‘કષ્ટ તો જીવનનું ભણતર છે, તેનાથી શક્તિ વધી એમ જાણજો…’
—————————
મા વગર મોટા થયેલા અને છાત્રાલયમાં રહીને ભણતા પોતાના જોડિયા પુત્રોને ઝવેરચંદ મેઘાણીએ પત્રોમાં શું લખ્યું?
——————————–
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
——————————-
જેમના માટે સાહિત્યસ્વામી વિશેષણ નિઃસંકોચપણે વાપરી શકાય એવા ઝવેરચંદ મેઘાણીના પરિવારમાં ગયા સપ્તાહે બે ઘટનાઓ બની. એક ઉત્તમ, એક દુખદ. ઉત્તમ ઘટના એ કે ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણી ૨૦ જૂને આયુષ્યનાં ૯૯ વર્ષ પૂરાં કરીને ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા. દુખદ ઘટના એ કે એના બે જ દિવસ પહેલાં, ૧૮ જૂને, ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના પુત્ર મસ્તાન મેઘાણીનું ૯૦ વર્ષની પક્વ વયે અવસાન થયું. એમના જોડિયા નાનકભાઈનું નિધન છ વર્ષ પહેલાં થઈ ચૂક્યું હતું. (તસવીરમાં ઉપર ઝવેરચંદ મેઘાણી, નીચે ડાબે મહેન્દ્ર મેઘાણી અને એમની બાજુમાં મસ્તાન મેઘાણી.)
ઝવેરચંદ મેઘાણીને પ્રથમ પત્ની દમયંતીથી ચાર સંતાનો – મહેન્દ્ર, ઇન્દુ અને સૌથી નાના જોડિયા દીકરા મસ્તાન તથા નાનક. દમયંતીબહેનનું અપમૃત્યુ થયું ત્યારે મસ્તાન-નાનક હજુ એક વરસના પણ થયા નહોતા. ફૂલ-ફૂલ જેવડાં બન્ને બચ્ચાં પછી કલકત્તામાં ઝવેરચંદના ભાઈ-ભાભી લાલચંદભાઈ અને ગોદાવરીબેન પાસે ઉછર્યા. (ઝવેરચંદ મેઘાણીએ પછી પુનર્લગ્ન કર્યા હતાં અને અન્ય પાંચ સંતાનોના પિતા બન્યા હતા.) મસ્તાન-નાનક પંદર વર્ષના થયા એટલે ઉત્તર ગુજરાતના કડી ગામે સર્વ વિદ્યાલય નામની છાત્રાલય-શાળામાં એમને દાખલ કરવામાં આવ્યા. ઝવેરચંદ મેઘાણી દીકરાઓને પત્રો લખતા. એમાંના કેટલાક ‘લિ. હું આવું છું’ નામના અફલાતૂન સંગ્રહમાં સ્થાન પામ્યા છે.
લગભગ પોણી સદી પહેલાં લખાયેલા આ પત્રોમાંથી પસાર થતી વખતે અજબ લાગણી થાય છે. સ્થળ-કાળ ભલે બદલાઈ ગયા, પણ આ પત્રોમાં ઝીલાયેલા પુત્રપ્રેમ અને સંતાન પ્રત્યેની ખેવના સાથે તીવ્રતાથી આઇડેન્ટિફાય કરી શકાય છે. દીકરાઓને બોર્ડિંગહાઉસમાં મૂકી આવ્યા પછી ઝવેરચંદ મેઘાણી ૨૫-૬-૧૯૪૬ના રોજ બોટાદથી લખે છે (પત્રોની ભાષા અને જોડણી યથાવત્ રાખ્યાં છે):
ચિ. ભાઈ નાનક-મસ્તાન,
તમને ભારે હૃદયે ત્યાં મૂકીને આવ્યા પછી તમારા બધા કાગળો વાંચ્યા છે. તમને બંનેને ત્યાં ગમી ગયું છે અને બધા સાથે જીવ મળી ગયો છે એ જાણીને આનંદ થયો કારણ કે કદાચ નહીં ગમે એવી મને બીક હતી… તમને સુભાગ્યે સારું વિદ્યાસ્થળ મળ્યું છે. તેનો ખૂબ લાભ ઉઠાવજો. તમારી રીતભાત, સદાચાર અને બુદ્ધિની સુગંધ પ્રસરાવજો. અનેક વિદ્યાર્થીઓની અરજી હતી છતાં તમને સ્થાન મળ્યું છે તેને સાર્થક કરી બતાવજો.
ત્રણસો છાત્રોને એક જ રસોડે જમાડે અને સરસ વ્યવસ્થા રાખે એવા ગૃહપતિઓનો તમને સંસર્ગ મળ્યો છે. એ વ્યવસ્થામાં એકતાલ બની જવું એટલું જ નહીં પણ એમાં પોતાની મદદ આપવી એ મોટું શિક્ષણ છે.
ચાવી ચાવીને ખાતા હશો. માંદા તો પડવું જ નથી એ નિશ્ચય રાખજો. ઉકાળો પાય તે પીજો, મચ્છરદાની વગેરે જલદી પહોંચાડશું. ભાઈ આઠેક દિવસમાં બધું લઈ આવશે. બપોરે ભૂખ ન લાગે એવી ટેવ પડી ગઈ હશે.
તમારા ત્રણે ગૃહપતિઓને મારાં સ્નેહવંદન કહેશો. પ્રિન્સિપાલસાહેબને પણ. કાગળો અઠવાડિયે હમણાં બબે વાર લખતા રહેશો. ઈશ્વરભાઈની ફાઉન્ટન-પેન ત્યાં પડી રહી હતી કે નહીં તેની તપાસ કરવા મેં એક કાગળ લખ્યો હતો…
તમારા રૃમમાં કોણ કોણ રહે છે? એમને પણ મારા આશીર્વાદ કહેશો… બધાં ખુશીમાં છે.
લિ. બાપુજીનાં વહાલ
દીકરાઓએ માત્ર ભણવાનું નથી, પોતાનાં વર્તન-વ્યવહારથી સંસ્કારની સુગંધ ફેલાવવાની છે અને સાથે સાથે પિતા સાથે સંવાદ પણ જાળવી રાખવાનો છે. સંવાદના સાતત્યમાં જરાક ઓછપ વર્તાઈ ને ઝવેરચંદ મેઘાણીએ ૧૫-૭-૧૯૪૬ના રોજ સહેજ અકળાઈને લખ્યું કે –
ચિ.નાનક-મસ્તાન,
આ કાગળ તમને કોણ જાણે ક્યારે મળશે…. કાગળ જે દિવસે લખો તે દિવસે જ ટપાલમાં નાખવો. અને નાનક કેમ પોતાના અક્ષરોથી લખતો નથી? એકલો મસ્તાન જ કેમ લખે છે? તમારા ખુશીખબરથી સૌને આનંદ થયો.
…તમારી પાસે આગલા રૃ. એકવીસ હતા કે વીસ? આપણે જમા કેટલા કરાવ્યા હતા? નવી ફીના રૃ. દસ જતાં તમારી પાસે કુલ કેટલા રહ્યા? રવિવારે તમારી રૃમના બધા એકત્ર મળીને નાસ્તો કરો છે કે જુદા? સાથે કરતા હો તો સારું.
તમારા કાગળો પૂના બચુભાઈ (મોટા ભાઈ, મહેન્દ્ર મેઘાણી) વાંચવા મોકલીશ…
લિ. બાપુજીના આર્શીવાદ
આ એ જમાનો છે, જ્યારે કાગળ પર લખવા માટેની ફાઉન્ટન પેન એક લક્ઝરી ગણાતી હતી! ઝવેરચંદ મેઘાણીને ચિંતા છે કે દીકરાઓની ફાઉન્ટન પેનની ક્યાંય મરમ્મત થઈ શકતી નથી ને રાત્રે મચ્છરો કરડી ખાય છે. પોતાનું સંતાન ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ હોસ્ટેલમાં રહેતું હોય ત્યારે આવી નાની નાની સમસ્યાઓ પણ બાપના મનમાં મોટું સ્વરુપ ધારણ કરી લઈ શકે છે! આજે કોલેજ-હોસ્ટેલની ફી લાખોમાં છે, વિદેશની યુનિર્વસિટીમાં એડમિશન લીધું હોય તો આંકડો કરોડ સુધી પહોંચી શકે છે. પૈસાની તાણખેંચ એ જમાનામાં પણ ક્યાં ઓછી હતી? ૧૨-૧૧-૧૯૪૬ના રોજ લખાયેલા પત્રમાં મેઘાણી કહે છે –
ચિ. મસ્તાન-નાનક,
પરમદિવસે સાંજે અમદાવાદ સ્ટેશને ધંધૂકા-ગાડી પર તમને શોધેલા પણ નીકળ્યા નહીં તેથી રૃ. પચાસ આપવાના હતા તે અમારી સાથે જ રહ્યા ને અમે સીધા બહારગામ ગયેલા ત્યાંથી આજે આવ્યા પણ તમારો કાગળ શહેરમાં દુકાને હોઈ મારા વાંચવામાં આવ્યો નથી. પચાસ રૃપિયાનું મનીઓર્ડર આજે ઈશ્વરભાઈ કરી આપશે. તેની પહોંચ લખશો અને એ રકમમાંથી એક ટર્મનું વધારેલું વ્યવસ્થા-ખર્ચ (એટલે કે રૃ. બાર-બાર) ચૂકવશો. ગૃહપતિજીને મારા તરફથી સંદેશો કહેજો કે આ રીતે વરસની અધવચ્ચે વ્યવસ્થા-ખર્ચનો વધારો થાય તેથી નવાઈ પામું છું. વળી વિદ્યાર્થીઓના વધવાથી વ્યવસ્થા-ખર્ચ વધે શી રીતે? અને દરેક રૃમમાં પાંચ-પાંચને ઠાંસવા એ પણ વિચિત્ર, પણ આપણે શું કરીએ? આ ટર્મ ત્યાં પૂરી કરી લેવી. આમ ખર્ચમાં અણધાર્યો વધારો, એકંદર ઘણું સખ્ખત ખર્ચ અને શાક જેવી ચીજમાં કરકસર – ચોખામાં નહીં – એ બધાંથી હું નવા વર્ષમાં તમને ફેરવવાના નિર્ણય પર આવ્યો છું.
તમે વીરમગામ રસ્તે ગયેલા? હું હમણાં આંહીં છું. કાગળ લખશો.
નાણાભીડ અનુભવતા કોઈ પણ મધ્યમવર્ગીય બાપને થાય એવો પુણ્યપ્રકોપ મેઘાણીએ આ પત્રમાં ઠાલવ્યો છે. આ પત્રોનું સૌથી ધ્યાનાકર્ષક પાસું તો મેઘાણીએ દીકરાઓને આપેલી શીખ છે, જે આજે પણ પ્રસ્તુત છે. ૧૬-૧૧-૧૯૪૬ના રોજ લખે છેઃ
‘તમને પાણી વગેરેનું જે પણ કષ્ટ પડયું તેને પણ જીવનનું ભણતર જ સમજીને શક્તિ વધી એમ ગણશો. આ વર્ષ હિંમતથી પૂરું કરી કાઢો, પછી ઘેર જ રહેવાનું. ત્યાં રહો ત્યાં સુધી ખૂબ લાભ લેવો ને દિલને મજા લેવાની ટેવ ના પાડવી. છાતી કઠણ રાખવી. અગવડો ને વિટંબણાઓ એ જ આપણી સાચી શાળા છે. મારું કામ હોય તો લખજો.’
મા વગર મોટા થઈ ગયેલા જોડકા દીકરા સોળ વર્ષના થઈ જાય છે ને પિતા લાગણીશીલ બનીને કાગળ પર હૈયું ઠાલવી દે છેઃ
વ્હાલા પુત્રો,
…તમને સોળમું વર્ષ બેઠું તે પ્રસંગે મારા હૃદયના આશીર્વાદ છે. મનથી, શરીરથી ખૂબ તેજસ્વી બનો અને આ જીવનમાર્ગ પણ પૂર્ણ આનંદ-ઉત્સાહ સાથે આગળ વધો.
જેમ જેમ તમારું વય વધતું જાય છે તેમ તેમ તમારી બાલ્યાવસ્થાનો દુઃખી ભૂતકાળ દૂર ને દૂર ઠેલાતો જાય છે. એ સમયની સર્વ સ્મૃતિઓ લુપ્ત બનો! ભવિષ્યનાં જ આશા ને ઉલ્લાસ તમારા હૃદયોમાં પ્રકાશી રહો!
જે કંઈ કષ્ટો તમે સહ્યાં છે એણે તમારી શક્તિને વધારી છે. હું તો તમને કાંઈ મદદ કરી શકતો નથી પણ મારા પ્રેમનું ભાતું તમને બંધાવ્યું છે. તમે મને તમારો અનહદ પ્રેમ આપીને ટકાવ્યો છે. તમે જેમ જેમ મોટા થતા જાઓ છો તેમ તેમ મારા મન પરનો વિષાદ ઘટે છે.
તમારી પ્રત્યેક શક્તિનો ખૂબ વિકાસ થજો. જીવનની કોઈ પણ વિટંબણા તમને ડરાવે નહીં, તણખલા જેવી તુચ્છ લાગે, એવું પરાક્રમ તમારામાં પ્રગટ થજો.
તમે બેઉ ફક્ત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થ-યાત્રીઓ છો. શરીરે જુદાં જુદાં છતાં એકસર અને એકરૃપ છો એમ માનજો.
તમારા બેઉનું કલ્યાણ ઇચ્છતો તમારો પિતા,
ઝવેરચંદ
ઝવેરચંદ ઇચ્છતા હતા કે શૈક્ષણિક વર્ષ પૂરું થાય પછી દીકરાઓ છાત્રાલય છોડીને ઘરે આવી જાય, પણ તે વખતે ક્યાં કોઈએ કલ્પના કરી હતી કે જોડિયા દીકરાઓ સાથે સતત, લાંબા સમય માટે રહેવાનું એમના ભાગ્યમાં લખાયું જ નથી. ઉપર નોંધાયેલો પત્ર ૧૮-૧૨-૧૯૪૬ના રોજ લખાયો હતો ને એ વાતને ત્રણ મહિના પણ પૂરા થાય તે પહેલાં, ૯ માર્ચ ૧૯૪૭ના રોજ, કેવળ ૫૦ વર્ષની વયે ઝવેરચંદ મેઘાણીનું નિધન થયું.
– શિશિર રામાવત
Leave a Reply