વેદ-ઉપનિષદ વિશે આપણે ખરેખર શું જાણીએ છીએ?
—————————————–
ગુજરાત સમાચાર, એડિટ પેજ, કૉલમઃ વાત-વિચાર
—————————————–
“સનાતન ધારામાં જે કંઈ મૂલ્યહીન છે (જેમ કે કર્મકાંડ, રીતિ-રિવાજ, અંધવિશ્વાસ વગેરે) એનો પશ્ચિમ ઉપહાસ કરે છે અને સનાતન ધારામાં જે મૂલ્યવાન છે (જેમ કે વેદાન્ત) એને હાથ જોડીને નમસ્કાર કરે છે. કેવી વિચિત્ર વાત છે કે આખી દુનિયા જાણે છે કે સનાતન ધર્મ પર ભલે પુષ્કળ ધૂળ ભલે ચડી ગઈ હોય, પણ એની પાસે એક ચમકતો હીરો તો છે જ. ફક્ત સનાતની જ જાણતો નથી કે ધૂળ કોને કહેવી ને હીરો કોને કહેવો. આપણે ધૂળને હીરાનું સ્થાન આપી દીધું છે ને હીરાની ઉપેક્ષા કરી રહ્યા છીએ.”
——————————————
હોલિવુડ જે જાતજાતના સુપરહીરોને કેન્દ્રમાં રાખીને તોતિંગ બજેટ ધરાવતી ફિલ્મો બનાવ્યા કરે છે એ સૌનાં મૂળિયાં ભારતના વેદગ્રંથોમાં છે ને હોલિવુડવાળાઓએ સ્વીકાર્યું પણ છે કે તેમણે આપણા વેદગ્રંથોમાંથી ઘણી પ્રેરણા લીધી છે. આવું એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું. બરાબર છે. કંગનાની ખુદની મારધાડથી ભરપૂર એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, કે જેમાં એ સુપર સ્પાય બની છે, એટલે એ આવું બધું બોલે તે સમજાય એવું છે. સો મણનો સવાલ આ છેઃ
આપણે સૌ વાતચીતમાં, વક્તવ્યોમાં, લખાણોમાં વેદ-પુરાણ-ઉપનિષદ-સ્મૃતિ જેવા શબ્દો વચ્ચે વચ્ચે છાંટતા રહીએ છીએ, પણ વેદ-પુરાણો વિશે આપણે ખરેખર શું જાણીએ છીએ? કેટલું જાણીએ છીએ? આપણું ‘આધ્યાત્મિક જ્ઞાન’ (અથવા કહો કે આધ્યાત્મિક ઇન્ફર્મેશન) રામાયણ, મહાભારત, ગીતા અને કદાચ બીજાં થોડાં કથા-કથનો પર આવીને અટકી જાય છે. આપણે ખુદને હાડોહાડ ભારતીય કહેડાવતા હોવા છતાં, એક સરેરાશ હિન્દુ ખુદને સાચો હિન્દુ યા તો સનાતની કહેડાવતો હોવા છતાં, એની વેદ-ઉપનિષદ વિશેની સમજ શા માટે ચોંકી ઉઠાય એટલી સીમિત રહી ગઈ છે? વિશદ, ઊંડાણભર્યા કે અનુભૂતિજન્ય જ્ઞાનની તો આપણે વાત જ કરતા નથી… વેદ-ઉપનિષદ વિશેની સામાન્ય જાણકારી પણ આપણી પાસે કેટલી છે?
આપણે વાતચીત-વ્યવહારમાં અમુક એવા શબ્દપ્રયોગો કે સૂત્રો બોલીએ-લખીએ છીએ, જે વાસ્તવમાં વેદવાણી છે તેના વિશે આપણે સભાન હોતા નથી. દાખલા તરીકે, ‘સત્યમેવ જયતે’ એ ‘સત્યમેવ જયતે નાનૃતમ્ સત્યેન’ (સત્યની જ જીત થાય છે, અસત્યની નહીં) ઉક્તિનો પૂર્વાર્ધ છે. આ છાન્દોગ્ય ઉપનિષદનું સૂત્ર છે. ‘અસતો મા સદ્ ગમય, તમસો મા જ્યોર્તિગમય, મૃત્યોર્મામૃતમ્ ગમય’ – આ અતિ પ્રચલિત સૂત્ર આપણે સ્કૂલમાં ભણ્યા છીએ, જેનો અર્થ થાય છે, મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ, મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ, મને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાઓ. આ બૃહદારણ્યક ઉપનિષદનું સૂત્ર છે (અધ્યાય 1, તૃતીય બ્રાહ્મણ, શ્લોક ક્રમાંક 16). અન્ય ઉદાહરણોઃ ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (અર્થઃ હું બ્રહ્મ છું. બૃહદારણ્યક ઉપનિષદ, અધ્યાય 1, ચતુર્થ બ્રાહ્મણ, શ્લોક ક્રમાંક 10), ‘તત્ત્વમસિ’ (અર્થઃ એ બ્રહ્મ તું છે. છાન્દોગ્ય ઉપનિષદ, અધ્યાય 5, ખંડ 8, શ્લોક ક્રમાંક 7), ‘એકમ્ એવમ્ અદ્વિતીયમ્’ (અર્થઃ બહ્મ જ એકમાત્ર સત્તા છે, એના સિવાય બીજી કોઈ સત્તા નથી. છાન્દોગ્ય ઉપનિષદ, અધ્યાય 6, ખંડ 2, શ્લોક ક્રમાંક 1), ‘ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’ (અર્થઃ ઉઠો, જાગો અને શ્રેષ્ઠ મનુષ્યો પાસે જઈને બોધ ગ્રહણ કરો. કઠ ઉપનિષદ, અધ્યાય 1, વલ્લી 3, શ્લોક ક્રમાંક 14).
વેદ અને ઉપનિષદમાં શો ફર્ક છે? આચાર્ય પ્રશાંતે આનો બહુ સરળ ભાષામાં ઉત્તર આપ્યો છે. આચાર્ય પ્રશાંત વેદાન્તના નખશિખ, ઑથેન્ટિક પંડિત છે. એ કોઈ ટિપિકલ સાધુ-બાબા નથી. આઇઆઇટીમાંથી એન્જીનિયર બન્યા પછી તેમણે અમદાવાદના આઇઆઇએમમાંથી પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યું હતું. શૈક્ષણિક તેજસ્વિતાનો સવાલ છે ત્યાં સુધી આઇઆઇટી-આઇઆઇએમ(એ) કરતાં વધારે ખતરનાક કોમ્બિનેશન ભારતમાં બીજું એકેય નથી. આટલું ઓછું હોય તેમ આચાર્ય પ્રશાંત તો પાછા આઇએએસ પણ થયા હતા. થોડાં વર્ષો જોબ વગેરે કર્યા બાદ સઘળું તોડી-છોડીને તેઓ વેદાન્તના ફુલટાઇમ શિક્ષક-પ્રચારક બની ગયા. ઘરેઘર સુધી ઉપનિષદ પહોંચાડવું એ એમનું મિશન છે. યુટ્યુબ પર તેમના સેંકડો વિડીયો અવલેબલ છે, એમના નામે અસંખ્ય પુસ્તકો બોલે છે. મુગ્ધ કરી દે એવું સુંદર હિન્દી તેઓ બોલે છે. એમની શૈક્ષણિક તેજસ્વિતા અને નો-નોનસેન્સ શૈલી આ બન્ને ખાસ કરીને યુવાનોને ખૂબ આકર્ષે છે. તેથી જ તેમના શ્રોતાગણમાં કેશહીન કે સફેદ નહીં, પણ કાળા માથાં વધારે દેખાય છે!
વેદને આપણે ઈશ્વરીય વાણી ગણી છે. એ શ્રુતિજ્ઞાન છે. ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા એનું વહન થતું આવ્યું છે. આચાર્ય પ્રશાંત કહે છે, ‘વેદ એ જ્ઞાનની આખી શૃંખલા છે. આ કોઈ એક વ્યક્તિઓ લખેલો ગ્રંથ નથી. વેદ કોઈ એક વ્યક્તિ, વ્યક્તિઓનો સમૂહ, સમાજ કે સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતો નથી. વેદનો સંબંધ કોઈ વ્યક્તિઓ સાથે નહીં, પણ નિર્ભેળ જ્ઞાન અને બોધ સાથે હોવાથી વેદને ‘અપૌરુષેય’ કહેવામાં આવ્યો છે.’
વેદને બે મોટા ભાગમાં વિભાજિત કરી શકાય – કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડમાં મુખ્યત્ત્વે પ્રકૃતિના તત્ત્વોની ઉપાસના કરવામાં આવી છે અને આ ઉપાસનાનું લક્ષ્ય સાંસારિક સુખ-સમૃદ્ધિ મેળવવાનું છે. દૃષ્ટાંત તરીકે, સામવેદમાં એક શ્લોક છેઃ અગ્નિસ્તિગ્મેન શોચિષા ય સદ્ધિશ્ચં ન્યત્રિણમ્, અગ્નિર્નો વ સતે રયિમ્, અર્થાત્, હે અગ્નિદેવ! આપ હંમેશાં બધાની સાથે ન્યાય કરો છો. દુષ્ટ, દુરાચારી પુરુષોને તથા વિઘ્નકારક તત્ત્વોને આપ પોતાની પ્રજ્વલિત તીક્ષ્ણ જ્વાળાઓથી નષ્ટ કરી દો અને જે ધર્માત્મા છે, જે આપની સ્તુતિ અને ઉપાસના કરે છે તેમને બળ અને ઐશ્વર્ય આપો.
આચાર્ય પ્રશાંત કહે છે, ‘દેવતાઓની પ્રશંસામાં રચાયેલા મંત્રો, એમની ઉપાસના અને યજ્ઞ વગેરે વિધિઓ એ કર્મકાંડનો વિષય છે. મનુષ્યની સત્ય તથા મુક્તિ માટેની ઉત્કંઠા સાથે આ કર્મકાંડને ખાસ કશો સંબંધ નથી. વળી, વિજ્ઞાને આજે પ્રાકૃતિક શક્તિઓની ઉપાસનાને અપ્રસ્તુત બનાવી દીધી છે. અગ્નિ, સૂર્ય, વરુણ, અશ્વિન વગેરેની ઉપાસના કરવાનો આજે કોઈ વિશેષ અર્થ રહ્યો નથી. આપણે વિજ્ઞાનના માધ્યમ દ્વારા આગ, વીજળી, પાણી, સૂર્ય, ચંદ્ર વગેરેને સારી રીતે સમજી શક્યા છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે વાયુ કે જળ કે વીજળી કે સૂર્યની પ્રશંસા-ષ્લાઘા-સ્તુતિ કરવાથી આપણને કંઈ વિશેષ લાભ થવાનો નથી. આમ, (આ પ્રકારના) કર્મકાંડનું કાલબદ્ધ મહત્ત્વ એક સમયે હતું, આજે નથી.’
તરત પ્રશ્ન થાય કે જો આ પ્રકારના મંત્રો-શ્ર્લોકોનું મહત્ત્વ આજે ન હોય તો પછી વેદોનો આટલો મહિમા શા માટે છે? આ મહિમા છે, જ્ઞાનકાંડને કારણે. આ જ્ઞાનકાંડ એટલે જ ઉપનિષદ. ઉપનિષદમાં જે વાતો કહેવાઈ છે તે કાલબદ્ધ નહીં, કાલાતીત છે. તે ક્યારેય જૂની, અપ્રાસાંગિક કે અપ્રસ્તુત નહીં થાય. ઉપનિષદમાં કહેવાયેલી વાતો હંમેશા રિલેવન્ટ રહેશે, કેમ કે એ સીધા મનની બેચેનીને ઉદ્દેશીને કહેવાઈ છે. મનુષ્યના અસ્તિત્ત્વનાં મૂળભૂત પ્રશ્નોના ઉત્તર ઉપનિષદ પાસે છે. તે આપણાં બંધનોથી પરિચિત કરાવે છે ને મુક્તિ તરફ જવા પ્રેરણા આપે છે. જ્યાં સુધી માણસ છે ત્યાં સુધી મનનાં બંધનો રહેશે અને જ્યાં સુધી મનનાં બંધનો છે ત્યાં સુધી ઉપનિષદ આવશ્યક, સહાયક અને પ્રાસંગિક રહેશે.
વેદનો પ્રારંભ દેવતાઓની પ્રશસ્તિથી થાય છે ને પછી તેમાં બ્રાહ્મણનો પ્રવેશ થાય છે. એ યજ્ઞો અને અનુષ્ઠાનો વિશે સમજાવે છે, કર્મકાંડોમાં કઈ વિધિઓ કરવી અને ક્યા નિયમોનું પાલન કરવું તેનું વર્ણન કરે છે. ત્યાર બાદ વેદમાં આરણ્યક પ્રવેશ કરે છે. આરણ્યકના આગમન બાદ વેદનો વાતપ્રવાહ ક્રમશઃ ગંભીર અને ઊંડાણભર્યો બનતો જાય છે. હવે બાહ્ય કે સંસારિક નહીં, પણ આંતરિક પ્રશ્નોની ચર્ચા શરૂ થાય છે. આ વાતપ્રવાહ આખરે ઉપનિષદમાં સમ્મિલિત થઈ જાય છે.
આચાર્ય પ્રશાંત ઉમેરે છે કે ઉપનિષદોમાં વાત સંપૂર્ણપણે આંતરિક થઈ જતી હોવાથી પ્રકૃતિ સાથે એને કશી લેવાદેવા રહેતી નથી. શરૂઆત તો પ્રકૃતિથી જ થઈ હતી. પ્રકૃતિની શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતા દેવતાઓ પાસેથી વરદાન માગવામાં આવતા હતા, એમને અન્ન-પુષ્પ-પત્ર, અરે, પશુઓ સુધ્ધાંનો ભોગ ચડાવવામાં આવતો હતો… પણ ઉપનિષદ સુધી પહોંચતા સુધીમાં ઋષિ પ્રકૃતિ પ્રત્યે બિલકુલ ઉદાસીન થઈ જાય છે. અરે, અહીં પહોંચતા સુધીમાં તો ઋષિ એમ પણ કહી દે છે કે, સત્ય તો પ્રકૃતિથી પર છે!
વેદ ચારથી પાંચ હજાર વર્ષ પુરાણા છે. એના પર સમય અને વિદેશી પ્રભાવની ધૂળના એટલા થર જામી ગયા છે કે એની નીચે વાસ્તવિક સનાતન ધર્મ ક્યાંક ખોવાઈ ગયો છે. ધર્મને સ્નાનની આવશ્કતા છે. આચાર્ય પ્રશાંત સરસ વાત કરે છે, ‘આજે ધર્મના પુનરુદ્ધાર કરવાની આવશ્યકતા એટલા માટે છે કે જેથી ધર્મ પછી આપણો પુનરુદ્ધાર કરી શકે. વક્રતા જુઓ, સમગ્ર વિશ્વ સારી રીતે સમજે છે કે હિંદુ ધર્મનું વાસ્તવિક દાર્શનિક કેન્દ્ર વેદાન્ત જ છે. ભારતના બૌધ્ધ, જૈન અને શિખ હોય કે પશ્ચિમમાં યુનાન અથવા આધુનિક યુરોપ હોય – આ સૌને સારી રીતે ખબર છે કે વૈદિક ધર્મમાં શું મૂલ્યવાન છે ને શું મૂલ્યહીન છે. સનાતન ધારામાં જે મૂલ્યહીન હતું તેને ત્યજીને બૌદ્ધ, જૈન અને શિખ ધારાઓ બની. આજે પણ સનાતન ધારામાં જે કંઈ મૂલ્યહીન છે (જેમ કે કર્મકાંડ, રીતિ-રિવાજ, અંધવિશ્વાસ વગેરે) એનો પશ્ચિમ ઉપહાસ કરે છે અને સનાતન ધારામાં જે મૂલ્યવાન છે (જેમ કે વેદાન્ત) એને હાથ જોડીને નમસ્કાર કરે છે. કેવી વિચિત્ર વાત છે કે આખી દુનિયા જાણે છે કે સનાતન ધર્મ પર પુષ્કળ ધૂળ ભલે ચડી ગઈ હોય, પણ એની પાસે એક ચમકતો હીરો પણ છે જ. ફક્ત સનાતની જ જાણતો નથી કે ધૂળ કોને કહેવી ને હીરો કોને કહેવો. આપણે ધૂળને હીરાનું સ્થાન આપી દીધું છે ને હીરાની ઉપેક્ષા કરી રહ્યા છીએ.’
વેદ-ઉપનિષદના માત્ર પાંચ-પચ્ચીસ શબ્દો ને સૂત્રો જાણીને આપણે સંતોષ ન માની લઈએ. ઉપનિષદોને આપણે ગાઢપણે સ્પર્શ કરવો પડશે. જો હીરાના તેજમાં નહાવું હશે તો ધૂળને પારખીને હીરા પરથી તેને દૂર કર્યા વગર કશો છૂટકો નથી, ખરું?
– શિશિર રામાવત
Leave a Reply