‘ઘારો કે છોકરી લગ્નની ના પાડે તો છોકરાને બળાત્કારની ફરિયાદ કરવાનો હક આપણે આપીશું?’
ચિત્રલેખા – અંક ઓગસ્ટ ૨૦૧૭
કોલમ – વાંચવા જેવું
‘પરસ્પર પ્રેમ અને સંમતિથી સેકસ સંબંધ બંધાતો હોય તો એમાં કોઈ કાળે બળાત્કારની ફરિયાદને અવકાશ રહેતો નથી. પ્રેમમાં જો છોકરી સંબંધ પછી લગ્નની ના પાડે તો છોકરાને પણ એટલું જ દુખ થઈ શકે છે. આપણે સ્ત્રીઓ જો શરીરથી ઉપર ઊઠવાની કોશિશ કરીશું તો પુરુષો પણ આપણને ફકત શરીર તરીકે નહીં જોઈ શકે.’
* * * * *
‘સ્ત્રી એટલે ત્યાગ, સમર્પણ અને દયાન દેવી એ માનવું ક્યારેય ગમ્યું નહોતું. સ્ત્રીનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર થાય એવો આગ્રહ બાળપણથી જ મનમાં રોપાયો હતો.’
‘આજની નારી’ની પ્રસ્તાવનામાં આવું વિધાન કરીને લેખિકા દિવ્યાશા દોશી આખા પુસ્તકનો ટોન અને મૂડ સ્થાપિત કરી દે છે. મહિલાકેન્દ્રી પુસ્તક લખવું ખરેખર પેચીદું કામ છે. જો સભાનતા અને સંતુલન સહેજ પણ તૂટે તો પુસ્તકને લાઉડ, પ્રચારાત્મક કે ઝંડાધારી નારીવાદીઓના કાગારોળ જેવું બની જતાં વાર ન લાગે. ‘આજની નારી’ આ તમામ સંભવિત જોખમસ્થાનોથી સફળતાપૂર્વક દૂર રહી શકયું છે એનું કારણ લેખિકાની તટસ્થ વિચારસરણી છે.
નાના નાના ૧૩૪ લેખોમાંથી એક ઉદાહરણ લઈએ. સ્ત્રીઓનાં રક્ષણ અને સશક્તિકરણ માટે બનાવવામાં આવેલા કાયદાના ગેરઉપયોગ થાય છે એ જાણીતું સત્ય છે. યુવક-યુવતી પ્રેમમાં હોય, પણ યુવક પછી લગ્ન માટે તૈયાર ન થાય અથવા કોઈ પણ કારણસર પ્રેમસંબંધ લગ્ન સુધી ન પહોંચે એટલે કેટલીક સ્ત્રીઓ બળાત્કારની ફરિયાદ કરતી હોય છે. લેખિકા પૂછે છે –
‘ઘારો કે છોકરાને બદલે છોકરી લગ્નની ના પાડે તો છોકરાને પણ ફરિયાદ કરવાનો હક આપણે આપીશું? પરસ્પર પ્રેમ અને સંમતિથી સેકસ સંબંધ બંધાતો હોય તો એમાં કોઈ કાળે બળાત્કારની ફરિયાદને અવકાશ રહેતો નથી. પ્રેમમાં જો છોકરી સંબંધ પછી લગ્નની ના પાડે તો છોકરાને પણ એટલું જ દુખ થઈ શકે છે. આપણે સ્ત્રીઓ જો શરીરથી ઉપર ઊઠવાની કોશિશ કરીશું તો પુરુષો પણ આપણને ફકત શરીર તરીકે નહીં જોઈ શકે.’
લેખિકા, અલબત્ત, સ્ત્રીઓની નક્કર સમસ્યાઓ પ્રત્યે વિશેષપણે સંવેદનશીલ છે જ. સ્ત્રીઓ પર થતી અનેક પ્રકારની હિંસા વિશેના લેખમાં એ લખે છે કે છાપા-મેગેઝિનમાં બળાત્કારના સમાચાર વાંચતી વખતે દરેક સ્ત્રીનાં મન-હૃદય બળાત્કાર અને અત્યાચારની વેદના અનુભવતાં હોય છે. એમની ચીસ દબાઈ ગઈ છે, પણ જો તમામ સ્ત્રી એકસાથે ચીસ પાડે તો બ્રહ્માંડ પણ હલી જાય.
અગાઉ ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ સ્વરુપે પ્રકાશિત થયેલા આ લેખોમાં જોવા મળતી માહિતી અને આવશ્યક વિગતોની ગૂંથણી તરત ધ્યાન ખેંચે છે. પુસ્તકમાં કેટલીય સફળ સ્ત્રીઓ વિશે ખૂબ બધા લેખો છે. જેમ કે, સુનિતા વિલિયમ્સ. અવકાશમાં ૪૪ કલાક અને બે મિનિટ સુધી સ્પેસવોક કરીને રેકોર્ડ સ્થાપનાર સુનિતા વિલિયમ્સનું નામ સાંભળીને માત્ર ગુજરાતીઓની જ નહીં, બલકે સમગ્ર ભારતીયો અને અમેરિકનોની છાતી પણ ગજ ગજ ફુલે છે. ગુજરાતના ઝુલાસણ ગામમાં મૂળિયાં ધરાવતી સુનિતા અમેરિકન નાગરિક છે. સુનિતાએ કરીઅરની શરુઆત અમેરિકન નેવીમાં હેલિકોપ્ટરના પાઈલટ બનીને કરી હતી. એક જહાજથી બીજા જહાજ સુધી ઈંડાથી માંડીને બોમ્બ સુધીની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ એ કરતાં. પછી એમણે એન્જિનીયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. ૧૯૯૮માં નાસાના એસ્ટ્રોનોટ ટ્રેનિંગ માટે એમની પસંદગી થઈ. દિવ્યાશા દોશી આગળ લખે છે:
‘સુનિતા વિલિયમ્સની એક વાત દરેક મહિલાએ ગોખી લેવા જેવી છે. એણે એક મુલાકાતમાં એસ્ટ્રોનોટ હોવું એટલે શું એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે, ‘તમે આ નહીં કરી શકો’ એવો વાક્યપ્રયોગ કોઈને પણ તમારા માટે કરવા ન દો. મને એક સ્કવોડ કમાન્ડરે કહ્યું હતું કે માત્ર જેટ વિમાનના પાયલટ જ અવકાશયાત્રી બની શકે છે હેલિકોપ્ટર ચાલક નહીં, પણ તમારે શું કરવું છે એ તમે જાણતા હો તો તમારે એને શ્રેષ્ઠ રીતે કરવાની રીત શોધીને પછી જ એ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ… તમારે પ્રયત્ન કરતા રહેવું પડે. એવુંય બને કે સતત પ્રયત્ન કરતા રહો ને તમને કોઈ તક ન પણ મળે. આથી જે પણ કામ કરો તેનો આનંદ ઉઠાવો. ક્યારેક બોનસ જેવી તક મળી જાય તો ઝડપી લો.’
સુનિતા વિલિયમ્સની આ વાત કેવળ મહિલાઓએ જ નહીં, પુરુષોએ પણ ગોખી રાખવા જેવી નથી શું? એક ઊંચાઈ સુધી પહોંચી ચુકેલી સફળ વ્યક્તિ, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, બધા માટે પ્રેરણાદાયી બની જતી હોય છે. સુનિતા વિલિયમ્સની માફક સેલિબ્રિટી લેખિકા અનિતા દેસાઈના પિતા પણ ભારતીય અને માતા યુરોપિયન છે. પદ્મભૂષણ અનિતા દેસાઈની ત્રણ-ત્રણ નવલકથાઓ બૂકર પ્રાઈઝ માટે નોમિનેટ થઈ ચુકી છે. ચાર બાળકોની માતા બન્યાં પછી પણ એમણે લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. અનિતા દેસાઈ કહે છે કે મા માટે ટોપ પ્રાયોરિટી એના સંતાનો જ હોય. આથી બાળકો સ્કૂલે જતાં ત્યારે એ લખવા બેસતાં અને ઘરે પાછા આવે એટલે લખવાનું કામ આટોપી લેતાં.
આખી દુનિયામાં એકલાં ફરી વળનાર મહિલાઓ વિશેના લેખમાં લેખિકાએ સરસ વાત કહી છે:
‘આપણે શું કામ ફરવા જતાં હોઈએ છીએ? આપણામાં રહેલી નવી વ્યક્તિને મળવા માટે. પ્રવાસમાં આપણે એ જ નથી રહેતા જે ઘરમાં હોઈએ છીએ. નવા પ્રદેશમાં લોકોય આપણને નવી દષ્ટિએ જુએ છે અને જ્યારે આપણે પાછા ફરીએ છીએ તો આપણું જ શહેર, આપણું જ ઘર નવું લાગે છે. આપણે જે છોડીને ગયા હોઈએ છીએ તે જ વાતાવરણ હવે નથી હોતું, કારણ કે આપણી ભીતર બદલાવ આવ્યો હોય છે.’
મિલ્સ એન્ડ બૂનની અતિ રોમેન્ટિક નવલકથાઓ મહિલા વાચકોને ધ્યાનમાં રાખીને લખાયેલી છે એવી છાપ છે, પણ ચેન્નાઈમાં ઓનલાઈન લાયબ્રેરી શરુ કરનારી ચાર સખીઓ વિશેના લેખમાં કહેવાયું છે કે આ નવલકથાઓ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે વાંચે છે! પુસ્તકમાં આવાં કેટલાંય રસપ્રદ નિરીક્ષણો સંગ્રહાયેલાં છે.
સ્ત્રીઓ વિશે કરતી વખતે પુરુષોની ગરિમાને સતત જાળવી રાખવી અને સ્થૂળ નારીવાદની જર્જરિત થઈ ગયેલી તમામ બીબાંઢાળ માન્યતાથી દૂર રહી શકવું – ‘આજની નારી’ પુસ્તકનાં આ સૌથી મોટાં પ્લસ પોઈન્ટ્સ છે.
પ્રવાહી ભાષામાં લખાયેલું અને વાંચવું-વંચાવવું ગમે એવું સુંદર પુસ્તક.
* * * * *
આજની નારી
લેખિકા – દિવ્યાશા દોશી
પ્રકાશન –
રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ
ફોન – (૦૭૯) ૨૭૯૧૩૩૪૪
કિંમત – Rs ૨૫૦ /-
પૃષ્ઠ – 2૮૬
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply