ક્વોન્ટમ ક્મ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન દુનિયાની સિકલ બદલી નાખશે!
————————–
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ‘નેક્સ્ટ બિગ થિન્ગ’ છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં જે દેશ સૌથી આગળ હશે તેના માટે દુનિયાના નંબર વન સુપર પાવર બનવાનો રસ્તો ખુલ્લો થઈ જશે.
—————–
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
—————–
તો શું ટેકનોલોજીના ક્ષેત્રમાં જો કોઈ ‘નેક્સ્ટ બિગ થિન્ગ’ હોય તો તે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ છે? જવાબ છેઃ હા. તો એનો મતલબ શું એવો કરવો કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતાંય વધારે તાકતવર ટેકનોલોજી છે? આ પ્રશ્નનો ઉત્તર સીધી લીટીમાં આપી શકાય તેમ નથી. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બન્ને ટેકનોલોજી દાયકાઓથી એકમેકને સમાંતર વિકસી રહી છે. હવે જો આને રેસ જ ગણવી હોય તો કહી શકાય કે આ દોડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી થોડીક આગળ નીકળી ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોજિંદો વ્યાવહારિક ઉપયોગ મારા-તમારા જેવા આમ આદમી ચેટજીપીટીના સ્વરુપમાં ઓલરેડી કરતા થઈ ગયા છે. ટેકનોલોજીમાં થોડોઘણો રસ હોય તે સૌ ચેટજીપીટી નામના વિરાટ લેંગ્વેજ મોડલ અથવા તો ચેટબોટનું નિઃશુલ્ક વર્ઝન તો ગૂગલના વિકલ્પ તરીકે થોડું થોડું વાપરવા માંડયા છે.
આ દ્રષ્ટિએ ક્વોન્ટમ કમ્પ્યુટિંગની નક્કર, સર્વસ્વીકૃત પ્રેક્ટિકલ એપ્લિકેશન જોવાની હજુ બાકી છે. હજુય આ ટેકનોલોજી ઘણે અંશે લેબોરેટરીમાં પૂરાયેલી છે અને પ્રાયોગિક અવસ્થામાં હિલોળા લઈ રહી છે. બાકી ક્વોન્ટમ કમ્પ્યુટરની સંકલ્પના તો રિચર્ડ ફેનમેન નામના વૈજ્ઞાાનિકે છેક ૧૯૮૧માં સર્વપ્રથમ વાર રજૂ કરી હતી. અમેરિકાની વિખ્યાત આઇબીએમ કંપનીએ ૨૦૦૧માં પહેલી વાર ફાઇવ ક્યુબિટ અને ૨૦૧૭માં ૫૦-ક્યુબિટ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવ્યું. ગૂગલે ૨૦૨૦માં ૫૩-ક્યુબિટ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવીને છાતી ફૂલાવી હતી. દાવો એવો થયો હતો કે જે ગણતરી કરતાં સાદા સુપર કમ્પ્યુટરને હજારો વર્ષો લાગે તે ગણતરી આ ૫૩-ક્યુબિટ કમ્પ્યુટરે ચપટી વગાડતાં કરી દેખાડી હતી!
એક મિનિટ. આ ‘ક્યુબિટ’ શું છે? અને એની પહેલાં, આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કઈ ચિડીયાનું નામ છે? આપણે બને એટલી સાદી ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. આજની તારીખે આપણે જે ડેસ્કટોપ કે લેપટોપ કમ્પ્યુટર વાપરીએ છીએ તેનું આંતરિક માળખું ઝીરો (૦) અને વન (1)ની ભાષા સમજે છે. તેને બાયનરી ડિજિટ્સ અથવા ટૂંકમાં બિટ્સ કહે છે. આપણે કમ્પ્યુટરના કીબોર્ડની કોઈ પણ કી દાબીને કમાન્ડ આપીએ ત્યારે અંદરખાને તેનું ફટાક્ કરતું ઝીરો-વનનાં જુદાં જુદાં કોમ્બિનેશનવાળી નાની-મોટી સ્ટ્રિંગ્સમાં રુપાંતર થઈ જાય છે, જેના પરિણામે આપણને જોઈતું પરિણામ મળે છે. ક્વોન્ટમ કમ્પ્યુટર આના કરતાં સાવ જુદી રીતે કામ કરે છે. ક્વોન્ટમ કમ્પ્યુટર ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવા માટે બિટ્સ નહીં, પણ ક્યુબિટ્સનો ઉપયોગ કરે છે. ક્યુબિટ એ ક્વોન્ટમ ઇન્ફર્મેશનનો પાયારુપ એકમ છે. ક્યુબિટ ઝીરો અને વન બન્નેનું પ્રતિનિધિત્વ એકસાથે કરે છે.
ધારો કે તમે તમારા હાથમાં એક સિક્કો છે, તેની એક બાજુ ઝીરો અંકિત થયો છે અને બીજી બાજુ વન. નાના બચ્ચાઓ ચલણી સિક્કાથી રમતી વખતે એને ગોળગોળ ફેરવતા હોય છે તેમ તમે પણ આ સિક્કાને સ્પિન કરો છો. સિક્કો ગતિથી ગોળગોળ ઘુમતો હોય ત્યારે તમને એના પર શું વંચાશે – ઝીરો કે વન? તમે કહેશો કે મને તો ઝીરો અને વન બન્ને એકસાથે વંચાય છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગની આ પાયારુપ સમજ છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં તમારે ઝીરો અને વન – આ બેમાંથી જ કોઈ એકનો જ વિકલ્પ પસંદ કરવાનો નથી, તમે ઝીરો અને વનની વચ્ચેનું કંઈ પણ પસંદ કરી શકો છો. જેમ કે, ૦.૧, ૦.૩૪, ૦.૬૮૨૯… અનંત શક્યતાઓ છે. અને આ અનંતતા જ ક્વોન્ટમ કમ્પ્યુટિંગને ગજબનાક તાકાત આપી દે છે.
એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. ક્વોન્ટમ કમ્પ્યુટર એ કંઈ પરંપરાગત કમ્પ્યુટરનું આધુનિક સ્વરુપ નથી. જે રીતે સાઇકલ અને સ્કૂટર જુદી વસ્તુઓ છે, જે રીતે સાઇકલને તમે ગમે એટલી આધુનિક બનાવો પણે એ સ્કૂટર તો ન જ બને, બરાબર તે જ રીતે ક્વોન્ટમ કમ્પ્યુટર એ પરંપરાગત કમ્પ્યુટરનું નવું વર્ઝન નથી. સાદા કમ્પ્યુટર કરતાં ક્વોન્ટમ કમ્પ્યુટર સાવ જુદી જ ટેકનોલોજી છે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એવી તો શું કમાલ કરી શકે તેમ છે? એની ગજબનાક તાકાત એટલે એક્ઝેક્ટલી કેવી તાકાત? ફરી ઉદાહરણ લઈએ. એન્ક્રિપ્શન એટલે કોડવર્ડની ભાષા, સાંકેતિક ભાષા. લશ્કરી કમ્યુનિકશન સાંકેતિક ભાષામાં થતું હોય છે. એટલે જો અત્યંત સંવેદનશીલ લશ્કરી સંદેશો જો દુશ્મન દેશ આંતરી લે તો પણ તેની ભાષા સાંકેતિક હોવાથી ઉકેલી ન શકે. પરંપરાગત કમ્પ્યુટરને આ એન્ક્રિપ્શન આલ્ગોરિધમ કે સાંકેતિક સંદેશો ક્રેક કરતાં સમજો કે દિવસો કે અઠવાડિયાં લાગી શકે, પણ ક્વોન્ટમ કમ્પ્યુટર પળવારમાં એ ગુપ્ત સાંકેતિક સંદેશો ઉકેલી શકે. સાદા સુપર કમ્પ્યુટર કરતાં ક્વોન્ટમ કમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ એક હજારથી દસ હજાર ગણી વધારે હોવાની!
કલ્પના કરો કે ચીન એક ખતરનાક મિસાઇલ અમેરિકા તરફ છોડે છે. એનું ટાર્ગેટ છે, ન્યુ યોર્કનો પ્રસિદ્ધ બ્રુકલિન બ્રિજ. મિસાઇલ સેટેલાઇટ સાથે સંપર્કમાં છે, તેમાં નક્શા અને ટાર્ગેટ સુધી પહોંચવાના આખા રસ્તાની માર્ગદર્શિકા સંગ્રહાયેલાં છે. હજારો કિલોમીટર દૂરથી છોડાયેલું મિસાઇલ એક્ઝેક્ટ નિશાન પર બોમ્બ ડ્રોપ કરી શકે તેવી જડબેસલાક વ્યવસ્થા છે. હવે ધારો કે અમેરિકા પાસે ક્વોન્ટમ કમ્પ્યુટર છે, જે પેલા મિસાઇલની સિસ્ટમની સાંકેતિક ભાષાને, તેના આલ્ગોરિધમને ઝપાટાભેર ઉકેલી નાખે છે. એટલું જ નહીં, આલ્ગોરિધમમાં તે એવા ફેરફાર કરી નાખે છે કે મિસાઇલ આગળ વધવાને બદલે યુ-ટર્ન મારીને પાછું ચીન તરફ ગતિ કરે છે. ક્વોન્ટમ કમ્પ્યુટરે ટાર્ગેટનું ઠેકાણું બદલી નાખ્યું છે. તેથી ન્યુ યોર્કના બુ્રકલિન બ્રિજને ઉડાવી દેવાન બદલે ચાઇનીઝ મિસાઇલ પોતાના જ દેશના શાંઘાઈ શહેરના એક ધમધમતા શોપિંગ મૉલને છિન્નભિન્ન કરી નાખે છે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગની રાક્ષસી તાકાતનો અંદાજ આ કાલ્પનિક દ્રષ્ટાંત પરથી મળે છે? આપણાં દેશનાં હથિયારો, આપણા ઉપગ્રહો, આપણાં વિમાનો-ટ્રેનો-બસો, આપણી કમ્યુનિકેશન સિસ્ટમ, બેન્કિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રિસિટીનું આખું માળખું આજે સલામત છે, પણ ધારો કે આપણી આ તમામ સિસ્ટમ્સના કોડ દુશ્મન દેશના હાથમાં આવી જાય તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વડે તે આ કોડ (કહો કે પાસવર્ડ્ઝ) ક્રેક કરી શકે, આપણી તમામ સિસ્ટમ્સ પર કબ્જો જમાવી શકે, તેની સાથે ધારે તે કરી શકે. વિચારતાં જ ધૂ્રજી જવાય એવી આ વાત છેને!
અમેરિકાને આ જ વાતનો ફફડાટ છે. આજની તારીખે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ટેકનોલોજી વિકસાવવાના મામલામાં અમેરિકા અને ચીન વચ્ચે ફક્ત ઉન્નીસ-બીસનો ફરક છે. બન્ને દેશો માને છે કે આ દાયકો પૂરો થાય ત્યાં સુધીમાં એમણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં એટલી પ્રગતિ કરી લીધી હશે કે તેમના વૈજ્ઞાાનિકો એન્ક્રિપ્શન કોડ ક્રેક કરતાં થઈ ગયા હશે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ધમાકેદાર કોમ્બિનેશન આવનારાં વર્ષોમાં ગેમ-ચેન્જર બની રહેવાનું છે. ખાસ કરીને ડિફેન્સના મામલામાં. આ કોમ્બિનેશન દુનિયાની ચહેરો બદલી નાખે એટલું ખતરનાક અને શક્તિશાળી છે. તાઇવાનના મામલે અમેરિકા અને ચીન બાખડયા કરે છે એનું મોટું કારણ તાઇવાનની સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ટેકનોલોજી માટે, રાધર મોટા ભાગની આધુનિક ટેકનોલોજી માટે ખૂબ મહત્ત્વનો કાચો માલ એટલે સેમીકન્ડક્ટર્સ. કમ્પ્યુટર-મોબાઇલ વગેરેમાં વપરાતી ચિપ સેમીકન્ડક્ટર મટીરિયલમાંથી બને છે. આજની તારીખે સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં તાઇવાનનું રાજ ચાલે છે. તાઇવાન દુનિયાનું સૌથી મોટું ચિપ-મેકર છે. દુનિયાનાં ફાસ્ટેસ્ટ સેમીકન્ડક્ટર્સ આ ટચુકડો દેશ બનાવે છે. આજની તારીખે દુનિયાના સેમીકન્ડક્ટર્સનું જેટલું પ્રોડક્શન થાય છે તેમાં તાઇવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (ટીએસએમસી)નો સિંહફાળો છે. સમજોને કે કમસે કમ ૨૦૩૦ સુધી આ કંપનીની મોનોપોલી એકબંધ રહેવાની છે.
હિંદુવાદી એનઆરઆઇની છાપ ધરાવતા રાજીવ મલ્હોત્રા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ રહી ચૂક્યા છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમનું એક મહત્ત્વનુ કાર્યક્ષેત્ર રહ્યું છે. તેમણે એક પોડકાસ્ટમાં કહ્યું છે, ‘અમેરિકા ઇચ્છતું નથી કે ચીન તાઇવાન પર આક્રમણ કરે ને તાઇવાનની સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને હડપી જાય. તાઇવાન માટેની લડાઇ એ મૂળ તો ટેકનોલોજી માટેની લડાઈ છે.’
એક વાત લગભગ સ્પષ્ટ છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની રેસમાં જે દેશ સૌથી આગળ હશે તેના માટે દુનિયાના નંબર વન સુપર પાવર બનવાનો રસ્તો ખુલ્લો થઈ જશે. આપણા માટે વિચારવા જેવો મુદ્દો આ છેઃ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ટેકનોલોજીના મામલામાં આજે ભારત ક્યાં ઊભું છે?
– શિશિર રામાવત
#QuantumComputing #AI #VaatVichar #gujaratsamachar
Leave a Reply