વડોદરાના મહારાજા સયાજીરાવે એવું તો શું કર્યું કે પ્રજા હજી તેમને યાદ કરે છે?
ચિત્રલેખા – જુલાઈ ૨૦૧૬
કોલમ – વાંચવા જેવું
જગતભરના ઈતિહાસ પર નજર કરો તો છેલ્લાં એક હજાર વર્ષમાં ફક્ત પાંચ જ શાસકોને જ દીર્ઘ શાસનનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે – ફ્રાન્સના લુઈ ચૌદમા ૭૨ વર્ષ, ઓસ્ટ્રિયાના ફ્રાન્સિસ ૬૮ વર્ષ અને ઈંગ્લેન્ડના જ્યોર્જ ત્રીજા ૬૭ વર્ષ, બ્રિટનના સમ્રાજ્ઞી ૬૪ વર્ષ અને પાંચમા શ્રીમંત સયાજીરાવ ત્રીજા ૬૪ વર્ષ. હિન્દુસ્તાનના ઈતિહાસમાં તો આ આવી એકમાત્ર ઘટના છે.
* * * * *
જરા કલ્પના કરો. નાસિક પાસેનાં નાનકડાં કવલણા ગામમાં કાશીરાવ નામના સામાન્ય જાગીરદાર વસે છે. એમનો ગોપાળરાવ નામનો દીકરો આખો દિવસ રમ્યા કરે અને ગાયો ચરાવવાનું કામ કરે. કિશોર બાર વર્ષનો થાય છે ને અચાનક એક પ્રતિષ્ઠિત રાજઘરાના દ્વારા એને દત્તક લઈને રાજમહેલમાં રાખવામાં આવે છે. સગાસંબંધીઓ તો ઠીક, જન્મ આપનાર સગાં માતા-પિતાને મળવાની પણ એને મનાઈ છે. એને પદ્ધતિસરનું શિક્ષણ અને રાજકાજની તાલીમ આપવાનું શરુ થઈ જાય છે. છ જ વર્ષની સઘન તાલીમ બાદ ફક્ત અઢાર વર્ષની વયે તેનો રાજ્યાભિષેક થાય છે. આ લબરમૂછિયો જુવાન એટલે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા!
મહારાજા સયાજીરાવ ત્રીજા એક ઉત્કૃષ્ટ રાજવી હતા તે સર્વસ્વીકૃત સત્ય છે, પણ એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચુકેલા લૉર્ડ ભીખુ પારેખ કહે છે એમ, સયાજીરાવ ગાયકવાડની બહુમુખી પ્રતિભાને આપણે સંપૂર્ણપણે મુલવી શક્યા નથી. ખાસ કરીને ન્યાય ક્ષેત્રે તેમણે જે અદભુત કામગીરી કરી છે તેના વિશે વ્યવસ્થિત દસ્તાવેજીકરણ થયું નથી. એક વ્યક્તિએ એકલા હાથે એવું તો શું કર્યું કે પ્રજા હજી તેમના ગુણોને યાદ કરે છે? સયાજીરાવના શાસનકાળ દરમિયાન કાયદાઓ શી રીતે ઘડાયા? તેમાં ક્રમશ – સુધારા ક્યારે અને શા કારણે થયા? આ બધા પ્રશ્ર્નોના જવાબોનું શોધવાનો પ્રયાસ આજનાં પુસ્તકમાં થયો છે.
લેખક કહે છે કે શ્રીમંત સયાજીરાવ ત્રીજા અગાઉના ૧૫૦ વર્ષનો ઈતિહાસ ગાયકવાડી શાસનનો અંધકારયુગ તરીકે ઓળખાતો હતો અને તે પછીના ૧૦૦ વર્ષ શ્રીમંત સયાજીરાવ ત્રીજાએ મેળવેલ સિદ્ધિઓમાં વૃદ્ધિ તો ન થઈ શકી, પરંતુ તેમની જાળવણીમાં પૂરતું ધ્યાન આપી શકાયું નથી. આ સંદર્ભે સયાજીરાવ ત્રીજાના ૬૪ વર્ષના સુદીર્ઘ શાસનની પ્રશંસા થાય તે બૌદ્ધિક અભિગમથી પણ સ્વીકૃત અને આવકાર્ય છે. જગતભરના ઈતિહાસ પર નજર કરો તો છેલ્લાં એક હજાર વર્ષમાં ફક્ત પાંચ જ શાસકોને આવું દીર્ઘ શાસનનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે – ફ્રાન્સના લુઈ ચૌદમા ૭૨ વર્ષ, ઓસ્ટ્રિયાના ફ્રાન્સિસ ૬૮ વર્ષ અને ઈંગ્લેન્ડના જ્યોર્જ ત્રીજા ૬૭ વર્ષ, બ્રિટનના સમ્રાજ્ઞી ૬૪ વર્ષ અને પાંચમા શ્રીમંત સયાજીરાવ ત્રીજા ૬૪ વર્ષ. હિન્દુસ્તાનના ઈતિહાસમાં તો આ આવી એકમાત્ર ઘટના છે.
મહારાજા સયાજીવરાવ ત્રીજાના શાસન પહેલાં વડોદરાની કેવી સ્થિતિ હતી? ઓરિએન્ટલ મેમરીઝ લખનાર પ્રવાસી ફાર્બસે નોધ્યું છે કે, ‘વડોદરા દેખાવમાં સાધારણ અને ધૂળિયું શહેર હતું. જીવનની મુખ્ય જરુરિયાતના ફાંફા હતા. પુસ્તકાલયો કે અજાયબ ઘરોની તો વાત જ શી કરવી?… જમીનની માપણી કરવાના મુદ્દે પીલવાઈમાં હિંસા. સેના મોકલવી પડી…. ખેડૂતો પર અસહ્ય કર. તેથી તેમની સ્થિતિ દયનીય… રાજઘરાનામાં વારંવાર વિષપ્રયોગ થતા… સરદારો અને ગાયકવાડી અધિકારીઓ વચ્ચેના મતભેદોથી વારંવાર હુલ્લડ થવાનો ડર.’
શ્રીમંત સયાજીરાવ સિંહાસન પર બેઠા એટલે એમને તાલીમ આપનાર સર ટી. માધવરાવે બ્રિટિશ ન્યાયપદ્ધતિ અનુસાર ન્યાયતંત્રમાં સુધારા શરુ કર્યા. શ્રીમંત સયાજીરાવે જોકે હિંમતપૂર્વક એક એવો અણધાર્યું પગલું ભર્યું જે સર ટી. માધવરાવ અને બ્રિટિશરોને જરાય પસંદ ન પડ્યું. તે હતું, વહીવટતંત્ર અને ન્યાયતંત્રને જુદા પાડવાનું પગલું. અંગ્રેજોની ઈચ્છા એવી હતી કે સરકાર જેમ બીજાં ખાતાં સંભાળે છે તેમ ન્યાયખાતું પણ સંભાળે. આમ, ફરિયાદી પણ પોતે ને ન્યાયાધીશ પણ પોતે. સયાજીરાવ ત્રીજાને આ મંજુર નહોતું. એમને તો આદર્શ ન્યાય વ્યવસ્થા સ્થાપવી હતી. એમણે ઈન્સાફી કાર્યવાહીને વહીવટી અધિકારીઓથી અળગી કરીને સ્વતંત્ર માળખું તૈયાર કરાવ્યું. શ્રીમંત સયાજીરાવે સ્વયં અંગ્રેજોના અન્યાય સહન કર્યા નથી. આથી જ તેઓ બીજાઓને ન્યાય અપાવી શકવા માટે સમર્થ બન્યા.
એમણે વિદ્વાન અને અનુભવી સજ્જનોનો સાથ લઈને ઉત્તમ કાયદાઓના સર્જન કરવાનું કામ શરુ કર્યું. એમણે સાદો નિયમ અપનાવેલો – કાયદા બને એટલા સરળ રાખવા કે જેથી અસરકારક અમલ થઈ શકે. વળી, કાયદા શાસકની ઈચ્છા મુજબ નહીં, પણ પ્રજાના હિત અને અપેક્ષાઓને સંતોષે એવા હોવા જોઈએ.
રાજ્યની અદાલતો માટે ૧૮૯૬માં એ જમાનાના ૭ લાખ ૪૩ હજાર ૬૬૬ રુપિયાના ખર્ચે અફલાતૂન ભવનનું નિર્માણ કરાવવામાં આવ્યું. ઈમારત કરતાંય એને આપેલું નામ વધારે અદભુત હતું – ‘ન્યાયમંદિર’. આ નામાભિધાનને કારણે ઈમારતની બાહ્ય સુંદરતાની સાથે પવિત્રતાનો ભાવ આપોઆપ જોડાઈ ગયો! રાજ્યના શાસનમાં પ્રજા પૂરતી ભાગીદારી કરી શકે તેવા ઉદ્દેશ સાથે સયાજીરાવે નીમેલી સમિતિએ ૧૯૧૭માં વડોદરા રાજ્ય પ્રજામંડળનું પ્રથમ બંધારણ ઘડ્યું. પ્રજામંડળના વહીવટ માટે અલાયદી ઈમારતનું નિર્માણ કરાવ્યું. આ ઈમારત એટલે કોઠી કચેરી જેમાં આજે સો વર્ષ પછી પણ ધમધમે છે.
શ્રીમંત સયાજીરાવે સામાજિક કુરિવાજો વિરુદ્ધ હિંમતવાન પગલાં ભરીને હિન્દુ લગ્ન સંબંધી કાયદો, હિન્દુ વિધવા વિવાહ, હિન્દુ લગ્ન વિચ્છેદ, બાળલગ્ન પ્રતિબંધક અને ધાર્મિક સ્વાતંત્ર્ય સંબંધિત ક્રાંતિકારી કાયદા અમલમાં મૂક્યા. પુરોહિત એક્ટ ૧૯૧૫ હેઠળ પુરોહિત લગ્નની જુદી જુદી વિધિઓ અને એનાં સૂચિતાર્થ જો વર-ક્ન્યાને સાદી ગુજરાતી ભાષામાં સમજાવી ન શકે તો પુરોહિતને દંડ દઈ શકાતો! શાસ્ત્રનો જાણકાર એવી બ્રાહ્મણ સિવાયની જ્ઞાતિની વ્યક્તિ પુરોહિતનો દરજ્જો પ્રાપ્ત કરી શકતી.
અંગ્રેજીમાં ચાલતા ન્યાયના કામકાજમાં આમજનતાને શી ગતાગમ પડે? સયાજીરાવે કાયદાઓને ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવ્યા. કાયદાની ચોપડીમાં પ્રત્યેક પાનાં પર મૂળ અંગ્રેજી લખાણ અને સામે એનો ગુજરાતી અનુવાદ. વળી, અનુવાદ દેવનાગરી લિપિમાં છપાયેલો હોય કે જેથી હિન્દીભાષી પણ તે વાંચી શકે. વાત નાની છે, પણ મહત્ત્વની છે.
ખૂબ બધી વાતો છે પુસ્તકમાં. લેખકે સયાજીરાવને કેન્દ્રમાં રાખીને ખરેખર તો ખૂબીપૂર્વક વડોદરાની નગરકથા આલેખી છે. ચિક્કાર તસવીરોવાળું અને સુઘડ લે-આઉટ ધરાવતું આ સુંદર પુસ્તક જેટલું રસપ્રદ છે એટલું ઉપયોગી પણ છે.
* * * * *
ન્યાયના શ્રીમંત – સયાજીવરાવ ગાયકવાડ (ત્રીજા) શ્રેષ્ઠ
લેખક-સંપાદક – તુષાર વ્યાસ
પ્રકાશન –
પ્રકાશન વિભાગ, મહારાજા સયાજીરાવ
યુનિર્વસિટી ઓફ વડોદરા, ફતેહગંજ, વડોદરા
ફોન – (૦૬૫)૨૩૨૨૫૫૬
કિંમત – ૩૫૦ /-
પૃષ્ઠ – ૧૬૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply