આ વખતે ચાર ધામની યાત્રા કરતી વખતે વિશેષ સાવધાની રાખજો…
———————
આ વખતે સંપૂર્ણ ગંભીરતા સાથે નોંધવી પડે તેવી હકીકત આ છેઃ ચાર ધામ યાત્રાની સિઝનની શરુઆતમાં જ આટલી બધી ઘટના-દુર્ઘટનાઓ બનવી તે સામાન્ય વાત નથી. વળી, કેદારનાથ યાત્રાના સાવ પ્રારંભિક ગાળામાં આટલો બધો બરફ સામાન્યપણે ક્યારેય પડતો નથી!
——————-
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————–
સૌથી પહેલાં તો આ અઠવાડિયે બનેલી આ ઘટનાઓ પર નજર ફેરવી લોઃ
સમાચાર-૧ – કેદારનાથના રસ્તે બીજી વાર ગ્લેશિયર (હિમખંડ) તૂટી પડયો. કેટલાય યાત્રીઓ ફસાઈ ગયા. તેમને બચાવવા માટે રાતના અંધકારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડયું.
સમાચાર-૨ – પંજાબથી ચાર ધામની યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ બદરીનાથ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પહાડ પરથી ગબડતી ગબડતી એક મોટી તોતિંગ શિલા એમની કાર પર પટકાઈ. પાંચેય શ્રદ્ધાળુઓ ઘાયલ.
સમાચાર-૩- બદરીનાથ હાઇવે પર જાણે આખો પહાડ તૂટી પડયો હોય એવું ભયંકર લેન્ડ સ્લાઇડિંગ થયું. દસ હજાર જેટલા શ્રદ્ધાળુઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. લેન્ડ સ્લાઇડનાં દૃશ્યો જોતાં જ કહી શકાય છે કે આ વખતે ચાર ધામની યાત્રા કેટલી ખતરનાક નીવડી શકે તેમ છે.
સમાચાર-૪ – યમનોત્રી હાઈવે પર અચાનક લેન્ડ સ્લાઇડ થતાં રસ્તો બંધ. દોઢ-બે કલાકની મહેનત પછી રસ્તો સાફ તો થયો, પણ કોઈ પણ ક્ષણે પહાડ પરથી મોટી શિલા ને ખડકો ધસી આવી શકે તે ભય સતત ઝળુંબી રહ્યો છે.
યાદ રહે, આ ચારેય ઘટનાઓ બની એ વાતને પૂરું અઠવાડિયું પણ થયું નથી. પહાડો પર લેન્ડ સ્લાઇડની ઘટનાઓ અને અકસ્માતો આમ તો સામાન્ય છે, પણ આ વખતે સંપૂર્ણ ગંભીરતા સાથે નોંધવી પડે તેવી હકીકત આ છેઃ ચાર ધામ યાત્રાની સિઝનની શરુઆતમાં જ આટલી બધી ઘટના-દુર્ઘટનાઓ બનવી તે સામાન્ય વાત નથી. વળી, કેદારનાથ યાત્રાના સાવ પ્રારંભિક ગાળામાં આટલો બધો બરફ સામાન્યપણે ક્યારેય પડતો નથી!
ઋતુઓનું ચક્ર ચૂંથાઈ ગયું છે તેનો અનુભવ આપણે પ્રત્યક્ષપણે કરી રહ્યા છીએ. આ વખતે ઉત્તરાખંડમાં શિયાળામાં બરફવર્ષા થવી જોઈતી હતી તે થઈ નહીં. તેને બદલે ઉનાળો શરુ થયો ને સ્નો ફૉલ શરુ થઈ ગયો. સામાન્યપણે હિમાલયમાં આ દિવસોમાં વરસાદ થવો ન જોઈએ, એને બદલે આ વખતે પુષ્કળ વરસાદ પડી રહ્યો છે. ૨૫ એપ્રિલ એટલે કે કેદારનાથ યાત્રાનો પ્રારંભ થવાનો દિવસ જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ તેમ વાતાવરણ વણસતું જતું હતું. રસ્તા પર છ-છ ફૂટનો બરફ પડયો હતો. જાત્રાના પહેલાં જ દિવસે શ્રદ્ધાળુઓને ચેતવી દેવામાં આવ્યાઃ આગળ ન વધશો, ખતરો છે. ધ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટે (આઇએમડી) ખતરાની ઘંટડી વગાડી દીધી હતી અને ઉત્તરાખંડ સરકારે જોરદાર બરફવર્ષા અને વાતાવરણની આગાહીને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી ધોરણે રજિસ્ટ્રેશન અટકાવી દીધા હતા. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છેઃ હવામાનની પરિસ્થિતિના અપડેટ લેતા રહેજો અને તેને ધ્યાનમાં રાખીને જ ચાર ધામ યાત્રાનું પ્લાનિંગ કરજો.
શું કહે છે વેધર ફોરકાસ્ટ? ૯ મે, મંગળવાર સુધી વરસાદ વત્તા બરફવર્ષાની આગાહી છે. સદભાગ્યે, બુધ-ગુરુ-શુક્ર (૧૦-૧૧-૧૨ મે) દરમિયાન હવામાન સાધારણ હોઈ શકે છે, પણ પછી ૧૩થી ૧૭ મે દરમિયાન વરસાદનો વર્તારો છે. ૧૮ અને ૧૯ મેના દિવસે તો તોફાનની આગાહી છે.
આ વર્ષે કેદારનાથમાં શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો છે. ૨૫થી ૨૯ એપ્રિલ સુધીના આ પાંચ જ દિવસ દરમિયાન ૯૬,૦૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કેદારનાથનું મંદિર અક્ષય તૃતિયાને દિવસે ખુલે અને ભાઈબીજના દિવસે બંધ થાય. આ બે શુભ દિવસોની વચ્ચે એટલે કે એપ્રિલ-મેથી ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન જ કેદારનાથનાં દર્શન થઈ શકે છે. એમાંય વચ્ચે ચોમાસાના બે મહિના, જુલાઇ-ઓગસ્ટમાં, યાત્રા બંધ રહે કેમ કે આ સમયગાળા દરમિયાન લેન્ડ સ્લાઇડ થવાના ચાન્સ સૌથી વધારે હોય. આ વખતે જોકે લેન્ડ સ્લાઇડિંગ ચોમાસાની રાહ જોયા વગર ભરઉનાળે જ પ્રગટ થયા કરે છે.
અહીં ઈરાદો શ્રદ્ધાળુઓને ડરાવવાનો નથી. આશય ફક્ત તેમને સતર્ક કરવાનો છે. સાવધ રહેજો. ચાર ધામની યાત્રા તો ખૂબ સુંદર, ખૂબ પવિત્ર વસ્તુ છે, પણ તમારો જીવ, તમારું સ્વાસ્થ્ય પણ કંઈ ઓછું મૂલ્યવાન નથી. ગયા વર્ષે ચાર ધામ યાત્રા શરુ થઈ એના પહેલાં બે જ અઠવાડિયામાં ૩૯ લોકોના મૃત્યુ થયા હતા. ૨૦૧૯માં ૩૮ લાખ શ્રદ્ધાળુઓએ ચાર ધામની જાત્રા કરી હતી, જેમાંથી ૯૦ લોકોનાં મૃત્યુ થયાં. ૨૦૧૭ અને ૨૦૧૮માં અનુક્રમે ૧૧૨ અને ૧૦૨ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. આ તમામ મોતનાં મુખ્ય કારણ? હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક, માઉન્ટન સિકનેસ.
‘મેં જોયું છે કે ચાર ધામની યાત્રા કરનારા લોકો એક્લેમેટાઇઝેશનને પૂરું મહત્ત્વ આપતા નથી,’ પર્વતારોહણનો પુષ્કળ અનુભવ ધરાવતા શશીકાંત વાઘેલા કહે છે, ‘એક્લેમેટાઇઝ થવું એટલે હવામાન સાથે શરીરને એડજસ્ટ થવા દેવું. કેદારનાથની વાત કરીએ તો તે સમુદ્રની સપાટીથી ૧૧,૭૦૦ ફૂટની ઊંચાઈ પર છે. પહાડો પર જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય, હવાનું પ્રેશર ઓછું થતું જાય, ઠંડી વધે અને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનનું એક્સપોઝર પણ વધે. તેને કારણે માથું ચડે, ઉલટીઓ થાય, ચક્કર આવે. શ્વાસ લેવામાં તકલીફ પડે, ભૂખ મરી જાય, ઊંઘ ઓછી થઈ જાય. મેદાની ઈલાકામાં રહેતા આપણા જેવા લોકોએ એટલે જ આ બદલાતા જતાં હવામાન સાથે સમયસર ટેવાવું જોઈએ. જેમ કે, કેદારનાથનાં દર્શને જતાં પહેલાં તમારે નીચે સોનપ્રયાગમાં, કે જ્યાંથી યાત્રાની શરુઆત થાય છે, ત્યાં કમસે કમ ૨૪ કલાક ગાળવા જોઈએ. કમરામાં પૂરાઈ રહીને નહીં, પણ બહાર હરીફરીને શરીરને એક્લેમેટાઇઝ કરવું જોઈએ. રજિસ્ટ્રેશન અને આખા પ્રવાસનું આયોજન એ રીતે કરવું જોઈએ કે જેથી તમને એક્લેમેટાઇઝેશન માટે પૂરતો સમય મળે. મેં એ પણ જોયું છે કે લોકો અહીં કાનમાં પૂમડાં ભરાવી રાખે છે. આવું ન કરવું. આ રીતે શરીર સામે એક્લેમેટાઇઝ થવામાં વિઘ્ન ઊભું થાય છે. તમે ઠંડીથી બચવા કાન ફરતે મફલર કે દુપટ્ટો ઓઢી રાખો, વાંદરાટોપી પહેરો, પણ કાનમાં પૂમડાં તો ન જ ભરાવો.’
શ્વાસોચ્છ્વાસની તકલીફ, ડાયાબિટીસ, હાઇ બ્લેડ પ્રેશર અને હૃદયની બીમારી ધરાવતા શ્રદ્ધાળુઓ તો વિશેષ ખ્યાલ રાખવો. કોવિડ પછી આમેય આપણે બહુ જલદી માંદા પડી જઈએ છીએ. નિષ્ણાતોની સલાહ છે કે એક દિવસમાં ૮૦૦થી ૧૦૦૦ મીટર કરતાં વધારે ચડાઈ ન કરવી જોઈએ. ઠંડકને કારણે આપણને તરસ લાગતી નથી અને આપણે પાણી પીવાનું ઓછું કરી દઈએ છીએ તે પણ ખોટું છે. શરીરને સતત હાઇડ્રેટેડ રાખવું જોઈએ.
આ એક વાત થઈ. હવે બીજી વાત. જાત્રા કરવામાં કશું ખોટું નથી, પણ આપણે ધાર્મિક સ્થળોને અને ત્યાં સુધી પહોંચતા રસ્તાઓને આટલા ગંદા શા માટે કરી મૂકીએ છીએ? ચાર ધામની સિઝન દરમિયાન આખા રુટ પર પ્લાસ્ટિકની ખાલી બોટલો, રેપરો, કોથળીઓ અને બીજા કચરાના ગંજ ખડકાયેલા જોઈને ચક્કર આવી જાય છે. હિમાલય જેવા અત્યંત સંવેદનશીલ ભૂગોળ ધરાવતા પ્રદેશમાં પ્લાસ્ટિક પોલ્યુશન ખતરનાક પૂરવાર થાય છે. પ્લાસ્ટિકનો કચરો જમા થતો રહે તો તે જમીનના ધોવાણનું એક કારણ બને. જમીન ધોવાય એટલે લેન્ડ સ્લાઇડિંગ થાય. ૨૦૧૩માં થયેલી ભયાનક વિનાશિકા આપણે શી રીતે ભૂલી શકીએ? જૂન ૨૦૧૩માં વાદળ ફાટવાને કારણે ઉત્તરાખંડની મંદાકિની, અલકનંદા અને ભાગીરથી વેલીમાં વિનાશક પૂર આવ્યાં હતાં, પુષ્કળ લેન્ડ સ્લાઇડિંગ થયું હતું, જેને કારણે લગભગ છ હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બીજા કેટલાક હજારોનો કશો અતોપતો જ ન મળ્યો. સુનામી પછી ભારતે જોયેલી આ સૌથી મોટી કુદરતી આફત.
યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ – છોટે ચાર ધામ તરીકે ઓળખાતાં આ ચારેય પવિત્ર સ્થળો ઉત્તરાખંડમાં ફેલાયેલા હિમાલયના પહાડો પર સ્થિત છે. ચાર ધામની સિઝનમાં લાખો લોકો દેવભૂમિ ઉત્તરાખંડમાં ઉતરી પડે છે, ટુરિઝમ ધમધમતું થઈ જાય છે, સ્થાનિક જનતાને અને સરકારને સરસ કમાણી થાય છે. પૈસા કોને વહાલા ન લાગે? પણ આ બધાની પર્યાવરણ પર કેટલી ભયાનક કુ-અસર થાય છે તે વિશે વિચારવાની આપણને તમા હોતી નથી. હાયર પ્લાન્ટ હિમાલયન રિસર્ચ ઇન્સ્ટિટયુટના એક પ્રોફેસર કહે છે કે વધી ગયેલી હ્યુમન એક્ટિવિટીને કારણે કેદારનાથ વિસ્તારમાં કેટલીય અમૂલ્ય મેડિસિનલ પ્લાન્સ્ટ્સ એટલે કે કિમતી જડીબુટ્ટી સમાન જાતમાસી, અતિશ, બરમાલા, કકોલી વગેરે વનસ્પતિઓ હંમેશ માટે લુુપ્ત થઈ ગઈ છે. ચાર ધામ મહામાર્ગ વિકાસ પરિયોજના નામના સરકારી પ્રોજેક્ટને કારણે ઉત્તરાખંડના સંવેદનશીલ ભૂસ્થિતિ સામે ઊભો થયેલો ખતરો તો પાછો અલાયદા લેખનો વિષય છે. અત્યારે તો ફક્ત આટલું જ ધ્યાનમાં રાખીએઃ આ વર્ષે ચાર ધામની યાત્રા કરતી વખતે વિશેષ સાવધાની રાખીએ અને પર્યાવરણ તેમજ સ્વચ્છતા બાબતે અતિ જાગ્રત રહીએ.
– શિશિર રામાવત
Leave a Reply