Sun-Temple-Baanner

પિતા, પુત્રી અને પત્રો


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પિતા, પુત્રી અને પત્રો


પિતા, પુત્રી અને પત્રો

ચિત્રલેખા અંક તારીખ ૨૦ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

સ્લગઃ વાંચવા જેવું

‘મન ને તનની ઓળખાણ થાય છે તમને, ત્યારે જ માતાપિતા સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવા જોઈએ. જે ક્ષણે સંકોચ કે શરમને કારણે એમનાથી સંતાડવાનું મન થાય છે એ જ ક્ષણ છે એમની સાથેનું અંતર ઓછું કરવાની…’

જવાહરલાલ નેહરુએ પુત્રી ઈન્દિરાને એક પત્રમાં લખેલુંઃ ‘પ્યારી બેટી! પત્રથી કંઈ વાતચીતની ગરજ તો ન જ સરે… હું જે કંઈ કહું તે તને ઉપદેશ જેવું લાગે તો તેને તું કડવી ગોળી સમાન ગણીશ નહીં. એને તું જાણે આપણે સાચેસાચ વાતચીત કરી રહ્યા છીએ અને તારે વિચારવા માટે મેં કંઈ સૂચન કર્યું છે એમ માની લેજે.’

આજના પુસ્તકના લેખક તુષાર શુક્લ જાણે નેહરૂજીની આ વાત નીચે અદશ્યપણે સહી કરે છે. દીકરીને ઉદ્ેશીને લખાયેલા નેહરુજીના પત્રોમાંથી ‘જગતના ઈતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ નામનું દળદાર પુસ્તક જન્મ્યું હતું. ‘બેકપેક’માં પણ પિતા છે, પત્રો છે અને એ પાછા દ્વિપક્ષી છે. અહીં દીકરી પણ પપ્પાને કાગળો લખે છે, બન્ને એક જ છત નીચે રહેતાં હોવા છતાં. દીકરી સોળમા વર્ષમાં પ્રવેશી છે. તેનું ભાવવિશ્વ તરુણાવસ્થામાંથી યુવાવસ્થા તરફ ગતિ કરી રહેલી તમામ શહેરી યુવતીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે કોન્ફિડન્ટ પણ છે અને કન્ફ્યુઝડ પણ છે. પુત્રીના જીવનના આ તબક્કે માબાપની ભૂમિકા એક વિશિષ્ટ કક્ષાએ પહોંચે તેવી અપેક્ષા રહેતી હોય છે. આ પુસ્તકનો પિતા પહેલી વાર રજઃસ્વલા થયેલી દીકરીના માથે હાથ ફેરવીને કહી શકે છે કે ‘બેટા, હવે તું પૂર્ણ સ્ત્રી બની’, તો હળવેથી એનો કાન આમળીને તેની ભૂલ તરફ આંગળી પણ ચીંધી શકે છે.

દીકરી એક જગ્યાએ અકળાઈને કહે છેઃ ‘પોતાના બાળક પર વિશ્વાસ ન હોય તે કેમ ચાલે? બહાર જઈને હું કૈં ખોટું તો કરવાની નથી. તમને તમારા સંસ્કાર પર શ્રદ્ધા તો હોવી જોઈએ ને? પણ મમ્મી કૈં સમજતી જ નથી. આવું કેમ?’

પિતા એને ધીરજપૂર્વક સમજાવે છેઃ ‘સ્વતંત્રતા એ પ્રાિ નથી, પડકાર છે, જવાબદારી છે…. ઈમેઈલ અને ચેટિંગના માર્ગે અજાણ્યા સાથે રાતદિવસ ગમે ત્યારે સંપર્કમાં રહેવું, મોબાઈલ ફોન પર વાતો અને એસએમએસ ને એમએમએસમાં સમય આનંદવો, આ બધું માતાપિતાથી છાનું રાખવું મોટાં પ્રશ્નો ઊભા કરી શકે છે. જો છૂપાવવા જેવું કૈં ન હોય, સહજ અને સરળ પરિચયો જ હોય તો એના વિશે વાત કરવામાં શંુ વાંધો હોય? અને જો આવા પરિચય ઘનિષ્ઠ બને કે ગભરાવે એવા બને તો વાત કરવામાં સંકોચ શાને? … માતાપિતા કે પરિવારથી કૈં છુપાવવું, સંતાડવું એ વિશ્વાસઘાત છે. એને આવા વિશ્વાસઘાત પછી પણ, એ તો સંતાનને સહાય કરવા તત્પર જ હોય છે.’

સુખી, સંસ્કારી મધ્યમવર્ગીય પરિવારની સોળસત્તર વર્ષની મુગ્ધાને હોઈ શકે તે તમામ નાનીમાટી સમસ્યાઓ આ છોકરીને સતાવે છે. જેમ કે મોબોઈલનું બિલ ખૂબ ઊંચું આવતાં ગુસ્સો કરતી મમ્મી, આડેધડ ડાયેટિંગ કરીને માંદી પડતી બહેનપણી, બાઈક પર મિત્ર (છોકરા) સાથે મોડી રાતે પાછી ફરતી વખતે રસ્તા પર અટકાવતો પોલીસ, ફોન પર ખરાબ વાતો કરીને પજવ્યા કરતો અજાણ્યો માણસ, અકારણ પ્રોબ્લેમ ઊભા કરતા પ્રોફેસરો, વેલેન્ટાઈન ડે પર સરસ મજાનું કાર્ડ આપી ગયેલો કોલેજનો એક છોકરો…

‘કાર્ડ સરસ છે!’ પપ્પા તરત કાગળમાં લખે છે, ‘એમાનું લખાણ પણ મજાનું છે… બાળક શું જુએ છે, માબાપની આંખમા? એના માટેનો સ્વીકાર. આવકાર. આપણા સહુની ઝંખના આ જ છે ને? સ્વીકારની ઝંખના!…આજે તારો સ્વીકાર તેં અનુભવ્યો, એક સાવ અજાણી આંખોમાં. તારો આ રોમાંચ સહજ છે. આમાં કશીય અસહજતાનો અંશ ન ઉમેરાય તે જોજે. અસહજતા આવશે તો સાથે સાથે સમજણની વિવેકતુલાને ય હલાવી નાખશે, જે આપણને યોગ્ય નિર્ણય કરવામાં બાધારૂપ સાબિત થશે. માટે સહજ રહેજે…સ્વસ્થ રહેજે. પ્રસન્ન તો તું છે જ!’

કુમળી વયે વિજાતીય આકર્ષણ અને તેને કારણે પેદા થતાં પ્રશ્નોપરિસ્થિતિઓ સૌથી વજનદાર બની જતા હોય છે. પિતાજી એટલે જ લખે છે કેઃ ‘છોકરાઓ સાથેની દોસ્તી, હસીમજાક, થોડાંક અડપલાં એ યૌવનસહજ છે. મન અને તન બન્નેને ગમે છે. પણ, ગમવાની સીમા આપણે જ નક્કી કરવી રહી. મન ને તનની ઓળખાણ થાય છે તમને, ત્યારે જ માતાપિતા સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનાવવા જોઈએ. જે ક્ષણે સંકોચ કે શરમને કારણે એમનાથી સંતાડવાનું મન થાય છે એ જ ક્ષણ છે એમની સાથેનું અંતર ઓછું કરવાની…. તમે પગભર થાવ પછી, ઉંબર અને આંગણ ઓળંગો પછી, વહાલ જેટલું જ મહત્ત્વ વિશ્વાસનું હોય છે.’

દીકરીને પણ મમ્મીપપ્પાની પ્રસન્નતાની ખેવના છે જ. એટલેસ્તો તેમની વેડિંગ એનિવર્સરી પર દીકરી પોતાના પોકેટ મનીમાંથી તેમના માટે હોલીડે પેકેજ બૂક કરાવે છે. દીકરી માટે પોકેટમની એટલે માય પોકેટ એન્ડ યોર મની! અચ્છા, હોલીડે દરમિયાન શું થયું? ‘… પછી તો તારી મમ્મી વાતોએ ચડી બસ! તારી જ વાતો… હનીમૂન અમારું ને વાતો તારી! એ કહે કે, આપણી દીકરી મોટી થઈ ગઈ! ને આંખમાં આંસુ! ને કન્યાવિદાયની વાતે તો હું ય ઢીલો! બેટા, તારા આયોજન પર અમે પાણી ફેરવી દીધું -આંસુરૂપે!’

‘યુ આર ટુ મચ!’ દીકરી ચીડાઈને રીસભેર કાગળમાં લખે છેઃ ‘તમને ત્યાં આટલા માટે મોકલેલાં? હાઉ અનરોમેન્ટિક!’

રીસામણા-મનામણા, મજાકમસ્તી, ડર, ચિંતા, અસલામતી, સધિયારો, ધન્યતા, ક્યારેય ન સૂકાતું વાત્સલ્ય… આ પુસ્તકમાં માબાપ અને સંતાન વચ્ચે પેદાં થતી કંઈકેટલીય સંભાવનાઓ અને સ્પંદનો હ્યદયસ્પર્શી રીતે ઝીલાયાં છે. પુસ્તક જીવાતા જીવનથી ખૂબ નિકટ છે અને તે એનો મોટો પ્લસ પોઈન્ટ છે. વાસ્તવમાં આ ચોપડીનું એક જોડિયું પુસ્તક પણ છે ‘ડેનીમ’, જેમાં બાપ-બેટા વચ્ચેનો પત્રસંવાદ છે.

લેખક તુષાર શુક્લ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘એક રીતે કહીએ તો, ‘બેકપેક’ અને ‘ડેનીમ’ પુસ્તકો મારા મનપ્રદેશમાં ચાલ્યા કરતી વાતોનું લાઉડ થિન્િકંગ છે. મને બહુ કન્સર્ન છે નવી પેઢી માટે. આજે ઘણાં માબાપ પોતાના જુવાન થઈ રહેલાં સંતાનને કશુંય કહેતા ડરતાં હોય છે. આના કરતાં દુખદ વાત બીજી કઈ હોઈ શકે?’

માર્ગદર્શનની જરૂર માત્ર નવી પેઢીને નથી, માબાપને પણ છે. આ પુસ્તક સંતાનની સાથે સાથે વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરે છે અને તે પણ સહેજ પણ ભારેખમ બન્યા વિના. સુંદર વાંચન, સત્ત્વશીલ લખાણ. માત્ર યુવાન સંતાનો કે તેમના વાલીઓ જ નહીં, પણ જેમનાં સંતાનો ભવિષ્યમાં ટીનેજર બનવાનાં છે તેવાં મમ્મીપપ્પાઓને પણ અપીલ કરે તેવું મજાનું પુસ્તક.

(બેકપેક

લેખકઃ તુષાર શુક્લ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,
દેરાસર પાસે, ગાંધી માર્ગ,
અમદાવાદ ૩૮૦૦૦૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧

કિમત : રૂ. ૧૨૫/-

પૃષ્ઠ સંખ્યાઃ ૯૪

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.