Sun-Temple-Baanner

પપ્પા એટલે ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પપ્પા એટલે ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ!


વાંચવા જેવું : પપ્પા એટલે ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ!

ચિત્રલેખા – અંક તા. ૧૪ મે ૨૦૧૨

કોલમ: વાંચવા જેવું

* * * * *

ટેબલની એક તરફ ગુજરાતી પત્રકારત્વના દંતકથારુપ તંત્રી સ્વ. હસમુખ ગાંધી બિરાજમાન છે. સામે ‘સમકાલીન’ દૈનિકમાં જોડાવા માટે અધીરાઈ અનુભવી રહેલો એક ઉત્સાહી નવયુવાન બેઠો છે. ગાંધીભાઈના આકરા ઈન્ટરવ્યુ અને લિખિત પરીક્ષામાંથી એ પસાર થઈ ચુક્યો છે. બસ, હવે અપોઈન્ટમેન્ટ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. અચાનક પર્સોનેલ ડિપાર્ટમેન્ટના ક્લર્કે ફોર્મમાં વિગત ભરવા માટે પૂછે છે: પિતાનો વ્યવસાય? યુવાને જવાબ આપે છે: ‘પિતાજી!’ ગાંધીભાઈ હસી પડે છે: અલ્યા, તારા બાપાનો વ્યવસાય પૂછે છે! યુવાન સ્થિરતાથી કહે છે: ‘ઔપચારિકતા ખાતર ‘અધ્યાપક’ લખી શકો, બાકી હી ઈઝ અ ફુલટાઈમ ફાધર…’ આ યુવાન એટલે અજય દલપતસિંહ ઉમટ, જે આજે છવીસ વર્ષ પછી ટોચના પત્રકાર તરીકે જાણીતા છે. એમને જર્નલિઝમમાં પા-પા પગલી માંડનાર એમના પિતાજી પ્રોફેસર ડી.એસ. ઉમટ જ!

પાર્ટટાઈમ પિતૃત્વ જેવું કશુંય હોય છે? પ્રસિદ્ધ વાર્તાકાર ડો. જયંત ખત્રીએ કહ્યું છે એમ, બાળક ક્યારેય એકલું જન્મતું નથી, સંતાનની સાથે એક પિતાનો જન્મ પણ થતો હોય છે… અને પછી પિતૃત્વ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સતત પુરુષની સાથે રહે છે. માતૃત્વનો મહિમા ખૂબ થયો છે, હંમેશાં થતો રહ્યો છે. પિતૃત્વનો મહિમા કરવામાં આપણે પાછળ રહી ન જવાય કદાચ એટલા માટે જ રાજ ભાસ્કર ‘લવ યુ મમ્મી’ પછી ‘લવ યુ પપ્પા’ નામનું દળદાર સંપાદન લઈને આવ્યા છે. અહીં જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાના પિતા વિશે દિલ ખોલીને લખ્યું છે.

આઈએએસ અધિકારી અનિતા કરવલે પંદર વર્ષનાં હતાં ત્યારે એક નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. એમણે પપ્પાને કહ્યું કે, તમારું ઈંગ્લિશ ખૂબ જ સરસ છે. મને આ એક નિબંધ લખી દેશો, પ્લીઝ? પપ્પાએ એમને બહુ સરસ જવાબ આપ્યો: ‘બેટા, તું જિંદગીમાં એક જ વખત જીતવા માગે છે કે પછી હંંમેશાં જીતવા માગે છે? જો તારે સ્કૂલમાં આ વર્ષ પૂરતા જ શ્રેષ્ઠ નિબંધલેખક બનવું હશે તો હું જરુર નિબંધ લખી આપીશ, પણ જો તારે જીવનમાં એક ઉત્તમ લેખક બનવું હશે તો એની શરુઆત આજથી જ કરવી પડશે!’

નાના-મોટા પ્રસંગે પિતાએ કહેલી આવી વાત કે એમના વર્તન-વ્યવહારમાંથી ઊપસતાં સત્યો પછી સંસ્કાર બનીને આજીવન આપણી સાથે રહેતાં હોય છે. અનિતા કરવલએ આગળ જઈને પછી પોતાના આઈએએસ અધિકારી પતિની સાથે મળીને ‘થિન્ક એવરેસ્ટ’ નામનું સુંદર પુસ્તક લખ્યું. પુત્રી ભલે પરણીને બીજા ઘરે જતી રહે, પણ પિતા સાથેનો એનો સંંબંધ ક્યારેય ભીનાશ ગુમાવતો નથી. દીકરી ભડભાદર થઈ જાય તોય પપ્પાની લાડલી જ રહે છે. એટલે જ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનાં દીકરી દષ્ટિ પટેલે કહ્યું છે કે, પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય! રેડિયો જોકી અદિતિએ તો પોતાના મોબાઈલની ફોનબુકમાં પપ્પાનું નામ જ ‘લવ યુ’ તરીકે સેવ કરેલું છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં શ્રીમતીજી અંજલિનું પાત્ર ભજવતી એક્ટ્રેસ નેહા મહેતા છલક-છલક થઈને કહે છે: મારા પપ્પા તો મને ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ છે!

પણ દીકરાની દુનિયા જુદી છે. દીકરા સાથે પિતાનું સમીકરણ પણ જરા જુદું હોય છે. પત્રકાર કાના બાંટવા કહે છે કે હું નાનપણમાં બાપાની આંગળી પકડીને ફર્યો હોઉં એવું પણ મને યાદ નથી. જૂની પેઢીમાં પુરુષોમાં કદાચ સંતાનને ખૂલીને વહાલ નહીં કરવાનો રિવાજ નહીં હોય! પિતા-પુત્ર વચ્ચે લાગણીની અભિવ્યક્તિ બોલકી રીતે પ્રગટ થઈ શકતી નથી. અધ્યાપક-કોલમનિસ્ટ મુકેશ મોદી શબ્દો ચોર્યા વગર કહે છે કે નાનપણમાં એમણે વર્ષો સુધી પોતાના સીધાસાદા પિતાજી અંગે ક્ષોભ અનુભવ્યો છે. એમને થાય કે એ બીજાઓના પપ્પા જેવા મોડર્ન અને સરસ જોબ કરતા સધ્ધર આદમી કેમ નથી? એવો પ્રસંગ જ ઊભો ન થવા દે કે બાપુજીએ સ્કૂલે આવવું પડે. ધોતિયું અને ખમીસ પહરેલા બાપા શાળાએ આવે તો કેવું લાગે! અલબત્ત, સમયની સાથે સમજદારી આવતી ગઈ અને પિતાજીને નિહાળતી દષ્ટિ બદલાતી ગઈ. એ લખે છે: ‘બાપુજી માટે ‘લવ યુ ડેડી’ એવો ભાવ નીકળતો નથી. મમ્મી માટે ‘લવ યુ મમ્મી’ સ્વાભાવિક હશે.પપ્પા માટે મને લવ કરતાં સેલ્યુટ શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે.’

હાસ્યકાર જગદીશ ત્રિવેદી બે-અઢી વર્ષના હતા ત્યારે પિતાજીના મોટા ભાઈ-ભાભી એમને પોતાની સાથે લઈ ગયા હતા ને પછી સગા દીકરાની જેમ મોટા કર્યા. એ પાંચ-સાત વર્ષના થયા ત્યારે કોઈ ખણખોદિયા બ્રાહ્મણે એમને કહી દીધું કે તુું જેને બા અને બાપા કહે છે એ તો તારા દાદા ને ભાભુ છે, તારાં સગાં મા-બાપ તો થાનગઢ રહે છે! બાળ જગદીશને પહેલાં આઘાત લાગ્યો અને પછી ડર બેસી ગયો: મને થાનગઢ લઈ જશે તો મારાં આ મા-બાપ વગર હું કેવી રીતે રહી શકીશ? સદભાગ્યે એવું ન બન્યું. જગદીશ ત્રિવેદીની કુંડળીમાં મા-બાપની બબ્બે જોડીનો પ્રેમ લખાયો હતો. પિતા ક્યારેક બાપ ઉપરાંત પણ બીજું ઘણું બધું હોય છે. જેમ કે, ‘હિપ્નોટિઝમનું બીજું નામ’નું બિરુદ પામેલા ડો. પી.ટી. ભીમાણીને એમના સાઈકોલોજિસ્ટ પુત્ર ડો. પ્રશાંત ભીમાણી ગુરુ તરીકે નિહાળે છે.

તદ્દન ભીમાણી બાપ-બેટાની માફક તો નહીં, પણ સંજય છેલનું ફિલ્ડ એમના પપ્પાના કર્મક્ષેત્રથી નિકટ જરુર છે. એમના પપ્પા એટલે છેલભાઈ વાયડા. રંગભૂમિની વિખ્યાત આર્ટ-ડિરેક્ટર જોડી છેલ-પરેશમાંના એક. સંજય લખે છે કે, ‘એ ભાગ્યે જ મારી ફિલ્મો, સિરિયલો વગેરે જુએ છે અને જુએ છે ત્યારે ભાગ્યે જ એમને ગમે છે. પણ મારે એમનાં નાટકોની ટીકા નહીં કરવાની અને એમણે મારી ફિલ્મોની એવી અમારા વચ્ચે મૂંગી સમજૂતિ છે!’

કહે છેને કે માતા પગ ધરતી છે તો પિતા માથા પરનું આસમાન. શું પિતાનાં મૃત્યુ પછી ઘરનો મોટો દીકરો એમનું સ્થાન લઈ શકતો હોય છે? કદાચ, ના. અંગત અનુભવના આધારે પત્રકાર-લેખક નરેશ શાહનો આ જ નીચોડ છે કે સમજણથી, સાહસથી, નસીબથી કે મહેનતથી તમે ગમે તે બની શકો છો, પણ તમે તમારા ‘બાપ’ બની શકતા નથી! મૃત્યુ પામેલા પિતાનું સ્થાન ઘરમાં હંમેશાં ખાલી જ રહે છે! આટલું કહીને લેખક ઉમેરે છે કે, ‘મા લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી.’

પુસ્તકમાં કુલ ૫૧ લેખો છે, જેમાં પિતા અને સંતાન વચ્ચેના સંબંધના ઘણા શેડ્ઝ આકર્ષક રીતે ઝિલાયા છે. આ પ્રકારના પુસ્તકનાં લખાણ પર મેલોડ્રામેટિક બની જવાનું અને ‘પિતૃ દેવો ભવ… મેરે ડેડી મહાન’ પ્રકારની લાગણીમાં વહી જવાનું મોટું જોખમ તોળાતું હોય છે. આ પુસ્તકની સારી વાત એ છે કે અમુક લેખોને બાદ કરતા ઘણાખરા કિસ્સામાં લેખકો સંયમિત રહી શક્યા છે અને ઈમોશનલ ઓવરડોઝથી બચી શક્યા છે. રિપીટેશન યા તો એકની એક ભાવસ્થિતિનું પુનરાવર્તન એ બીજું ભયસ્થાન છે. ખરેખર તો મા, દીકરી વગેરે સંબંધોને કેન્દ્રમાં રાખીને તૈયાર થતાં આ પ્રકારનાં સંપાદનો સ્વયં રિપીટેશનનો ભોગ બનીને નાવીન્ય ગુમાવી ચુક્યા છે. ખેર, સ્વતંત્રપણે ‘લવ યુ પપ્પા’ એક સુંદર અને ગમી જાય એવું સંપાદન બની શક્યું છે.

લવ યુ પપ્પા

સંપાદક: રાજ ભાસ્કર

પ્રકાશક:
બુકશેલ્ફ, અમદાવાદ-૯ અને નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ
ફોન: (૦૭૯) ૨૬પ૬ ૩૭૦૬, (૦૨૨)૨૨૦૧ ૭૨૧૩

કિંમત: ૩૫૦ /-
પૃષ્ઠ: ૨૪૨

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.