સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી
ચિત્રલેખા – અંક તા. એપ્રિલ ૨૦૧૬
કોલમ: વાંચવા જેવું
‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો… જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’
* * * * *
‘હું ગુરુ નથી, હું ચિકિત્સક છું. હું તમારા ડોક્ટર અને સાઈકિયાટ્રિસ્ટ કરતાં વધુ સારી રીતે તમારા પર કામ કરી શકું છું…’
આ આનંદમૂર્તિ ગુરુમાના શબ્દો છે અને આજે જેની વાત કરવી છે એ ‘માઈન્ડ મેનેજમેન્ટ’ પુસ્તક એમની આ વાતનું પ્રમાણ છે. ધર્મનાં નામે શરમજનક નૌટંકી કરતા ક્રિમિનલ-માઈન્ડેડ ધર્મગુરુઓ છાશવારે ઉત્પાત મચાવતા રહે છે એવા માહોલમાં આનંદમૂર્તિ ગુરુમા જેવાં જેન્યુઈન અને પ્રભાવશાળી સ્પિરિચ્યુઅલ લીડર્સનું મહત્ત્વ આપોઆપ વધી જાય છે.
સામાન્ય છાપ તો એવી છે કે કોઈ ધર્મગુરુનું પ્રવચન એટલે આત્મા, પરમાત્મા ને એવી બધી વાતોનું બોમ્બાર્ડિંગ. ગુરુમા આ બીબાઢાળ છાપનો ભાંગીને ભુક્કો બોલાવી દે છે. એ કહે છે:
‘ભગવાન જેવું કશુંક છે એ ફક્ત તમારું અનુમાન છે. આત્મા પણ અનુમાનની જ વસ્તુ છે. તો પછી આપણા માટે સચ્ચાઈ કે હકીકત શું છે? તમારી સચ્ચાઈ તમારું શરીર છે, તમારું ઘર છે, તમારી નોકરી છે, તમારી બીમારીઓ છે. તમારી સચ્ચાઈ તમારી વધી ગયેલી સુગર છે, તમારું બ્લડપ્રેશર, તમારો હાર્ટ-એટેક, કબજિયાત, માથાનો દુખાવો, માઈગ્રેન – આ બધા તમારા વાસ્તવિક અનુભવો છે.’
ગુરુમા સ્પષ્ટપણે કહે છે કે ઈશ્ર્વરને જાણવાનું બાજુએ મૂકો, પહેલાં પોતાનાં મનને જાણો. આ મન કઈ રીતે કામ કરે છે?
આપણે ચિંતા કરીએ છીએ ત્યારે આપણને ખબર ન પડે એ રીતે રોગ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા પણ સાથે સાથે કરતા હોઈએ છીએ. જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણી એડ્રિનલ ગ્રંથિ એક્ટિવ થઈ જાય છે. આ ગ્રંથિ એવાં રસાયણ ફેંકે છે જે શરીરને માટે ખૂબ નુક્સાનકારક હોય. દુખ, હતાશા કે ચિંતાને લીધે રાતે ઊંઘ ન આવે તો આખાં શરીરનું તંત્ર ખોરવાઈ જાય છે. એક રાતની અનિદ્રાને કારણે થયેલાં નુક્સાનને ભરપાઈ કરવા શરીરને સાતથી દસ દિવસ સુધી વધારાનું કામ કરવું પડે છે!
બે ઈન્દ્રિય એવી છે જેના સુખ માટે માણસ ખૂબ કાર્યરત રહે છે. એક છે, જીભ. જીભનું કામ છે, બોલવું અને સ્વાદ લેવો. બીજી ઈન્દ્રિય છે, જનનેન્દ્રિય. સેક્સની ભૂખ ક્યારેક બુઢાપામાં પણ શમતી નથી. માણસનાં મનમાંથી સેક્સના વિચારો હટવાનું નામ લેતા નથી. આ બે ઈન્દ્રિયો માણસના બધા પૈસા, શક્તિ અને વિચારો પર કબ્જો જમાવી દે છે. ગુરુમા કહે છે કે દરેક વસ્તુ એના સમય, સ્થળ અને જરુરિયાત અનુસાર હોય તો સારી જ છે, પણ સમસ્યા ત્યારે શરુ થાય છે જ્યારે પ્રમાણભાન જળવાતું નથી. ખોરાક ખાઓ, પણ ખાવા વિશે વિચારતા જ રહો તો એ પ્રોબ્લેમ છે. એ જ રીતે સેક્સ ખરાબ નથી, પણ સેક્સ વિશે વિચારો ચાલતા જ રહે તો એ ગરબડ છે.
મનમાં બેફામપણે ચાલતા વિચારોને લીધે માણસ સંતાપમાં રહે છે. મનમાં એક વાર નેગેટિવ વિચારોનું ચક્ર શરુ થાય છે પછી જાતે જ ગતિ પકડી લે છે. આપણે એમાં ઘસડાતા રહીએ છીએ અને ફસડાઈ પડીએ છીએ. ગુરમા કહે છે કે જો તમને તમારા પોતાનાં જ માઈન્ડને મેનેજ કરતાં આવડતું ન હોય તો તમારું મન તમને બીમાર કરી દેવા માટે અને મૃત્યુની નજીક લઈ જવા સક્ષમ છે.
‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી,’ ગુરુમા આગ્રહપૂર્વક કહે છે, ‘એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો… જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’
ગુરુમા તન-મનને સ્વસ્થ રાખવાના ત્રણ સોનેરી નિયમ આપે છે.
પહેલો નિયમ – સૂર્યોેદય પહેલાં જાગી જાઓ અને યોગાસન કરો. સૂર્યનમસ્કાર, પશ્ર્ચિમોત્તાનાસન, જાનુશીર્ષાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, ભુજંગાસન, મંડૂકાસન… બસ આટલાં જ. વધુ નહીં. જો તમે આટલાં આસન કરો તો તમને ક્યારેય સ્પોન્ડેલાઈટીસ, કમર કે પીઠનો દુખાવો, પાચનતંત્રની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રન નહીં થાય. બ્લડપ્રેશરની વ્યાધિ નહીં થાય.
બીજો સુવર્ણ નિયમ – કરોડરજ્જુ ટટ્ટાર રાખીને બેસો અને પ્રાણાયામ કરો. પ્રાણાયામની સાથે સાથે મંત્રજાપ કરો. ગુરુ પાસેથી મંત્ર લીધો ન હોય તો ‘ઓમ’નો જાપ કરો. મંત્રના ધ્વનિતરંગોથી તમારી એન્ડોક્રાઈનલ સિસ્ટમ (વિવિધ શારીરિક ગ્રંથિઓની કાર્યપ્રણાલિ) સંતુલિત રહે છે.
તમે જેટલા યોગાસન, ધ્યાન, પ્રાણાયામ કરતા જશો એમ તમે બેફિકર થવા માંડશો, ગાઢ નિંદ્રા આવવા માંડશેસ વાતોમાં વિહવળ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, મુંઝાશો નહીં તેમજ સમસ્યાઓને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકશો.
… અને સુવર્ણ નિયમ નંબર ત્રણ – શુદ્ધ પ્રેમનો અનુભવ કરો. નિર્ભેેળ અને નિતાંત પ્રેમના સાગરમાં ડૂબકી લાગે છે પછી ભીતર એક એવી મસ્તી, એક એવી બેપરવાહી, એક એવું સુકૂન, એક એવી આગ પ્રગટે છે કે પછી તમારા પગમાં હંમેશાં નર્તનમાં થિરકતા રહે છે. આવા દિવ્ય અને અપેક્ષારહિત પ્રેમનો અનુભવ સાચો ગુરુ કરાવી શકે છે.
પુસ્તકમાં જીવન જીવવાની કલા શીખવતી આવી વાતોનો આખો ખજાનો છે. ‘માઈન્ડ મેેનેજમેન્ટ’ વાસ્તવમાં ગુરુમાએ અમેરિકામાં આપેલાં પ્રવચનોની શ્રૃંખલાનું પુસ્તક સ્વરુપ છે. અંગ્રેજીમિશ્રિત હિન્દીમાં અપાયેલાં આ વકતવ્યોને ગીતા માણેકે અત્યંત સૂઝપૂર્વક રસાળ અને પ્રવાહી ગુજરાતીમાં મૂકી આપ્યાં છે. આ પુસ્તકમાંથી પસાર થશો એટલે આ શૃંખલાની આગલી કડી ‘માઈન્ડનું મેકેનિઝમ’ અને ‘મનનું દર્પણ’ વાંચવાનું મન થયા વગર રહેશે નહીં એ તો નક્કી. 0 0 0
* * * * *
માઈન્ડ મેનેજમેન્ટ
લેખિકા: આનંદમૂર્તિ ગુરુમા
સંકલનકાર: ગીતા માણેક
પ્રકાશક:
નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૨,અમદાવાદ-૧
ફોન: (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪૪૬૬૩
કિંમત: Rs. ૨૦૦ /-
પૃષ્ઠ: ૨૨૨
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Apr, 2016 )
Leave a Reply