સેલ્ફ-મેરેજનું ડિંડવાણું : હું જ મારો વર ને હું જ મારી વહુ!
————————-
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
——————–
પૃથ્વીના પટ પર વસવાટ કરતી મનુષ્યજાતિમાં છેલ્લા કેટલાક સમયથી એક વિચિત્ર ઉપજાતિએ દેખા દીધી છે. આ મનુષ્યપ્રાણીના ખોપડામાં તરંગ ઉઠે છે કે હાલો, હાલો, હું ખુદની સાથે, મારી પોતાની સાથે જ લગ્ન કરું. મારે બીજા કોઇ હાડમાંસના માણસની ગરજ રાખવી નથી, પણ મને લગ્ન કરવાની ઘેલછા તો છે જ. એટલે હું મારાં સ્વ-લગ્નની તારીખ નક્કી કરીશ. સાજનમાજનને આમંત્રણ આપીશ. લગ્નનાં મોંઘા કપડાં સીવડાવીશ. ગોરબાપાને બોલાવીશ. પછી રીતસર લગ્નની વિધિઓ કરીશ. હવનકુંડ ફરતે એકલા-એકલા ગોળ ચક્કર ફરીશ. જો હું સ્ત્રી હોઉં તો મારા બેય હાથ ગરદન પાછળ લઈ જઈને ખુદને મંગલસૂત્ર પહેરાવીશ, મારા સેંથામાં જાતે જ સિંદૂર પૂરીશ. જો હું પુરુષ હોઉં તો હું મારી જ આંગળીમાં ખુદને વીંટી પહેરાવીશ. આ રીતે હું જ મારો વર બનીશ ને હું જ મારી વહુ કહેવાઈશ. પછી હું ખુદને પરિણીત ઘોષિત કરીશ ને મારા નામની આગળ વટ્ટથી શ્રીમતી કે શ્રીમાન લગાડીશ. હવે હું અપરિણીત નથી. હું તો સ્વ-પરિણીત છું. સમાજે હવે મારી સાથે પરિણીત વ્યક્તિ જેવો જ વ્યવહાર કરવો. ખબરદાર જો કોઈએ મને સિંગલ કહ્યું છે તો!
બસ, આની જ કમી હતી. એક અતિ સાધારણ સેલ્ફ-મેરીડ એક્ટ્રેસ છે (ના, એનું નામ છાપીને એને ફોકટની પબ્લિસિટી નથી જ આપવી), જે આજકાલ મેઇનસ્ટ્રીમ અન સોશિયલ મીડિયામાં દુખડા ગાઈ રહી છે. એ કહે છે કે હું એક એક્ટરના પ્રેમમાં હતી. અમે દોઢ વરસ સાથે હર્યાં-ફર્યાં વગેરે. એ મને સેક્સ્યુઅલી અબ્યુઝ નહોતો કરતો, પણ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, મને ધમકી આપતો હતો. પછી એક વાર એ બાથરૃમમાં નહાતો હતો ત્યારે હું લાગ જોઈને એના ઘરમાંથી ભાગી છૂટી. ત્યાર બાદ હું બીજા પુરુષના પ્રેમમાં પડી. એ મારી પીઠ પાછળ બીજી છોકરી સાથે છાનગપતિયાં કરતો હતો. હું ભાંગી પડી ને મેં વિચાર્યું કે બસ, ઇનફ ઇઝ ઇનફ. મારે કોઈ પુરુષની જરૃર જ નથી… મેં મારાં તમામ સપનાં ખુદના દમ પર સાકાર કર્યાં છે ને હું ફક્ત મારી જાતના જ પ્રેમમાં છું એટલે મેં પોતાની જાત સાથે લગ્ન કરી લીધાં છે. મેં મંગળસૂત્ર પહેરવાનું અને સેંથામાં સિંદૂર પૂરવાનું શરૃ કરી દીધું છે કે જેથી પુરુષોને ખબર પડે કે મારે હવે એમનું કશું કામ નથી. હું એકલી જ ખુશ છું. હું મારા એકાંત સાથે, મારા ગિટાર સાથે મોજમાં જીવું છું. હું અત્યારે અમેરિકામાં છું અને મારે હવે હોલિવુડની ફિલ્મોમાં કામ કરવું છે. હું દેવી છું. હું સ્ટ્રોંગ અને પાવરફુલ છું. શિવ અને શક્તિ બન્ને મારી ભીતર જ છે, વગેરે વગેરે વગેરે.
થોડા મહિના પહેલાં, તમને યાદ હોય તો, ગુજરાતની કોઈ યુવતી પોતાની જાત સાથે લગ્ન કરીને ખાસ્સી સમાચારમાં રહી હતી. સેલ્ફ-મેરેજનો આ સર્વપ્રથમ ભારતીય કિસ્સો હતો. અગાઉ જેની વાત કરી તે અભિનેત્રીના સેલ્ફ-મેરેજ એ ભારતમાં પ્રકાશમાં આવેલો બીજો કિસ્સો છે. આમજનતાને આવી ચેષ્ટાથી ભારે કૌતુક થાય છે તેથી મીડિયા આવા કિસ્સાને ભરપૂર કવરેજ આપે છે.
સંબંધોમાં પીડા પામેલી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણને સહાનુભૂતિ છે જ. આપણે માની લઈએ છીએ કે આ અભિનેત્રીએ પ્રેમસંબંધોમાં ઠોકર ખાધી હશે. સ્વયં-પર્યાપ્ત બનવાનો, શારીરિક-માનસિક-સામાજિક અને લાગણીના સ્તરે કોઈના પર નિર્ભર ન રહેવાનો એનો નિર્ણય અતિ સુંદર છે, અપેક્ષિત પણ છે. આ કક્ષાની માનસિક સ્પષ્ટતા સુધી પહોંચવું અને આત્મનિર્ભર જીવન જીવવા માટે ખુદને સજ્જ કરવી તે તો ઉચ્ચ કક્ષાની સ્થિતિ થઈ. આ એક વાત છે, પણ ‘હલો હલો હલો… યોર અટેન્શન, પ્લીઝ! હું મારી જાત સાથે લગન કરવાની છું…’ એવી ઘોષણા કરીને લગ્નવિધિનું જોણું કરવું તે તદ્દન જુદી વાત છે.
સૌથી પહેલાં તો, આ મહિલાઓ ‘લગ્ન’નો શો અર્થ કરે છે? સ્પષ્ટ છે કે એમના હિસાબે મેરેજ કરવા એટલે લગ્નની વિધિઓ કરવી, હવન-મંગળ ફેરા-મંગળસૂત્ર ઇત્યાદિ રુટિન ક્રિયાકાંડો કરવા. આવું બધું જાહેરમાં પુરુષ વગર એકલપંડે કરવાનું પ્રયોજન એ છે કે સમાજને ખબર પડે કે હવે હું કોઈ પુરુષ સાથે ‘પરંપરાગત’ લગ્ન માટે અવેલેબલ નથી અને મેં હવે મારી જાત સાથે જ રહેવાનો નિર્ણય કર્યો છે.
એક મિનિટ. આપણે આપણી જાત સાથે રહેવું છે કે નથી રહેવું તે શું કોઈ ચોઈસ છે? આપણે સૌએ, આ પૃથ્વી પર જન્મતા પ્રત્યેક મનુષ્યે, જન્મથી મરણ સુધી અનિવાર્યપણે પોતાની જાત સાથે જ રહેવું પડતું નથી? હા, તમે કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ કે લગ્નસંબંધ ધરાવતા હો તો તે સહજીવન છે, પણ આ સ્થિતિમાંય તમે તમારી જાત સાથે જીવવાનું બંધ થોડા કરી દો છો? તમે દમિત, શોષિત, પીડિત હો છો ત્યારે પણ તમારી જાત સાથે જ જીવતા હો છો અને તમે આનંદિત-પ્રફુલ્લિત-ચૈતન્યમય હો છો ત્યારે પણ તમારી જાત સાથે જ જીવતા હો છો. માણસમાત્રે જાણે-અજાણે, સભાનતાપૂર્વક કે સભાનતા વગર ‘સેલ્ફ-મેરેજ’ કરેલાં જ હોય છે. આપણે આદિમાનવ હતા ત્યારે પણ ‘સેલ્ફ-મેરીડ’ હતા અને ભવિષ્યમાં માનવજાતનું અસ્તિત્ત્વ ટકી રહેશે ત્યાં સુધી ‘સેલ્ફ-મેરીડ’ જ રહીશું. પોતાની જાતની સંભાળ રાખવી, પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું, પોતાના સુખાકારીની ખેવના કરવી, પોતાનાં દુખોને દૂર કરવાની કોશિશ કરવી, ખુદને આનંદમાં રાખવાના પ્રયત્નો કરવા – આ આપણી ફરજ છે, આ આપણા સ્વ-ધર્મનો એક મહત્ત્વનો હિસ્સો છે. આ સઘળું જ આપણા જીવનની દિશા અને દશા નક્કી કરે છે. પોતાની જાત સાથે જીવવું એ જીવનદત્ત, પ્રકૃત્તિદત્ત સર્વસામાન્ય સચ્ચાઈ છે. આને ‘સેલ્ફ-મેરેજ’ એવું નામ આપીને મીડિયા સામે ગતકડાં શા માટે કરવામાં આવે છેે? આ બધું કરવા પાછળનું ખરેખરું આંતરિક ચાલકબળ શું છે?
સેલ્ફ-મેરેજ ડિંડવાણાની શરૃઆત અમેરિકામાં થઈ હતી. થોડા ખાંખાંખોળા કરતાં ખબર પડે છે કે લિન્ડા બેકર નામની એક મેહિલાએ ૧૯૯૩માં સેલ્ફ-મેરેજ કર્યા હતા. સેલ્ફ-મેરેજનો આ દુનિયાનો સર્વપ્રથમ કિસ્સો. લિન્ડાના ૭૦-૮૦ હરખપદૂડા દોસ્તારો આ સેલ્ફ-વેડિંગમાં હાજર રહ્યા હતા. સેલ્ફ-મેરેજને સોલો-મેરેજ પણ કહે છે. સોલોગેમી નામનો શબ્દપ્રયોગ પણ છે. મોનોગેમી એટલે એક જ સ્ત્રી યા પુરુષને વફાદાર રહેવું, પોલીગેમી એટલે એક કરતાં વધારે સ્ત્રી યા પુરુષ સાથે સંબંધો હોવા અને સોલોગેમી એટલે એક પણ સ્ત્રી યા પુરુષ સાથે સંબંધ ન હોવો!
ગાંડપણનું પણ ચેપી વાઇરસ જેવું હોતું હશે? સોલોગેમીનો વાઇરસ ફેલાયો એટલે એની રસી આપનારા ધંધાદારીઓ પણ ફૂટી નીકળ્યા. કેનેડામાં ‘મેરી યોરસેલ્ફ’ નામની એજન્સી ચાલે છે જે તમને સોલો-વેડિંગ ફોટોગ્રાફી, સ્થળ, કેટરિંગ જેવી સર્વિસ પૂરી પાડે છે. એક વેબસાઇટ સોલોગેમી સેરીમની કિટ પૂરી પાડે છે. ક્યોટોમાં એક ટ્રાવેલ એજન્સીએ સેલ્ફ-મેરેજ કરનારાઓ માટે ખાસ સોલો હનીમૂનનું પેકેજ તૈયાર કર્યું છે. ‘સેક્સ એન્ડ ધ સિટી’ જેવા પોપ્યુલર અમેરિકન ટીવી શોના એક એપિસોડમાં એક પ્રેમસંબંધમાંથી બીજા પ્રેમસંબંધમાં ધૂબાકા માર્યા કરતી નાયિકાને સેલ્ફ-મેરેજ કરતાં દેેખાડવામાં આવી છે. પેલી મેરી યોરસેલ્ફ એજન્સીના સંચાલિકા બહેન એક મુલાકાતમાં કહે છે, ‘સ્ત્રીઓ આજે પગભર છે, એની ખુદની કારકિર્દી છે, એ પોતાનાં પૈસે મકાન-પ્રોપર્ટી ખરીદી શકે છે, પુરુષના પ્રત્યક્ષ ઇન્વોલ્વમેન્ટ વગર માતા બની શકે છે. જોકે સમાજમાં અપરિણીત સ્ત્રીઓને સારી દષ્ટિથી જોવામાં આવતી નથી. અમુક ઉંમર સુધીમાં લગ્ન ન થઈ જાય તો સ્ત્રીનું જીવન જાણે નિષ્ફળ ગયું હોય તેમ માનવામાં આવે છે. તેથી સ્ત્રીઓને સેલ્ફ-મેેરેજ અને સોલોગેમીનો કોન્સેપ્ટ આકર્ષે છે.’
કોઈ મને અપરિણીત કહીને ઉતારી પાડે એના કરતાં હું મારી જાત સાથે જ લગ્ન કરી લઉં – આ તો તદ્દન બાલિશ તર્ક થયો. જો વ્યક્તિ સાચા અર્થમાં સ્વમાની, આત્મનિર્ભર અને આત્મગૌરવથી ભરપૂર હોય તો એને સમાજ શું કહે છે એની પરવા શા માટે હોય? વિશ્લેષકો સેલ્ફ-મેરેજને નાર્સિસિઝમની અભિવ્યક્તિ પણ ગણે છે. વધુ પડતા સ્વકેન્દ્રી હોવું, પોતાની જાતને અતિ ભવ્ય માની મિથ્યાભિમાનમાં રાચવું, ખુદને ઊંચા આસન પર બિરાજમાન કરવી, પોતાના સ્વાર્થ માટે કાવાદાવા કરવા – આ બધાં નાર્સિસિઝમનાં પ્રાથમિક લક્ષણો છે.
પોતાની જાત સાથે લગ્ન કરવાની ચેષ્ટા કરનારા માણસમાં સંભવતઃ આધ્યાત્મિક સમજ વિકસી નથી. ‘પોતાની જાત’ યા તો ‘સ્વ’ એટલે ખરેખર શું તે એ જાણતો નથી. ખુદને ચૈતન્યસ્વરુપ તરીકે સ્વીકારવાને બદલે એ પોતાને કેવળ સ્ત્રી કે પુરુષ તરીકે આઇડેન્ટિફાય કરીને દેહભાવની સ્થૂળ સપાટી પર જ રમ્યા કરે છે. પોતાને શુદ્ધ ચેતના તરીકે સ્વીકારનાર વ્યક્તિ માટે તો કદાચ વિવાહની સંકલ્પના જ અપ્રસ્તુત બની જાય.
સેલ્ફ-મેરેજ કરનારા પુરુષો જોકે હજુ સુધી મેદાનમાં આવ્યા નથી. સેલ્ફ-મેરેજ મન મનાવવાની પ્રક્રિયા છે. એને કાનૂની માન્યતા ન જ મળે. ક્રિસ ગેલેરા નામની એક ૩૩ વર્ષીય બ્રાઝિલિયન મોડલે વચ્ચે સોલો-મેરેજ કર્યા હતા. લગન તો કરી નાખ્યાં, પણ પછી એ કોઈના પ્રેમમાં પડી. ત્રણ જ મહિનામાં એણે પોતાની જાતને છૂટાછેડા આપી દીધા! સેલ્ફ-મેરેજ અને સેલ્ફ-ડિવોર્સ – આ બન્નેમાંથી શું વધારે હાસ્યાસ્પદ છે તે તમે જ નક્કી કરો.
– શિશિર રામાવત
Leave a Reply