Sun-Temple-Baanner

વેર લેવું છે? તમારા સદગુણો વધારી દો!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વેર લેવું છે? તમારા સદગુણો વધારી દો!


વેર લેવું છે? તમારા સદગુણો વધારી દો!

ચિત્રલેખા અંક તારીખ ૧ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમ- વાંચવા જેવું

‘ચતુરાઈ એ ઈમાનદારી અને બેઈમાની વચ્ચેની દીવાલ છે, જેના વિશે એ કહેવું મુશ્કેલ છે કે એ કોની સંપત્તિ છે!’

જીવનના વહેણની દિશા પલટી નાખવા માટે ક્યારેક માત્ર એક વાત, ટિપ્પણી કે પ્રેરણા પૂરતાં થઈ પડતાં હોય છે. વિચારની આ તાકાત છે. કલ્પના કરો, જ્યારે ૧૦૧ અનોખા વ્યક્તિત્ત્વોની ૩૦૦૦ કરતાંય અધિક વિચારકણિકાઓ એક જ પુસ્તકમાં સંગ્રહિત થાય ત્યારે સત્ત્વશીલતાનો કેવો ગજબનાક ગુણાકાર થાય! જિતેન્દ્ર પટેલનાં પ્રસ્તુત પુસ્તકમાં વિચારમેળો બરાબરનો જામ્યો છે. વિશ્વના જુદાંજુદાં બિંદુએ પ્રગટેલા અને સમયની સપાટી પર સતત તરતા રહેલા તેજલિસોટા જેવા આ વિચારોમાં સદીઓનું ડહાપણ અને ચિંતન સમાયેલું છે.

આ ૧૦૧ મહાનુભાવોની યાદી ઈન્ટરેસ્ટિંગ છે. અહીં એક છેડે પ,૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા વિદુર છે તો સામેના છેડે પર ૧૯૯૦માં નિધન પામેલા ઓશો છે. આ બે અંતિમોની વચ્ચે જન્મવર્ષ અનુસાર ચડતા ક્રમમાં ગુજરાતના, ભારતના અને દુનિયાભરના નોંધપાત્ર વિચારકો, સંતો-મહંતો, સાહિત્યકારો વગેરેનાં અવતરણોને આવરી લેવામાં આવ્યાં છે.

‘કંગાળ લોકો નહીં, પણ સુખી લોકો નિર્ધનતાની ખાઈમાં સરી પડે છે ત્યારે ક્રાંતિ કરવા તૈયાર થાય છે’ આ સર્વકાલીન સત્ય છેક ઈસવી સન પૂર્વે ૪૨૮માં જન્મેલા પ્લેટોએ ઉચ્ચાર્યુ હતું. પ્લેટોના શિષ્ય હતા એરિસ્ટોટલ અને એરિસ્ટોટલના શિષ્ય હતા વિશ્વવિજેતા સિકંદર. ગરુશિષ્યની આ કેવી ભવ્ય જોડીઓ! એરિસ્ટોટલે કહે છેઃ ‘ગુસ્સો કરવો સામાન્ય બાબત છે, પણ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય કારણથી, યોગ્ય રીતે ગુસ્સે થવું એ કામ સરળ નથી.’

ક્રોધ જન્મે છે શા માટે? આનો ઉત્તર તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી મણિલાલ નભુભાઈ દ્વિવેદી આ રીતે આપે છેઃ ‘માણસ પોતાના અંતરાત્માને પ્રસન્ન રાખવાનું ભૂલી અંતઃકરણના જુદા જુદા વેગોને સંતોષવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં ક્રોધ પેદા થાય છે.’ ક્રોધ પહેલાંના તબક્કા વિશે ‘મૂછાળી મા’ તરીકે જાણીતા થયેલા ગિજુભાઈ બધેકા કહે છેઃ ‘દુર્બળ માણસ પ્રથમ બીજાનું અનુકરણ કરે છે. અનુકરણ કરવામાં ફાવતો નથી ત્યારે તેની ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યા કરવાથી કશું વળતું નથી ત્યારે તેની નિંદા કરે છે. નિંદામાંથી પણ કંઈ વળતું નથી ત્યારે હાંસી કરે છે. હાંસીમાંથી પણ હારી જાય છે ત્યારે ક્રોધ કરે છે.’ ક્રોધ પછીની સભાનતાનું ઘણું મહત્ત્વ છે. એટલે જ ‘ગુજરાતના ચાણક્ય’નું બિરુદ પામેલા પ્રભાશંકર પટ્ટણી કહે છે,‘ગુસ્સે થઈ ગયા પછી જે માણસ બીજી જ ક્ષણે એમ વિચારે કે અરે, આ મને શું થઈ ગયું? તો સમજવું કે પ્રભુકૃપાની દષ્ટિ તેના પર છે.’

પુસ્તકમાં પ્રત્યેક હસ્તીનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે. તેથી ‘મૌન માત્ર કળા નથી, વાકપટુતા પણ છે’ એવું કહેનાર સિસરો રોમન બંધારણના ઘડવૈયા હતા તેની વાચકને જાણકારી મળે છે. મૌન વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સટન ચર્ચિલે પણ સરસ વાત કરેલીઃ ‘ઊભા થઈને બોલવામાં જેમ મર્દાનગી છે તેમ નીચે બેસી જઈને સાંભળવામાં પણ મર્દાનગી છે.’ બ્રિટિશ ઈતિહાસવિદ થોમસ કુલર કહે છે, ‘ જીભ પર સંયમ રાખ્યા વિના કોઈ સારો વક્તા બની શકતો નથી.’ થોમસ કુલરની આ સ્માર્ટ વનલાઈનર જુઓઃ ‘ચતુરાઈ એ ઈમાનદારી અને બેઈમાની વચ્ચેની દીવાલ છે, જેના વિશે એ કહેવું મુશ્કેલ છે કે એ કોની સંપત્તિ છે!’

દુનિયાની એવી ક્ઈ એકમાત્ર વ્યક્તિ છે, જેણે નોબલ પ્રાઈઝ અને ઓસ્કર અવોર્ડ બણે જીત્યા હોય? ઉત્તર છે, જ્યોર્જ બર્નાડ શો. તેમણે સરસ કહ્યું છેઃ ‘તક આવે છે એના કરતાં જતી રહે છે ત્યારે એ મોટી લાગે છે.’ લાઓ ત્સે કહે છેઃ ‘ભાગ્ય પર બધું છોડી દેનાર લોકો સામે આવેલી તકોને ઓળખી શકતા નથી.’ તક એ સમયનું જ એક પાસું થયું. ‘ચિત્રલેખા’ના સંસ્થાપક વજુ કોટક એટલે જ કહે છે ને કે, ‘સમય ચૂકી જનારાઓએ હંમેશા સમયની રાહ જોવી પડે છે.’ વજુ કોટકનું આ અવતરણ પણ મમળાવવા જેવું છેઃ ‘જે યુદ્ધ ચાલુ રાખે છે એ જરૂર કોઈ દિવસ વિજય મેળવશે, પણ યુદ્ધથી ડરીને દૂર ઊભો છે એ તો સદા પરાજિત છે…’

એક સાથે અનેક વિભૂતિઓની વિગતો એક જ લસરકામાં સામે આવતી હોવાથી ઘણી રસપ્રદ બાબતો આપોઆપ ઉપસી આવે છે. જેમ કે, શેક્સપિયરનો ૧૫૬૪માં જન્મ થયો ત્યારે ‘રામચરિતમાનસ’ના રચયિતા તુલસીદાસ બત્રીસ વર્ષના યુવાન હતા. મોહમ્મદ પયગંબરના જન્મ છઠ્ઠી સદીમાં થયો, જ્યારે મહાકવિ કાલિદાસ એમની પહેલા એટલે કે પાંચમી સદીમાં થઈ ગયા. ઈસવી સનની ગણતરીની શરૂઆત ક્યારે થઈ? જો તમારો જવાબ ‘ઈશુ ખ્રિસ્તના જન્મવર્ષ સાથે’ એવો હોય તો તે ખોટો છે, કારણ કે ઈશુ ખ્રિસ્તનો જન્મ ઈસવી સન પૂર્વે પાંચમાં થયો હતો! ઈસવી સન પૂર્વે ૫૫૧ થી ૨૫૦ વચ્ચે થઈ ગયેલા કોન્ફ્યુશિયસ, ચાણક્ય, સોક્રેટિસ તો આ બધા કરતાં ઘણા સિનિયર ગણાય!

પુસ્તકમાં સમાવાયેલી વિચારકણિકાઓ ખરેખર ટાઈમલેસ છે. ધારદાર રમૂજ અને વરણાગી વેશભૂષા બણે માટે જાણીતા ઓસ્કર વાઈલ્ડ કહે છેઃ ‘અનુભવ એ દરેક માણસે પોતાની ભૂલોને આપેલું નામ છે.’ તો ટાગોરનું કહેવું છે કે, ‘ભૂલોને રોકવા માટે દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી જશે.’ ‘ભ્રમણા એક મોટામાં મોટો આનંદ છે’ એવું કહેનાર ફ્રેન્ચ લેખક અને ફિલોસોફર વોલ્તેર કહે છે કે,‘જિંદગીની મુસીબતો ઓછી કરવા માગતા હો તો અત્યંત વ્યસ્ત રહો.’ તો સેમ્યુઅલ જ્હોન્સન કહે છેઃ ‘તમે નવરા હો તો એકલા રહેશો નહીં અને એકલા હો તો નવરા રહેશો નહીં.’

આ પુસ્તક તૈયાર કરવા પાછળ લેવાયેલી જહેમત સ્પષ્ટ વર્તાય છે. સંકલનકાર જિતેન્દ્ર પટેલ કહે છે, ‘મને અમદાવાદની એમ.જી. લાયબ્રેરી ઉપરાંત મેં નાનપણથી એકઠા કરેલાં કટિંગ્સ પણ ઉપયોગી બન્યાં છે. અમુક મહાનુભાવોની વિચારકણિકાઓ સહેલાઈથી મળી શકી, પણ અમુકના અવતરણો તારવવામાં ખાસ્સી મહેનત પડી. જેમ કે, મદનમોહન માલવિયના વિચારો એકત્રિત કરતી વખતે મારે દસેક પુસ્તકો રિફર કરવાં પડ્યાં હતાં. અહીં ફક્ત દિવંગત વ્યક્તિઓને જ સમાવ્યા છે. પુસ્તકનું કદ વધી જતું હોવાને કારણે ચંદ્રકાંત બક્ષી જેવી કેટલીક વ્યક્તિઓને ઈચ્છવા છતાંય સામેલ કરી શક્યો નથી.’

પુસ્તકની પ્રોડકશન વેલ્યુ તેમજ સજાવટ જોકે જમાવટ કરતાં નથી. વળી, વિક્ટર હ્યુગોનું ‘પુરુષો સ્ત્રીઓનાં રમકડાં છે, પણ સ્ત્રી પોતે શેતાનને રમવાનું સાધન છે’ જેવું નકારાત્મક ક્વોટ ટાળી શકાયું હોત. ખેર, સમગ્રપણે પુસ્તકનું કન્ટેન્ટ એટલું સમૃદ્ધ છે કે આ બાબતોને આસાનીથી અવગણી શકાય તેમ છે. કિશોરોથી માંડીને વડીલો સુધીના સૌને એકસરખું અપીલ કરી શકતા આ પુસ્તકની મજા એ છે કે તમે એને હાથમાં લઈને કોઈ પણ પાનું ફેરવીને વાંચી શકો છો, એકથી અધિક વખત વાંચી શકો છો અને દર વખતે તે નવાં નવાં સ્પંદનો અનુભવી શકો છો. વાચકને આવી સુવિધા બહુ ઓછાં પુસ્તકો ઓફર કરી શકતાં હોય છે!

બાય ધ વે, લેખના શીર્ષકમાં વંચાતું અવતરણ પ્લેટોનું છે…

(વ્યક્તિ, વિચાર અને પ્રેરણા

સંકલનકારઃ જિતેન્દ્ર પટેલ
પ્રકાશકઃ પાર્શ્વ પ્રકાશન,
નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ ૩૮૦૦૦૧
ફોનઃ (૦૭૯) ૨૫૩૫૬૯૦૯, ૨૬૪૨૪૮૦૦

કિંમતઃ રૂ. ૧૨૫ /-
પૃષ્ઠ સંખ્યાઃ ૨૧૪

(સંપૂર્ણ)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.