બિઝનેસ કેવી રીતે કરાય?
ચિત્રલેખા અંક તારીખ 18 ઓક્ટોબર 2010 માં પ્રકાશિત
કોલમ – વાંચવા જેવું
બાયલાઈન- શિશિર રામાવત
૧૮૫૭ના ઐતિહાસિક વિગ્રહને હજુ એક વર્ષની વાર હતી ત્યારે નવસારીથી મુંબઈ આવેલો જમશેદજી નસરવાનજી તાતા નામનો સત્તર વર્ષનો પારસી છોકરો એલ્ફિન્સ્ટન કોલેજમાં અંગ્રેજી સાહિત્ય ભણી રહ્યો હતો. ૧૮૬૮માં તેણે ખાનગી વેપારી પેઢી શરૂ કરી ત્યારે કોઈએ કલ્પના સુદ્ધાં કરી હશે ખરી કે આ યુવાન ભારતની ઔદ્યોગિક ક્રાંતિનો જનક બની બની જવાનો છે? ૨૧,૦૦૦ રૂપિયાની મૂડીથી શરૂ થયેલો ધંધો આજે ૨૦૧૦માં તાતા ગ્રુપ નામના ૩,૨૪૮ અબજ રૂપિયાના જાયન્ટ આર્થિક સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ ગયો છે! કેવી રહી આ ભવ્ય ઉદ્યોગયાત્રા? કેવા કેવા ચડાવઉતાર આવ્યા એમાં? આર. એમ.લાલા લિખિત ‘સંપત્તિનું સર્જન’ પુસ્તકમાંથી મળતા આ પ્રશ્નોનો ઉત્તર એટલે હિંદુસ્તાનની એક આંજી નાખતી સક્સેસ સ્ટોરી.
જમશેદજી પોતાના દેશને તો સારી રીતે પિછાણતા જ હતા, પણ આખી દુનિયા વિશે તેઓ જે જ્ઞાન ધરાવતા હતા તે તેમના જમાનામાં ઘણા ઓછા માણસો ધરાવતા હશે. ૧૮૮૨માં ૪૩ વર્ષની ઉંમરે જમશેદજીએ એક જર્મન ભૂસ્તરશાસ્ત્રીનો રિપોર્ટ વાંચ્યો, જેમાં લખ્યું હતું કે મઘ્યપ્રદેશમાં ચાંદા જિલ્લાના ભૂગર્ભમાં રહેલો કાચા લોખંડનો જથ્થો ખોદવામાં સૌથી અનુકૂળ પડે તેમ છે. ખેર, તે વખતે તો પોલાદનું કારખાનું સ્થાપવાનું શક્ય ન બન્યું, પણ સત્તર વર્ષ પછી અનુકૂળ યોગ ઊભા થયા. તેઓ જાતતપાસ કરવા અમેરિકા ગયા, ફ્રાન્સ જઈને તજજ્ઞોને મળ્યા. નાગપુરથી ૧૪૦ કિલોમીટરના અંતરે દુર્ગ જિલ્લામાં પોલાદનું કારખાનું નાખવાની તૈયારીઓ શરૂ થઈ. ભારતનું આ સર્વપ્રથમ મહાન ઔદ્યોગિક સાહસ હતું અને તે માટે દેશવાસીઓએ તે જમાનામાં ૨.૩૨ કરોડ રૂપિયાની મૂડી એકઠી કરી આપી. હાલ જ્યાં જમશેદપુર શહેર ઊભું છે ત્યાં તે જમાનામાં ઘનઘોર જંગલ હતું. શોરશરાબાથી ઘાંઘા થયેલા હાથીઓ આદિવાસીઓ મજૂરોના ઝૂંપડાં ભોંયભેગા કરી નાખતા. એક રાતે એક રીંછણ રેલવે સુપરિન્ડેન્ડન્ટના ઝૂપડામાં ઘૂસી ગઈ અને ટેબલ નીચે બચ્ચાને જન્મ આપ્યો! રેલવે બોર્ડના પ્રમુખ સર ફ્રેડરિક અપકોટે તો ચોખ્ખું કહી દીધું – શું આ તાતા બ્રિટીશ નમૂનાઓ પ્રમાણે પોલાદના રેલપાટા બનાવશે, એમ? જો તેઓ સફળ થાય તો હું વચન આપું છું કે તેમણે બનાવેલા પાટાનો એકેએક રતલ હું ખાઈ જઈશ! … પણ ૧૯૧૨ની ૧૬ ફેબ્રુઆરીએ પોલાદની પહેલી લગડી બહાર પડી. સૌ આનંદથી નાચી ઉઠ્યા. પછી તો પહેલા વિશ્વયુદ્ધમાં તાતાએ ૧૫૦૦ માઈલના પોલાદના રેલપાટાની વિદેશમાં નિકાસ કરી. જમશેદજીના પુત્ર સર દોરાબ મોદીએ ત્યારે ટિખળ કરેલી- સારું થયું ફ્રેડરિક અપકોટ પોતાનું પ્રોમિસ ભૂલી ગયા, નહીં તો આટલું બધું પોલાદ ખાઈને તેમને અપચો થઈ ગયો હોત!
જોકે દીર્ઘદષ્ટા જમશેદજી આ રેલપાટા જોવા માટે જીવિત ન રહ્યા. ૧૯૦૪માં તેમનું અવસાન થયું ત્યારે તત્કાલિન વાઈસરોય લોર્ડ કર્ઝને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં અંજલિ આપતા કહ્યું હતું- જમશેદજીનું મૂળભૂત અને શક્તિશાળી ચારિત્ર્ય એવું હતું કે કોઈ પણ વ્યક્તિ પછી ગમે તેટલી મહાન હોય, તેઓ તેના તાબે થતા નહીં, કારણ કે તેઓ પોતે પોતાની રીતે મહાન હતા મોટા ભાગના માણસો વિચારી શકે તેનાથી પણ મહાન. જયપ્રકાશ નારાયણે એક વાર કહેલું- બિહારમાં તાતા સિવાય ક્યારેય કોઈ સફળ થયું નથી – ઈશ્વર પણ નહીં. અરે, ખુદ ગાંધીજીએ કહેવું પડેલું કે, તાતા એટલે સાહસવૃત્તિ. આના કરતાં ચડિયાતાં કોમ્પ્લીમેન્ટ્સ બીજા ક્યા હોઈ શકે?
મુંબઈની આલાગ્રાન્ડ તાજમહાલ હોટેલ કઈ રીતે અસ્તિત્ત્વમાં આવી તે વાત પણ ભારે ઈન્ટરેસ્ટિંગ છે. એક કથા પ્રમાણે જમશેદજીને મુંબઈની એક હોટેલમાં એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કે તે ફક્ત યુરોપિયનો માટેની હતી. ગર્વીલા જમશેદજીએ મનોમન ગાંઠ વાળી લીધી- જેને હું ચિક્કાર ચાહું છું તેવા આ શહેરને એક અનન્ય હોટેલ આપીને જ રહીશ! આ હોટેલ એટલે ભવ્યાતિભવ્ય તાજમહાલ હોટલ. ૧૯૦૩માં ઉદઘાટન થયું અને પહેલા જ દિવસથી તેની ગણના જગતની શ્રેષ્ઠ હોટેલોમાં થવા માંડી. તાજમહાલ હોટલ બની ત્યારે ગેટ વે ઓફ ઈન્ડિયા હજુ બન્યો પણ નહોતો.
ભારતમાં સૌથી પહેલો નહાવાનો સાબુ ૧૮૭૯માં ‘મીરત’ એક અંગ્રેજ કંપનીએ ઉત્પાદિત કર્યો હતો. જ્યારે તાતા સાબુના ઉત્પાદનમાં પડ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી લીવર બ્રધર્સ કંપની સાથે સીધી હરીફાઈ કરવાની હતી. સદભાગ્યે ૧૯૩૧માં ગાંધીજીની સ્વદેશી ચળવળે તાતાઓને મદદ કરી. ૧૯૪૦ના દાયકામાં ફ્રાન્સમાં ‘૫૦૦’ નામનો સાબુ જાણીતો હતો. તાતાની ‘ટેમ્કો’ કંપનીના દેશપ્રેમી વડા જાલ નવરોજજી કહે- ભારત ફ્રાન્સ કરતાંય સારો સાબુ બનાવી શકે છે. આથી તેમણે જે કપડાં ધોવાનો સાબુ બજારમાં મૂક્યો તેને નામ આપ્યું ‘૫૦૧’! સાથે નહાવાનો સાબુ‘હમામ’ પણ લોન્ચ કર્યો અને આ બન્ને પ્રોડક્ટ ભારતના ઘરેઘરે પહોંચી ગઈ.
તાતા કોસ્મેટિક્સના ફેન્સી દુનિયામાં કેવી રીતે આવ્યા? તેની પણ એક કથા છે. ૧૯૫૦ના દાયકામાં વિદેશી હૂંડિયામણની અછતને લીઘે ભારતમાં વિદેશી સૌંદર્ય પ્રસાધનોની આયાત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. અકળાયેલી ફેશનેબલ મહિલાઓ દિલ્હીમાં દેખાવો કરવા લાગી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સવાલ ર્ક્યો- આ પ્રકારનાં કોસ્મેટિક્સ કોઈ ભારતમાં શા માટે બનાવી નથી શકતું? તાતાઓ આગળ આવ્યા અને આ રીતે ‘લેકમે’ની સ્થાપના થઈ!
૧૯૦૪માં ફ્રેન્ચ માતાના કૂખે જન્મેલા જહાંગીર રતનજી દાદાભોય (જે.આર.ડી.) તાતા જમશેદજીના કઝિનના પુત્ર થાય. જે.આર.ડી. તાતા અને તેમનાં પત્ની થેલ્માને કોઈ સંતાન ન હતું. ઈન ફેક્ટ, તાતા પરિવારમાં સંતાનો બહુ ઓછા જન્મ્યાં છે. જમશેદજીના બન્ને પુત્રોમાંથી કોઈને સંતાન નહોતું. આખરે અનાથાશ્રમમાં ભણી રહેલા ૧૩ વર્ષના નવલ હોરમસજી તાતાને ભારતના આ સૌથી શ્રીમંત પરિવાર દ્વારા દત્તક લેવામાં આવેલા. તાતા ગ્રુપના વર્તમાન ચેરમેન રતન તાતા તેમના જ પુત્ર. રતન તાતા આજીવન અપરિણીત રહ્યા. હવે તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે. ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ માટે વીર સંઘવીને આપેલી મુલાકાતમાં રતન તાતાએ કહેલું- ‘નવો ચેરમેન એવો હોવો જોઈએ જેનામાં હાથમાં લીધેલું કામ પૂરી કરવાની ક્ષમતા હોય… અને તેણે તાતાના નીતિમૂલ્યોમાં માનવું જ રહ્યું.’
ઝડપી નફો રળી લેવો, તંગીનો લાભ લેવો, સરકારી નીતિઓને પોતાના અંગત લાભ માટે તોડવી-મરોડવી – આ બધું તાતાઓના સંસ્કારવર્તુળની બહારની બાબતો છે. તાતા માત્ર પૈસા કમાવામાં માનતા નથી. સાયન્સ અને ટેકનોલોજી, મેડિસીન, શિક્ષણ, આર્ટ અને કલ્ચર વગેરે ક્ષેત્રોમાં તાતાઓએ આપેલું યોગદાન ક્યાં અછાનું છે? ‘ભારત પાસે જે હોવું જોઈએ તે તેને આપવું’ તે શરૂઆતથી જ તાતા ગૃહનું મુખ્યુ સૂત્ર બની રહ્યું છે. ભારતની સર્વપ્રથમ હવાઈ સેવા, ભારતની સૌથી પહેલી કાપડ મિલ, ભારતનું સૌથી પહેલું પેન્શન ફંડ… આવાં કેટકટલાંય ‘સર્વપ્રથમ’ તાતાના નામ બોલે છે. તાતાના ધંધાકીય ક્ષેત્રો અને કંપનીઓની સૂચિ એટલી લાંબી છે કે પાનાં ભરાય.
ભારતના સૌથી વિશાળ ઉદ્યોગગૃહના ઈતિહાસને રસાળ રીતે લખવો આસાન નથી. તે માટે ટેક્નિકલ પરિભાષાની જાણકારી ઉપરાંત ચોક્કસ સમજ અને દષ્ટિકોણ પણ જોઈએ. લેખક આ તમામ ગુણો ધરાવે છે. ભોળાભાઈ પટેલે કરેલો અનુવાદ પુસ્તકના વિષયના મોભાને છાજે તેવો પાણીદાર છે. મારિયો મિરાન્ડાનાં આકર્ષક ચિત્રાંકનો પુસ્તકનું ઓર એક આકર્ષણ છે. આ પુસ્તક એવું નથી કે સસ્પેન્સ-થ્રિલરની જેમ તમે તેને અધ્ધર જીવે વાંચી જાઓ, પણ હા, માત્ર બિઝનેસ કરતા કે કરવા માગતા જ નહીં, બલકે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ઈચ્છતા માણસને તે પાનો ચડાવી દે તેવું છે તે તો નક્કી!
સંપત્તિનું સર્જન
લેખક- આર. એમ.. લાલા
અનુવાદક- ભોળાભાઈ પટેલ
પ્રકાશક- આર. આર. શેઠ એન્ડ કંપની,
‘દ્વારકેશ’, ખાનપુર,અમદાવાદ ૧ અને
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
ફોન- (૦૭૯) ૨૫૫૦૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧૩૪૪૧
કિંમત- રૂ. ૧૯૫ /-
પૃષ્ઠ સંખ્યા- ૩૨૪
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply