…તો રમેશ પારેખ કવિ ઉપરાંત અફલાતૂન નવલકથાકાર પણ હોત!
ચિત્રલેખા – સપ્ટેમ્બર ૨૦૧૬
કોલમ – વાંચવા જેવું
‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’
* * * * *
ગુજરાતે જેમને ચિક્કાર પ્રેમ કર્યો છે એવા આપણી ભાષાના શ્રેષ્ઠ કવિ રમેશ પારેખના વ્યક્તિત્ત્વ વિશે બહુ લખાયું નથી અને લખાયું છે તો ગ્રંથસ્થ થયું નથી. આજનાં પુસ્તકના સંપાદક કૌશિક મહેતાની આ વાત સાથે કોણ સહમત નહીં થાય? આ વાત અથવા વિચારમાંથી જ આજનું પુસ્તક જન્મ્યું છે. રમેશ પારેખ સાથે જુદા જુદા સ્તરે સંકળાયેલી વીસેક વ્યક્તિઓએ આ પુસ્તક માટે દિલપૂર્વક સ્મરણલેખો લખ્યા છે. એેમાંથી કવિ વિશેની કેટલીય વાતો આપણી સામે ઊઘડે છે.
જેમ કે, રમેશ પારેખ મેટ્રિકમાં હતા એ અરસામાં એક વાર્તા લખેલી – ‘પ્રેતની દુનિયા’. વાર્તા ‘ચાંદની’ સામયિકમાં છપાઈ. સાથે એમનો પરિચય અને તસવીર પણ છપાયાં. લટકામાં પાંચ રુપિયાનો પુરસ્કાર પણ મળ્યો. રમેશ પારેખને આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. લખવાના પૈસા પણ મળે? એ પૈસામાંથી એમણે પછી દોસ્તારોને ચા-નાસ્તો કરાવ્યા હતા. વર્ષો પછી મુંબઈમાં યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં એમને પાંચ લાખ રુપિયાની થેલી અર્પણ થઈ હતી, પણ પેલા પાંચ રુપિયાએ જે ગજબનાક રોમાંચ પેદા કરેલો એની તોલે આ પાંચ લાખની થેલી ક્યાંથી આવે?
પુરસ્કારની પાર્ટીમાં રમેશ પારેખે દોસ્તારોને ગાંઠીયા જરુર ખવડાવ્યા હશે! એમને અને ખાસમખાસ કવિમિત્ર અનિલ જોશીને ગાંઠીયા ખૂબ વ્હાલા. કોઈ વાર ગાંઠીયા ખાતા ખાતા રમેશ પારેખ કહેતા કે, અનિલ, આપણને યમરાજ લેવા આવશે ત્યારે એને કહીશું યાર, ગાઠીયા ખાઈને આવું છું. તો યમરાજ સામું કહેશે, મારા માટે પણ પડીકું બંધાવતા આવજો, મરચાં ભૂલશો નહીં!
અનિલ જોશીએ અમરેલી છોડ્યું ત્યારે વિદાય વખતે રમેશ પારેખ એમના ખભે માથું મૂકીને ધોધમાર રડ્યા હતા. અનિલ જોશી લખે છે કે, ‘એ ડૂસકાં હજીયે મારા ખભાને વળગેલાં છેે…’
કૌશિક મહેતાને આપેલી એક મુલાકાતમાં રમેશ પારેખે તીખાં મરચાં જેવી ચટાકેદાર વાત કરી હતી. કવિ પોતાના નવલિકાકાળ દરમિયાન ‘ચિત્રલેખા’માં પણ ત્રણ મહિના કામ કરી ચુક્યા છે એ તમે જાણો છો? સ્થાપક તંત્રી હરકિસન મહેતાએ નોકરી આપતા પહેલાં ટેસ્ટ તરીકે તેમની પાસે ટૂંકી વાર્તા લખાવી હતી. તત્કાલીન આસિસ્ટન્ટ એડિટર બિપીન બૂચ પાસેથી કોરાં પાનાં લઈને રમેશ પારેખે ‘ચિત્રલેખા’ની મુંબઈસ્થિત ઓફિસમાં ત્યારે ને ત્યારે વાર્તા લખી નાખી હતી. એેનું શીર્ષક હતું, ‘એ આંખોએ શું કહ્યું?’ રમેશ પારેખને ખુદને વાર્તા કાચી લાગી હતી, પણ હરકિસનભાઈએ તે સીધી કમ્પોઝમાં મોકલી આપી હતી!
આ ત્રણ મહિનાના કાર્યકાળ દરમિયાન રમેશ પારેખ ‘જી’ મેગેઝિનમાં છપાતા હીરો-હિરોઈનોની તસવીરો માટે કેપ્શન તરીકે કાવ્યપંક્તિઓ પણ લખી આપતા. દરમિયાન એમની મૂળ પંચાયતની નોકરીનું ઠેકાણું લાઠીથી બદલાઈને પાછું અમરેલી થઈ જતાં એ વતન ઉપડી ગયા. હરકિસન મહેતાએ એમને રોકવાની ખાસ્સી કોશિશ કરી હતી, પણ એ ન જ માન્યા. જો રમેશ પારેખ મુંબઈ રોકાઈ ગયા હોત તો, કોને ખબર, હરકિસન મહેતાએ એમને અફલાતૂન નવલકથાકાર બનાવી દીધા હોત ને ગુજરાતને પ્રથમકક્ષ કવિ-નવલકથાકારનું અફલાતૂન કોમ્બિનેશન મળ્યું હોત!
એક સર્જક શી રીતે લખતો હોય છે? ‘લખવાની પ્રક્રિયા સમજાવી શકાય તેવી હોતી જ નથી,’ કહીને રમેશ પારેખે પત્રકાર-લેખક કૃષ્ણકાંત ઉનડકટ સાથેની વાતચીતમાં ઉમેરેલું:
‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’
કાઠિયાવાડી ભાષાને શેડકઢો લહેકો ધરાવતા રમેશ પારેખ સારું ચિત્રકામ પણ કરી શકતા. કવિમિત્ર હર્ષદ ચંદારાણા સાથે તેમણે એક જમાનાના દુકાનોના સાઈનબોર્ડ, ચૂંટણીને લગતાં ચિત્રો અને સિનેમાના બોર્ડ સુધ્ધાં ચીતર્યા ં છે. પત્ની રસીલાનું પોટ્રેટ બનાવી રહેલા રમેેશ પારેખને જોઈને કવિ રાજેન્દ્ર શુક્લને જબરું આશ્ર્ચર્ય થયેલું.
કવિના ગૃહસ્થજીવનનો એક રમૂજી કિસ્સો પુસ્તકમાં નોંધાયેલો છે. રમેશ પારેખે એક વાર જાતે ગુલાબ જાંબુ બનાવવાનો અખતરો કરેલો. જાંબુ તો ન બન્યા, પણ મીઠા રગડા જેવું કશુંક જરુર બન્યું. પત્ની રસીલા બેસતા વર્ષે ધરે આવતા મહેમાનોને નાસ્તો પીરસે ત્યારે સાથે રકાબીમાં પેલા પ્રવાહી જાંબુ જરુર આપે ને ઠાવકા મોંએ ઉમેરે પણ ખરા કે, આ ચા નથી હોં, જાંબુ છે, તમારા ભાઈએ બનાવ્યા છે! એ પછી કેટલાય દિવસો સુધી જમવાના સમયે કવિની થાળીમાં પ્રવાહી જાંબુ પીરસાતાં રહ્યાં ને કવિ રોટલી એમાં બોળીબોળીને ખાતા રહ્યા!
નિવૃત્ત શિક્ષક છેલભાઈ વ્યાસ કહે છે તેમ, રમેશ પારેખ સ્વભાવે સાવ સરળ, દુનિયાદારીનો અદનો માણસ લાગે. હસે, રડે, ખીઝે, મૂંજાય, ઝઘડી પડે, પેટ છૂટી વાત કરે. જરાય દંભી નહીં, મોટપ નહીં… અને આવા સીધાસાદા માણસ પાછળ આખુંય ગુજરાત ઘેલું થતું. સુરેશ દલાલે એમની લાક્ષાણિક શૈલીમાં નોંધ્યું છે તેમ, રમેશ પારેખ માત્ર ગુજરાતી કવિતાનું ઘરેણું નથી, પણ ગુજરાતી કવિતાની ત્વચા અને વાચા છે.
‘અડખેપડખે ઉપર-નીચે અંદર-બહાર અનરાધાર’ જીવેલા આ કવિ વિશે નરોત્તમ પલાણે સરસ લખ્યું છે:
‘રમેશ પારેખ પોતાની આખી જિંદગી દરમિયાન કાચેકાચા ઈશ્ર્વરને પોતાની અંદર અવળસવળ શેકતા રહ્યા છે… એ સતત વિકસતા જ રહેલા.’
જોકે પાછલાં વર્ષોેમાં કવિનો સ્વભાવ ક્રમશ – વધુ ને વધુ ઉદાસ બનતો ગયેલો. તેમને ડિપ્રેશનના અટેક આવતા. આજે શારીરિક સ્તરે એ આપણી વચ્ચે નથી, પણ ગુજરાતી ભાષા જીવે છે ત્યાં સુધી રમેશ પારેખ જીવતા રહેવાના છે એ તો નક્કી.
કાયમ કાળી ફ્રેમનાં ચશ્માં પહેરી રાખતા રમેશ પારેખે એક વાર જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે દિલથી ફોટો સેશન કર્યું હતું. સંજય વૈદ્યે તે વખતે તેમની ચશ્માં વગરની તસવીરો ખેંચી હતી, જેમાંના બે ફોટોગ્રાફ્સ પુસ્તકના આગલાં અને પાછળાં મુખપૃષ્ઠ પર મૂકાયા છે. આ નાનકડું પણ સુંદર પુસ્તક રમેશ પારેખના ચાહકોને જલસો પડી જાય એવું છે. અ મસ્ટ રીડ! 0 0 0
રમેશ પારેખ – સ્મરણ પાંચમનો મેળો
સંપાદક – કૌશિક મહેતા
પ્રકાશન –
ડબલ્યુબીજી પબ્લિકેશન,
બાપુનગર, અમદાવાદ.
ફોન – ૦૯૧૭૩૪ ૦૪૧૪૨
કિંમત – Rs. ૧૦૦ /-
પૃષ્ઠ – ૯૮
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply