વાંચવા જેવું – લગ્નેતર સંબંધો સમાજમાન્ય બને તો શું થાય ?
ચિત્રલેખા- અંક તા. 15 જૂન ૨૦૧૫
કોલમ: વાંચવા જેવું
* * * * *
‘જો પત્ની જ પુરુષની પ્રેયસી તથા મિત્રની ભુમિકા સફળતાથી નિભાવી અને સ્વીકારી શકતી હોય તો એના કરતાં ઉત્તમ વાત આ જગતમાં બીજી કોઈ હોઈ ન શકે… પરંતુ ઘણી સ્ત્રીઓ લગ્નપછી અને ખાસ કરીને માતૃત્વ પામ્યા પછી જાતે જ પ્રેયસી-ભુમિકામાંથી ક્રમશ: વિથડ્રો થઈ જતી હોય છે. પતિ, કે જે મૂલત: પુરુષ છે, તેને માટે આ એક સૂક્ષ્મ હોનારત છે…’
ઓશો રજનીશ યુવાન હતા અને પ્રખર વિચારક તરીકે પ્રખર સ્થાપિત થવાની હજુ ઘણી વાર હતી ત્યારે એમની માતા એમને લગ્ન કરી લેવા માટે વારંવાર આગ્રહ કર્યાં કરતાં. રજનીશ પાસે એમને ચુપ કરાવવાનો અક્સીર ઉપાય હતો. એ માતાને સીધું પૂછતા કે, ‘સાચું કહેજે મા, તારા હૃદય પર હાથ મૂકીને સત્ય કહેજે કે તને તારા જીવનમાં લગ્નથી કંઈ સુખ મળ્યું છે? જો તારો જવાબ હા હોય તો જ મને પરણવાનો આગ્રહ કરજે.’ રજનીશની માતા આનો જવાબ હકારમાં નઆપી શક્યા. આખરે એમણે પુત્રનો સંસાર વસાવવાનો વિચાર જ આખરે મૂક્યો.
પ્રેમ, લગ્ન, લગ્નેતર સંબંધ, લફરાં, છૂટાછેડા આ બધાં બહુ જ નાજુક અને કોમ્પ્લીકેટેડ વિષયો છે. એના પર કલમ ચલાવવા માટે લેખકમાં ખૂબ બધી પરિપક્વતા અને સ્વસ્થતા જોઈએ. રજનીકુમાર પંડ્યાએ ૧૯૮૦ના દાયકામાં ‘લવસ્ટોરી’ નામનાં મેગેઝિનમાં આ બધા મુદ્દા પર લાંબી લેખમાળા લખી હતી. પછી આ લેખોને સમાવી લેતાં ત્રણ પુસ્તક કર્યા- ‘સંબંધ પ્રેમના’, ‘પરણ્યા એટલે…’ અને ‘લગ્નેતર સંબંધો’. આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘મહામંડપ’ પુસ્તક એટલે આ ત્રણેય પુસ્તકોનો સંગ્રહ.
લેખક કહે છે કે આપણને ગમે કે ન ગમે પરંતુ એક વાત તો આપણે સ્વીકારવી જ રહી કે લગ્નેતર સંબંધો આદિકાળથી માંડીને આજ સુધીના અને પછીના યુગની એક અપરિહાર્ય- ન ટાળી શકાય એવી- એક ઘટના છે, રહેશે. સમાજજીવનના વાડમાં લગ્નજીવનના છોડની સાથોસાથ આવા સંબંધોનું ઘાસ અનિવાર્યપણે, વિના પ્રયત્ને કુદરતી રીતે જ ઊગી નીકળે છે. ક્યારેક ક્યારેક તો એ ઘાસ મૂળ છોડ કરતાં પણ એક વેંત ઊંચું માથું કાઢે છે. તો ક્યારેક ઊગતા પહેલાં જ એને ડામી દેવામાં આવે છે. પણ એથી કરીને એક વનસ્પતિ તરીકેના એના અસ્તિત્ત્વને નકારી શકાય નહીં.
લગ્નો શા માટે નિષ્ફળ જાય છે? આ વિશે માત્ર લેખકના જ નહીં, પણ મૂળ લેખમાળાના વાચકો અને અન્ય આમંત્રિત લેખક-લેખિકાઓના વિચારો પણ આ પુસ્તકમાં પથરાયેલા છે. જાણીતા સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા કહે છે કે, ‘જો પત્ની જ પુરુષની પ્રેયસી તથા મિત્રની ભુમિકા સફળતાથી નિભાવી અને સ્વીકારી શકતી હોય તો એના કરતાં ઉત્તમ વાત આ જગતમાં બીજી કોઈ હોઈ ન શકે… પરંતુ ઘણી સ્ત્રીઓ લગ્નપછી અને ખાસ કરીને માતૃત્વ પામ્યા પછી જાતે જ પ્રેયસી-ભુમિકામાંથી ક્રમશ: વિથડ્રો થઈ જતી હોય છે. પતિ, કે જે મૂલત: પુરુષ છે, તેને માટે આ એક સૂક્ષ્મ હોનારત છે… પુરુષ લગ્ન પછી પત્ની સિવાયની સ્ત્રી સાથે કોઈક પ્રકારનો સંબંધ રાખે તો તેને હું સ્વાભાવિક- બલકે ઈષ્ટ લેખું છું. આવા સંબંધથી પુરુષને જીવન જીવવાનું કશુંક નવું રમણીય બળ મળી રહે છે. એવા પુરુષની પત્નીએ પણ પતિના આવા વર્તનથી પોતાને અન્યાય કે અનાદર થાય છે તેમ ન માનવા જેટલી સમજદારી, ઉદારતા અને ગરિમા બતાવવાં જોઈએ.’
રજનીશનો વિરોધ લગ્નસંસ્થા સામે હતો- સેક્સ સામે કે સંતતિ ઉત્પન્ન કરવા સામે નહીં. પંડ્યાજી નોંધે છે તેમ, આપણે હંમેશાં લગ્નને સેક્સ ભોગવવાનો પરવાનો માનતા આવ્યા છીએ અને એ જ કદાચ સૌથી મોટી પાયાની ભુલ લગ્નસંબંધના આયોજનમાં રહી ગઈ છે કે એના પડીકામાં સેક્સને પણ સામાન્ય વસ્તુની જેમ બાંધી દેવામાં આવી છે.
પ્રા. રમણ પાઠક તો શબ્દ ચોર્યા વગર સ્પષ્ટપણે કહે છે કે, ‘જાતીય આનંદની તીવ્ર ઈચ્છા એ સંપૂર્ણ કુદરતી છે જ્યારે લગ્નાદિ વ્યવસ્થાઓ અકુદરતી હોવાથી જ અસ્વાભાવિક છે અને એથી અત્યંત પ્રતિકૂળ નીવડે છે… લગ્નેતર સંબંધો જેવો આનંદ બીજા કશામાં નથી અને આવા સંબંધ જો સમાજમાન્ય બને તો ઘણા ઝઘડા અને છુટાછેડા ટાળી શકાય!’
શી રીતે? અમુક લગ્નેતર સંબંધો એક્ઝોસ્ટ વાલ્વ જેવા હોય છે. કેટલાકનું માનવું છે કે જીવનસાથી જો સુખ આપી શકે એમ ન હોય તો એને ક્ષમા આપવી અને ખુદ એ વસ્તુથી વંચિત રહીને કુંઠિત થઈ જવાને બદલે એ સુખ બહારથી મેળવી લેવું. આ રીતે સદા ઉત્તેજિત-ઊકળતું રહેતું મન શાંત રહેશે અને જીવનસાથી પ્રત્યે ફરિયાદનું કારણ ન રહેતા દામ્પત્યજીવનનો પાયો મજબૂત બનશે! સવાલ એ છે કે જો લગ્નેતર સંબંધો ખરેખર દામ્પત્યજીવન માટે ઉપકારક નીવડતા હોય તો માણસ એમાં શા માટે આટલું બધો અપરાધભાવ અનુભવે છે? શા માટે જીવનસાથી સાથે નિખાલસ કેપારદર્શક બની શકતો નથી? કવિ હરેન્દ્ર દવેએ ખૂબ બધી સંશોધનાત્મક વિગતો આપીને કહ્યું છે કે લગ્નેતર સંબંધને પાપ ગણવા કે એનાથી પોતાના પતિત્વ કે પત્નીત્વ પર ઘા થયેલો ગણવો- એ બધું માનસિક રીતે સાપેક્ષ હોય છે.
પુસ્તકમાં આડા-ઊભા-ત્રાંસા સંબંધોના અસંખ્ય કિસ્સા ટાંકવામાં આવ્યા છે. એક કિસ્સો એવો છે કે સમાજમાં જેમની સારા માણસો તરીકે ગણના થાય છે એવા એક નિ:સંતાન પ્રોઢ દંપતી પૈકી પુરુષ લગ્નેતર સંબંધો ધરાવે છે. નવાઈની વાત એ છે કે એની પત્ની ખુદ પતિને નવા નવા શિકાર શોધી લાવવામાં મદદરુપ બને છે! બીજા એક કિસ્સામાં, મહારાષ્ટ્રની એક કવયિત્રી એના સીધાસાદા પતિ પર સતત લફરાંનો જૂઠા આરોપ લગાવ્યા કરતી. મોડે મોડે પતિને ખબર પડી કે કવયિત્રી ખુદ લગ્નેતર સંબંધો ધરાવે છે. ચપળ બિલાડી જેવી ચાલાક પત્નીએ સંભળાવી દીધું કે એ તો હું તને પાઠ ભણાવવા માટે આવા સંબંધમાં પડી છું. જો તું મને વફાદાર રહ્યો હોત તો હું ય તને વફાદાર રહી હોત!
સો વાતની એક વાત એ છે કે લગ્નેતર સંબંધો દામ્પત્યજીવનમાં અશાંતિ સર્જ્યા વગર રહેતા નથી. જોેકે લેખક કહે છે કે પતિ અથવા પત્ની એકબીજાના આડા સંબંધો પ્રત્યે સહિષ્ણુતા કેળવી લે અવું કદાચ વરસો પછી આપણે ત્યાં પણ બનવા લાગે એવી પૂરી સંભાવના જ નથી, એવાં ચિહનો પણ દેખાય છે.
પુસ્તકમાં લગ્ન અને લગ્નેતર સંબંધોનાં સત્યને શક્ય તેટલા વધારે દષ્ટિકોણથી ચકાસવામાં આવ્યાં છે. આ પ્રકારની ચર્ચામાં સંતાન પર થતી અસર એક મહત્ત્વનું પાસું ગણાય, પણ એને અહીં સ્પર્શવામાં આવ્યું નથી. લેખકે આમ તો ઠીક ઠીક તટસ્થતા જાણવી રાખી છે, છતાંય પુસ્તક વાંચતી વખતે લગ્નેતર સંબંધોને વ્યાજબી ઠેરવતો એક સૂક્ષ્મ સૂર બેકગ્રાઉન્ડમાંથી સંભળાતો રહે છે. વાંચવું ગમે એવું રસપ્રદ પુસ્તક.
* * * * *
મહામંડપ
લેખક: રજનીકુમાર પંડ્યા
પ્રકાશક:
આર.આર.શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
ફોન: (૦૭૯) ૨૫૫૦૬૫૭૩, (૦૨૨)૨૨૦૧૩૪૪૧
કિંમત – ૩૫૦ /-
પૃષ્ઠ: ૪૧૮
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply