પ૦ વર્ષે સારા સંબંધો ધરાવતા હશો તો ૮૦ વર્ષે તમે ફિટ-એન્ડ-ફાઈન હશો!
———————-
એકધારા ૮૫ વર્ષ ચાલેલા હાર્વર્ડ યુનિર્વર્સિટીના એક અભ્યાસનું ક્લિયર-કટ તારણ આ છેઃ માણસને એક જ વસ્તુ સુખી અને સ્વસ્થ રાખે છે, અને એ છે, સારા સંબંધો. ન પૈસા, ન ખ્યાતિ. માત્ર ને માત્ર સંતોષભર્યા સંબંધો. બસ.
—————–
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
—————-
જીવનનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે. સુખી જીવન જીવવા માટે ઊંડા, અર્થપૂર્ણ અને સંતોષભર્યા સંબંધો અતિ આવશ્યક છે તે સીધુંસાદું અને દેખીતું સત્ય છે. તોય આજના જુવાનિયાઓને જો પૂછવામાં આવે કે તમારે જીવનમાં સુખી થવા માટે શું જોઈએ છે, તમારા જીવનનું લક્ષ્ય શું છે?તો મોટા ભાગના યુવાનોનો જવાબ આ જ હશેઃ પૈસા! મારે રિચ બનવું છે, પૈસા હશે તો પાછળ પાછળ બધાં સુખો આવશે. કોઈ વળી કહેશેઃ મારે ફેમસ બનવું છે. કોઈ સરસ કરીઅર બનાવવાની વાત કરશે. યંગસ્ટર્સ જ શું કામ, એમના પપ્પાઓનો જવાબ પણ વત્તેઓછે અંશે આ જ હોવાનો. નાનપણથી આપણને સતત કહેવામાં આવે છેઃ મહેનત કરો, સિદ્ધિઓ મેળવો. જો તમે જુવાનીમાં મહેનત કરશો ને ખૂબ બધું અચીવ કરશો તો તમારું પાછલું જીવન સુખમય વીતશે.
શું આવું ખરેખર બનતું હોય છે?
અમેરિકાની વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના કેટલાક ભેજાબાજોને વિચાર આવ્યોઃ ધારો કે આપણે તરુણ વયની કેટલીક વ્યક્તિઓને પસંદ કરીએ અને તેઓ વૃદ્ધ થાય ત્યાં સુધી તેમનું જીવન કેવું વીતે છે એના પર સતત નજર રાખીએ તો?જો આમ કરીએ તો આપણને કદાચ ખબર પડશે કે લોકોને સાચું સુખ અને શાંતિ શામાંથી મળે છે. બસ, આ વિચારમાંથી ‘હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ’નો જન્મ થયો. ૧૯૩૮માં હાવર્ડ યુનિવર્સિટીમાં ભણતા ઓગણીસ-ઓગણીસ વર્ષના કેટલાક લબરમૂછિયા વિદ્યાર્થીઓને આ અભ્યાસ માટે પસંદ કરી જે અભ્યાસ શરુ કરવામાં આવ્યો તે આજે ૮૫મા વર્ષે પણ ચાલી રહ્યો છે! આ સાડાઆઠ દાયકામાં હાર્વડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટના ચાર ડિરેક્ટરો બદલી ગયા. ચોથા ડિરેક્ટર રોબર્ટ વાલ્ડીંગર તાજેતરમાં એક પુસ્તક બહાર પાડયું છે, જેનું શીર્ષક છે, ‘ધ ગુડ લાઇફઃ લેસન્સ ફ્રોમ વર્લ્ડ્સ લોંગેસ્ટ સાયન્ટિફિક સ્ટડી ઓફ હેપીનેસ’. માર્ક શુલ્ટ્ઝ પુસ્તકના સહલેખક છે. સાડાઆઠ દાયકાના વિરાટ સમયખંડ દરમિયાન જે તોતિંગ ડેટા એકઠા થયો હતો તેનાં તારણો આ પુસ્તકમાં પેશ કરવામાં આવ્યા છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે આ અભ્યાસ અને એનાં તારણો.
અભ્યાસ માટે પસંદ કરવામાં આવેલા બોસ્ટનના પેલા જુવાનિયાઓ ખાધેપીધે સુખી ઘરના ગોરા અમેરિકનો હતા. અભ્યાસ સાવ ‘પોલિટિકલી ઇન્કરેક્ટ’ ન લાગે તે માટે સમાંતરે એક બીજું જૂથ તૈયાર કરવામાં આવ્યું. એમાં પણ ૧૯ વર્ષના જુવાનિયાઓ જ હતા, જે બોસ્ટનના સૌથી ગરીબ પરિવારોમાંથી આવતા હતા. આ બન્ને જૂથોને એકબીજાથી અજાણ રાખવામાં આવ્યા હતા. બન્ને જૂથ મળીને કુલ ૭૨૪ યુવાનો હતા. સૌના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. સૌની મેડિકલ ટેસ્ટસ લેવાઈ. સૌના ઘરે જઈને તેમનાં મા-બાપના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા.
ધીમે ધીમે આ યુવાનો મોટા થતા ગયા. કોઈ ડોક્ટર-એન્જિનીયર-વકીલ બન્યા તો કોઈ કારખાનાંના કામદાર કે મજૂર બન્યા. કોઈ દારુડિયા બની ગયા, કોઈ સ્કિઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીનો ભોગ બન્યા તો એક જુવાનિયો તો અમેરિકન પ્રેસિડન્ટ બની ગયો (જોન એફ. કેનેડી). દર બબ્બે વર્ષે હાર્વર્ડની ટીમ સૌને ફોન કરે અને પૂછેઃ તમે અમને સમય આપો. તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો, અમે તમારા ઘરે આવીશું અને તમારો ઇન્ટરવ્યુ લઈશું. ઘણા પુરુષો કહેતા કે ભાઈ, તમને મારી લાઇફમાં આટલો બધો રસ કેમ પડે છે? સાવ સાધારણ અને બોરિંગ લાઇફ છે મારી. તોય હાર્વર્ડની ટીમ દરેકને પ્રત્યક્ષ મળે, એમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે વિશે ઝીણવટભર્યા સવાલો પૂછે. એમના ડોક્ટરો પાસેથી તેમનો મેડિકલ રેકોર્ડ કલેક્ટ કરે. એમના બ્લડ સેમ્પલ લે, એમનું બ્રેઇન સ્કેનિંગ કરાવે. એમનાં સંતાનોના ઇન્ટરવ્યુ લે. પુરુષોને એમને પત્નીની સાથે બેસાડીને અલગથી સજોડે ઇન્ટરવ્યુ લે. સમય વીતતો ગયો તેમ આ પુરુષોની ત્રીજી પેઢી પણ આવી ગઈ. એમને પણ આ સ્ટડીમાં સામેલ કરવામાં આવી. ઓરિજિનલ ૭૨૪ પુરુષોમાંથી હાલ પચાસ-સાઠ પુરુષો માંડ જીવે છે. બધું મળીને લગભગ ૨૦૦૦ વ્યક્તિઓના કેટલીય વાર વિડીયો ઇન્ટરવ્યુ લેવાયા. વિચાર કરો કે હાર્વર્ડની ટીમ પાસે કેટલો ગંજાવર ડેટા એકઠો થયો હશે!
તો શું તારણ નીકળ્યું આ વિરાટ સ્ટડીનું? હાર્વર્ડ સ્ટડી સેન્ટરના ડિરેક્ટર રોબર્ટ વાલ્ડીંગરનો જવાબ ધ્યાનથી સાંભળજો. તેઓ કહે છે, ‘સાત-આઠ દાયકાઓ સુધી આ ૭૨૪ પુરુષોના જીવન પર અમે એકધારી નજર રાખી, એમને એમની કરીઅર વિશે, ઘરસંસાર વિશે, હેલ્થ વિશે વરસોવરસ પૃચ્છા કરી. આ અભ્યાસ પરથી અમને જે ક્લિયર-કટ તારણ મળ્યું તે આ છેઃ માણસને આ એક જ વસ્તુ સુખી અને સ્વસ્થ રાખે છે, અને એ છે, સારા સંબંધો. બસ. ન પૈસા, ન ખ્યાતિ. માત્ર ને માત્ર સારા સંબંધો. વાત પૂરી.’
રોબર્ટ વાલ્ડીગર બીજી એક સરસ વાત કરે છે, ‘પચાસ વર્ષના માણસના કોલેસ્ટેરોલ લેવલના આધારે નક્કી થતું નથી કે એનો બુઢાપો કેવો વીતશે, પણ પચાસ વર્ષનો આદમી પોતાના સંબંધોમાં કેટલો સંતુષ્ટ છે તેના આધારે જરુર આગાહી કરી શકાય છે કે એનો બુઢાપો કેવો જવાનો. અમારા સર્વેમાં જે પુરુષો પચાસ વર્ષની ઉંમરે સૌથી સંતોષભર્યા સંબંધો ધરાવતા હતા તેઓ ૮૦ વર્ષે સૌથી વધારે હેલ્દી હતા. અમે જોયું કે ૭૦ વર્ષ પસાર કરી ગયેલી વ્યક્તિનું લગ્નજીવન જો સુખી હશે તો બીમારીમાં પણ એનો મૂડ ખરાબ નહીં થાય, બીમારી ઓછી તકલીફદાયક લાગશે. એનાથી ઊલટું, જો સાથી સાથે મનમેળ નહીં હોય તો બીમારી વધારે આકરી લાગશે.’
આ અભ્યાસનું ઓર એક ઇન્ટરેસ્ટિંગ તારણ એ છે કે માણસની સુખાકારી માટે સામાજિક સંબંધો બહુ ઉપયોગી છે. એકલવાયા ને અતડા માણસોની તુલનામાં જે માણસ સમાજ, મિત્રવર્તુળ અને જ્ઞાાતિમાં વધારે સક્રિય રહેતો હોય તે શારીરિક રીતે વધારે સ્વસ્થ રહે છે. તેનું આયુષ્ય પણ વધારે લાંબું હોવાનું. એકલતા માણસને હણી નાખે છે. એકલવાયો માણસ મધ્યવય વીત્યા પછી વધારે માંદો પડે છે, એની બુદ્ધિશક્તિ વધારે ઝડપથી ક્ષીણ થાય છે. એકવીસમી સદીનો સૌથી મોટો અભિશાપ એ છે કે આજનો માણસ વધુને વધુ એકલપટો થતો જાય છે, સમાજથી કપાતો જાય છે.
યાદ રહે, અહીં કૃત્રિમ કે નામ પૂરતા સંબંધોની વાત નથી. માણસ ટોળામાં પણ એકલો હોઈ શકે છે. પરિણીત પુરુષ કે સ્ત્રી પણ લગ્નજીવનમાં ભીષણ એકલતા અનુભવી શકે છે. ક-મને વેંઢારવા પડતા, ટોક્સિક બની ગયેલા સંબંધો પર તો પૂર્ણવિરામ જ મૂકી દેવાનું હોય, કેમ કે આવા સંબંધો તો શરીર અને મન બન્નેને ફોલી ખાય છે. તમે પરણેલા છો, કમિટેડ છો કે સિંગલ છો એ મુદ્દો નથી. મિત્રોનાં ટોળાં એકઠાં કરવાની વાત પણ નથી. મુદ્દો સંબંધોની ક્વોલિટીની છે. સંબંધો ભલે ઓછા હોય, પણ જેટલા હોય એટલા દમદાર હોય, અર્થપૂર્ણ હોય, ઊંંડાણભર્યા હોય.
હાર્વર્ડનો આ અભ્યાસ કહે છેઃ સારા સંબંધો માત્ર શરીર જ નહીં, દિમાગ પણ સલામત રાખે છે. સંતોષકારક સંબંધો ધરાવનાર વ્યક્તિની યાદશક્તિ બુઢાપામાં પણ પ્રમાણમાં સાબૂત અને શાર્પ રહે છે. ‘સારા સંબંધ’ હોવાનો અર્થ એવો નથી કે પતિ-પત્ની વચ્ચે ઝઘડા જ ન થતા હોય. આ સર્વેમાં એવા કેટલાય સિનિયર સિટીઝનો છે જે બુઢાપામાં પણ બાખડયા કરે છે, પણ ભીતરથી એમને એક વાતે ગેરંટી હોય છેઃ આ મારી પત્ની (કે પતિ) સાથે ભલે તૂ-તૂ-મૈં-મૈં થયા કરે, પણ સંકટ સમયે એ જ મારી પડખે ઊભી (કે ઊભો) રહેશે.
રોબર્ટ વાલ્ડીંગર એક સરસ વાત કરે છે, ‘અમારા સ્ટડીમાં એક આદમી હતો, જેનું લગ્નજીવન અત્યંત ખરાબ હતું. એને મિત્રો કહેવાય એવુંય કોઈ નહોતું. સાઠ વર્ષે એણે ડિવોર્સ લીધા. આ ઉંમરે એણે જિમ જોઈન કર્યું. આ જિમમાં એને લોકો સાથે સરસ દોસ્તીઓ થઈ. ધીમે ધીમે એનું સર્કલ મોટું થતું ગયું. આજે ૮૦ વર્ષે એ સજ્જન ફિઝિકલી અને ઇમોશનલી એમ બન્ને રીતે એકદમ સુખી છે. કહેવાનો મતલબ છે કે, ઇટ્સ નેવર ટૂ લેટ. સારા, અર્થપૂર્ણ સંબંધો જીવનના કોઈ પણ તબક્કે બંધાઈ શકે છે.’
જોકે અધ્યાત્મ ક્રમશઃ દુન્યવી સંબંધોમાંથી મુક્ત થતાં જવાની વાત કરે છે. હાર્વર્ડનો સ્ટડી આના વિશે કશી સ્પષ્ટતા કરતો નથી! પણ આપણે આ વાતને આ રીતે સમજવાની છેઃ ‘સ્વ’ સાથેનો સંબંધ ઉત્તરોત્તર મજબૂત કરતાં જવું, સત્યની ખોજની દિશામાં આત્મા સાથેનો સંબંધ દઢ કરતાં જવો… અને આ યાત્રા દરમિયાન દુન્યવી સંબંધોની મર્યાદા વિશે સભાન રહીને તેને પણ અર્થપૂર્ણ તેમજ સંતુષ્ટિભર્યા બનાવતા જવા. જો આવું થઈ શકે સાચાં સુખ-શાંતિ પ્રાપ્ત કરવા અશક્ય નથી!
– શિશિર રામાવત
Leave a Reply