રાજા પુલકેશિન દ્વિતીયઃ નર્મદાથી ઉત્તરનો ભાગ તારો, નર્મદાથી દક્ષિણનો ભાગ મારો!
—————————
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————————-
ગુજરાતના દક્ષિણી હિસ્સામાં સાતમી સદીમાં ચાલુક્ય સામ્રાજ્યનું શાસન સ્થપાયું હતું. તે વખતે ગુજરાતમાં નવસારિકા (આજનું નવસારી) ચાલુક્યોનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. એક થિયરી એવી છે કે ‘ચાલુક્ય’ શબ્દનું જ અપભ્રંશ થઈને ‘સોલંકી’ શબ્દ બન્યો છે.
——————————————–
ઇંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથ બીજાંનું ૯૬ વર્ષની પક્વ વયે અવસાન થયું અને ભારતના મેઇનસ્ટ્રીમ મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં ક્વીન વિશેના લેખો, તસવીરો, ટીવી કવરેજ અને વિડીયોઝનું જાણે પ્રચંડ પૂર આવી ગયું. સારું છે. એક સમયે ભારત પર રાજ કરનાર ક્વીન એલિઝાબેથનાં જીવન અને કવન વિશે આપણને ખબર હોવી જોઈએ. સવાલ આ છેઃ આપણને એક વિદેશી રાણીમાં જેટલો રસ પડે છે એના કરતાં પા ભાગનો ય રસ ભારતમાં થઈ ગયેલા પ્રતાપી રાજાઓમાં પડે છે ખરો? ભારતના પ્રભાવશાળી રાજવંશોના ઇતિહાસ વિશે આપણે કેટલું અને શું જાણતા હોઈએ છીએ? ઇતિહાસ જવા દો, આપણને મહત્ત્વના રાજવીઓનાં નામ સુધ્ધાં ખબર હોય છે ખરી? દેશના વર્તમાનના સળગતા પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાને બદલે કે ભવિષ્ય માટે ટકોરાબંધ આયોજન કરવાને બદલે આંખો બંધ કરીને ભવ્ય ભૂતકાળમાં રાચ્યા કરવાની આ વાત નથી. વર્તમાનને એક કરતાં વધારે દષ્ટિકોણથી સમજવા માટે આપણામાં ઐતિહાસિક સંદર્ભો તેમજ ડેટાને તટસ્થતાપૂર્વક ચકાસી જવાની આવડત હોવી જોઈએ, એટિડયુડ હોવો જોઈએ. આપણે પોઈન્ટ ‘એ’ (અતીત) વિશે જ પૂરી જાણકારી ન હોય તો આપણે પોઈન્ટ ‘બી’ (વર્તમાન) પર કેવી રીતે પહોંચી ગયા તે કેવી રીતે સમજી શકવાના છીએ? ક્રોધ ત્યારે આવે છે જ્યારે આપણાં મહાનગરોની મોંઘીદાટ ફેન્સી સ્કૂલોમાં આઈબી કે આઈજીસીએસઈ (કેમ્બ્રિજ) જેવાં ઇન્ટરનેશનલ બોર્ડમાં ભણતા ભારતીય બચ્ચાઓને ઈંગ્લેન્ડના કિંગ હેન્રી વગેરે વિશે ભણાવ-ભણાવ કરવામાં આવશે, પણ ભારતના સમ્રાટો વિશે વાત કરવામાં આ પાઠયપુસ્તક તૈયાર કરનારાઓને રસ હોતો નથી. ગતાગમ પણ હોતી નથી.
આજે આપણે ચાલુક્ય વંશના મહાપ્રતાપી રાજા પુલકેશિન દ્વિતીય વિશે વાત કરવી છે. પુલકેશિનને પુલકેશી પણ કહેવામાં આવે છે. પુલકેશિન બીજાએ ઈસવીસન ૬૧૦થી ૬૪૨ દરમિયાન દક્ષિણ-મધ્ય ભારત પર રાજ કર્યું હતું. કર્ણાટકના વટાપી શહેરને (જે આજે બદામી તરીકે ઓળખાય છે) એમણે પોતાની રાજધાની બનાવી હતી. તમને કદાચ યાદ હોય તો ગયા વર્ષે ડિસેમ્બરના અંતભાગમાં રાજા પુલકેશિન દ્વિતીયને કર્ણાટકના ‘કલ્ચરલ આઇકન’ બનાવવા માટે એક ટ્વિટર કેમ્પેઇન શરૃ થયું હતું. પુલકેશિન દ્વિતીય બીજા વિશે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવાની, કર્ણાટકના પાઠયપુસ્તકોમાં એમના વિશે અલાયદા પાઠનો સમાવેશ કરવાની માંગ ઉઠી હતી. એ અલગ વાત છે કે આ આખા કેમ્પેઇનને પછી રાજકીય રંગ ચડી ગયો હતો.
કોણ હતા આ રાજા પુલકેશિન દ્વિતીય? આપણને એમનામાં એટલા માટે પણ રસ પડવો જોઈએ કે આ રાજવીની જીવનગાથા ગુજરાતને પણ સ્પર્શે છે. દક્ષિણ ભારતના પાંચ મુખ્ય રાજવંશો – ચૌલ, ચાલુક્ય, ચેર, પલ્લવ અને પાંડય. એમાંથી ચાલુક્ય વંશના રાજાઓએ દક્ષિણ ભારત પર કુલ ૨૦૦ વર્ષ રાજ કર્યું. એમાંય પુલકેશિન દ્વિતીયનો સમયગાળો ચાલુક્ય વંશનો સુવર્ણકાળ ગણાય છે. ચાલુક્ય શબ્દ ‘ચુલુક’માંથી ઉતરી આવ્યો છે. ચુલુક એટલે ખોબો અથવા કમંડળ. કથા એવી છે કે દાનવો સામે યુદ્ધ કરવા માગતા દેવો મદદ માટે બહ્મા પાસે ગયા. બહ્માએ પોતાના ચુલુક યા તો કમંડળમાંથી જે વીર યોદ્ધાઓ પેદા કર્યા તે ‘ચુલુક્ય’ કહેવાયા. આ ચુલક્યના વંશજો એટલે ચૌલુક્યો, ચાલુક્યો અથવા સોલંકીઓ. એક થિયરી એવી છે કે ‘ચાલુક્ય’ શબ્દનું જ અપભ્રંશ થઈને ‘સોલંકી’ શબ્દ બન્યો છે.
પુલકેશિન દ્વિતીયે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર ચારેય દિશાઓમાં કર્યો હતો. એક થિયરી કહે છે કે ગુજરાતના દક્ષિણ હિસ્સામાં સાતમી સદીમાં ચાલુક્ય-સોલંકી સામ્રાજ્ય સ્થપાયું હતું. તે વખતે ગુજરાતમાં નવસારિકા (આજનું નવસારી) ચાલુક્ય-સોલંકીઓનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. અલબત્ત, ચાલુક્ય રાજવંશને ગુજરાતમાં વિકસાવનાર પુલકેશિન બીજા નહીં, પણ એમનો પુત્ર રાજા વિક્રમાદિત્ય પ્રથમ હતા. આ વિક્રમાદિત્ય અને ઉજ્જૈનના વિક્રમાદિત્ય બન્ને અલગ અલગ રાજાઓ છે તે યાદ રહે. ચાલુક્ય સામ્રાજ્યનો ઉત્તર-પશ્ચિમ હિસ્સો એટલે આજનું દક્ષિણ ગુજરાત, કોંકણ અને મહારાષ્ટ્રનો નાશિકવાળો ભાગે. સાથે સાથ એ પણ જાણી લઈએ કે વધારે પ્રચલિત ઇતિહાસ અનુસાર, ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ખરેખર તો દસમી સદીમાં થઈ હતી. મૂળરાજ સોલંકીએ ચાવડા વંશના છેલ્લા રાજ સામંતસિંહ ચાવડાની હત્યા કરીને લગભગ ઇસવી સન ૯૪૦માં સોલંકી વંશની સ્થાપના કરી હતી અને અણહિલવાડ (એટલે કે આજના પાટણ)ને પોતાની રાજધાની બનાવી હતી.
આપણે પુલકેશિન દ્વિતીય પર પાછા ફરીએ. એમના દાદા પુલકેશિન પ્રથમ એટલે ચાલુક્ય વંશના સ્થાપક. એમને બે પુત્રો – કીર્તિવર્મન અને મંગલેશ. પુલકેશિન દ્વિતીય એ કીર્તિવર્મનના સૌથી મોટા પુત્ર. કીર્તિવર્મન નાની ઉંમરે મૃત્યુ પામ્યા ત્યારે કાયદેસર રીતે તો પુલકેશિન દ્વિતીયને ગાદી મળવી જોઈતી હતી, પણ તે વખતે તેઓ ઉંમરમાં નાના એટલે કાકા મંગલેશે રાજગાદી સંભાળી.
સત્તાનો સ્વાદ એવો ખતરનાક છે કે પુલકેશિન યુવાન થઈ ગયા તો પણ કાકાશ્રી રાજગાદી પરથી નીચે ઉતરવા તૈયાર ન હતા. તેમણે જાહેરમાં ભલે કહ્યું હોય કે હવે હું મારા ભત્રીજાના પ્રતિનિધિ તરીકે ગાદી સંભાળું છું, પણ હકીકત એ હતી કે અંદરખાને તેઓ પોતાના સગા પુત્રને સિંહાસન સોંપવા માગતા હતા. ચુપચાપ બધો તાલ જોતા રહેવું તે પુલકેશિનની તાસીરમાં નહોતું. તેમણે કાકા સામે મોરચો માંડયો. ઇતિહાસ કહે છે કે પુલકેશિને મેલી મુરાદ ધરાવતા પોતાના સગા કાકાની હત્યા કરાવી નાખી. આ રીતે ઈસવી સન ૬૧૦માં રાજગાદી તો પુલકેશિન પાસે આવી ગઈ, પણ કાકા-ભત્રીજા વચ્ચે ફાટી નીકળેલા આ ગૃહયુદ્ધને કારણે આજુબાજુના રજવાડાઓને મજા આવી ગઈ. અત્યાર સુધી તેઓ ચાલુક્ય રાજનો હિસ્સો હતા, પણ જેવો પુલકેશિન જેવો લબરમૂછિયો યુવાન રાજા બન્યો કે તરત એમણે પોતપોતાનાં રજવાડાઓને સ્વતંત્ર ઘોષિત કરવા માંડયા. પુલકેશિન બીજાએ મિત્રરાજ્યોની મદદ લઈને મોકો જોઈને બળવાખોર બની ગયેલા આ રજવાડાઓને પાછા પોતાના તાબામાં લઈ લીધા. ઈસવી સન ૬૧૫માં આખા આંધ્રપ્રદેશ પર પુલકેશિને પોતાનો કબ્જો જમાવી દીધો હતો. એમણે કદંબ, ગંગ અને અલુવ રાજાઓને હરાવ્યા, કોંકણનો મોટો વિસ્તાર કબ્જે કર્યો. પછી, અગાઉ કહ્યું તેમ, ગુજરાતના અમુક હિસ્સાને પણ પોતાના ચાલુક્ય સામ્રાજ્યમાં ભેળવી દીધો. આમ, સમગ્ર દક્ષિણ અને આંશિક પશ્ચિમ ભારતમાં પુલકેશિન દ્વિતીયનો દબદબો વધવા લાગ્યો. મહાન ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગે સુધ્ધાં પુલકેશિનની બદામી નગરીના તેમજ તેમના રાજ્યની સમૃદ્ધિ, વિદ્યા તેમજ કળાના ખૂબ વખાણ કર્યા છે.
દક્ષિણમાં પુલકેશિન સૌથી પ્રતાપી રાજા હતા, તો ઉત્તર ભારતમાં તે વખતે રાજા હર્ષવર્ધનની ધાક પ્રવર્તતી હતી. ભારતના આ બે યશસ્વી રાજાઓ. બન્ને સમકાલીન. બન્ને શૂરવીર, પ્રજાપ્રિય અને ગુણવાન. જે ઝડપે દક્ષિણમાં પુલકેશિન દ્વિતીયના અને ઉત્તરમાં હર્ષવર્ધનના રાજ્યનો વિસ્તાર વધતો જતો હતો, એ જોતાં બહુ સ્પષ્ટ હતું કે વહેલામોડા આ બન્ને પ્રતાપી રાજાઓ વચ્ચે સંઘર્ષ થયા વગર રહેવાનો નથી. એમ જ થયું. હર્ષવર્ધનને દક્ષિણ સર કરવું હતું. ગુજરાત અને કલિંગના રસ્તે એમણે દક્ષિણમાં પ્રવેશ કરવાના એકથી વધારે વખત પ્રયત્નો કર્યા હતા, પણ સફળતા સાંપડી નહોતી.
પુલકેશિન પણ કંઈ ઓછા મહત્ત્વાકાંક્ષી નહોતા. એમની નજર પણ ઉત્તર ભારત તરફ હતી. બન્યું એવું કે પુલકેશિન પલ્લવ વંશના રાજાઓ સામે લડવામાં વ્યસ્ત હતા ત્યારે ઉત્તર ભારતમાં હર્ષવર્ધને દક્ષિણ તરફ ચડાઈ કરવાની તૈયારીઓ આરંભી દીધી. પલ્લવોને પડતા મૂકીને, જીતેલાં રાજ્યોની જવાબદારી નાના ભાઈ વિષ્ણુવર્ધનને સોંપીને પુલકેશિન ઉત્તર તરફ વળ્યા. નર્મદા નદીને કિનારે ઈસવી સન ૬૧૮માં પુલકેશિન દ્વિતીય અને હર્ષવર્ધન વચ્ચે જબરદસ્ત યુદ્ધ થયું. જીવનમાં પહેલી વાર હર્ષવર્ધનનો પરાજય થયો. એમણે પોતાના લશ્કર સાથે પીછેહઠ કરવી પડી. હ્યુ-એન-સાંગે લખ્યું છે કે હર્ષવર્ધન પાંચ પ્રદેશોની સેનાને એકત્રિત કરીને પુલકેશિન બીજાને હરાવવા ગયા હતા છતાંય તેઓ યુદ્ધમાં વિજય મેળવી ન શક્યા.
અલબત્ત, ખુવારી બન્ને પક્ષે થઈ હતી. પુલકેશિન બીજાએ પણ જબ્બર નુક્સાની ભોગવી હતી એટલસ્તો તો તેમણે ઉત્તર તરફ આગળ વધવાનું માંડી વાળવું પડયું. આખરે બન્ને રાજાઓ વચ્ચે સંધિ થઈ. બન્ને એ વાતે સહમત થયા કે નર્મદાથી ઉત્તર તરફનો પ્રદેશ હર્ષવર્ધનનો અને નર્મદાથી દક્ષિણ બાજુનો પ્રદેશ પુલકેશિન દ્વિતીયનો! આ બે સમકાલીન, સમતુલ્ય અને મહાપ્રતાપી રાજાઓમાં કોણ ચઢિયાતું છે તે ઇતિહાસ પણ કદાચ હજુ સુધી નક્કી કરી શક્યો નથી! જોેકે પુલકેશિન બીજાએ પોતાના નામની આગળ ‘પરમેશ્વરા શ્રીપૃથ્વી બલ્લવ સત્યશ્રયા’ જેવું વજનદાર વિશેષણ લગાડવાનું શરુ કરી દીધું હતું તે અલગ વાત થઈ!
યુદ્ધ ભલભલા યોદ્ધાને થકવી નાખે છે. પુલકેશિન દ્વિતીય પણ યુદ્ધોમાંથી પરવારીને રાજ્ય વ્યવસ્થાને દઢ બનાવવા તરફ ધ્યાન આપ્યું. જેમનો પુલકેશિન દ્વિતીયના હાથે બબ્બે વાર પરાજય થયો હતો તેવા પલ્લવ રાજાઓ ચુપચાપ બેસી રહે તેમ નહોતા. ચાલુક્યો અને પલ્લવો વચ્ચે આમેય લડાઈ અવિરત ચાલ્યા જ કરતી હતી. પલ્લવો ચડી આવ્યા અને પુલકેશિનનો પીછો કરતાં કરતાં એમની રાજધાનીમાં પહોંચી ગયા. અહીં જ પુલકેશિન દ્વિતીય માર્યા ગયા. એ વર્ષ હતું ઇસવી સન ૬૫૫નું. એમના પછી પુલકેશિન દ્વિતીયનો પરાક્રમી પુત્ર વિક્રમાદિત્ય ગાદીએ બેઠો. ત્યાર બાદ વારાફરતી ત્રણ રાજાઓએ ગાદી સંભાળી. કીર્તિવર્મન દ્વિતીય ચાલુક્ય વંશના અંતિમ રાજા બની રહ્યા.
છાતી ગર્વથી ભરાઈ જાય તેવા પરાક્રમી આપણા સમ્રાટો છે. ખાટલે મોટી ખોડ એ છે કે વિદ્યાર્થીઓને પોતાનાં ભારતીય મૂળિયાં પ્રત્યે ભરપૂર ગર્વ થાય એવાં આ પ્રતાપી પાત્રો પર પ્રકાશ પાડવાને બદલે આપણાં પાઠયપુસ્તકો ભારતીયોને ગુલામ બનાવનાર અકબર, ઔરંગઝેબ, બાબર જેવા વિદેશી આક્રાંતાઓની વાતો કરવામાંથી જ ઊંચાં આવતાં નથી. રાજા હર્ષવર્ધન વિશે પણ વિગતે વાત કરવા જેવી છે. ફરી ક્યારેક.
– Shishir Ramavat
Leave a Reply