કોણ કહે છે શાકાહારમાંથી શક્તિ અને સ્ટેમિના ન મળે?
———–
શરીરના ટકારાબંધ સ્વાસ્થ્ય માટે, ઘાયલ અંગો-ઉપાંગોની રિકવરી માટે તેમજ શ્રેતમ કક્ષાના એથ્લેટિક પર્ફોર્મન્સ માટે શાકાહાર ઉત્તમ છે, માંસાહાર નહીં. માંસાહાર તો ઊલટાનું શરીરતંત્રને એવી રીતે બગાડી નાખે છે જેની આપણે કલ્પના પણ કરી ન હોય.
—————-
વાત વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————-
જાતજાતનાં પૌષ્ટિક અને સાત્ત્વિક વ્યંજનો આસાનીથી ઉપલબ્ધ હોય તો પણ આપણે કચરાછાપ અને નુક્સાનકારક એવા ફાસ્ટ ફૂડ તરફ આકર્ષાયા કરીએ એવું બનતું હોય છે. વારંવાર બનતું હોય છે. ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટની દુનિયાનું પણ એવું જ છે. ઉત્તમ ફિલ્મો કે શોઝ જોવાને બદલે આપણે નિમ્નસ્તરીય કોન્ટેન્ટ તરફ આસાનીથી ખેંચાઈ જઈએ છીએ. એનું મોટું કારણ એ હોય છે કે સ્તરમાં નિમ્ન પણ મનોરંજનની દષ્ટિએ મસાલેદાર એવા બોલકાં કોન્ટેન્ટ વિશે એટલી બધી વાતો થાય ને શોરશરાબા મચે છે કે ખરેખર જોવા જેવી વસ્તુઓ એક તરફ હડસેલાઈ જઈને લગભગ અપ્રસ્તુત બની જાય છે. એટલેસ્તો આપણને થાય કે ‘ધ ગેમ ચેન્જર્સ’ નામની અફલાતૂન ડોક્યુમેન્ટરી છેક ૨૦૧૯માં રિલીઝ થઈ ગઈ હતી અને નેટફ્લિક્સ પર એ ક્યારની સ્ટ્રીમ થઈ ગઈ હશે, તો પણ હજુ સુધી એના પર આપણું ધ્યાન કેમ નહોતું ગયું?
હોલિવુડના ટોપ ફિલ્મમેકર જેમ્સ કેમરોન (‘ટાઇટેનિક’, ‘અવતાર’) અને ગ્લોબલ સ્ટાર જેકી ચેન ‘ધ ગેમ ચેન્જર્સ’ નામની આ ડોક્યુમેન્ટરીના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર છે. અભૂતપૂર્વ શારીરિક ક્ષમતા દેખાડનારા ઓલિમ્પિક્સ કક્ષાના કેટલાય ખેલાડીઓ, વર્લ્ડક્લાસ ડોક્ટરો-સંશોધકે-નિષ્ણાતો ઉપરાંત આર્નોલ્ડ સ્વાર્ત્ઝનેગર જેવા બોડીબિલ્ડર-એક્ટર-પોલિટિશિયન આ ફિલ્મ સાથે સંકળાયા છે. જાણે કોઈ થ્રિલર ફિલ્મ જોતાં હોઈએ એટલી ગતિશીલ અને રસાળ શૈલીમાં બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટરીમાં જે વાત અત્યંત અસરકારકતાથી પ્રતિપાદિત કરાઈ છે તે આ છેઃ
શરીરના ટકારાબંધ સ્વાસ્થ્ય માટે, ઘાયલ અંગો-ઉપાંગોની રિકવરી માટે તેમજ શ્રેતમ કક્ષાના એથ્લેટિક પર્ફોેર્મન્સ માટે શાકાહાર ઉત્તમ છે, માંસાહાર નહીં. માંસાહાર તો ઊલટાનું શરીરતંત્રને એવી રીતે બગાડી નાખે છે જેની આપણે કલ્પના પણ કરી ન હોય. સમાજના એક મોટા વર્ગમાં વરસોથી માન્યતા ઘર કરી ગઈ છે કે શરીર બનાવવા, શરીરને જાળવી રાખવા, સ્ટેમિના વધારવા અને દેહને પૂરતું પ્રોટીન આપવા ઈંડા-માંસ-માછલી વગર ચાલે જ નહીં. ‘ધ ગેમ ચેન્જર’ આવી કેટલીય હાનિકારક થિયરીઓ તેમજ ભ્રામક માન્યતાઓનો ભાંગીનો ભુક્કો બોલાવી દે છે. મજાની વાત એ છે કે આ ડોક્યુમેન્ટરી પોતાનો મુદ્દો પૂરવાર કરવા માટે ધામક માન્યતાઓ, આધ્યાત્મિકતા કે પાપ-પુણ્ય જેવાં સિદ્ધાંતોને આગળ ધરતી નથી. તે સતત શરીરના સ્તર પર કેન્દ્રિત રહે છે અને પૂરતાં પ્રમાણો સાથે વૈજ્ઞાાનિક તથ્યો એવી રીતે રજૂ કરી દે છે કે દૂધ કા દૂધ, પાણી કા પાણી અને માંસ કા માંસ થઈ જાય છે.
વાતની શરૃઆત જેમ્સ વિલ્ક્સ નામના એક એક્સપર્ટ-કમ-ઇન્સ્ટ્રક્ટરથી થાય છે. તેઓ યુએસ માર્શલ્સ, યુએસ મરીન્સ, યુએસ આર્મી રેન્જર્સ તેમજ યુએસ નેવી સીલ જેવા વિશ્વના શ્રે લડવૈયાઓને ટ્રેનિંગ આપે છે. બન્યું એવું કે કશીક ઇન્જરીને કારણે એમને છ મહિનાનો ખાટલો થઈ ગયો. ઝપાટાબંધ રીકવર થવા માટે શું કરવું જોઈએ એનો અભ્યાસ એમણે પથારીમાં પડયા પડયા શરૃ કરી દીધો. ખાસ કરીને એમને સમજવું હતું કે પ્લાન્ટ-બેઝ્ડ આહાર (એટલે કે અન્ન, ફળફળાદિ) માણસના સ્વાસ્થ્ય, રીકવરી તેમજ એથ્લેટિક પર્ફોર્મન્સ પર શું અસર થાય છે. તેઓ જેમ જેમ ઊંડા ઉતરતા ગયા તેમ તેમ એવાં એવાં તથ્યો સામે આવતાં ગયાં કે તેઓ ચકિત થયા વગર ન રહ્યા.
ઇન્ટરનેટ પર સફગ દરમિયાન એમના વાંચવામાં જૂના જમાનાના મહાશૂરવીર રોમન ગ્લેડિએટર્સ (યોદ્ધાઓ) વિશેનું લખાણ આવ્યું. ટર્કીની એક સાઇટ પરથી ઉત્ખનન કરીને ૬૮ જેટલા ગ્લેડિએટર્સના હાડકાં બહાર કાઢવામાં આવ્યા હતાં. વિશેષજ્ઞોએ તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરતાં માલૂમ પડયું કે આ ગ્લેડિયેટર્સનાં હાડકાંની બોન-મિનરલ ડેન્સિટી ઘણી ઊંચી છે. યોદ્ધાઓએ સખત ટ્રેનિંગ અને હાઇ-ક્વોલિટી આહાર લીધાં હોય તો જ આ પ્રકારની બોન-મિનરલ ડેન્સિટી શક્ય બને. વધારે સંશોધન કરતાં જાણવા મળ્યું કે આ રોમન યોદ્ધાઓ મુખ્યત્ત્વે વેજીટેરીઅન હતા.
જેમ્સ વિલ્ક્સ ચકિત થઈ ગયા. રોમન યોદ્ધાઓ, કે જે અત્યંત ઉચ્ચ કક્ષાના પ્રોફેશનલ ફાઇટર્સ હતા, તેઓ શાકાહારી હતા એવું તો અગાઉ ક્યારેય કહેવાયું જ નહોતું! પુરુષે મજબૂત બનવું હોય તો એણે માંસ ખાવું જ પડે એવું જાણે કે એક સમીકરણ આપણા મગજમાં રચાઈ ગયું છે. તાકાત એટલે માંસાહાર એવા ડિંડવાણાની શરૃઆત થઈ હતી છેક ૧૮૦૦ના દાયકામાં. જુસ્ટસ વોન લીબીગ નામના વિખ્યાત જર્મન કેમિસ્ટે પહેલી વાર વાત વહેતી મૂકી હતી કે મસ્ક્યુલર એનર્જીનો સ્રોત પ્રાણીઓના શરીરમાંથી મળતું પ્રોટીન છે. એમણે એવુંય કહ્યું કે શાકાહારી માણસ લાંબા સમય માટે એકધારો શારીરિક શ્રમ કરી શકતો નથી. પત્યું. આ થિયરી દુનિયાભરમાં એટલી હદે વ્યાપક સ્વીકૃતિ પામી કે વાત ન પૂછો. અલબત્ત, વર્ષો પછી વિજ્ઞાને આ થિયરી ખોટી પૂરવાર કરી અને પ્રતિપાદિત કર્યું કે ખૂબ મહેનત કરતા મસલ્સ (સ્નાયુઓ) માટે એનિમલ પ્રોટીન નહીં, પણ શાકાહારમાંથી ઉપલબ્ધ કાર્બોહાઇડ્રેટ્સ આવશ્યક છે… પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તાકાત એટલે માંસાહાર એવું સમીકરણ જનમાનસમાં સજ્જડ ફિટ થઈ ચૂક્યું હતું.
જોકે શાકાહારી એથ્લિટ્સ દ્વારા ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની શરૃઆત તો છેક ૧૯૦૮થી થઈ ચૂકી હતી. જેમ્સ વિલ્ક્સના મનમાં સવાલ થયો કે અત્યારે એવા ક્યા અસાધારણ વર્લ્ડક્લાસ એથ્લેટ્સ છે જે પ્લાન્ટ-બેઝ્ડ આહાર લેતા હોય? સફગ કરતાં એમને પહેલું જ નામ સ્કોટ જ્યુરેકનું મળ્યું. ઓલ-ટાઇમ-ગ્રેટ અલ્ટ્રા રનર્સમાં એમનું નામ બોલે છે. આ દોડવીરે ૩૪૮૯ કિલોમીટરનું અંતર લાગલગાટ ૪૬ દિવસ અને ૮ કલાકમાં દોડતાં દોડતાં કાપ્યું છે. માનવજાતિના ઇતિહાસમાં કોઈ કાળા (કે બ્રાઉન) માથાનો માનવીએ આવું પરાક્રમ કર્યું નથી. કલ્પના કરો કે રોજની બે મેરેથોન દોડવા માટે શરીરમાં કેટલી પ્રચંડ તાકાત અને સ્ટેમિના જોઈએ!…અને સ્કોટ જ્યુરેક સંપૂર્ણપણે શાકાહારી છે.
મોર્ગન મિચેલ નામનાં ઓસ્ટ્રેલિયન રનર છે. ૪૦૦ મીટરની દોડમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યાં છે. ડોટ્સી બાશ ૮ વખત યુએસએ નેશનલ સાઇકલિંગ ચેમ્પિયન બની ચૂક્યાં છે. ડોટ્સી અઠવાડિયામાં છ દિવસ ચાર-પાંચ કલાક ટ્રેનિંગ લે છે, જેમાં પહાડના ઢોળાવ પર ચડ-ઉતર કરવાનું હોય છે. અતિ હેવી જિમ સેશન્સ તો ખરાં જ. મોર્ગન અને ડોટ્સી બન્ને માત્ર શાકાહારી છે. ડોટ્સી જોકે શાકાહાર તરફ મોડેથી વળ્યાં હતાં. તેઓ કહે છે, ‘મને ડર હતો કે સંપૂર્ણપણે શાકાહારી બની જવાને કારણે મારાં પર્ફોર્મન્સ પર માઠી અસર તો નહીં થાયને! પણ બન્યું એનાથી ઉલટું. શાકાહાર અપનાવ્યા પછી મારું શરીર જાણે કે મશીનની માફક ચાલવા લાગ્યું. જિમમાં ઇન્વર્ટેડ લેગ સ્લેડ એક્સરસાઇઝમાં મને ફર્ક દેખાયો. (એક પ્રકારનું ઉપકરણ છે, જેમાં બન્ને પગના ધક્કા વડે વજનને પુશ કરવાનું હોય છે.) પહેલાં હું પગથી વધુમાં વધુ ૩૦૦ પાઉન્ડ ઊંચકી શકતી હતી, પણ શાકાહાર અપનાવ્યા પછી હું ૫૮૫ પાઉન્ડ (૨૬૫.૩ કિલો) જેટલું વજન ઊંચકવા માંડી. એ પણ સાઠ-સાઠ રિપીટેશનના પાંચ સેટમાં.’
હાઇ-લેવલ પર્ફોર્મન્સ આપતા કોઈ પણ સ્પોર્ટ્સપર્સનને ચિક્કાર સ્ટ્રેન્થ જોઈએ. એકલા શાકાહારથી આટલી તાકાત (એટલે કે પ્રોટીન) કેવી રીતે મળે? વિશેષજ્ઞો કહે છે કે, હાઇ પર્ફોર્મન્સ અને બિગ મસલ્સ માટે પ્રાણીના માંસમાંથી મળતું પ્રોટીન જરૃરી છે એવું બધા કહ્યા કરે છે, પણ જરા જુઓ તો ખરા કે આ પ્રાણીઓને પ્રોટીન ક્યાંથી મળે છે? પ્લાન્ટ્સમાંથી! તમામ પ્રકારનાં પ્રોટીનનો સ્રોત અનાજ અને શાકભાજી જ છે. મરઘાં, બકરાં, ગાય કે ભૂંડ તો માત્ર વચેટિયાં છે. આ પ્રાણીઓનાં શરીરમાં પ્રોટીન અનાજ કે ઘાસચારામાંથી જ આવ્યું હોય છે. જો પ્રોટીન જ જોઈતું હોય તો માટે શા માટે પ્રોટીનનું વાહક બનનારાં બિચારાં પ્રાણીઓને મારી નાખવાં? સીધા પ્લાન્ટ્સ જ ન લેવાં? ઉદાહરણ તરીકે, એર કપ રાંધેલા મસૂર (કહો કે મસૂરમાંથી બનાવેલી દાળ) અથવા એક પીનટ બટર સેન્ડવિચમાંથી ત્રણ ઔંસ (૮૫ ગ્રામ) માંસ યા ત્રણ મોટાં ઈંડાં કરતાં વધારે પ્રોટીન મળે છે.
કહેનારાઓ તરત દલીલ કરશે કે સાહેબ, પ્રોટીનની માત્ર ક્વોન્ટિટી નથી જોવાની, એની ક્વોલિટી પણ જોવી પડે… ને પછી તરત ઉમેરશે કે એનિમલ પ્રોટીનની ગુણવત્તા શાકાહારમાંથી મળતા પ્રોટીન કરતાં ક્યાંય વધારે ઊંચી હોય છે. વિશેષજ્ઞાો પાસે આનો પણ જવાબ છે. સૌથી પહેલાં તો, પ્રોટીન એટલે શું? પ્રોટીન એટલે એમિનો એસિડ્સની શૃંખલા. શાકાહારમાં તમામ પ્રકારના એમિનો એસિડ મળતા નથી તે વાત પણ જૂઠી છે. સચ્ચાઈ એ છે કે શાકાહાર માત્ર બધાં આવશ્યક એમિનો એસિડ ધરાવે છે.
દોડવીર હોવા માટે કે સાઇકલિસ્ટ હોવા માટે શરીર તોસ્તાનછાપ જેવું નહીં, પણ છરહરું જોઈએ, પાતળું જોઈએ. તો શું બોડીબિલ્ડર બનવું હોય તો માંસાહાર કરવો જ પડે? ફરીથી જવાબ એ જ છે, ના. ચોખ્ખી ના. કેન્ડ્રીક ફેરિસનું ઉદાહરણ લો. એ અમેરિકન હેવીવેઇટ-લિફ્ટર છે. એ જેવા શાકાહારી બન્યા કે લોકો એના પર તૂટી પડયા હતાઃ અલ્યા, ઘાસફૂસ ખાઈને તું કેવી રીતે આટલું બધું વજન ઊંચકી શકીશ? પણ કેન્ડ્રીક શાકાહારને વળગી રહ્યા, એટલું જ નહીં, બબ્બે વાર ઓલિમ્પિક્સમાં ભાગ પણ લઈ આવ્યા. કેન્ડ્રીક કરતાંય વધારે પ્રભાવશાળી ઉદાહરણ પેટ્રિક બબોમિઅનનું છે. તેઓ સ્ટ્રેન્થ એથ્લિટ છે. દુનિયાના સૌથી મજબૂત માણસોની સૂચિમાં એમનું નામ મૂકાય છે ને એમના નામે એકાધિક રેકોર્ડ્ઝ બોલે છે.
મૂળ મુદ્દો જ આ છેઃ વિશ્વકક્ષાના એથ્લેટ્સ અને બોડીબિલ્ડર્સ પણ જો માંસાહાર છોડી શકતા હોય તો આમ આદમી પાસે તેમ ન કરવાનું કોઈ કારણ જ રહેતું નથી. આપણે રોજ-બ-રોજનું જીવન ચુસ્તી-સ્ફૂર્તિ સાથે જીવવાનું છે. આમાં પર્યારણ જેવા અતિ ગંભીર વિષય તેમ જ અધ્યાત્મ ઉમેરાઈ જાય તો આ ચર્ચાને જુદું જ પરિમાણ મળી જાય. અત્યારે વાત કેવળ જીવનાવશ્યક પ્રોટીન અને અન્ય જીવનાવશ્યક તત્ત્વોની પૂર્તિની ચાલી રહી છે. હૃદયરોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓને માંસાહાર શી રીતે વકરાવી શકે છે ને શાકાહાર શી રીતે બાજી સંભાળી શકે છે? ‘ધ ગેમ ચેન્જર્સ’ ડોક્યુમેન્ટરીમાં પેશ થયેલી શાકાહારતરફી મુદ્દાઓનું વિરોધીઓએ કેવી રીતે ખંડન કરવાના પ્રયત્નો કર્યા? આનો જવાબ આવતા શનિવારે.
– શિશિર રામાવત
Leave a Reply