મનનું ધારેલું ન થાય એ વધારે સારું શા માટે?
ચિત્રલેખા – ઓક્ટોબર 2018
કોલમઃ વાંચવા જેવું
* * * * *
અમિતાભને એ વખતે તો પિતાજીની વાત નહોતી ગમી, પણ જિંદગીના અનુભવે એમને શીખવ્યું કે આપણને શું આપવું કે શું ન આપવું એ ઈશ્વર નક્કી કરે છે. એ જાણે છે કે આપણું મંગળ શામાં છે. જો એ દિવસે અમિતાભે નાટક ભજવીને તરખાટ મચાવ્યો હોત તો શક્ય છે કે એમના દિમાગમાં સફળતાની રાય ભરાઈ ગઈ હોત, પણ ઓચિંતી બીમારીને કારણે આવેલી નિષ્ફળતાએ એમને સંતુલિત રાખ્યા, જીવનની ગતિ કેવી અણધારી છે એનો મૂલ્યવાન પદાર્થપાઠ શીખવી દીધો!
અમિતાભ બચ્ચન આ 11 ઓક્ટોબરે 76 વર્ષ પૂરાં કરીને 77 વર્ષમાં પ્રવેશ્યા. બદલાતા રહેતા સમયની સાથે શી રીતે પોતાના ક્ષેત્રમાં સતત ડિમાન્ડમાં રહેવું અને શી રીતે પોતાના કરતાં અડધો દાયકો નાના જુવાનિયાને પણ પ્રેરણા મળે એવું ઉર્જામય જીવન જીવવું એ જો શીખવું હોય તો અમિતાભ બચ્ચન કરતાં બહેતર રોલમોડલ બીજું કોણ હોવાનું. અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન શી રીતે બન્યા? એવું તે શું છે એમની માટીમાં જેને કારણે એ પોતાની જાતને એક અસાધારણ ભ્રમણકક્ષામાં મૂકી શક્યા?
આ પ્રશ્નના સંતોષકારક ઉત્તર જોઈતા હોય તો આજે જેની વાત કરી રહ્યા છીએ એ પુસ્તકમાંથી પસાર થઈ જોઈએ. પુસ્તકનું શીર્ષક ‘અમિતાભ બચ્ચન’ છે. કોઈ વિશેષણ નહીં, કોઈ ટેગલાઇન નહીં. સિર્ફ નામ હી કાફી હૈ! પુસ્તકનું સ્વરૂપ પણ અમિતાભ જેવું જ – ઊંચું, દમામદાર, સુઘડ અને પ્રભાવશાળી. અમિતાભ વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે, પણ આ પુસ્તક જેવો સંતોષ કોઈએ આપ્યો નથી.
માણસને પૂરેપૂરો જાણવા માટે એનાં મૂળિયાંને નજીકથી ઓળખવાં પડે. એ ન્યાયે આ પુસ્તકના યાત્રા અમિતાભના કવિપિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચનથી શરૂ થઈને 1994 સુધી વિસ્તરે છે. એ પછી અમિતાભના જીવનમાં બનેલી ઘટનાઓને ઝડપી અપડેટ્સ રૂપે આવરી લેવાઈ છે.
‘મન કા હો અચ્છા, ના હો તો ઔર ભી અચ્છા’ – બિગ બીનું આ ફેવરિટ અવતરણ છે જે એ ‘કૌન બનેગા કરોડપતિ?’ સહિત કેટલીય જગ્યાએ અવારનવાર ટાંકતા રહે છે. શું છે આ ક્વોટ પાછળની કથા? 14 વર્ષની ઉંમરે અમિતાભ અને એમના નાના ભાઈ અજિતાભને નૈનિતાલ સ્થિત શેરવૂડ કોલેજમાં મૂકવામાં આવ્યા. નામમાં ભલે કોલેજ શબ્દ હોય પણ આ હતી બોર્ડિંગ સ્કૂલ.
શેરવૂડમાં હજુ દોઢ મહિનો માંડ થયો હશે ત્યાં જાહેરાત થઈ કે ‘હેપીએસ્ટ ડે ઇન માય લાઇફ’ નામના અંગ્રેજી નાટકનું મંચન થશે. તરૂણ અમિતાભ ઓડિશન માટે ગયા. અંગ્રેજીના શિક્ષકે પૂછ્યુ કે, અગાઉ કદી નાટકમાં કામ કર્યું છે? અમિતાભે હા પાડી. શિક્ષકે એમને એક સંવાદ આપી વાંચવા કહ્યું. અમિતાભે સરસ રીત એ વાંચી સંભળાવ્યું. શિક્ષકે ખુશ થયા. આ ત્રિઅંકી નાટક માટે બે મહિના રિહર્સલ ચાલ્યાં. અમિતાભે આમાં એક સ્કૂલ પ્રિન્સિપાલનો રોલ કરવાનો હતો. એ વર્ષે બેસ્ટ એક્ટરનો અવોર્ડ તો બીજો કોઈ છોકરો લઈ ગયો, પણ સ્કૂલના અસલી પ્રિન્સિપાલે જાહેરમાં અમિતાભના અભિનયના વખાણ જરૂર કર્યા.
બીજા વર્ષે રશિયન લેખક નિકોલોઈ ગોગોલ લિખિત ‘ધ ગર્વમેન્ટ ઇન્સપેક્ટર’ નામનું કોમડી નાટક ભજવાયું. અમિતાભે આમાં શહેરના મેયરની મહત્ત્વની ભુમિકા ભજવી. સામાન્યપણે દર વર્ષે બેસ્ટ એક્ટરનો અવોર્ડ કોને આપવો એ માટે જ્યુરીએ અંદરોઅદર ચર્ચાવિચારણા કરવી પડતી, પણ આ વખતે ડિસ્કશનની જરૂર જ ન પડી. સૌએ એકમતે વિજેતા પસંદ કરી લીધો – અમિતાભ બચ્ચન.
શેરવૂડનું ત્રીજું વર્ષ. ત્રીજું નાટક. આ વખતે અગાથા ક્રિસ્ટીનું ‘એન્ડ ધેર વેર નન’ નામનું નાટક થવાનું હતું. અમિતાભને કહેવામાં આવ્યું કે શેરવૂડના ઇતિહાસમાં કોઈ વિદ્યાર્થીએ લાગલગાટ બે વર્ષ બેસ્ટ એક્ટરનું ઇનામ જીત્યું નથી. જો તું એ કરી બતાવીશ તો ઇતિહાસ રચાશે! સોળ વર્ષીય અમિતાભને કોન્ફિડન્સ હતો કે આ વખતે પણ એ જરૂર મેદાન મારી જશે. ઇવન એમને રિહર્સલ કરાવનાર શિક્ષકે પણ કહ્યું કે એમણે વર્ષો પહેલાં કોલેજમાં અમિતાભવાળો રોલ ભજવેલો, પણ એમનું પર્ફોર્મન્સ અમિતાભ જેટલું અસરકારક નહોતું.
બધાએ લગભગ માની લીધું હતું કે આ વખતે અમિતાભ રેકોર્ડ બનાવીને જ રહેશે, પણ છેલ્લી ઘડીએ અણધાર્યું વિઘ્ન આવી પડ્યું. ભજવણીના બે દિવસ પહેલાં અમિતાભ બીમાર પડી ગયા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે તાવમાં તરફડી રહેલા અમિતાભને સ્પષ્ટ કહી દીધુ કે હું તને નાટક ભજવવાની શું, આ કમરામાંથી બહાર જવાની પરમિશન પણ નહીં આપું. અમિતાભનું દિલ તૂટી ગયું. અમિતાભવાળો રોલ એમને રિહર્સલ કરાવનાર સરે ભજવ્યો. દિલ્હીથી આવેલા હરિવંશરાય બચ્ચન બીમાર દીકરાના બિછાના પાસે બેસીને એમના માથે હાથ ફેરવતા રહ્યા. એમણે કહ્યુઃ
‘મુન્ના, એક વાત યાદ રાખ. જિંદગી જો આપણી ઇચ્છા મુજબ હોય એ સારું છે, પણ એમ ન હોય તો વધુ સારું.’
અમિતાભને એ વખતે તો પિતાજીની વાત નહોતી ગમી, પણ જિંદગીના અનુભવે એમને શીખવ્યું કે આપણને શું આપવું કે શું ન આપવું એ ઈશ્વર નક્કી કરે છે. એ જાણે છે કે આપણું મંગળ શામાં છે. જો એ દિવસે અમિતાભે નાટક ભજવીને તરખાટ મચાવ્યો હોત તો શક્ય છે કે એમના દિમાગમાં સફળતાની રાય ભરાઈ ગઈ હોત, પણ ઓચિંતી બીમારીને કારણે આવેલી નિષ્ફળતાએ એમને સંતુલિત રાખ્યા, જીવનની ગતિ કેવી અણધારી છે એનો મૂલ્યવાન પદાર્થપાઠ શીખવી દીધો!
પુસ્તકમાં આ પ્રકારના કિસ્સાઓની ભરમાર છે. લેખક-પત્રકાર સૌમ્ય વંદ્યોપાધ્યાય પાસે સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ગહન વિષ્લેષણ કરવાની કળા છે. અમિતાભના જીવન સાથે સાથે સંકળાયેલા કેટલાય લોકોને (રેખા સહિત) મળીને, પૂરતું રિસર્ચ કરીને એમણે આ મસ્તમજાનું પુસ્તક લખ્યું છે. બકુલ દવેનો ગુજરાતી ભાવાનુવાદ પણ સુંદર છે. માત્ર અમિતાભના ચાહકોએ જ નહીં, સૌ કોઈને વાંચવું ગમે એવું મહત્ત્વનું પુસ્તક.
* * * * *
અમિતાભ બચ્ચન
લેખિકાઃ સૌમ્ય વંદ્યોપાધ્યાય
અનુવાદકઃ બકુલ દવે
પ્રકાશકઃ
ગૂર્જર સાહિત્ય ભવન, ગાંધી માર્ગ, અમદાવાદ-1
ફોનઃ (079)2214 4663, 2693 4340
પાનાઃ 466
કિંમતઃ 750 રૂપિયા
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply