દીકરીઓ અને હાઇપર સેક્સ્યુઆલિટી : બાળકને મિની-એડલ્ટ બનાવી દેવાની ઉતાવળ ન કરો…
—————————–
વાતવિચાર, ગુજરાત સમાચાર
—————————–
એક અક્કલમઠ્ઠી સ્ત્રી છે. બે નાનકડી દીકરીઓની મા છે, વ્યવસાયે પાછી વકીલ છે, સારું કમાય છે, પણ તોય એની મૂર્ખતાની કક્ષા એવી છે કે આપણે અકળાઈ જઈએ. એની બે પૈકીની મોટી દીકરીમાં ટેલેન્ટ હશે એટલે આ સ્ત્રીએ એને ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કરાવવાનું શરુ કર્યું. ચાલો, ઠીક છે. એક બાળકી ભણવાની સાથે સાથે બાળકલાકાર તરીકે પણ કામ કરે તો એમાં કશું ખોટું નથી. બેબી ધીમે ધીમે મોટી થઈ. મોટી એટલે કેટલી મોટી? બાર વરસની. એની અર્ધદગ્ધ મમ્મીએ હવે શું કર્યું? એણે ‘બાળકલાકાર’માંથી ‘બાળ’ શબ્દને હટાવી નાખ્યો અને દીકરી પાસે એડલ્ટ યુવતી જેવા ચેનચાળાં કરાવવાનાં શરુ કરી દીધાં.
થોડા સમય પહેલાં બે મ્યુઝિક વીડિયો રિલીઝ થયા. બન્નેમાં આ બાર વર્ષની બાળાએ પુખ્ત વયની કામુક યુવતી જેવાં ટૂંકાં અને ખુલ્લું શરીર દેખાય એવાં ટાઇટ કપડાં પહેર્યાં છે, ભરપૂર મેકઅપ કર્યો છે. ઉંમરમાં પોતાના કરતાં ત્રણ ગણા-ચાર ગણા મોટા એવા બે અલગ અલગ પુરુષો સાથે છોકરી શરીર હલાવી-હલાવીને નાચી રહી છે, દારુ પી રહી છે, એમની સાથે ‘રોમાન્સ’ કરી રહી છે. મવાલી જેવા પંજાબી સિંગર સાથે છોકરી જે વીડિયો સોંગમાં દેખાઈ છે એ ગીતના શબ્દો જુઓઃ ‘રાત બડી મતવાલી થી, વો મિલને આનેવાલી થી…’
ફક્ત બાર વરસની છોકરી. શું એને સમજ પણ હશે કે એ જે શબ્દો પર ઝુમી રહી છે એનો મતલબ શું છે? વીડિયો રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. કિશોરીની મૂરખ માને લોકોએ યોગ્ય રીતે જ લબડધક્કે લીધીઃ છોકરી તો નાનું બાળ છે, પણ તારામાં અક્કલ નથી? પ્રસિદ્ધિ અને પૈસા માટે તું દીકરી પાસે આવાં કામ કરાવે છે? માએ માસૂમ દીકરીનું રક્ષણ કરવાનું હોય કે એને પુરુષોની વાસના ભડકાવવા માટેનું સાધન બનાવી દેવાની હોય? ઇન્સ્ટાગ્રામ વગેરે પર બેબીના લાખો ફોલોઅર્સ છે. એ મોટે ઉપાડે ખુદને ‘ટીનેજ ઇન્ફ્લુએન્સર’ કહેવડાવે છે. છોકરી જાતજાતના ચેનચાળા કરતા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકે ને નીચે વાસનામાં ખદબદતા રહેતા નવરા પુરુષોની બિભત્સ કમેન્ટ્સનો વરસાદ વરસી જાય. ડાયરેક્ટ મેસેજીસમાં છોકરીને આ કમેન્ટ્સ કરતાં ક્યાંય વધારે અશ્લીલ સંદેશા અને ફોટો આવતા હશે એ તો અલગ. આ બધું વાંચ્યા-જોયા પછી પણ માવડીના પેટનું પાણી નહીં હલતું હોય?
હો-હા ખૂબ વધી ગઈ એટલે મમ્મીએ મીડિયા સામે ખુલાસો કર્યોઃ ના ના, મારી દીકરી બાર વરસની નહીં, પણ સોળ વરસની છે. લોકોએ ખાંખાખોળા કરીને બેબીના જુના ઇન્ટરવ્યુ અને વીડિયો ખોદી કાઢ્યા ને પૂરવાર કર્યું કે મમ્મી જુઠ્ઠાડી છે, છોકરી ખરેખર બાર વરસની જ છે. ધારો કે એ સોળ વરસની પણ હોય તોય શુ થયું? એ સગીર વયની તો ખરી કે નહીં?
કોણ છે આ બાળકલાકાર? ને કોણ છે એની મમ્મી? જવા દો. આપણે આ બાળકલાકારનું નામ લખીને એને વધારાની ફોકટ પબ્લિસિટી નથી જ આપવી.
૦ ૦ ૦
હાઇપર સેક્સ્યુઆલિટી. જમાનો એવો આવી ગયો છે કે આ શબ્દને હવે બાળકોના સંદર્ભમાં ચકાસવો પડે છે. હાઇપર સેક્સ્યુઆલિટી એટલે ચહેરાના હાવભાવ દ્વારા, અંગભંગિમા ને ચાલઢાલ દ્વારા, અમુક પ્રકારનાં કપડાં દ્વારા પોતે સ્ત્રી છે યા તો પુરુષ છે તે હકીકતને અતિ બોલકી રીતે લોકો સામે યા તો મીડિયામાં પેશ કરવી. અહીં મીડિયા એટલે ફિલ્મો, ટીવી, વેબ શોઝ, જાહેરાતો, સોશિયલ મીડિયા બધું આવી ગયું. હાઇપર સેક્સ્યુઅલાઇઝેશનનો આશય કામુકતા પેદા કરીને વિજાતીય વ્યક્તિને આકર્ષવાનો, એને લાલાયિત કરવાનો છે. આપણી બાર-તેર વર્ષની દીકરી કોઈ લગ્નપ્રસંગ કે નવરાત્રિમાં સરસ મજાનાં ચણિયાચોળી કે સાડી પહેરે ને આપણને લાગે કે ‘ઓહ, દીકરી કેટલી મોટી થઈ ગઈ છે!’, તો એમાં કશી હાઇપર સેક્સ્યુઆલિટી નથી. પરંતુ આ જ ઉંમરની દીકરીને પેડેડ બ્રા અને શરીરના વળાંકો સ્પષ્ટપણે દેખાય એવાં ચુસ્ત કપડાં પહેરાવવામાં આવે, એ હેવી મેકઅપ કરે, હાઇ હિલ્સનાં સેન્ડલ ચડાવે અને એ અમુક પ્રકારના ચેનચાળા કરવા લાગે તો તે ચોક્કસપણે હાઇપર સેક્સ્યુઆલિટીનું ઉદાહરણ થયું ગણાય. ડ્રેગ ક્વીન (સ્ત્રી જેવી વેશભૂષા અને સાજસજ્જા કરતા પુરુષો) અને કિન્નરો (હિજડા) અતિ ભડક કપડાં અને અતિ લાઉડ મેકઅપ કરતા હોય છે, કેમ કે પોતે સ્ત્રી છે એવું એમને તીવ્રતાથી વ્યક્ત કરવું હોય છે. આ તેમનું હાઇપર સેક્સ્યુઅલ વર્તન થયું. ફિલ્મોમાં અને મેઇનસ્ટ્રીમ મીડિયામાં સ્ત્રીઓનું હાઇપર સેક્સ્યુઅલાઇઝેશન પુષ્કળ થયું આવ્યું છે. મહિલાઓના ઓબ્જેક્ટિફિકેશન (એટલે કે મહિલા જાણે પુરુષોના ઉપભોગનું સાધન હોય તે રીતે એને પેશ કરવી) વિરુદ્ધ વિશે પહેલેથી બૂમરાણ મચેલું જ છે. તેમાં હવે નાની બાળાઓના હાઇપર સેક્સ્યુઅલાઇઝેશનનો એંગલ ઉમેરાયો છે.
લેખની શરુઆતમાં જે બાળકલાકારની વાત કરી છે એ કંઈ આ પ્રકારનો પહેલો કિસ્સો નથી. બોલિવુડની સ્વર્ગસ્થ સુપરસ્ટાર શ્રીદેવીએ કરીઅરની શરુઆત બાળકલાકાર તરીકે કરી હતી, પણ ભડભાદર હીરોની સામે એને પરિપક્વ હિરોઈન તરીકે પેશ કરવામાં આવી ત્યારે એની ઉંમર હજુ માંડ ૧૩ વર્ષની હતી. રેખાએ એડલ્ટ હિરોઈન તરીકે એની કરીઅરની પહેલી કન્નડભાષી ફિલ્મ કરી ત્યારે એ ૧૫ વર્ષની હતી. એ જ રીતે ‘બોબી’માં કામ કરતી વખતે ડિમ્પલ કાપડિયાની ૧૬ વર્ષની હતી. જૂની વાત શું કામ કરવી, ‘બાલિકા વધૂ’ ટીવી સિરીયલમાં લીડ રોડ કરીને વિખ્યાત થઈ ગયેલી ચાઇલ્ડ આર્ટિસ્ટ અવિકા ગોરે પછી ‘સસુરાલ સિમરન કા’ સિરીયલમાં રીતસર પુખ્ત વહુ તરીકે રોલ કર્યો અને તે વખતે તેની ઉંમર ૧૪ વર્ષ હતી. આપણે જોકે અભિનેત્રીઓ-પર્ફોર્મર્સની ચિંતા કરવાને બદલે આપણા પરિવાર-સમાજની સામાન્ય તરુણીઓની ફિકર કરવાની જરુર છે.
આજે ટેકનોલોજી વગર, ટુ બી પ્રિસાઇઝ, મોબાઇલ ફોન વગર જીવી શકાય તેમ નથી. આપણે ત્યાં બે-અઢી વરસના બચ્ચાને પણ મોબાઇલ પકડાવી દેવામાં છે. એ બચ્ચું તેર-ચૌદ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો મમ્મી-પપ્પાએ એમના હાથમાં અલાયદો સ્માર્ટફોન મૂકી દીધો હોય છે. તરુણ-તરુણીઓ ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર પોતાનાં પ્રોફાઇલ બનાવીને સોશિયલ મીડિયા પર એક્ટિવ બની જાય છે. કિશોરીઓ-તરુણીઓ જુએ છે કે લેખની શરુઆતમાં જે ૧૨ વર્ષની બેબલીની વાત લખી છે એ અને એના જેવી બીજી છોકરીઓ, હિરોઈનો-મોડલો સોશિયલ મીડિયા પર ભયંકર પોપ્યુલર છે. એમના અસંખ્ય ચાહકો છે. તેઓ જે ફોટા-વીડિયો શેર કરે મૂકે છે એને હજારોની સંખ્યામાં ધડાધડ લાઇક્સ-કમેન્ટ્સ-વ્યુઝ મળે છે. આ ફોટા-વીડિયોમાં આ છોકરીઓ-યુવતીઓ શું કરતી હોય છે? બનીઠનીને, અંગપ્રદર્શન કરીને શરીર મટકાવતી હોય છે. દિવસ-રાત આ પ્રકારનું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતી કિશોરીઓ-તરુણીઓના અજાગ્રતપણે એક વાત ઘર કરતી જાય છે કે ભણીગણીને ડોક્ટર-એન્જીનિયર-ચાર્ટડ અકાઉન્ટન્ટ-જર્નલિસ્ટ વગેરે બનવાની શી જરુર છે? પોપ્યુલર બનવાનો, સફળ થવાનો અને પૈસા કમાવાનો મસ્ત રસ્તો તો આ છે.
મેઇનસ્ટ્રીમ અને સોશિયલ મીડિયામાં સ્ત્રીઓનું જે હાઇપર સેક્સ્યુઅલાઇઝેશન થાય છે તેની સૌથી વધારે કુ-અસર કિશોરીઓ-તરુણીઓ પર પડે છે. હાઇપર સેક્સ્યુઅલાઇઝેશનને કારણે તરુણ-તરુણીઓની નિર્દોષતા જતી રહે છે. બાળકોને પ્રેમ, હૂંફ, પ્રોત્સાહન અને પ્રશંસાની જરુર હોય છે. તેઓ જ્યારે શરીર અને કામુકતાના જોરે અન્યોને આ બધું મેળવતા જુએ છે ત્યારે એમની સામે ખોટા દાખલા બેસે છે. તેઓ અભાનપણે માનવા લાગે છે કે જો પ્રેમ, અટેન્શન અને વખાણ મેળવવા હશે તો ખુદને ઓબ્જેક્ટિફાય કરવામાં, પોતાને એક રુપાળી આકર્ષક ચીજ તરીકે પેશ કરવામાં કશો વાંધો નથી. જો આ પ્રકારની ભાવના દૃઢ થતી રહે તો એની ખુદનું સાચું મૂલ્યાંકન કરવાની, શું સાચું છે ને શું ખોટું છે તે સમજવાની ક્ષમતા ક્ષીણ થાય છે, એનાં નીતિ-મૂલ્યોની ઐસીતૈસી થઈ જાય છે, તેઓ ડિપ્રેશન અને એન્ઝાઇટી (તીવ્ર બેચેની) જેવી માનસિક બીમારીઓનો ભોગ બની શકે છે. આનો એક ફાંટો જાતીય ગુનાખોરી તરફ પણ વળે છે.
કિશોર-કિશોરીઓ-ટીનેજરો પુખ્ત માણસોની જેમ વર્તવા લાગે તે બરાબર નથી. ટૂંકા કપડાં પહેરીને નાઇટ ક્લબમાં ઝૂમતી તરુણીઓ પોતાના કરતાં પાંસ-સાત-દસ-બાર વર્ષ મોટા પુરુષોને આકર્ષે છે. આ સ્થિતિ ડેન્જરસ થઈ શકે છે. પશ્ચિમના દેશોમાં તો ઋતુકાળમાં ન પ્રવેશેલી કિશોરીઓને ખાસ ટાર્ગેટ કરીને મેકઅપ, પુશઅપ બ્રા, મિની સ્કર્ટ પ્રકારનાં કપડાં, હાઇ હિલ્સનાં શૂઝ માર્કેટમાં ધૂમ મૂકાય છે. ૮થી ૧૪ વર્ષની છોકરીઓ માટે બિકીની પ્રકારનાં સ્વિમવેર ખરીદવાની શી જરુર છે? અરે, ૮થી ૧૨ વર્ષનાં બચ્ચાઓ માટે એન્ટિ-રિંકલ (કરચલીઓ ના પડે એવી) ક્રીમ સુધ્ધાં લોન્ચ થાય છે! હદ છે. હરખપદૂડી મમ્મીઓ નાની બેબલીઓને બિન્દાસ મેનિક્યોર-પેડિક્યોર-વેક્સિંગ કરાવવાનું શરુ કરી દે છે. બચ્ચાં તો બચ્ચાં છે, સુધરવાની જરુર વડીલોએ છે. બાળકને બાળક જ રહેવા દો. એમને ‘મિની-એડલ્ટ’ બનાવી દેવાની ઉતાવળ ન કરો.
– Shishir Ramavat
Leave a Reply