વાંચવા જેવું : ઈવન સ્વામી વિવેકાનંદ પણ થાકી-હારી-ત્રાસી-કંટાળી શકે છે!
ચિત્રલેખા – અંક તા. ૨૨ જુલાઈ ૨૦૧૩
કોલમ: વાંચવા જેવું
* * * * *
‘આ દુનિયામાં બે પ્રકારના માનવીઓ છે. એક પ્રકાર છે મજબૂત છાતીના શાંત, પ્રકૃતિને નમતું આપવાવાળા, અતિ કલ્પનાશીલ નહીં છતાં ભલા, માયાળુ, મીઠા વગેરે. આ દુનિયા આવા માણસો માટે છે. એકલા તેઓ જ સુખી થવાને સરજાયેલા છે. વળી, બીજા પ્રકારના છે તેઓ આવેગશીલ, અસાધારણ કલ્પનાશીલ, અતિ માત્રામાં લાગણીપ્રધાન, સદાયે એક ક્ષણમાં આવેશમાં આવી જતા અને બીજી ક્ષણે શાંત પડી જતા… એ લોકો માટે સુખ નથી. જેમને આપણે પ્રતિભાશાળી વ્યક્તિઓ કહીએ છીએ તેઓ આ બીજા પ્રકારમાંથી જ નીકળે છે.’
આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે. ૧૮૯૬માં મેરી નામની પોતાની શિષ્યાને એક પત્રમાં આ પ્રમાણે લખીને એમણે ઉમેરવાનું ચુક્યા નથી કે, ‘તારામાં મહાન બનવાની મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઈએ.’ વેલ, વિવેકાનંદને આપણે હંમેશા જોશ, આદર્શવાદ અને મર્દાનગીથી ભરેલા, મુદડાલ માણસમાં પણ સંકલ્પસિદ્ધિનું ઝનૂન ભરી દે એવો કરિશ્મા ધરાવતા રાષ્ટ્રવાદી સ્વામી તરીકે કલ્પ્યા છે. આજે જેની વાત કરી રહ્યા છીએ તે ‘વિવેકાનંદ પત્રપરાગ’ પુસ્તકમાં એમના એવાં પાસાં સામે આવે છે જે એમની ‘પોપ્યુલર ઈમેજ’ કરતાં જુદાં છે. સ્વામીજી (જન્મ: ૧૮૬૩, મૃત્યુ: ૧૯૦૨)એ પોતાના ૩૯ વર્ષના જીવનકાળમાં પુષ્કળ વિદેશભ્રમણ કર્યું હતું. એ જમાનામાં એકબીજાના સંપર્કમાં રહેવા માટેનુંં મુખ્ય માધ્યમ પત્રવ્યવહાર જ હતો. અહીં સ્વામીજીએ પોતાની વિદેશી શિષ્યાઓને લખેલા અંતરંગ અને લાગણીસભર ૨૦૮ પત્રોનું સૂઝપૂર્વક સંપાદન થયું છે. એ વાંચતી વખતે આપણને સમજાય કે સ્વામી વિવેકાનંદ પણ થાકી શકે છે, કંટાળી શકે છે, સેન્ટીમેન્ટલ થઈ શકે છે, નકારાત્મક ટીકાઓથી સહેજ ચિંતિત થઈ શકે છે અને સામાન્ય માનવીની જેમ નાણાભીડ પણ અનુભવી શકે છે!
જેમ કે, ઈઝાબેલ નામનાં શિષ્યાને એ ૨૬ એપ્રિલ ૧૮૯૪ના રોજ ન્યુયોર્કથી એક કાગળમાં લખે છે કે, ‘ગઈ રાતે મેં વ્યાખ્યાન આપ્યું. મિસિસ સ્મિથે બે ડોલરની એક લેખે ટિકિટો વેચી હતી. સભાનો ઓરડો જોકે નાનો હતો પણ તે ભરાઈ ગયો હતો. હજુ મને તે પૈસા મળ્યા નથી, પણ સાંજ સુધીમાં તે મળવાની આશા રાખું છું. લીન (નામના સ્થળે) મને સો ડોલર મળ્યા. હું તે મોકલતો નથી કેમ કે મારે નવો ઝબો કરાવવો છે અને બીજી પરચૂરણ ચીજો લેવી છે. બોસ્ટનમાં કંઈ પૈસા મળવાની આશા નથી.’ બીજા કાગળોમાં સ્વામીજી કહે છે કે, ‘જો હું પુષ્કળ પ્રમાણમાં પૈસા પ્રાપ્ત કરી શકું તો હું બહુ રાજી થાઉં… મારી મુસાફરી માટેનું ખર્ચ મળી રહે છે. જો કે તેઓ મને વધારે આપી શકતા નથી, તો પણ થોડુંઘણું તો આપે જ છે. અને સતત કામ કરીને મારો ખર્ચ કમાઈ લેવા જેટલું હું મેળવી લઈશ, ગમે તેમ કરીને બસોચારસો મારા ખીસામાં પણ રાખીશ. તેથી તમારે મારી લેશ માત્ર ચિંતા ન કરવી.’
સામાન્ય માનવીની શી વાત કરવી, વજ્ર જેવું મનોબળ ધરાવતો પુરુષ પણ કંટાળી શકે છે, તૂટનનો અનુભવ કરી શકે છે. વિવેકાનંદના આ શબ્દો સાંભળો: ‘બોસ્ટનમાં મજા પડશે તેવી આશા છે, માત્ર ત્રાસજનક ભાષણો આપીઆપીને કંટાળી ગયો છું …હું અતિશય થાકી ગયો છું. આ પ્રાંત (કલકત્તા) એવા ઈર્ષ્યાળુ અને નિર્દય લોકોથી ભરેલો છે કે તેઓ મારું કાર્ય તોડી પાડવા એકે ઉપાય બાકી નહીં રાખે. પરંતુ તમે જાણો છો કે જેમ જેમ વિરોધ વધે છે તેમ તેમ મારામાંનો રાક્ષસ જાગી ઉઠે છે.’
એકધારો સંઘર્ષ લડાયક મિજાજ ધરાવતો માણસને વ્યથિત કરી શકે છે. એક જગ્યાએ એટલે જ સ્વામીજીએ લખ્યું એ કાગળોમાં લખે છે કે, ‘સંસારની આ માથાકૂટો અને ઝઘડાઓ માટે હું સર્જાયો ન હતો. સ્વભાવે જ હું સ્વપ્નશીલ અને વિશ્રાન્તિપ્રિય છું. હું તો એક જન્મજાત આદર્શવાદી છું અને સ્વપ્નોની દુનિયામાં જ હું રહી શકું છું. વાસ્તવિકતાનો સ્પર્શ સરખોય મારાં સ્વપ્નોમાં ભંગ પાડે છે, અને પરિણામે હું દુખી થઈ જાઉં છું.’
પોતે માતાની ઉપેક્ષા કરી છે, અન્યાય કર્યો છે એવું ગિલ્ટ વિવેકાનંદના એક કરતાં વધારે પત્રોમાં છલકાયું છે. જુઓ: ‘આવતે અઠવાડિયે હું મારા માતુશ્રીને યાત્રાએ લઈ જવાનો છું…. મારી જિંદગી આખી હું બિચારી મારી માતાને દુખરુપ થયો છું. તેનું આખું જીવન સતત દુખમય રહ્યું છે. જો શક્ય હોય તો મારો છેલ્લો પ્રયાસ તેને થોડી સુખી કરવાનો હોવો જોઈએ.’
મર્દાના વ્યક્તિત્ત્વ હોવું એનો અર્થ એવો નહીં કે સ્વભાવે કોમળ કે નિષ્ઠુર હોવું. સ્વામી વિવેકાનંદના આ શબ્દો આશ્ર્ચર્ય ઊપજાવે એવા છે:
‘હું પુરુષ કરતાં સ્ત્રી જેવો વિશેષ છું. હું હંમેશાં વિના કારણે બીજાનું દુખ મારા મન પર લઉં છું, એને તે પણ બીજાનું કશું ભલું કર્યા વિના. જેવી રીતે સ્ત્રીઓ, તેમને જો બાળક ન હોય તો તેઓ પોતાનો પ્રેમ બિલાડાં પર ઢોળે છે, તેમ!’
વિવેકાનંદના પત્રો વાંચતા લાગે કે પોતાના મૃત્યુની છાયા અથવા તો પૂર્વાભાસ એમણે ખૂબ અનુભવ્યો હતો. ૩૭ વર્ષની વયે, મૃત્યુના બે વર્ષ પહેલાં, મિસ મેકલાઉડ નામની શિષ્યાને એ લાગણીશીલ થઈને લખે છે કે, ‘યુદ્ધોમાં ખૂબ હાર્યો છું અને જીત્યો પણ છું. મેં મારું બધું સંકેલી લીધું છે. હવે તો મહાન મુક્તિદાતાની રાહ જોઉં છું… મારાં કાર્યો પાછળ મહત્ત્વાકાંક્ષા છુપાયેલી હતી, મારા પ્રેમ પાછળ અંગત ભાવ હતો, મારી પવિત્રતા પાછળ ભય હતો, મારી દોરવણી પાછળ સત્તાની ભૂખ હતી! હવે તે બધું અદશ્ય થાય છે અને હું ઉપર તરું છું, મા! હું આવું છું, હું આવું છું!’
વિવેકાનંદે પોતાની શિષ્યાઓને લખેલા પત્રો વાંચતા જઈએ તેમ તેમ એમની લાર્જર-ધેન-લાઈફ ઈમેજમાં જુદા જુદા શેડ્ઝ ઊમેરાતા જાય છે. મજાની વાત એ છે કે એને લીધે વિવેકાનંદનું ચિત્ર નથી નબળું પડતું કે નથી એમના વ્યક્તિત્ત્વની તીવ્રતા ઓછી થતી. ઊલટાનું આ બધું વાંચતી વખતે વિવેકાનંદ વધારે માનવીય, વધારે ‘આપણા જેવા’ લાગતા જાય છે. સામાન્ય માણસને પરેશાન કરતી કઠણાઈઓ અને ભાવસ્થિતિઓમાંથી પસાર થયા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેટલું વિરાટ કામ કરી શક્યા એ વાત વધારે ઘૂંટાય છે. બહુ જ સરસ પુસ્તક. અ મસ્ટ-રીડ!
* * * * *
વિવેકાનંદ પત્રપરાગ
સંપાદક: પ્રસાદ બ્રહ્મભટ્ટ
પ્રકાશક:
હર્ષ પ્રકાશન, પાલડી, અમદાવાદ-૭
વિતરક : ગૂર્જર સાહિત્ય મંદિર, ગાંધીરોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
કિંમત: ૧૭૦ /
પૃષ્ઠ: ૨૩૬
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply