રોડ એક્સિડન્ટ્સઃ નખ્ખોદ જાય પેલાં ડિવાઇડરોનું…
———————
આપણે ઘણી વાર સાંભળતાં-વાંચતા હોઈએ છીએઃ કારનું ટાયર ફાટી ગયું એટલે અકસ્માત થયો… ડ્રાઇવરથી ગાડી કંટ્રોલ ન થઈ એટલે એક્સિડન્ટ થયો! અરે સાહેબ, એક્સિડન્ટ પેલા ખોટી રીતે ડિઝાઇન થયેલા કાળમુખા ડિવાઇડરને કારણે થયો છે.
————————-
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
————————-
આ તો એવી વાત થઈ કે કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય તો એના પર જ આંગળી ચીંધી દેવાનીઃ તેં જ શરીર દેખાય એવાં કપડાં પહેરીને લટકાંમટકાં કર્યાં હશે ને પુરુષને ઉશ્કેર્યો હશે. ઘરેલુ અત્યાચારથી ત્રાસીને પરિણીત યુવતી પિયર આવે તો એને જ ગુનેગારના કઠેડામાં ખડી કરી દેવાનીઃ તું જ કાચી પડી, તને જ ઘર ને વર સાચવતાં ના આવડયાં. ટાટા જૂથના ભૂતપૂર્વ વડા સાયરસ મિસ્ત્રી ભયાનક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા એટલે બધા તૂટી પડયાઃ ડ્રાઇવિંગ કરી રહેલાં બહેન થાકેલાં હતાં અને કાર ઓવર-સ્પીડિંગ કરી રહી હતી એ તો જાણે ઠીક છે, પણ પાછલી સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રીએ સીટ-બેલ્ટ પહેર્યો નહોતો એ એમનો વાંક.
અરે સાહેબ, તમે આખો ઓળિયોઘોળિયો સીટ-બેલ્ટ પર નાખી દો છો, પણ કાર જેની સાથે વેગપૂર્વગ અથડાઈ એ ડિવાઇડરનું નામ કેમ લેતા નથી? આપણે ત્યાં રોડ એન્જિનીયરિંગ કે રોડ ડિઝાઇનના નામે દાયકાઓથી જે સતત જીવલેણ મજાક થતી આવી છે તેની વિરુદ્ધ સત્તાવાળાઓના કાનમાં ધાક પડી જાય એટલા ઊંચા અવાજે બોલતા કેમ નથી?
આપણે જેને ડિવાઇડર કહીએ છીએ એને રોડ એન્જિનીયરિંગની ભાષામાં ‘રેઇઝ્ડ મિડીઅન’ કહે છે. રેઇઝ્ડ એટલે ઊંચું. હાઇવે પર એક બાજુનાં વાહનો વિરુદ્ધ બાજુની લેનમાં ઘૂસી ન જાય તે માટે આપણે ત્યાં રસ્તાની વચ્ચોવચ્ચ સામાન્યપણે રીએન્ફોર્સ્ડ કોંક્રીટનું બનેલું સ્ટ્રક્ચર (ડિવાઇડર અથવા રેઇઝ્ડ મિડીઅન) ઊભું કરવામાં આવે છે. વિકસિત દેશોમાં હાઇવે પર આવા ઊંચાં ડિવાઇડર મૂકવાનું અલાઉડ જ નથી. હાઇવે પર એવું કશું જ ન હોવું જોઈએ જેનો સ્પર્શ સુધ્ધાં ટાયરને થઈ શકે. ધસમસતા વેગથી આવતી ગાડીનાં ટાયરને ક્રોંક્રીટ જેવી સખત વસ્તુ ધડ્ કરતી અથડાય એટલે બીજું શું થાય? ગાડીનું સંતુલન જતું રહે, તે ઉથલી પડે, વિરુદ્ધ લેનમાં ધસી જાય ને દે-માર ગતિથી આવતાં વાહનો સાથે ભયાનક રીતે ટકરાઈ જાય. આપણે ઘણી વાર સાંભળતાં-વાંચતા હોઈએ છીએઃ કારનું ટાયર ફાટી ગયું એટલે અકસ્માત થયો. અરે સાહેબ, ટાયર ફાટવાને કારણે નહીં, પેલા કાળમુખા ડિવાઇડરને કારણે અકસ્માત થયો.
તો શું હાઇવે પર ડિવાઇડર રાખવાનાં જ નહીં? હાઇવે પર બન્ને તરફનાં વાહનોને વિભાજિત કરવા માટે બીજી રીતો અથવા અન્ય પ્રકારનાં મિડીઅન્સ છે જ. એક છે, સ્ટ્રિપ મિડીઅન અથવા ફ્લશ મિડીઅન. એમાં હાઇવેની વચ્ચોવચ્ચ જાડા સફેદ પટ્ટા સમાંતરે ત્રાંસા ચિતરવામાં આવે. ઓર એક પ્રકાર છે ડિપ્રેસ્ડ મિડીઅનનો. એમાં હાઇવેની વચ્ચોવચ્ચ, હાઇવેની સપાટી કરતાં નીચે એવો થોડા ઇંચ ઊંડો ખાડા કરવામાં આવે, જે આખા હાઇવે પર સળંગ ચાલ્યા કરતો હોય. ખાડામાં મોટેભાગે ઘાસ ઊગાડેલું હોય. એટલે ધારો કે ગતિપૂર્વક ભાગી રહેલું વાહન બેલેન્સ ગુમાવે તો પણ તે લસરીને આ ડિપ્રેસ્ડ હિસ્સામાં એટલે કે ખાડામાં ઉતરી જાય. એ ગુંલાટીયા ન ખાય કે કોઈને અથડાઈ ન પડે. પરિણામે જાન-માલનું નુક્સાન ન થાય.
આ પટ્ટાવાળા સ્ટ્રિપ મિડીઅન અથવા ખાડાવાળા ડિપ્રેસ્ડ મિડીઅનની પહોળાઈ ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ(આઇઆરસી) દ્વારા નિશ્ચિત કરવામાં આવી છે. જો હાઇવે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો હોય તો મિડીઅન કમસે કમ પાંચ મીટર પહોળંુ હોવું જોઈએ અને જો અર્બન હાઇવે હોય તો તે ૧.૨થી અઢી મીટર પહોળું હોવું જોઈએ. કોંક્રીટયુક્ત રેઇઝ્ડ મિડીઅન હોય તો તે પણ પહોળા હોવાં જોઈએ. રોડ ડિવાઇડર અથવા મિડીઅનનું અલાયદું વિજ્ઞાાન છે, પણ આપણે ત્યાં એનું કેટલું પાલન થાય છે? આપણા હાઇવેઝ પર અઢી કે પાંચ મીટર પહોળાં ડિવાઇડર સર્ચલાઇટ લઈને શોધવા નીકળીએ તો પણ ક્યાંક ક્યાંક માંડ દેખાય છે. આપણા હાઇવેની ટોટલ પહોળાઈ જ ઘણી વાર એટલી હોતી નથી કે વચ્ચે આટલા પહોળા મિડીઅન મૂકી શકાય.
તમામ મલ્ટિલેન હાઇવે પર કોંક્રીટના રેઇઝ્ડ મિડીઅનને હટાવીને એના સ્થાને ડિપ્રેસ્ડ મિડીઅન કે સ્ટ્રિપ મિડીઅન મૂકવાનો આદેશ વર્ષો પહેલાં અપાઈ ગયો છે, પણ એનું પાલન થાય તોને! આપણા નસીબમાં મોટા ભાગે તો કોંક્રીટનાં ડિવાઇડર જ લખાયાં છે. ફક્ત પાંચ-છ ઇંચ ઊંચાઈ ધરાવતાં કોક્રીટનાં ત્રુટક ત્રુટક મિડીઅન યમદેવના પાડા કરતાં કમ નથી. આવા વહેંતિયાં ડિવાઇડરની જગ્યાએ અઢી-ત્રણ ફૂટ ઊંચાં ડિવાઇડરો પણ જોવા મળે છે, જેની પહોળાઈ સાવ ઓછી, માંડ ૪૫થી ૬૦ સેન્ટીમીટર હોય. ક્યારેક તો એના કરતાંય ઓછી. શહેરોના રસ્તાઓ પર પૂરતો પ્રકાશ હોય એટલે હજુય ચાલી જાય, પણ આવા મામૂલી પહોળાઈવાળાં ડિવાઇડર હાઇવે પર ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે ઘાતક પૂરવાર થાય છે. ખાસ કરીને રસ્તો વળાંક લેતો હોય ત્યારે ડ્રાઇવરનું ધ્યાન આવા સૂકલકડી ડિવાઇડર પર ન જાય એવું ચોક્કસ બને. ડિવાઇડર પહોળું હોય પણ જો એનાં પર રિફ્લેક્ટર લગાડયાં ન હોય તોય મોકાણ. ચોમાસાનો વરસાદ ડિવાઇડરનાં રિફ્લેક્ટર્સને ધોઈ નાખે એટલે ઉપાધિનો પાર નહીં. ખાસ કરીને રાતે.
ગાઇડલાઇન્સની ઐસી તૈસી કરીને બનાવેલા ડિવાઇડરો લોકોનું જીવ લેવાનું કામ કરે છે. ગાડી દે-માર કરતી જઈ રહી હોય ને અચાનક રસ્તા પર ડિવાઇડર ફૂટી નીકળે એટલે કાં તો ગાડી આ ઊંચા ડિવાઇડર સાથે ધડામ્ કરતી ટકરાશે અથવા તો વામન ડિવાઇડરના કટથી ઉથલી પડીને ગુંલાટો ખાવા લાગશે. આવું થાય એટલે તરત ડ્રાઇવર પર દોષનો ટોપલો ઓઢાડી દેવામાં આવેઃ ડ્રાઇવરથી ગાડી કંટ્રોલ ન થઈ એટલે એક્સિડન્ટ થયું! અમુક દેશોમાં પાણીથી ભરેલાં પ્લાસ્ટિકનાં કોલેપ્સિબલ બેરિયર્સ મૂકવામાં આવે છે, પણ આપણે ત્યાં હજુય જડભરત જેવા કોંક્રીટનાં ડિવાઇડર વપરાય છે, જે વાહનનો ખુડદો બોલાવી દે છે.
નબળી વિઝિબિલિટી પણ એક્સિડન્ટનું મોટું કારણ છે. ડિવાઇડર્સ પર વ્યવસ્થિત રીતે રિફ્લેક્ટર લગાડેલાં હોવાં જોઈએ કે જેથી હેડલાઇટના પ્રકાશમાં તે તરત ચમકી ઉઠે ને ડ્રાઇવરનું ધ્યાન જાય. હાઇવે હોય કે શહેરોના આંતરિક રસ્તા – કેટલાય મૂર્ખ લોકો પોતાની ગાડીમાંથી એટલા ભયંકર શેરડા મારતા હોય છે કે ન પૂછો વાત. આ શેરડા સામેની દિશામાંથી આવતા ડ્રાઇવરની આંખો આંજી નાખે છે. ન કરે નારાયણ ને ધારો કે આવી સ્થિતિમાં ઓચિંતું ડિવાઇડર આવી ગયું તો ગયા કામથી. ક્યારેક ડિવાઇડરની આસપાસ આડેધડ ઊગી નીકળેલું ઘાસ યા તો ઝાડની ઘનઘોર ડાળીઓ વિલન બની જાય છે.
હાઇવેને લગતી ગાઇડલાઇન્સ તો ઘડાય છે, પણ લોકોના જીવના ભોગેય પોતાનાં ખિસ્સાં ભરવા માગતાં દુષ્ટ તત્ત્વો તેમ થવા દેતાં નથી. આ તત્ત્વો એટલે રોડ કન્સ્ટ્રક્શન અને રોડ મેન્ટેનન્સ સાથે સંકળાયેલા અમલદારો, કોન્ટ્રેક્ટરો, રાજકારણીઓ, વચેટિયાઓ વગેરે. કંઈકેટલાય રસ્તા ખોટાં સ્પેસિફિકેશન સાથે તદ્દન અવૈજ્ઞાાનિક રીતે બાંધવામાં આવે છે કે જેથી કોન્ટ્રેક્ટરોને મલાઈ ખાવા મળે અને મલાઇના અમુક ટુકડા વચેટિયામાં કમિશન પેટે વહેંચી શકાય. ખોટી રોડ ડિઝાઇન અને કંગાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જ્યારે જીવલેણ અકસ્માતો થાય છે ત્યારે જે-તે રોડ એન્જિનીયરનું નામ મીડિયામાં વિલન તરીકે કેમ ઊછળતું નથી? સંબંધિત એજન્સી પર કાયદેસરના કેસ કેમ ચાલતા નથી? આપણે પહેલાં તો રસ્તા ખોટી રીતે બનાવીએ છીએ ને પછી લોકોના વાંક કાઢીએ છીએ.
સમસ્યાના સમાધાન તરીકે જનતામાં અવેરનેસ વધારો, નિયમ તોડનારને ઊંચી દંડ ફટકારો જેવાં સૂચનો થાય છે. અમેરિકા આ બધું ૧૯૨૫થી ૧૯૭૫ દરમિયાન પાંચ દાયકા સુધી કરી ચૂક્યું છે, પણ ત્યાં અકસ્માતથી મોતને ભેટનારાઓની સંખ્યામાં ઘટાડો નહોતો થયો. ઊલટાનો આંકડો વધતો ગયો હતો. આખરે નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનની સ્થાપના કરવામાં આવી, રોડ એક્સિડન્ટ્સની સમસ્યાઓનો વૈજ્ઞાાનિક રીતે સઘન અભ્યાસ કર્યો. જે તારણો મળ્યાં તેના આધારે એમણે રોડ ડિઝાઇનમાં ફેરફાર કર્યો, વાહનોની ડિઝાઇન પણ બદલી. આ સઘળા પ્રયત્નોને અંતે અમેરિકામાં અકસ્માતોનું પ્રમાણ ઘટયું હતું. આવું જપાનમાં પણ બન્યું છે.
અમુક વાતો સાવ સાદી હોય છે. જેમ કે, મોટરસાઇકલની હેડલાઇટ દિવસ દરમિયાન પણ ચાલુ રહે તો બાઇકધારકોનાં મૃત્યુના પ્રમાણમાં ૧૫ જેટલો ઘટાડો થાય છે. સદભાગ્યે આપણે ત્યાં ટુ-વ્હીલર્સનાં નવાં મોડલ્સમાં દિવસ હોય કે રાત, એન્જીન ચાલુ થતાં જ હેડલાઇટ આપોઆપ ચાલુ થઈ જાય છે. હેલ્મેટ પહેરવાથી ડેથ રેટ ૩૦ ટકા જેટલો ઘટી શકે છે. વાત કાયદાનો કડકાઈથી અમલ કરાવવાનો છે. બાકી આપણે ત્યાં નિયમપાલનમાં જે લાલિયાવાડી ચાલે છે તે જોઈને ભારતના પ્રવાસે આવતા યુરોપ-અમેરિકાના ગોરાઓ પણ સીટ-બેલ્ટ પહેરવાનું બંધ કરી દે છે. આપણે ત્યાં તો હાઇકોર્ટની બહાર જ વકીલોએ ખોટી રીતે કાર અને બાઇક પાર્ક કર્યાં હોય છે. કાનૂનના જ્ઞાાતાઓ જ પાર્કિંગના કાયદાઓની ઐસીતૈસી કરે પછી બીજાઓ પાસેથી શું અપેક્ષા રાખવાની?
ભારતમાં કુલ જેટલા અકસ્માતો થાય છે એના ૫૦થી ૬૦ ટકા અકસ્માતો હાઇવે પર થાય છે. શહેરોમાં વાહનોની સ્પીડ એક મોટી સમસ્યા છે. ફ્લાયઓવરને કારણે લોકો પોતાનાં વાહનની સ્પીડ વધારી દે છે ને ઊલટાનાં વધારે એક્સિડન્ટ્સ થાય છે. એક તબક્કે અમેરિકા અને યુરોપમાં ફ્લાયઓવર બનાવવાનું કાં તો સાવ બંધ યા તો સાવ ઓછું કરી દેવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાના સોલ શહેરમાં તો બનેલાં ફ્લાયઓવરને તોડી પાડવામાં આવ્યાં હતાં.
રોડ એક્સિડન્ટ આપણે સમજીએ છીએ એના કરતાં ઘણો વિરાટ વિષય છે. દારુ પીને ડ્રાઇવિંગ કરવું, ટ્રક ડ્રાઇવરો માટે પૂરતી સુવિધાઓ ન હોવી જેવાં બીજાં કેટલાંય પરિબળો છે. ભારતમાં ૨૦૨૧ના એક જ વર્ષમાં રોડ એક્સિડન્ટ્સને કારણે 1,55,622 લોકો મર્યા. એટલે કે રોજના 426 માણસો. મહામારી કે યુદ્ધમાં પણ આટલા જંગી પ્રમાણમાં લોકો મરતા નથી. આ આંકડા પાછા દર વર્ષે વધુ મોટા થતા જાય છે. ભારત અમસ્તા જ દુનિયાનું એક્સિડન્ટ કેપિટલ નથી કહેવાતું. માણસ અકસ્માતમાં મરે એટલે ફક્ત પરિવારના લોકોને જ પીડા થતી નથી, દેશને પણ આર્થિક તમાચો પડે છે. ૨૦૨૧ના એક રિપોર્ટ પ્રમાણે, રોડ અકસ્માતને કારણે આડેધડ થતાં મોતને લીધે દેશની અર્થવ્યવસ્થાને 3096 અબજ રુપિયાનું અધધધ નુક્સાન થયું હતું. દેશની જીડીપીના આ લગભગ 0.55થી 1.35 ટકા થયા!
જ્યાં સુધી ભારતનું રોડ એન્જિનીયરિંગ સુધરશે નહીં ને એનો કડકાઈભર્યો અમલ થશે નહીં ત્યાં સુધી આપણા લોહીઉકાળા ચાલ્યા કરવાના.
– શિશિર રામાવત
Leave a Reply