પિતા અને પુત્રની કક્ષા કેવી રીતે નક્કી થાય?
——————–
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
———————
હાલમાં ખૂબ ગાજેલી કન્નડ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ટુ’નું એક દશ્ય છે. એક કબરને આખેઆખી ખોદી કાઢીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે. એક બુઢો દારુડિયો છે, જેના પર ઉધારી ચડી ગઈ છે ને એની પાસે વધારે પીવાના ફદિયાં નથી. એને દારૃના નોનસ્ટોપ સપ્લાયની લાલચ આપીને દારૃના પીઠામાંથી ઊંચકી લાવવામાં આવે છે. એને કહેવામાં આવે છે કે તું નશો કર, લથડિયાં ખા, કંઈ પણ કર, પણ તારે હવે એક જ કામ કરવાનું છે – તારે આખો દિવસ આ કબરને સાફ કર્યા કરવાનું છે. દારૃડિયો એ જ ઘડીએ પોતાની પછેડીથી કબર પરની ધૂળ સાફ કરવા માંડે છે. એને ખબર નથી કે આ કબરમાં જે સૂતી છે એ એની જન્નતનશીન પત્ની છે. એને એય ખબર નથી કે જેના માણસો એને પકડીને અહીં લાવ્યા છે એ એનો સગો દીકરો છે. આ દીકરો એટલે ફિલ્મનો નાયક. લોકો નાયકને પૂછે છે કે તું કેમ તારા બાપ પાસે આવું કામ કરાવે છે? નાયક બાપ તરફ લગભગ તિરસ્કારભરી નજર ફેંકીને કહે છે, ‘મારી મા જીવતી હતી ત્યારે આ માણસે ક્યારેય એનું ધ્યાન રાખ્યું નહોતું. કમસે કમ હવે તો એ મરશે નહીં ત્યાં સુધી મારી માની કબરની દેખભાળ કરશે.’
એક બાપ આ છે. નાલાયક, નિકૃષ્ટ, નિંમ્નસ્તરીય. સામે છેડે બીજા એવો બાપ છે, જે સંતાનો માટે પોતાનું જીવતર ઘસી નાખે છે. માત્ર જીવતો હોય ત્યારે જ નહીં, મર્યા પછી પણ પોતાનાં સંતાનોને આપતો રહે છે. આવા પિતાનું વર્ણન કરવા માટે કોઈ ઉદાહરણ આપવાની જરૃર નથી, કેમ કે આવા કેટલાય પુરુષો આપણે આપણા પરિવારોમાં, સમાજમાં જોયા છે. આપણી આસપાસ. આ એવા પિતા છે, જે સર્વથા અને સર્વદા સન્માનનીય છે. આ એવો પિતા છે, જેનો મહિમા ગાવા માટે કોઈ ફાધર્સ ડેની જરીર નથી. (વિગત પૂરતું જાણી લો કે યુરોપની પેદાશ એવો આ ફાર્ધસ ડે ગઈ કાલે ગયો, ૧૯ જૂને.)
પિતા એ પ્રત્યેક માણસના જીવનમાં આવેલો પહેલો પુરુષ છે. પિતૃત્વના મામલામાં ભારતીય સંદર્ભ અને પાશ્ચાત્ય સંદર્ભ ઘણા જુદા છે. બાપ જીવે ત્યાં સુધી સંતાનની છત્રછાયા બની રહે તે સ્થિતિ ભારતીય પરિપ્રેક્ષ્યમાં સામાન્ય છે. સંતાન ભડભાદર થઈ જાય તે પછી પણ એને બાપ તરફથી સૂક્ષ્મ યા તો પ્રગટપણે હૂંફની અનુભૂતિ થતી રહે છે. ‘માતૃ દેવો ભવ’ અને ‘પિતૃ દેવો ભવ’ સૂત્રો માતા-પિતા બન્નેએ દેવત્વની એકસમાન ધરી પર મૂકી આપે છે, પણ હકીકત એ છે કે આપણે ત્યાં માતાનો મહિમા થાય છે એનાથી દસમા ભાગનો મહિમા પણ પિતાનો થતો નથી. જોકે આપણા સંસ્કૃત સાહિત્યે પિતૃત્વનું ભરપૂર મહિમામંડન કર્યું છે. પદ્મપુરાણમાં કહેવાયું છે –
पिता स्वर्गः पिता धर्मः पिताः परमकं तपः
पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवताः
અર્થાત્ પિતા ધર્મ છે, પિતા સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રે તપ છે. જ્યારે પિતા પ્રસન્ન થાય છે ત્યારે તમામ દેવતા પ્રસન્ન થાય છે. આનો અર્થ એ થયો કે જો તમે પિતા રાજી થાય, એમની છાતી પહોળી થાય એવું કામ કર્યું હશે તો માની લેવાનું કે ઉપર સ્વર્ગમાં દેવતાઓ પણ બેઠા બેઠા હરખાઈ રહ્યા હશે!
માત્ર માતા અને પિતા જ સેવાને પાત્ર નથી, અન્યો પણ છે. જુઓ આ શ્લોક-
पन्चान्यो मनुष्येण परिचया प्रयत्नकरु.
पिता माताग्निरात्मा च गुरुश्च भरतर्षभ.
એટલે કે હે ભરતશ્રેષ્ઠ! પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુ – મનુષ્યે આ પાંચની ખૂબ યત્નથી સેવા કરવી જોઈએ.
આમ, માત્ર માતા અને પિતા જ સેવાને પાત્ર નથી, અન્યો પણ છે. આ શ્લોક જુઓ –
जनकश्चोपनेता च यश्च विद्यां प्रयच्छति.
अन्नदाता भयत्राता पश्चैते पितरः स्मृताः.
અર્થાત્ જન્મદાતા, ઉપનયન સંસ્કાર (એટલે કે જનોઈ વગેરે વિધિ) કરાવનાર, વિદ્યા પ્રદાન કરનાર, અન્નદાતા અને ભયથી રક્ષા કરનાર – આ પાંચ વ્યક્તિ પિતા સમાન છે.
માણસ બાલ્યાવસ્થામાં હોય ત્યારે એનો જન્મદાતા અને અન્નદાતા એક હોય છે, પણ એ પુખ્ત બની જાય અને કમાતોધમાતો થઈ જાય પછી અન્નદાતા બદલાઈ જાય છે. આ શ્લોક અનુસાર, જો તમે સરકારી નોકરી કરતા હો તો તમને પગાર આપતી સરકાર, અને જો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હો તો તમારી કંપનીનો માલિક, તમારા માટે પિતા સમાન છે! (એક મિનિટ! સંસ્કૃતમાં લખાયેલા શ્લોકો કાલબદ્ધ હોય છે, તે પ્રાસંગિક હોઈ શકે છે અને સંસ્કૃતમાં લખાયેલું હોય એટલે એને પથ્થર કી લકીર નહીં સમજી લેવાનું એવું કોણ બોલ્યું?)
સંસ્કૃતના અમુક શ્લોકમાં પિતા પ્રત્યેનો પૂજ્યભાવ છલકાઈ જાય છે. જેમ કે, એક શ્લોકનો અર્થ એવો થાય છે કે, ‘હું મારા પિતા સામે નમું છું. હું એમનામાં તમામ દેવતાઓનું દર્શન કરું છું. તેઓ મારી તમામ અપેક્ષાઓ પૂર્ણ કર છે. મારી સિદ્ધિઓની પ્રેરણા મને મારા પિતા તરફથી મળી છે…’ ઓર એક શ્લોક જુઓ –
सत्यं माता पिता ज्ञानं धर्मो भ्राता दया सखी.
शान्तिः पत्नी क्षमा पुत्रः षडमी मम बान्धवाः.
અર્થાત સત્ય મારી માતા છે, જ્ઞાન પિતા છે, ધર્મ ભાઈ છે, દયા સખી છે, શાંતિ પત્ની છે અને ક્ષમા પુત્ર છે. આ છ ગુણ મારા બંધુઓ છે. આ શ્લોક અનુસાર પત્ની અને સખીનું સહઅસ્તિત્ત્વ હોઈ શકે છે. શરત એટલી જ કે પત્ની ‘શાંતિ’ હોવી જોઈએ!
પત્નીની અશાંતિ અને પિતાનો ક્રોધ દુષ્પરિણામ લાવી શકે છે. આ સંદર્ભમાં નચિકેતા અને અષ્ટાવક્રને યાદ કરી લેવા જોઈએ. કઠઉપનિષદમાં નચિકેતા નામના બાળકની કથા છે. એ વાજશ્રવસ ષિનો પુત્ર હતો. એક વાર વાજશ્રવસ ષિએ દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિશ્વજિત યજ્ઞાનું આયોજન કર્યું. એમણે પ્રતિજ્ઞા લીધી કે યજ્ઞાને અંતે હું મારી પત્ની અને પુત્ર સહિત તમામ સંપત્તિનું દાન કરી દઈશ. યજ્ઞા પૂરો થયો. વાજશ્રવસ ષિએ પોતાની પાસે જે કંઈ હતું તે દાનમાં આપવાનું શરૃ તો કર્યું, પણ પછી તેમને લોભ જાગ્યો. એમણે પોતાની કૃષ થઈ ગયેલી ગાયો અને નકામી પડી રહેલી વસ્તુઓ આપવા માંડી, પણ ઉપયોગી વસ્તુઓ પોતાની પાસે જ રાખી. પાંચ વર્ષના નચિકેતાએ આ જોયું. પિતાનું વર્તન તેને ખૂંચ્યું. એણે પિતાને પૂછયુ, ‘પિતાજી, તમે મને કોને દાનમાં આપશો?’ વાજશ્રવસ મુનિએ એની વાત પર ધ્યાન ન આપ્યું. નચિકેતા આ પ્રશ્ન વારંવાર પૂછતો રહ્યો એટલે વાજશ્રવસ ષિ ક્રોધે ભરાયા. એમણે કહી દીધુઃ ‘હું તને યમદેવને દાનમાં આપું છું, જા!’
નચિકેતા ફક્ત ઉંમરમાં નાનો હતો, પણ એની પરિપક્વતા આશ્ચર્યકારક હતી. એ યમસદન જવા નીકળી પડયો. પિતાને પછી પોતાની ભુલ સમજાઈ. એમણે નચિકેતાને રોકાવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ નચિકેતા કોઈ પણ ભોગે એમની આજ્ઞાનું પાલન કરવા માગતો હતો. એની પિતૃભક્તિ જોઈને પ્રસન્ન થયેલા યમદેવ એને ત્રણ વરદાન માગવા કહ્યું. નચિકેતા કહ્યુઃ મારા પિતાને ભરપૂર ભૌતિક સુખસમૃદ્ધિ આપો, એમને રાજા જેવું ઐશ્વર્ય આપો. મારું બીજું વરદાન એ કે મને કર્મ અને યજ્ઞાનું એટલું જ્ઞાન આપો કે જેના વડે હું સ્વર્ગનો અધિકારી બની શકું… અને ત્રીજું વરદાન, મને આત્મજ્ઞાન આપો. યમદેવ કહે છેઃ તથાસ્તુ!
પિતાના ક્રોધમાં બોલાયેલા વેણનું જીવના જોખમે પણ અક્ષરશઃ પાલન કરવું તે પુત્રની ઉચ્ચતર કક્ષા હોઈ શકે છે! બાકી એક સાધારણ માણસ પોતાના જન્મદાતાને શું આપી શકે?
यन्मातापितरौ वृत्तं तनये कुरुतः सदा.
न सुप्रतिकारं तत्तु मात्रा पित्रा च यत्कृतम्.
અર્થાત્ માતા-પિતા દ્વારા પોતાનાં સંતાનો માટે સતત કરવામાં આવેલાં કર્મનું કોઈ પ્રતિફળ હોતું નથી. મા-બાપને કશુંય આપી શકવાની સંતાનની ક્યારેય હેસિયત હોતી જ નથી. સંતાન પોતાના જન્મની સાથે મા-બાપ માટે પ્રચંડ સુખ અને ધન્યતા લેતું આવે છે, તેને મોટા થતા જોવાની પ્રક્રિયા પાર વગરની ખુશી અને સાર્થકતા પેદા કરે છે. બસ, સંતાન આટલું જ આપી શકતું હોય છે પોતાના જન્મદાતાને. સંતાને મા-બાપને જે આપવાનું છે તે કદાચ સમજણા થતા પહેલાં જ આપી દેતું હોય છે.
અષ્ટાવક્રની કથા પણ સુંદર છે. સુજાતા એમની માતા, ષિ કહોડ એમના પિતા અને ષિ ઉદ્દાલક એમના નાના. અષ્ટાવક્ર હજુ ગર્ભમાં હતા ત્યારે કહોડ અને ઉદ્દાલક જ્ઞાાનસંવાદ કરતા. તેથી અષ્ટાવક્ર માતાના પેટમાં જ મંત્રો-શ્લોકો શીખી ગયા હતા. એક વાર કહોડ ષિ મંત્રોનું ખોટું ઉચ્ચારણ કરી રહ્યા હતા. અષ્ટાવક્ર માતાના પેટમાં હલચલ કરી મૂકી. એ કહેવા માગતા હતા કે પિતાજી, તમારા ઉચ્ચારો ખોટા છે. કહોડ ક્રોધિત થયા. આટલું અભિમાની બાળક! મારી ભુલો કાઢે છે? એમણે શ્રાપ આપ્યોઃ જા, તું જન્મે ત્યારે તારાં આઠ અંગો વાંકાં હોય! એમ જ થયું. તેઓ જન્મ્યા ત્યારે એમના બે હાથ, બે પગ, બન્ને ઘૂંટણ, છાતી અને માથું વાંકાં હતાં. તેથી જે તેઓ અષ્ટાવક્ર કહેવાયા. એક વાર રાજા જનકના દરબારમાં શાસ્ત્રાર્થ રાખ્યો હતો ત્યારે માત્ર અગિયાર વર્ષના અષ્ટાવક્રે તમામ વિદ્વાનોને હરાવી દીધા. ઇનામમાં અષ્ટાવક્ર પોતાના પિતા, કે જે શાસ્ત્રાર્થમાં હારી જવાથી બંદીવાન બની ગયા હતા, એમની મુક્તિ માગી. કહોડ ષિને મુક્ત કરવામાં આવ્યા. રાજા જનકે અષ્ટાવક્રને પોતાના ગુરુ બનાવ્યા. અષ્ટાવક્રે જનકને આત્મા વિશે જે જ્ઞાન આપ્યું તે અષ્ટાવક્ર ગીતા અથવા અષ્ટાવક્ર સંહિતા તરીકે જાણીતું બન્યું. વાલ્મીકિ રામાયણમાં કથા છે કે રામે રાવણને હરાવ્યો પછી રાજા દશરથ સ્વર્ગમાંથી પુત્ર રામને આશીર્વાદ આપવા આવે છે. રાજા દશરથ કહે છે કે જેમ અષ્ટાવક્રે પોતાના પિતા કહોડ ઋષિને તાર્યા હતા એમ હે રામ, હું તારા થકી ભવસાગર તરી ગયો છું…
પોતાનાં કર્મો થકી પિતા જો ભવસાગર તરી જાય તો એ પુત્રત્વની સર્વોચ્ચ કક્ષા હોવાની!
– શિશિર રામાવત
Leave a Reply