ઍની અર્નો : સ્મૃતિ, શરીર, સંવેદના અને નોબલ પારિતોષિક
——————–
વાત વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
———————
તો, આ વખતનું સાહિત્યનું નોબલ પ્રાઇઝ ઘોષિત થઈ ચૂક્યું છે. વિજેતા છે, સમકાલીન ફ્રેન્ચ સાહિત્યજગતમાં સૌથી મોટું નામ ધરાવતાં ઍની અર્નો (Annie Ernaux). Ernauxનો સાચો ઉચ્ચાર જાણવા જુદી જુદી વેબસાઇટ્સ ફંફોસતાં એક કરતાં વધારે વિકલ્પો સામે આવે છે. Ernauxનો ઉચ્ચાર અર્નો ઉપરાંત એક્નો, એખ્નો, એહ્નો કે આ બધાનાં મિશ્રણ જેવો પણ હોઈ શકે છે. કશો વાંધો નથી. સ્પેલિંગમાં ‘rn’ આવે છે એટલે આપણે એમને ઍની અર્નો તરીકે ઓળખીશું. પશ્ચિમના લોકો હજુ પણ મહાત્મા ગાંધીનું નામ બરાબર બોલી શકતા નથી – તેઓ ‘ગાંધી’ને બદલે ‘ગેન્ડી-ગેન્ડી’ કર્યા કરે છે. એટલે, ટૂંકમાં, આપણે પણ વિદેશી નામ કે અટકોના ઉચ્ચાર વિશે ઝાઝી ચિંતા કરવાની આવશ્યકતા નથી.
ઍની અર્નો ૮૨ વર્ષનાં વયસ્ક મહિલા છે. એમને નોબલ માટે શા માટે પસંદ કરવામાં આવ્યાં? નોબલ-કમિટીના શબ્દોમાં જ કહીએ તો, ‘એમની હિંમત તેમજ જે નિર્મમ તીક્ષ્ણતા તથા સંયમથી તેઓ પોતાની અંગત સ્મૃતિઓ, પોતાનાં મૂળિયાં અને વિખૂટા પડી જવાની લાગણીને અનાવૃત્ત કરે છે, તેના માટે’.
સામાન્ય માણસને સાહિત્યમાં ઠીક ઠીક રસ હોય તો પણ એને વિદેશના ઉત્તમ સમકાલીન સાહિત્યકારો વિશેની જાણકારી ખાસ હોતી નથી. નોબલ પ્રાઇઝ કે બૂકર પ્રાઇઝના વિજેતા ઘોષિત થાય ત્યારે જે-તે વિદેશી સાહિત્યકારનું નામ મોટે ભાગે પહેલી વાર કાને કે આંખે પડતું હોય છે. ઍની તો આમેય ફ્રાન્સની બહાર ખાસ્સા મોડાં જાણીતાં થયાં હતાં. એમની ‘ધ યર્સ’ નામે અંગ્રેજીમાં અનુદિત થયેલી સ્મરણકથા ૨૦૧૯માં બૂકર પ્રાઇઝના લોંગ લિસ્ટમાં શામેલ થઈ છેક ત્યારે ઇંગ્લેન્ડ-અમેરિકાનું ધ્યાન આ ફ્રેન્ચ લેખિકા તરફ ખેંચાયું હતું. આ કૃતિ ઍનીની મેગ્નમ ઓપસ એટલે કે મહાકથા ગણાય છે. બીજા વિશ્વયુદ્ધથી શરૃ કરીને ૨૦૦૦ના દાયકા દરમિયાન ફ્રેન્ચ સમાજમાં આવેલાં પરિવર્તનો આ પુસ્તકમાં સુંદર રીતે ઝીલાયાં છે. ઍની અર્નોએ ૨૩ પુસ્તકો લખ્યાં છે. તેમાંનાં ૧૧ પુસ્તકો ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં ભાષાંતરિત થઈ ચૂક્યાં છે. મજાની વાત એ છે કે ઍનીનાં પુસ્તકો કદમાં ટચુકડાં હોય છે. એક પુસ્તક સો પાનાંનું માંડ હોય.
ઍનીનું ખુદનું જીવન એમનાં પુસ્તકનો માટેનું સમૃદ્ધ રા મટિરીયલ છે. અત્યંત અંગત હોય છે એમનાં લખાણો. શરીર, સેક્સ્યુઆલિટી, અંગત સંબંધો, સામાજિક અસમાનતા, શિક્ષણને કારણે આવતાં પરિવર્તનો અને સ્મૃતિઓ… ઍની અર્નોનું સાહિત્ય મુખ્યત્ત્વે આ તત્ત્વોની આસપાસ આકાર લે છે. કોઈ પણ મહાન સાહિત્યકારની માફક અનીએ પણ ખુદની લેખનશૈલી વિકસાવી છે. વિદ્વાનો ઍનીનાં લખાણોને ‘ઓટોસોશિયોબાયોગ્રાફિકલ ટેક્સ્ટ’ તરીકે વ્યાખ્યાયિત કરે છે, તો કોઈ તેને ‘લિટરરી સોશિયોલોજી’ તરીકે વર્ણવે છે.
ઍનીનો જન્મ ફ્રાન્સના એક નાનકડા ગામડામાં થયો. એમનાં માતા-પિતા કરિયાણાની દુકાન ચલાવતાં. લગભગ નિમ્નવર્ગીય કહી શકાય એવી એમની જીવનશૈલી. નાનપણમાં જે વતનથી ભાગી છૂટવા માટે એમને મન થયા કરતું હતું એ જ વતન, તેઓ લેખિકા બન્યા તે પછી તેમનાં લખાણમાં સતત ઊપસતું રહ્યું. ઍનીએ કોલેજકાળમાં પોતાની પહેલી નવલકથા લખી હતી. જોકે એને હાથ લગાડવા કોઈ પ્રકાશક તૈયાર નહોતું, કેમ કે એમને આ પુસ્તક વધારે પડતું મહત્ત્વાકાંક્ષી લાગ્યું હતું. થોડા વર્ષોના વિરામ બાદ ૧૯૭૦ના દાયકામાં એમણે ફરીથી લખવાનું શરૃ કર્યું.
‘ક્લીન્ડ આઉટ’ એમનું પહેલું પુસ્તક. આ પુસ્તક પરથી વર્ષો પછી ‘હેપનિંગ’ નામની એક અવોર્ડવિનિંગ ફિલ્મ પણ બની. ૧૯૭૪માં તે પ્રકાશિત થયું ત્યારે ઍનીની ઉંમર ૩૪ વર્ષ હતી. તે વખતે તેઓ ટીચર તરીકે જોબ કરતાં હતાં અને બે બચ્ચાંની મા બની ચૂક્યાં હતાં. આ પુસ્તકમાં એમણે ૨૩ વર્ષની ઉંમરે કરાવેલા ગર્ભપાત વિશે લગભગ ક્રૂર કહી શકાય એટલી નિખાલસતાથી લખ્યું છે. એક મુલાકાતમાં તેઓ કહે છે, ‘એક સ્ત્રી પાસે જ્યારે પોતાના જીવનના નિર્ણયો લેવાનો અધિકાર હોતો નથી ત્યારે એ કેવી લાગણીઓમાંથી પસાર થાય છે તે મારે શબ્દોમાં ઉતારવું હતું. હું કુંવારી હતી અને ગર્ભવતી થઈ ગયેલી. એ જમાનામાં ફ્રાન્સમાં ગર્ભપાત્ કરાવવું ગેરકાનૂની ગણાતું હતું અને એમાંય કુંવારી માતા હોવું એટલે જાણે બધું ખતમ થઈ ગયું. તમારે આજીવન ગરીબીમાં સબડતા રહેવાનું. મને કોઈએ મદદ ન કરી – ના ડોક્ટરોએ, ના મિત્રોએ, ના પરિવારે. એકલા પડી ગયાની ભયંકર લાગણીથી હું પીડાતી હતી. જાણે કોઈએ મારી સામે ઊંચી દીવાલ ન ચણી દીધી હોય. એ સમયે ફ્રાન્સની પૈસાદાર ીઓ ગર્ભપાત્ કરાવવા સ્વિટ્ઝર્લેન્ડ જતી, પણ મારી પાસે એટલા પૈસા તો હતા નહીં કે હું વિદેશપ્રવાસ કરી શકું.’
ઍનીએ આખરે કોઈ ઊંટવૈદ પાસે ખાનગીમાં જીવના જોખમે ગર્ભપાત્ કરાવવો પડયો. આ સઘળી વાતોને સમાવી લેતા સૌથી પહેલા પુસ્તકનો પહેલો ડ્રાફ્ટ અનીએ એમના પતિને વાંચવા આપ્યો. પતિએ તે વાંચીને અનીની મજાક ઉડાવી. સહમી ગયેલાં ઍનીએ ચુપચાપ લખવાનું ચાલુ રાખ્યું. તેઓ પતિને કહી દેતાં કે હું મારા પીએચ.ડી.નો થિસિસ લખી રહી છું. આખરે એક પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થા આ પુસ્તક છાપવા માટે તૈયાર થઈ ત્યારે પતિને ખબર પડી. એનો ગુસ્સો ભડકી ઉઠયો. એ કહેઃ ઍની, તું જો મારાથી છાનીમાની પુસ્તક લખી શકતી હો તો તું મારી પીઠ પાછળ કોઈની સાથે લફરું પણ કરી શકે છે…
આવા પુરુષ સાથે સંસારનું ગાડું કેવી રીતે ગબડે? ‘અ ફ્રોઝન વુમન’ નામનું ત્રીજું પુસ્તક આવ્યું ત્યાં સુધીમાં ઍની અર્નો છૂટાછેડાની ધાર સુધી પહોંચી ગયાં હતાં. આ પુસ્તકમાં અનીએ પત્ની અને માતા હોવા વિશેની મિશ્ર લાગણીઓ વિશે લખ્યું છે. ઍનીએ પછી ક્યારેય પુનર્લગ્ન ન કર્યાં. તેઓ માનસિક અને લાગણીના સ્તરે જે આઝાદી અનુભવતાં હતાં તે ખોવા માગતાં નહોતાં. તેઓ વચ્ચે વચ્ચે પુરુષો સાથે રહ્યાં ખરાં, પણ બહુ ઝડપથી તેમનાથી કંટાળી જતાં.
૧૯૯૧માં એમણે ‘સિમ્પલ પેશન’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક વાંચીને ફ્રાન્સ ચોંકી ગયું હતું. આમાં ઍનીએ એક પરિણીત ફોરેન ડિપ્લોમેટ સાથેના પોતાના પ્રેમસંબંધ અને શારીરિક આવેગો વિશે અત્યંત ઝીણવટભેર, નૈતિકતાના ત્રાજવાને એક તરફ હડસેલીને બિન્ધાસ્તપણે લખ્યું છે. અત્યાર સુધી ઍની પોતાનાં આત્મકથનાત્મક પુસ્તકોમાં કલ્પનાનું સહેજ ઉમેરણ કરતાં હતાં, પણ હવે એમણે કલ્પના ઉમેરવાની તસ્દી લેવાનું પણ બંધ કર્યું. બે જ મહિનામાં ‘સિમ્પલ પેશન’ની બે લાખ કરતાં વધારે નકલો વેચાઈ ગઈ. દેખીતી રીતે જ રુઢિચુસ્ત ફ્રેન્ચોએ આ પુસ્તકની ટીકા કરી.
‘અ મેન્સ પ્લેસ’ નામની આત્મકથનાત્મક નવલકથામાં તેમણે પોતાના પિતા સાથેના સંબંધ વિશે લખ્યું છે. ‘ધ ન્યુ યોર્ક ટાઇમ્સ’ અખબારે ‘અ વુમન્સ સ્ટોરી’, ‘અ મેન્સ પ્લેસ’ અને ‘સિમ્પલ પેશન’ – આ ત્રણને ઍની અર્નોની સૌથી નોંધપાત્ર કૃતિઓ ગણાવી છે. ‘આઇ રિમેઇન ઇન ડાર્કનેસ’માં ઍનીની અંગત ડાયરીના અંશો સંગ્રહાયા છે. ૨૦૧૬માં પ્રકાશિત ‘અ ગર્લ્સ સ્ટોરી’માં પોતે તરુણ વયે કરેલા સેક્સ્યુઅલ અનુભવ અને તેની સાથે સંકળાયેલી લાગણીઓ વિશે વર્ણન કર્યું છે.
ઍની કહે છે, ‘મારા જીવનનો કદાચ આ જ ઉદ્દેશ છે – મારા શરીર, મારી સંવેદનાઓ અને મારા વિચારોને લખાણોમાં પરિવર્તિત કરવાં, તેને સમજી શકાય એવા સાર્વત્રિક સ્વરૃપમાં ઢાળવા કે જેથી મારું અસ્તિત્ત્વ અન્ય લોકોનાં જીવન તથા મસ્તિષ્ક સાથે એકરસ થઈ શકે.’
એક જગ્યાએ ઍનીનાં લખાણ વિશે સરસ કહેવાયું છેઃ She distrusts her memory. ઍની અર્નો પોતાની જ સ્મૃતિઓ પર અવિશ્વાસ કરે છે! તેઓ પ્રથમ પુરુષ (અથવા પ્રથમ સ્ત્રી) એકવચનમાં લખવાનું શરૃ કરે ને અચાનક જ એવી રીતે વાત કરવા માંડે જાણે એ અન્ય કોઈ વ્યક્તિ વિશે લખતાં હોય. તેઓ ખુદને ‘અ ગર્લ ફ્રોમ ૧૯૫૮’ અથવા ‘ધ ગર્લ ઓફ S’ એ રીતે સંબોધિત કરવા લાગે. અની આર્નો એક જગ્યાએ કહે છે, ‘જો તમે વસ્તુસ્થિતિને ખોલતા ન હો, સ્પષ્ટ કરતા ન હો, તો લખવાનો મતલબ જ શો છે?… હું યાદ કરવાની કોશિશ કરતી નથી, પણ અતીતને જે-તે ચોક્કસ ક્ષણની ભીતર હોવાની કોશિશ કરું છું. ના તે ક્ષણની પહેલાં, ન તે ક્ષણની પછી. નિર્ભેળપણે એ જ ક્ષણમાં હોવાની કોશિશ…’
ફ્રાન્સમાં સેલિબ્રિટી સ્ટેટસ ભોગવી રહેલા ઍની અર્નો કેટલાય દાયકાઓથી પેરિસના એક શાંત સબર્બમાં રહે છે. ઍની કહે છે, ‘હું આજની તારીખે પણ પેરિસના હાઇ પ્રોફાઇલ લોકો સાથે કમ્ફર્ટેબલ ફીલ કરી શકતી નથી. હું ઘણી વાર પેરિસના ભવ્ય માલ્સ અને મોંઘાદાટ બુટિક્સ પાસેથી પસાર થાઉં છું, પણ એ મારી દુનિયા જ નથી. મને પ્રકૃતિ ગમે છે, મને શાંતિ ગમે છે. મને સોફિસ્ટિકેટેડ માહોલનું જરાય આકર્ષણ નથી. આઇ જસ્ટ ડોન્ટ કેર ફોર ઇટ.’
ચાલો, બહુ થઈ આ નોબલ પ્રાઇઝવિનરની વાતો. સર્જકનો ખરો પરિચય એનું સર્જન હોવાનું. આ લેખમાં ઍની અર્નોનાં અંગ્રેજીમાં અનુદિત થયેલાં ઘણાં પુસ્તકો વિશે ઉલ્લેખો થયાં છે. દિવાળીની રજાઓમાં વાંચવા માટે ઍની અર્નોનાં ક્યાં પુસ્તકો ઓનલાઇન ઓર્ડર કરવાનાં છે એની આપણને હવે ખબર પડી ગઈ છે, ખરું?
– શિશિર રામાવત
Leave a Reply