ઘર ભલે ગૃહિણનું કહેવાય, પણ ગૃહનાથ વગર ઘરની શોભા નથી
ચિત્રલેખા – નવેમ્બર ૨૦૧૬
કોલમ – વાંચવા જેવું
આપણે ભારતીયો ઘણી વાર લિવ-ઇન રીલેશનશિપનો ખોટો અર્થ કરીએ છીએ. પરણેલો પુરુષ અવિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે અને એની સાથે વારે તહેવારે રહે એને લિવ-ઇન સંબંધ નહીં, પણ લગ્નેતર સંબંધ કહેવાય.
* * * * *
લગ્ન એટલે સાત જન્મોનું બંધન એવું આપણી પરંપરામાં કહેવાયું હોય, પણ આજનો સામાજિક માહોલ એવો છે કે આ સૂફિયાણું સૂત્ર આપણને યાદ પણ આવતું નથી. હવે તો લગનગાડું સાત શું, એક ભવ પણ હેમખેમ ચાલતું રહે તોય ઘણું છે. અસંખ્ય લગ્નો સાત વર્ષ કે ઇવન સાત મહિના પણ ટકી શકતા નથી. શા માટે આવું બને છે? ધારો કે અલગ થવાની અપ્રિય ઘડી આવી જ ગઈ તો એને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ? આ અને આના જેવા કેટલાય સવાલના જવાબ આજના પુસ્તકમાં વિગતવાર અપાયા છે.
સામાન્યપણે સમાધાનમાં બન્ને પક્ષનું હિત સમાયેલું હોય છે. આપણા કાયદાના ઘડવૈયા આ વાત સારી રીતે સમજતા હોવાથી એમણે ડિવોર્સની કાનૂની કાર્યવાહી શરુ થાય તે પહેલાં કોર્ટે નીમેલા મેરેજ કાઉન્સિલર પાસે જઈને ઝઘડાનું આપસમાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવાનું માટે ફરજિયાત બનાવ્યું છે.
મુંબઈની ફેમિલી કોર્ટમાં સાત કોર્ટ રુમ છે અને પ્રત્યેક સાથે સાથે બબ્બે મેરેજ કાઉન્સિલરો સંકળાયેલા છે. સવારના અગિયારથી સાંજના પોણા પાંચ સુધી આ ચૌદ કાઉન્સિલરો છૂટાછેડા લેવા માગતાં બળાપા સાંભળે છે. સિક્કાની બન્ને બાજુ જાણી લીધા પછી બન્ને પક્ષકારોને સામસામા બેસાડી ખુલાસા કરાવે છે. જરુર જણાય તો જ એમના વકીલોને સામેલ કરે છે. જે ઝઘડાનું નિરાકરણ ઘરના સભ્યો, સગાં-વહાલાં કે દોસ્તો ન લાવી શક્યા હોય એ આ મેરેજ કાઉન્સિલરોના લાવી બતાવે છે. છૂટાછેડા લેવા માગતાં કેટલાંય દંપતીઓનાં લગ્નજીવન આ કાઉન્સિલરો પાસે આવ્યા બાદ ટકી રહે છે, એટલું જ નહીં, સુધરી પણ જાય છે. આ કાન્સિલરો ભલે પગારદાર સરકારી કર્મચારીઓ હોય, પણ લેખિકા એમને સમાજસેવક કરતાં ઉતરતા ગણતાં નથી.
અલબત્ત, તમામ લગ્નો ટકી જ રહેવાં જોઈએ તે જરુરી નથી હોતું. ઇચ્છનીય પણ નથી હોતું. વાત અનહદ વણસી ચુકી અને સુલેહ થવાની કોઈ શક્યતા જ ન હોય ત્યારે સાથે રહીને જિંદગીભર એકબીજાને અને ખુદને દુખી કરતા રહેવાને બદલે સમયસર અલગ થઈ જવું જ સારું. છૂટાછેડા લેવા ઇચ્છતાં સ્ત્રીપુરુષે માત્ર કાયદાની આંટીઘૂંટીને કારણે નીચે એક જ છત નીચે ફરજિયાત સાથે રહેવું પડે તે યોગ્ય નથી. તેથી જ લેખિકા કહે છે કે લગ્ન-વિચ્છેદના અમુક કાયદા બદલવાની જરુર છે.
સંબંધ જ્યારે બગડે છે ત્યારે સ્ત્રી અને પુરુષ બન્ને એકબીજાને બને એટલી હાનિ પહોંચાડવાની કોશિશ કરે છે અને ભરણપોષણના નામે લૂંટી શકાય એવું લૂંટવાનો પ્રયત્ન કરે છે. એક આર્કિટેક્ટ ફર્મમાં ઊંચો પગારે નાકરી કરતી એક સ્ત્રીએ છુટાછેડાની અરજી કરી એના બે દિવસ પહેલાં રાજીનામું આપી દીધું. શા માટે? પતિ પાસેથી ભરતપોષણના નામે ઊંચી રકમ વસૂલી શકે એટલા ખાતર! આ ચાલાકી સમજી ચુકેલા ન્યાયાધીશે સ્ત્રીની ખખડાવી, એટલું જ નહીં, મારી પાસે આવકનું કોઈ સાધન નથી એવા રોદણાં રડનાર આ સ્ત્રીને અદાલતને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવા બદલ પચ્ચીસ હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો.
બીજા એક કેસમાં, દોમ દોમ સાહ્યબી ધરાવતા એક પરિવારમાં ડિવોર્સની પરિસ્થિતિ ઊભી થઈ એટલે સૌથી પહેલાં તો પુરુષ ઘર છોડીને પોતાના મિત્રને ત્યાં રહેવા ચાલ્યો ગયો. પુરુષના પિતાએ છાપામાં જાહેરખબર છપાવી કે પત્નીના ત્રાસથી દીકરો ઘર છોડી ગયો છે અને એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. બાપદાદાની સંપત્તિમાંથી એનો હિસ્સો એને આપી દેવામાં આવ્યો છે એટલે ઘરમાં કે ધંધામાં દીકારોનો હવે કોઈ ભાગ નથી. પછી પતિદેવે ખોટા લેણદાર ઊભા કર્યા. બાપદાદાની મિલકતમાંથી જે કંઈ માલમલીદો મળ્યો હતો એ બધો લેણદારોને ચુકવામાં ખર્ચાઈ ગયો છે એવાં કાગળિયાં તૈયાર કરાવ્યાં. કોર્ટમાં સ્ત્રીએ ભરણપોષણની માગણી કરી ત્યારે પુરુષે હાથ ઊંચા કરી દીધા કે મારી પાસે તો ફૂટી કોડી પણ નથી!
સદભાગ્યે જજે આ પતિદેવ અને એના ઘરવાળાની ચાલબાજી પકડી પાડી. એમને ધમકી આપી કે જો તમે સ્ત્રીને પૂરતું ભરણપોષણ નહીં આપો તો તમારી બધી જ પ્રોપર્ટી પર રિસીવર બેસાડી દઈશ! વરપક્ષ ગભરાઈ ગયો ને ચુપચાપ સારી એવી રકમ એકસામટી સ્ત્રીને આપી દીધી. આમ, ડિવોર્સ પછી આપવા પડતા ભરણપોષણના મામલામાં સ્ત્રી અને પુરુષ બન્ને એકબીજા વિરુદ્ધ જાતજાતના ષડયંત્રો કરતાં હોય છે.
લગ્નસંસ્થામાં ભલે અસંખ્ય ખામીઓ હોય, પણ એનો વિકલ્પ શો છે? લિવ ઇન રિલેશનશિપ? અમેરિકામાં લગભગ પચ્ચીસ ટકા વ્યક્તિઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. એક અમેરિકન જજનું નિરીક્ષણ એવું છે કે પરણેલાં યુગલ કરતાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં યુગલ એકમેકને વધારે વફાદાર રહેતાં હોય છે. લિવ-ઇન સંબંધમાં કદાચ વધારે પારદર્શકતા અને સચ્ચાઈ હોય છે. પ્રેમ અને આકર્ષણ ઘટી જાય તો ખેલદિલીપૂર્વક છૂટાં પડી જવાની ખેલદિલી હોય છે. લેખિકા કહે છે કે આપણે ભારતીયો ઘણી વાર લિવ-ઇન રીલેશનશિપનો ખોટો અર્થ કરીએ છીએ. પરણેલો પુરુષ અવિવાહિત સ્ત્રી સાથે સંબંધ બાંધે અને એની સાથે વારે તહેવારે રહે એને લિવ-ઇન સંબંધ નહીં, પણ લગ્નેતર સંબંધ કહેવાય.
જુદા જુદા શેડ્ઝ ધરાવતા, ચોંકાવી દેતા, વિચારતા કરી મૂકે એવા કંઈ કેટલાય કિસ્સા છે આ પુસ્તકમાં. લેખિકા સ્વયં એડવોકેટ છે એટલે એમના લખાણમાં ભરપૂર અધિકૃતતા છે. મજાની વાત એ છે કે તેમણે સ્ત્રીતરફી કે પુરુષતરફી બન્યા વગર તટસ્થપણે આજની સામાજિક સચ્ચાઈ સામે આયનો ધર્યો છે. એમણે એક સુંદર શબ્દપ્રયોગ કર્યો છે – ગૃહનાથ! તેઓ કહે છે કે ઘર ભલે ગૃહિણનું કહેવાય, પણ ગૃહનાથ વગર ઘરની શોભા નથી. સૌ કોઈએ વાંચવા-વચાવવા જેવું
* * * * *
લગ્ન-વિચ્છેદના કાયદા
લેખિકા – એડવોકેટ પ્રીતિ ગડા
પ્રકાશન –
નવભારત સાહિત્ય મંદિર
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ અને ગાંધીરોડ, અમદાવાદ
ફોન – (૦૨૨) ૨૦૦૧૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪૦૭૭૦
કિંમત – Rs ૨૦૦ /-
પૃષ્ઠ – ૧૮૬
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply