પેલા કહેવાતા વિકાસવાદીઓ અને અણઘડ પ્રવાસીઓ લદાખની ઘોર ખોદી નાખશે…
————–
આપણે ‘વિકાસ’ની સાચી વ્યાખ્યા સમજવી પડશે ને જખ મારીને તે સ્વીકારવી પડશે. જેનાથી પર્યાવરણને સહેજ અમથું પણ નુક્સાન થતું હોય તેવાં ટૂંકી દ્રષ્ટિનાં સ્વાર્થી આયોજનો એ વિકાસ નથી જ નથી.
—————
વાત-વિચાર, એડિટ પેજ (શનિવાર), ગુજરાત સમાચાર
————-
‘અમને લાગે છે કે કદાચ ક્યાંક ઉપરના સ્તરેથી જબરદસ્ત પ્રેશર છે, કદાચ એવી કોઈક ઔદ્યોગિક તાકાત છે, જે જે લદાખ સંરક્ષિત થાય તેમ ઇચ્છતી નથી, કારણ કે જો લદાખને સંરક્ષિત કરવામાં આવે તો એમના માઇનિંગ તેમજ અન્ય ઉદ્યોગો સંબંધિત કામકાજ પર બ્રેક લાગી જાય. અત્યારે તો લદાખના દરવાજા બધા માટે ખોલી નાખવામાં આવ્યા છે. કોઈ પણ કંપની કે માણસ અહીં કંઈ પણ ધંધાદારી કામ શરુ કરી શકે છે. સ્થાનિક લોકોની ઇચ્છા-અનીચ્છાનું કશું મહત્ત્વ જ રહ્યું નથી.’
મેગ્સેસે અવોર્ડવિનર સોનમ વાંગચુક જેવા અતિ જેન્યુઇન એજ્યુકેટર – ઇન્વેન્ટર જ્યારે સંપૂર્ણ ગંભીરતાથી આ વાત કહેતા હોય ત્યારે આપણે એમને ગંભીરતાથી સાંભળવા પડે. મુખ્ય વિષય પર આવતાં પહેલાં સમજી લઈએ કે ગ્લેશિયર એટલે એક્ઝેક્ટલી શું? ગ્લેશિયર એટલે સાદી ભાષામાં હિમનદી, બરફની થીજેલી નદી, હિમખંડ અથવા વિરાટ બર્ફીલી સંરચના. જમીન પર વરસતો બરફ ક્રમશઃ દબાઈને, ઘૂંટાઈને, કંપ્રેસ થઈને ગ્લેશિયરનું રુપ ધારણ કરી લે છે. ગ્લેશિયરની ઉંમર બસ્સો વર્ષથી લઈને હજારો વર્ષ સુધીની હોઈ શકે છે. પૃથ્વી પર હિમ યુગનો અંત ૧૦,૦૦૦ વર્ષ પહેલાં આવી ગયો હતો, પણ આજે આપણે જે ગ્લેશિયર્સ જોઈએ છીએ તે આ હિમ યુગના જ અવશેષો છે.
દુનિયાભરની ગ્લેશિયર પીગળી રહી છે, સંકોચાઈ રહી છે. એમાંય છેલ્લા કેટલાક દાયકા દરમિયાન તો ગ્લેશિયર પીગળવાની ગતિ જબરદસ્ત વધી ગઈ છે. આપણે જમ્મુ, કાશ્મીર અને લદાખની વાત કરીએ તો સેટેલાઇટથી મળેલા ડેટા કહે છે કે ૨૦૦૦થી ૨૦૧૨ દરમિયાન હિમાલય વિસ્તારમાં આવેલી ૧૨૦૦ જેટલી ગ્લેશિયરની જાડાઈ પ્રતિ વર્ષ સરેરાશ ૩૫ સેન્ટીમીટર જેટલું ઘટી ગઈ હતી. એક દાયકા દરમિયાન ગ્લેશિયરનું માસ એટલે કે દળ ૭૦.૩૨ ગિગાટન જેટલું ઓછું થઈ ગયું હતુંં. જબરદસ્ત મોટો આંકડો છે આ. ૧૯૯૦થી ૨૦૧૯ દરમિયાન પેંગોંગ લેક પ્રદેશમાં ૬.૭ ટકા ગ્લેશિયર જેટલું સંકોચાઈ ગયું છે. આનું પ્રાથમિક કારણ છે, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ.
લદાખની જનતાના પીવાના તેમજ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીનો મુખ્ય સ્રોત આ ગ્લેશિયર જ છે. ગ્લેશિયરના સંકોચનની સીધી નકારાત્મક અસર આ પ્રદેશની પાણીની સ્થિતિ તેમજ ખેતી પર થઈ રહી છે. ગ્લેશિયરનું ઝપાટાભેર પીગળતા જવાની સ્થિતિ માટીના ધોવાણ, લેન્ડસ્લાઇડ અને પૂરનું કારણ પણ બની શકે છે. એક મિનિટ. ‘ઠીક છે આ બધું, આ લેહ-લદાખની સમસ્યા છે… એમાં આપણે શું?’ – આવું ભુલેચુકેય વિચારતા નહીં. ભૌગોલિક સ્તરે હિમાલયમાં જે કંઈ થાય છે તેનો સીધો પ્રભાવ આખા ઉત્તર ભારત પર પડે છે. ઉત્તર ભારતની નદીઓમાં જે પાણી વહે છે તેનો મુખ્ય સ્રોત હિમાલય જ તો છે. હિમાલયની પેલી તરફ, ચીન માટે પણ આ વાત એટલી જ સાચી. સોનમ વાંગચુક કહે છે કે હિમાલયના ગ્લેશિયરની કુઃસ્થિતિને કારણે પાણીની જે કટોકટી પેદા થવાની તેની અસર લગભગ બે અબજ લોકો એટલે દુનિયાની ૨૦ ટકા આબાદી પર પડવાની છે.
નેશનલ હાઇવે પાસે ગ્લેશિયર વધારે સંકોચાઈ છે. લદાખના દ્રાસ વિસ્તારમાં ગ્લેશિયર ઝપાટાભેર પીગળી રહી છે. ૨૦૨૦થી એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ (એલએસી)ની બન્ને તરફ વધી રહેલી લશ્કરી ગતિવિધિઓને પગલે વાહનોનો આવરોજાવરો પણ ખૂબ વધ્યો છે. વાહનો હવામાં બ્લેક કાર્બન છોડે, જે ગ્લેશિયર પર જમા થયા કરે. ટ્રાફિક જેટલું વધે એટલું હવામાં કાર્બનનું પ્રમાણ વધે. આ બ્લેક કાર્બનને લીધે જ ગ્લેશિયર પીગળી રહી છે. ડિઝલ એન્જિન ઉપરાંત કોલસામાંથી પણ બ્લેક કાર્બનનું એમિશન વધારે થાય છે.
લદાખ વિસ્તારમાં લશ્કર અને સિવિલિયન્સ એટલે કે આમજનતા બન્નેનો આવરોજાવરો સતત વધી રહ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વધી રહ્યું છે. લેહ-લદાખને ત્રણ વર્ષ પહેલાં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો ત્યારથી એના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૧માં કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ વોટર કમિશને સંયુક્તપણે લદાખ વિસ્તારમાં આઠ હાઇડ્રોપાવર પ્રોજેક્ટસને મંજૂરી આપી. આ જ મહિને નીતિ આયોગ અને લદાખના યુટી એડમિનિસ્ટ્રેશને એક એમઓયુ સાઇન કર્યો – અહીં ટુરિઝમ અને સોલાર એનર્જી તેમજ પ્રોજેક્ટસ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપમાં વિકસાવવા માટે. ઓક્ટોબર ૨૦૨૧માં બોર્ડર્સ રોડ્સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) ઘોષણા કરી કે લદાખમાં કનેક્ટિવિટી વધારવા માટે પાંચ વિરાટ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. સરકાર ઇચ્છે છે કે આ આ સોએ સો ટકા વિસ્તારમાં ટેલિકોમ કનેક્ટિવિટી પણ જોઈએ. અહીં ૮ નવા સ્ટ્રેટેજિક બ્રિજ બની ગયા છે અને બીજાં ૪૫ પુલ બાંધવાની યોજનાને મંજૂરી મળી ગઈ છે. થોડાંઘણાં નહીં, પણ પૂરાં ૩૬ હેલિપેડ બનાવવાનું આયોજન પણ છે. ટૂંકમાં, લદાખની ઇકોનોમીને ‘જબરદસ્ત બૂસ્ટ’ આપવાના બધા પ્લાન ઘડાઈ ગયા છે. નરેન્દ્ર મોદી એક બાજુ લેહ-લદાખને કાર્બન-ફ્રી બનાવવાની વાત પણ કરે છે.
સાંભળવામાં આ બધું સારું લાગે છે. પહેલી દ્રષ્ટિએ કદાચ તે ઇચ્છનીય પણ લાગે… પણ આ સઘળાં આયોજનો કરતી વખતે શું લેહ-લદાખની અત્યંત સંવેદનશીલ ભૂ-સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે? કહેવાતા આર્થિક વિકાસને કારણે અહીંના નેચરલ રિસોર્સીસ પર ભયંકર પ્રશર આવી પડે છે એનું શું? લદાખ વિસ્તારમાં બોરેક્સ, માર્બલ, લાઇમસ્ટોન અને ગ્રેનાઇટનો ખજાનો છે. અહીંની જમીનમાં આર્સેનિક ઓર, બોરેક્સ, સોનું, ગ્રેનાઇટ, લાઇમસ્ટોન, માર્બલ અને સલ્ફરનો વિરાટ ખજાનો છૂપાયેલો છે. આટલી બધી ધાતુ ઉપલબ્ધ હોય એટલે શું મિનરલ્સ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ તો સ્થપાવી જ જોઈએ? કલ્પના કરો કે જો અહીં હેવી માઇનિંગ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ જાય તો શું હાલ-હવાલ થાય. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા મેદાની વિસ્તારોમાં આવેલાં રાજ્યો જેવો ઔદ્યોગિક વિકાસ લેહ-લદાખમાં ન કરી શકાય. અહીંની ભૂગોળ અલગ છે, અહીંના પર્યાવરણની સ્થિતિ સાવ જુદી છે.
લદાખને પૃથ્વીનો ત્રીજો ધુ્રવપ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો બરફનું રણ છે. અહીં વરસાદ વર્ષમાં માંડ ત્રણથી ચાર ઇંચ પડે છે. સ્થાનિક લદાખી લોકોની જીવનશૈલી એ રીતે ઘડાઈ ગઈ છે કે તેઓ રોજના માત્ર પાંચ લીટરથી કામ ચલાવી શકે છે. લદાખમાં બે પ્રકારના ટોઇટલ જોવા મળે છે – પરંપરાગત ડ્રાય કમ્પોસ્ટ ટોઇલેટ અને આધુનિક ફ્લશ ટોઇલેટ. સ્થાનિક લોકો ડ્રાય ટોઇલેટનો ઉપયોગ કરે છે, પણ અહીં આવતા પ્રવાસીઓને હોટલોના બાથરુમમાં ધમધમાટ વહેતા નળ જોઈએ, ધોધમાર વરસાદ જેવો હોટ શાવર જોઈએ ને ફ્લશમાં ખળખળ વહેતું જળ જોઈએ. આ પ્રદેશમાં પાણી એટલું કિમતી છે કે ન પૂછો વાત, પણ અહીં પ્રત્યેક પ્રવાસી અહીં રોજ ૭થી ૮ બાલદી જેટલું પાણી વેડફી મારે છે. અહીં સદીઓથી લોકો ઝરણાંનું અને ગ્લેશિયરનું પીગળેલું પાણી પીતાં આવ્યા છે, પણ હોટલોમાં અને ગેસ્ટ હાઉસોમાં પાણીની ડિમાન્ડ એટલી પ્રચંડ હોય છે કે હવે બોરવેલ ખોદી ખાદીને પાણી ખેંચી કાઢવામાં આવે છે. તેને કારણે ધરતીમાં પાણીનું તળ ઓર નીચું જઈ રહ્યું છે. ટૂરિસ્ટોની જરુરિયાત પૂરી પાડવા માટે રોજનાં હજારો ટેન્કર પાણી લાવવામાં આવે છે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે ઝરણાં સૂકાઈ ગયાં છે. અમુક ગામોમાં તો પાણીની એવી તીવ્ર અછત થઈ છે કે લોકો ખેતીકામ કરી શકતા નથી. કેટલાય સ્થાનિક લોકો પરંપરાગત ખેતીકામ છોડીને હોટલો-બોટલોમાં કામ કરવા માંડયા છે. આ વિસ્તારના કેટલાંય ગામોમાંથી લોકોએ પોતાની ખેતીની જમીન રેઢી મૂકીને ઉચાળા ભરીને જતા રહેવા પડયું છે. ભવિષ્યમાં આવાં ભૂતિયાં નિર્જન ગામોની સંખ્યા વધતી જાય તો જરાય નવાઈ નહીં પામવાની.
૨૦૧૯માં અહીં ૨,૭૯,૯૩૭ પ્રવાસીઓ આવ્યા હતા, ૨૦૨૧માં આ આંકડો ૩,૦૪,૦૭૭ સુધી પહોંચી ગયો. લદાખના જીડીપીનો અડધોઅડધ હિસ્સો ટુરિઝમ પૂરો પાડે છે. દેખીતું છે કે ટુરિઝમ અને એને સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ વિકસે એટલે સ્થાનિક લોકોને રોજગારી પણ સારી મળે. સમસ્યા એ છે કે અણઘડ પ્રવાસીઓ આવા સ્વર્ગ જેવા પ્રદેશમાં કચરો ખૂબ કરે છે. પેંગોંગ લેક પર સિઝનમાં રોજની ૩૦૦થી ૬૦૦ કાર આવે છે. એક કારમાં ચાર માણસો ગણી લો. ધારો કે તેઓ એક-એક પ્લાસ્ટિકની બોટલ પણ વાપરે ફેંકે તો ય ક્યાં વાત ગઈ? લોકો વળતી વખતે રસ્તામાં ગમે ત્યાં પ્લાસ્ટિકની બોટલો, ખાલી રેપર વગેરે ફેંકી દે છે. પ્લાસ્ટિક, રબર, કાચ, સિરમિક્સ વગેરે જેવા ઇનઓર્ગેનિક મટીરિયલનો ભરાવો સતત થતો રહે છે. લેહ-લદાખમાં વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અતિ કંગાળ છે, જે મોટી સમસ્યા છે.
સો વાતની એક વાત. આપણે સારા ને સાચા પ્રવાસી બનતાં શીખવું પડશે. આપણે ‘વિકાસ’ની સાચી વ્યાખ્યા સમજવી પડશે ને જખ મારીને સ્વીકારવી પડશે. જેનાથી પર્યાવરણને સહેજ અમથું પણ નુક્સાન થતું હોય તેવાં ટૂંકી દ્રષ્ટિનાં સ્વાર્થી આયોજનો એ વિકાસ નથી જ નથી. લેહ-લદાખ વિસ્તારની ભૂગોળ અતિનાજુક અને વિશિષ્ટ છે. જો સમયસર ખરાં પગલાં નહીં લેવાયાં, જો વિકાસના નામે અહીં થઈ રહેલા અથવા ભવિષ્યમાં થનારા આડેધડ કન્સ્ટ્રક્શન, માઇનિંગ (ખોદકામ) વગેરે અહીંના પર્યાવરણને એટલું ભયાનક નુક્સાન પહોંચશે કે એનો ભોગ આખા ઉત્તર ભારતે બનવંુ પડશે. ‘આવો, આવો, જેને આવવું હોય તે આવો… અહીં કારખાનાં નાખો, ખોદકામ કરો, હોટલો બનાવો, ઉદ્યોગો વિકસાવો… પર્યાવરણનું જે થાય એ…’ – આ એટિટયુડ નહીં જ ચાલે.
– શિશિર રામાવત
Leave a Reply