ડેટાઇઝમઃ તમારા વિશે ગૂગલને તમારા કરતાં વધારે ખબર છે!
———————————————
‘આપણે એક નવી આઇડિયોલોજીને સપાટી પર આવતાં જોઈ રહ્યા છીએ. એ છે ડેટાવાદ અથવા ડેટાઇઝમ. આ ડેટાઇઝમ કહે છે કે તમારું મન કે લાગણીઓ શું કહે છે તે ભુલી જાઓ, કારણ કે સર્વોપરી શક્તિ તો ડેટા છે. એ જે કહે તે જ સાચું.’
————————————–
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————————————
મુખ્ય મુદ્દા પર આવતા પહેલાં યુવલ નોઆ હરારી વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. યુવલ નોઆ હરારી આંતરરાષ્ટ્રીય કક્ષાના એક એવા સુપરસ્ટાર લેખક છે, જેમના દ્વારા લખાતી કે ઉચ્ચારાતી એકેએક વાત દુનિયાભરના સર્વોચ્ચ રાજકીય નેતાઓ, ઇલન મસ્ક કક્ષાના અબજોપતિ ઉદ્યોગપતિઓથી માંડીને નાનાં શહેરોના કોલેજિયનો સુધીના સૌ કોઈ કાન માંડીને સાંભળે છે. તેઓ નવું પુસ્તક લખે ને ચાર જ દિવસમાં બિલ ગેટ્સ ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’માં એનો રિવ્યુ કરી નાખે. ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગથી લઈને હોલિવુડના સુપરસ્ટાર્સ એમની મુલાકાતો લે, એમની સાથે જાહેરમાં ગોઠડી કરે. આ ઇઝરાયલી પ્રોફેસરનાં પુસ્તકો (‘સેપીઅન્સઃ અ બ્રિફ હિસ્ટરી ઑફ હ્યુમનકાઇન્ડ’, ‘હોમો ડ્યુઅસઃ અ બ્રિફ હિસ્ટરી ઑફ ટુમોરો’ અને ‘ટ્વેન્ટી લેસન્સ ઑફ ટ્વેન્ટી-ફર્સ્ટ સેન્ચુરી’)નાં ગુજરાતી સહિત દુનિયાભરની 65 ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યા છે. આજકાલ તેઓ 9થી 14 વર્ષનાં બાળકોને ધ્યાનમાં રાખીને ચાર પુસ્તકોની એક સિરીઝ પર કામ કરી રહ્યાં છે, જેનું ટાઇટલ છે, ‘અનસ્ટોપેબલ અસ’. તેનો પહેલો ભાગ આ વર્ષના અંતભાગમાં બહાર પડવાનો છે.
થોડા દિવસો પહેલાં યુવલ હરારીએ એક પ્રવચન દરમિયાન એક ઇન્ટરેસ્ટિંગ શબ્દપ્રયોગ કર્યોઃ ‘ડેટાઇઝમ’ અથવા ડેટાવાદ. ‘બિગ ડેટા’ આજની ટેકનોલોજિકલ વાસ્તવિકતા છે. ડેટા સાયન્સ એ વર્તમાન ટેક્નોલોજીની સૌથી ‘હેપનિંગ’ શાખા ગણાય છે. બિગ ડેટા એટલે, સમજોને કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના સમન્વયથી પેદા થતો માહિતીનો પ્રચંડ મહાસાગર. આ માહિતી એટલે શાની માહિતી? સાદો જવાબ છેઃ પ્રજાની માહિતી, જગ્યા-શહેરો-ગામો-સ્થળોની માહિતી, વાતાવરણની માહિતી વગેરે. પ્રજાની માહિતી એટલે આપણું પારિવારિક બેકગ્રાઉન્ડ, ધર્મ, જ્ઞાતિ, ભણતર, આવક, સંપર્કો, આપણા શરીરનું બંધારણ, બીમારીઓ અને ટ્રીટમેન્ટની વિગતો, આપણા શોખ, આપણને શું વાંચવું-જોવું-પહેરવું ગમે છે, આપણે પૈસા ક્યાં અને કેવી રીતે વાપરીએ છીએ (ટૂંકમાં આપણી સમગ્ર લાઇફસ્ટાઇલ જેમાં આપણે બેડરૂમમાં યા તો એકાંતમાં કેવો વર્તાવ કરીએ છીએ તે પણ આવી ગયું), આપણો ક્રિમિનલ રેકોર્ડ (જો હોય તો), આપણી રાજકીય વિચારધારા, આપણી સામાજિક વિચારધારા અને વર્તણૂક, આપણને કયા મુદ્દા સૌથી વધારે સ્પર્શે છે… આ અને આના જેવી કંઈકેટલીય વિગતો.
યુવલ હરારી ઑર એક ઇન્ટરેસ્ટિંગ શબ્દપ્રયોગ કરે છે – ‘ડેટા કોલોનીઅલિઝમ’ અથવા તો ‘ડેટા સામ્રાજ્યવાદ’! ભૂતકાળમાં એક દેશની પ્રજાએ બીજા દેશની પ્રજા પર આક્રમણ કરવું હોય ત્યારે સૈનિકો ઘોડા, ઊંટ પર કે નૌકાઓમાં સવાર થઈને નીકળી પડતા, જે-તે દેશની પ્રજા સાથે લડીને, એને ગુલામ બનાવીને એની ધનસંપત્તિ ચૂસી કાઢતા – અંગ્રેજોએ આપણી સાથે કર્યું તેમ. રશિયા અને યુક્રેન ભલે બાખડ્યા કરે પણ ભવિષ્યમાં આવું કશું કરવાની જરૂર નહીં રહે. જો તમારી પાસે ટાર્ગેટ દેશના ટોચના નેતાઓ અને પ્રજાનો ડેટા આવી ગયો તો તમે એ દેશને હરાવી શકો છો, તે દેશને લાગણીના સ્તરે અને વૈચારિક સ્તરે નચાવી શકો છો. એકવીસમી સદીનો સુપર પાવર ન્યુક્લિયર શસ્ત્રોના હાથમાંથી ધીમે ધીમે સરકીને બિગ ડેટાના હાથમાં જઈ રહ્યો છે તે આધુનિક સત્ય છે! ભવિષ્યમાં જે દેશ ડેટાના સંગ્રહના મામલામાં સૌથી વધારે સમૃદ્ધ હશે તો સૌથી પાવરફુલ ગણાશે.
કલ્પના કરો કે ચીન પાસે અમેરિકાના તમામ નેતાઓ, મિડીયાની ટોચની વ્યક્તિઓ, ન્યાયાધીશો, સૈન્યનાં મોટાં માથાં, મહત્ત્વના નાગરિકો આ સૌનો સઘળો ડેટા આવી જાય છે. આ સૌને કઈ વાત મૂંઝવે છે, તેઓ કઈ બીમારીથી પીડાય છે, તેઓ અંદરોઅદર કેવા પ્રકારના જોક્સ પર હસે છે આ બધી માહિતી જો ચીન પાસે આવી ગઈ તો તેનો અર્થ એ થયો કે અમેરિકા હવે એક ‘સ્વતંત્ર’ દેશ રહ્યો નથી. તે હવે ચીનની ‘ડેટા કોલોની’ બની ગયો છે.
જો આ બિગ ડેટા યા તો માહિતીનો વિરાટ સંગ્રહ કોઈ પણ સરકાર પાસે યા તો ગૂગલ, અમેઝોન, માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓ પાસે આવી જાય તો તેનો ઉપયોગ કરીને આ સરકારો કે કંપનીઓ પોતાની મોનોપોલી યા તો એકાધિકાર સર્જી શકે, જેને લીધે અસંતુલન પેદા થાય. એકવીસમી સદીના ત્રીજા દશકમાં બાયોટેક્નોલોજી અને ઇન્ફર્મશન ટેક્નોલોજી વચ્ચેની ભેદરેખા ક્રમશઃ ભૂંસાઈ રહી છે. એ દિવસો હવે દૂર નથી જ્યારે તમે તમારી જાતને જેટલી આળખો છો કે સમજો છો એના કરતાં ગૂગલ અને ફેસબુક તમને વધારે સારી રીતે સમજતાં હશે, કારણ કે તેમની પાસે તમારા વિશેનો ડેટા હશે, તમારા શરીર અને મગજનું બંધારણ, તમારી બીમારીઓ અને શારીરિક લાક્ષાણિકતાઓ, સમજોને કે, તમારા આખા શરીરતંત્રની પૂરેપૂરી જાણકારી હશે. આ ઉપરાંત તેમની પાસે એવો જબરદસ્ત કમ્પ્યુટિંગ પાવર પણ હશે કે જેના આધારે તેઓ કહી શકશે કે તમને એક્ઝેક્ટલી કેવી લાગણી અનુભવી રહ્યા છો અને આવી ચોક્કસપણે ક્યાં કારણોસર અનુભવી રહ્યા છો!
મેડિકલ ક્ષેત્રમાં આની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. બીમારી અને તેનું નિદાન કરવાની ઓથોરિટી માણસ (ડોક્ટરો)ના હાથમાંથી છટકીને ધીમે ધીમે આલ્ગોરિધમ્સ (એટલે કે કમ્પ્યુટર્સ) તરફ સરકતી જશે. ભવિષ્યમાં એવું બને તો જરાય નવાઈ ન પામવી કે તમારાં શરીર, બીમારી, નિદાન અને ટ્રીટમેન્ટ વિશેના સૌથી મહત્ત્વના નિર્ણયો ડૉક્ટર દ્વારા, ડૉક્ટર સાથેના તમારા સંબંધના આધારે કે તમારી ખુદની લાગણીઓને આધારે નહીં લેવાય, બલ્કે કમ્પ્યુટર સિસ્ટમ તમારાં અંગ-ઉપાંગો વિશે શું શું જાણે છે (કે જેની પૂરતી જાણકારી તમારી પાસેય નથી) ને તે શું સૂચવે છે તેના આધારે લેવાશે.
જો આ તમને વધારે પડતું લાગતું હોય તો સમજી લો કે આ પ્રકારની ગતિવિધિ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. એન્જેલિના જૉલીનો દાખલો લો. હોલિવુડની એ અતિ ગ્લેમરસ સુપરસ્ટાર. થોડાં વર્ષો પહેલાં એણે ડીએનએ ટેસ્ટ કરાવી હતી, જેના પરથી જાણવા મળ્યું કે એના જનીનતંત્રમાં બીઆરસીએ-વન નામનું એક જીન (જનીન) છે. તોતિંગ ડેટાના આધારે કમ્પ્યુટરે એવું તારણ કાઢ્યું કે જે સ્ત્રીના શરીરમાં બીઆરસીએ-વન નામનું આ જનીન હોય એને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા 87 ટકા જેટલી હોય છે. ડીએનએ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું ત્યારે એન્જેલિના જૉલીની તબિયત હણહણતા ઘોડા જેવી હતી. એને કોઈ જાતની તકલીફ નહોતી. તોય એણે ફટાફટ સ્તન કેન્સરને લગતા ટેસ્ટ કરાવ્યા. ટેસ્ટ પરથી બહાર આવ્યું કે એન્જેલિનાના શરીરમાં કેન્સરનાં કોઈ ચિહ્નો નથી, એને નખમાંય રોગ નથી. આમ, સામાન્ય સંજોગોમાં સર્જરી-બર્જરી કરાવવાની એને કશી જરૂર જ નહોતી, પણ ‘બિગ ડેટા’ અથવા તો કમ્પ્યુટર આલ્ગોરિધમ કંઈક જુદો જ રાગ આલાપતાં હતાં. કમ્પ્યુટર આલ્ગોરિધમનું કહેવું હતું કે એન્જેલિના ભલે અત્યારે રાતી રાયણ જેવી હોય, પણ એના શરીરમાં બ્રેસ્ટ કેન્સર નામનો જીવતો ટાઇમ-બોમ્બ ટિક-ટિક કરી રહ્યો છે. ગમે ત્યારે તેનો વિસ્ફોટ થઈ શકે તેમ છે. તો એન્જેલિનાએ શું કર્યું? એણે પોતાના મનનું ન સાંભળ્યું, એણે કમ્પ્યુટર આલ્ગોરિધમની વાત માની. એણે ડબલ મસ્ટેક્ટોમી નામે ઓળખાતી સર્જરી કરાવીને બન્ને સ્તનો કઢાવી નાખ્યાં.
કલ્પના કરો, વિશ્વકક્ષાની ટોચની ગ્લેમરસ હિરોઈન પોતાનાં બન્ને સ્તનો વાઢકાપ કરાવીને દૂર કરાવી નાખે છે, કેન્સરનાં કોઈ જ લક્ષણો ન હોવા છતાં, કેવળ અગમચેતીના ભાગ રૂપે! આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા બિગ ડેટાનો પ્રભાવ કેવળ મેડિકલ સાયન્સ પૂરતો સીમિત રહેવાનો નથી, બલ્કે જીવનનાં અન્ય ક્ષેત્રો પર પણ એનો ધમાકેદાર પગપેસારો થવાનો છે. ભવિષ્યની પેઢીઓ ખુદના માંહ્યલા કરતાં કમ્પ્યુટરનું વધારે સાંભળે તે બિલકુલ શક્ય છે.
યુવલ હરારી કહે છે, ‘પહેલાં ધર્મવાદ આવ્યો. એમ કહેવાયું (ને શ્રદ્ધાળુઓ હજુય માને છે) કે સર્વશક્તિમાન દેવતા યા તો ભગવાન આકાશમાં વાદળોને પેલે પાર રહે છે. ઈશ્વરની વાણી સાંભળો, ઈશ્વરના આદેશોનું પાલન કરો. પછી આવ્યો વ્યક્તિવાદ (હ્યુમનિઝમ). એમાં કહેવાયું કે તમારે ભગવાન, ધાર્મિક પુસ્તકો કે ધાર્મિક વડાઓને સાંભળવાની જરૂર નથી, બલ્કે તમારું મન શું કહે છે તે સાંભળો, તમારી લાગણી અને ખુદના અનુભવોથી મળેલી સમજણને અનુસરો… અને આજે હવે ધીમે ધીમે આપણે એક નવી આઇડિયોલોજીને સપાટી પર આવતાં જોઈ રહ્યા છીએ. એ છે ડેટાવાદ અથવા ડેટાઇઝમ. આ ડેટાઇઝમ કહે છે કે તમારું મન કે લાગણીઓ શું કહે છે તે પણ ભુલી જાઓ, કારણ કે અલ્ટિમેટ ઓથોરિટી અથવા સર્વોપરી શક્તિ તો ડેટા છે. એ જે કહે તે જ સાચું.’
આટલું કહીને યુવલ હરારી મજાક કરે છે, ‘ડેટાઇઝમને કારણે પેલી સર્વોપરી શક્તિ પાછી આકાશનાં વાદળો તરફ શિફ્ટ થઈ રહી છે – ગૂગલ ક્લાઇડ કે માઇક્રોસોફ્ટ ક્લાઉડના સ્વરૂપમાં! ડેટાઇઝમ આપણને કહે છે કે તમારે મન કે શરીરોનાં સંકેતોને સાંભળવાની જરૂર નથી, તમે ગૂગલ કે અમેઝોનને સાંભળો, કારણે કે તમારા કરતાં એને વધારે ખબર છે કે તમે એક્ઝેક્ટલી શું ફીલ કરી રહ્યા છો અને શા માટે ફીલ કરી રહ્યા છો… અને તેથી તમારા ભલા માટે તમારા વતી નિર્ણયો એને જ લેવા દો.’
ડેટાઇઝમ નામનું તીર સનનન કરતું છૂટી ચૂક્યું છે. એ હવે પાછું વળી શકે તેમ નથી. આ તીર સારા-માઠાં કેવાં લક્ષ્યવેધ કરશે એ તો સમય જ બતાવશે.
– Shishir Ramavat
Leave a Reply