે કે સમાજની વર્તમાન સમસ્યા વિશે કવિતા કરનારા ઊલટાના ઉપહાસને પાત્ર બનવા લાગ્યા. અલબત્ત, રઘુવીર ચૌધરીએ ગોઘરાકાંડ પછીના રમખાણોને કેન્દ્રમાં રાખીને ‘એક ગોળી મને પણ વાગી’ શીર્ષક હેઠળ ધારદાર કાવ્ય લખ્યું જ. આ કવિતાનું રસદર્શન કરાવતા કિરીત દૂધાત લખે છે કે, ‘કવિ રઘુવીરની આ અને આવી લોક-કવિતાઓ કાવ્યસૌંદર્યની કોઈ પણ શરતો તોડ્યા વગર સમાજચેતના-લોકચેતનાને સિદ્ધ કરતી રહે છે.’

આ સંદર્ભમાં કનુ ખડદિયાએ એક વાર પોતાનાં વકત્વ્યમાં ક્વોટ કરેલો રઘુવીર ચૌધરીની કેફિયતનો અંશ સાંભળાવા જેવો છે:

‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?… કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’

રઘુવીર ચૌધરીનાં પ્રવાસ વિષયક ચાર પુસ્તકોમાં એક ગુજરાત વિશે છે અને અન્ય ત્રણ બ્રિટન, અમેરિકા તેમજ ચીનના પ્રવાસ વિશે. ‘બારીમાંથી બ્રિટન’માં એક જગ્યાએ ત્યાંના શિયાળાનું વર્ણન કરતાં સુંદર વાક્ય લખ્યું છે કે, ‘શિયાળો વકર્યો હોય ત્યારે તો બધું સફેદ થઈ જાય. અલબત્ત, મૃત્યુ જેવું નહીં, પણ ચાંદની જેવું!’ રઘુવીર ચૌધરી કક્ષાનો સર્જક પ્રવાસવર્ણન લખે ત્યારે ભાવકને વિશેષ અનુભવ થતો હોય છે.

‘અમૃતાથી ધરાધામ’માં કેટલાં બધાં પ્રિય લેખકોએ રઘુવીર ચૌધરીનાં સર્જન વિશે લખ્યું છે. કોનું અવતરણ લેવું ને કોનું નહીં! મજાની વાત એ છે કે પુસ્તક કેવળ સાહિત્ય સ્વરુપો પર અટકી ગયું નથી, અહીં રઘુવીર ચૌધરીનાં વ્યક્તિત્ત્વની કેટલીય છટા સહજપણે ઝીલાઈ છે. પુસ્તકમાં ભરપૂર વિદ્વત્તા છે અને હૂંફ અને આત્મીયતાનાં સ્પંદન પણ છે. એને લીધે પુસ્તક વધારે આકર્ષક બન્યું છે. રઘુવીર ચૌધરીનાં પુત્રી અને પુત્રવધૂએ આ સંપાદન પાછળ કરેલી જહેમત સ્પષ્ટ દેખાય છે. રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથના પ્રથમ ભાગની ટૂંકી ઝલક પણ આવરી લેવાઈ હોત તો ઓર મજા પડત. દરેક સાહિત્યપ્રેમીની અંગત લાઈબ્રેરીમાં ફરજિયાતપણે હોવું પડે એવું સુંદર પુસ્તક. 0 0

* * * * *

અમૃતાથી ધરાધામ

સંપાદન: દષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી

પ્રકાશક :
રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ-૯
ફોન: (૦૭૯) ૨૭૯૧ ૩૩૪૪

કિંમત – ૩૬૦ /-
પૃષ્ઠ: ૪૯૨

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.