ભલે ગમે એટલા હત્યાકાંડ થાય, અમેરિકાનું ગન કલ્ચર ક્યાંય જવાનું નથી
——————
એક સર્વેમાં ૩૫ ટકા અમેરિકાનોએ કહેલું કે ના ના, ગન કંટ્રોલને લગતા કાયદાને કડક કરવાની કશી જરૂર નથી, જે છે તે બરાબર છે. અરે, ૧૧ ટકા અમેરિકનોએ તો એવું સુધ્ધાં કહ્યું હતું કે કાયદા ઓલરેડી બહુ સ્ટ્રિક્ટ છે, એને થોડા હળવા કરો!
——————–
વાત-વિચાર (ગુજરાત સમાચાર, એડિટ પેજ) : આ અઠવાડિયે અમેરિકામાં પાછી એક એવી ઘટના બની કે દુનિયાભરના લોકોને અરેરાટી છૂટી ગઈ. ટેક્સાસ રાજ્યના એક નાનકડા નગરમાં અઢાર વર્ષનો એક લબરમૂછિયો યુવાન બંદૂક લઈને એક સ્કૂલમાં ઘૂસીને આડેધડ ગોળીઓ છોડવા લાગ્યો. ત્રીજા-ચોથા-પાંચમા ધોરણમાં ભણતાં ૧૯ માસૂમ બચ્ચાં વીંધાઈ ગયાં. બે મોટેરા પણ હટફેટમાં આવી ગયા. કુલ ૨૧ માણસોના જીવ ગયા ને બીજા કેટલાય ઘાયલ થયા. ફટાફટ પોલીસ આવી ગઈ એટલે એ હત્યારો છોકરો પોતે પણ માર્યો ગયો.
હંમેશ મુજબ આ વખતે પણ જેવી આ દુર્ઘટના બની કે અમેરિકામાં જોરશોરથી ચર્ચા શરુ થઈ ગઈઃ અમેરિકાના ગન કલ્ચર પર પૂર્ણવિરામ ક્યારે મૂકાશે? ખુલ્લેઆમ હથિયારો મળવાનું બંધ ક્યારે થશે? અમેરિકાની આ એક એવી સમસ્યા છે જેનો નિવેડો આવતો જ નથી. એકલા ૨૦૨૦માં જ ૪૫,૨૨૨ કરતાં વધારે અમેરિકાનો ગોળીબારને કારણે મર્યા. જોકે આ બઘ્ધેબધ્ધા મર્ડર નથી. આમાંથી ૨૪,૩૦૦ એટલે કે અડધા કરતાંય વધારે આત્મહત્યાના કેસ છે. એક રિપોર્ટ કહે છે કે અમેરિકામાં રોજ, રિપીટ, રોજ ૫૩ લોકો ગોળીબારથી મળે છે. ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા બીજા સુધરેલા દેશો કરતાં આ આંકડો ક્યાંય મોટો છે. દુનિયાના બીજા કોઈ પણ વિકસિત કે અર્ધવિકસિત દેશના સામાન્ય નાગરિકો આટલી માત્રામાં શસ્ત્રો ખરીદતા નથી, જેટલા અમેરિકનો ખરીદે છે.
જાન્યુઆરી ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન ૭૫ લાખ અમેરિકનોએ જિંદગીમાં પહેલી વાર ગન ખરીદી હતી. આમાંથી અડધોઅડધ મહિલાઓ હતી. પહેલી વાર બંદૂકધારી બનેલા આ ૭૫ લાખ અમેરિકનોમાંથી ૪૦ ટકા કાં તો બ્લેક હતા યા તો હિસ્પેનિક (એટલે કે સાઉથ અમેરિકન મૂળના) હતા. ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન એટલે કે સમજોને કે કોવિદકાળ દરમિયાન અમેરિકનોએ કેટલાં હથિયાર ખરીદી નાખ્યાં? ૪૦ મિલિયન ફાયરઆર્મ્સ એટલે કે ૪ કરોડ નંગ હથિયારો!
અમેરિકામાં એક બાજુ છાશવારે ગન વાયોલન્સના બનાવો બનતા રહે છે, દેશમાં ગન વાયોલન્સ વિરુદ્ધ કડક કાયદા બનાવવા જોઈએ એવી બૂમરાણ ઉઠે છે ને બીજી બાજુ અમેરિકામાં જ્યારે સર્વ કરવામાં આવે છે ત્યારે કંઈ ભળતા જ પરિણામ સામે આવે છે. જેમ કે, ૨૦૧૪માં થયેલા એક વિરાટ સર્વેક્ષણમાં ૩૫ ટકા અમેરિકાનોએ કહેલું કે ના ના, ગન કંટ્રોલને લગતા કાયદાને કડક કરવાની કશી જરૂર નથી, જે છે તે બરાબર છે. અરે, ૧૧ ટકા અમેરિકનોએ તો એવું સુધ્ધાં કહ્યું હતું કે કાયદા ઓલરેડી બહુ સ્ટ્રિક્ટ છે, એને થોડા હળવા કરો! ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી – અમેરિકાના આ બે મુખ્ય રાજકીય પક્ષો. પેલા સર્વેમાં ડેમોક્રેટિક પાર્ટીના લગભગ તમામ સભ્યોએ એક અવાજે કડક ગન લૉઝની માગણી કરી, જ્યારે રિપબ્લિકન પાર્ટીના કેવળ ૨૪ ટકા સભ્યોએ જ ગન કલ્ચર પર અંકૂશ આણવાની ડિમાન્ડ કરી. સામાન્યપણે કન્ઝર્વેટિવ્સ ‘અમને સ્વરક્ષા માટે ગન સાથે રાખવાનો હક છે’ એવું કહીને ગન રાઇટ્સનું ગાણું ગાતા રહે છે, જ્યારે લિબરલ્સ એનાથી વિપરીત ગન કન્ટ્રોલની વકાલત કરતા રહે છે.
૧૪ વર્ષ પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ નાગરિક સ્વરક્ષા માટે પોતાની પાસે બંદૂક પ્રકારનાં હથિયારો રાખવા માગતો હોય તો બંધારણના સેકન્ડ અમેન્ડમેન્ટ હેઠળ એને તેમ કરવાનો અધિકાર છે. ગન ખરીદીને ઘરના ડ્રોઅરમાં મૂકી રાખવી એ એક વાત છે ને એને ખુલ્લેઆમ સાથે રાખીને ફરવું તે બીજી વાત છે. પ્રવાસ દરમિયાન ગન સાથે રાખવા માટે અમેરિકામાં અલાયદી પરમિટ લેવી પડે છે. એની સામેય લોકોને વાંધો પડયો એટલે એક પછી એક રાજ્ય આ પરમિટ પર ચોકડી મૂકતું ગયું. હજુ થોડા દિવસો પહેલાં જ, ૧૨ એપ્રિલે, જ્યોર્જિયા સ્ટેટમાં જાહેર થયું કે તમેતમારે પરમિટ-બરમિટની ચિંતા કર્યા વિના બિન્દાસ ગન સાથે રાખીને ફરી શકો છો. આ પ્રકારની છૂટ આપનારું જ્યોજયા અમેરિકાનું પચ્ચીસમું રાજ્ય બન્યું.
અમેરિકામાં નેશનલ રાયફલ અસોસિએશન (એનઆરએ) નામનું સંગઠન છે, જે ખૂબ પાવરફુલ છે. ગન મેન્યુફેક્ચરર્સની સમસ્યા એ છે કે ગન અત્યંત ટકાઉ વસ્તુ છે. કાર જેમ આઠ-દસ-પંદર વર્ષમાં ખળભળી જાય (એ તો જેવો વપરાશ), તે રીતે ગન ખરાબ થતી નથી. તે પેઢી દર પેઢી વારસામાં પાસ-ઑન થતી રહે છે. આવી સ્થિતિમાં અમેરિકનોને નવી ગન ખરીદવા માટે કેવી રીતે આકર્ષિત કરવા? સાદો જવાબ છેઃ ડરાવીને! ગનના ઉત્પાદકો કહેશેઃ જમાનો બહુ ખરાબ છે… સરકાર તમારું રક્ષણ કરવા માટે સક્ષમ નથી, તમારી પાસે સ્વબચાવ માટે ઘરમાં હથિયાર તો હોવું જ જોઈએ! આ ઉપરાંત, ગન ઉત્પાદકો એવા મતલબનો પ્રચાર કરશે કે, એક જ હથિયારથી શું થશે? પતિ-પત્ની બન્ને પાસે કમસે કમ એક-એક હથિયાર તો હોવું જ જોઈએ!
દાયકાઓથી હથિયારોના ઉત્પાદકો સીધી કે આડકતરી રીતે વ્હાઇટ અમેરિકનોને સમજાવતા આવ્યા છે કે સાંભળો, આ કલર્ડ લોકો બહુ ખતરનાક છે (કલર્ડ લોકોમાં બ્લેક પ્રજા, બ્રાઝિલ-કોલમ્બિયા-આર્જેન્ટિના જેવા સાઉથ અમેરિકન દેશોમાંથી આવેલા હિસ્પેનિક લોકો અને ઇવન એશિયનો પણ આવી ગયા), એમનાથી ખુદને સુરક્ષિત રાખવા માટે તમારી પાસે ગન તો હોવી જ જોઈએ! જોકે અમેરિકામાં છેલ્લે છેલ્લે શૂટઆઉટના જે કિસ્સા બન્યા એમાં અંધાધૂંધ ગોળીબાર કરનારા ગોરા અમેરિકન હતા. એટલે પછી કલર્ડ લોકોએ ગોરાઓથી બચવા બંદૂકો ખરીદવા માંડી! કાળા-ગોરા એકબીજાથી ડરતા રહે એમાં ગન મેન્યુફેક્ચરર્સને તો બખ્ખાં જ છે.
અમેરિકામાં બંદૂક જેવાં શસ્ત્રો વેચતી દૂકાનોની એક ખાસિયત છે. કાઉન્ટર પર ઉભેલો માણસ ઉત્તમ શ્રોતા હોય છે. મોટે ભાગે એ નિવૃત્ત પોલીસ હોવાનો. એની પાસે ગનને લગતી ખૂબ બધી વાતો ને માહિતી હોય છે. એ તમને (એટલે કે અમેરિકન નાગરિકને) પૂછશે કે શું તમને કશો ખરાબ અનુભવ થયો કે જેના કારણે તમને ગન ખરીદવાનો વિચાર આવ્યો? પછી એ તમારી વાત શાંતિથી સાંભળશે, પોતાના અનુભવ પણ કહેશે અને પછી ઉમેરશેઃ હવે તમારે કોઈનાથી ગભરાવાની જરૂર જ નથી. આ રહ્યો ઉકેલ! એમ કહીને એ તમને જાતજાતની બંદૂકો દેખાડવા માંડશે. તમે તમારા બજેટ પ્રમાણે ગન પસંદ કરો એટલે હથિયારોની દુકાનમાં જ તૈયાર કરવામાં આવેલી શૂટિંગ રેન્જમાં તમને લઈ જવામાં આવે. તમારા આંખ અને કાનના પ્રોટેક્શન માટે ખાસ પ્રકારના ગિઅર્સ પહેરાવવામાં આવે. બીજો માણસ આવીને તમને ગન લોડ કેવી રીતે કરવી, સેફ્ટી શી રીતે સુનિશ્ચિત કરવી વગેરે શીખવશે. એ કહેશે કે ગન ભલે ખાલી હોય તોય તેને એ રીતે જ હેન્ડલ કરવાની કે જાણે એ લોડેડ છે. આંગળી ટ્રિગરથી દૂર જ રાખવી, તમે જ્યારે કોઈ ટાર્ગેટને શૂટ કરવાના હો ત્યારે જ આંગળી ટ્રિગર પર મૂકવી, વગેરે. તમે પ્રેક્ટિસ કરો છો. પૂંઠાના ટાર્ગેટ પર નિશાન તાકો છો. ધાં…ય! ‘વાહ વાહ, સરસ બંદૂક ચલાવી તમે!’ પેલો માણસ તમારો પાનો ચડાવશે. તમને સખત રોમાંચ થશે. આહા… મને બંદૂક ચલાવતા આવડી ગઈ! તમે ગોળીઓનું એક બોક્સ પ્રેક્ટિસમાં વાપરી નાખો છો ને પછી બીજું બોક્સ ખરીદીને ઘરે જવા નીકળો છો.
ઘરમાં સાચી બંદૂક પડી હોય એટલે માણસની માનસિકતા બદલાઈ જાય. ધારો કે કોઈ ચોર-લૂંટારું ઘરમાં ઘૂસી આવે છે. પોલીસ તો આવે ત્યારે આવે, પણ તમારી પાસે તો બંદૂક પડી જ છેને! શક્ય છે કે તમે ગન સામે ધરીને કે હવામાં ગોળીબાર કરીને પેલા ચોર-લૂંટારાને ભગાડી મૂકો. તમને ભાન થાય છે કે એક આવડીક અમથી ગન ઘરમાં હોવાથી સુરક્ષાની ભાવના કેટલી મજબૂત થઈ જાય છે!
ધીમે ધીમે તમે બહારગામ પ્રવાસે જાઓ ત્યારે બંદૂક સાથે રાખવાનું શરૃ કરો છો. એ માટેનું પરમિટ કઢાવી લો છે. ગન સાથે હોય ત્યારે તમે બહાદૂર હોવાનું ફીલ કરો છો. તમારામાં માત્ર સલામતીની જ નહીં, પણ આઝાદીની પણ એક ન સમજાય એવી લાગણી રણઝણતી રહે છે. દોસ્તારો, પરિચિતો ભેગા થાય ત્યારે તમે એને તમારી બંદૂકની વાતો કરો છો, એ લોકો એમના અનુભવો શેર કરે છે. આ વાતો સાંભળીને જેણે હજુ સુધી ગન ખરીદી નથી એવો દોસ્તાર પણ ગન લેવાનું પ્લાનિંગ કરી નાખે છે. હવે એ પણ ગન વેચતી દુકાનમાં પ્રવેશે છે ને ક્રમશઃ અમેરિકાના ગન કલ્ચરનો હિસ્સો બની જાય છે.
અમેરિકન સરકારમાં આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડિફેન્સ ફોર મિડલ-ઇસ્ટ રહી ચૂકેલા એન્ડ્ર્યુ એક્ઝમ નામના મહાશય લગભગ નિરાશાવાદી સૂરે કહી દે છે, ‘મહેરબાની કરીને એવું કહેવાનું બંધ કરીએ કે (છાશવારે થતી આડેધડ શૂટઆઉટની) સ્થિતિ બદલાશે. કશું જ નહીં બદલાય. ડેમોક્રેટિક પાર્ટીના કાનૂનના ઘડવૈયાઓ, કે જેમને મોટા મોટા વચનો આપીને કશું જ ન કરવાની જૂની આદત છે, તેઓ આવી કશીક દુર્ઘટના થાય ત્યારે નવા કાનૂન લાવવાની વાતો કરશે, પણ તેઓ સારી રીતે જાણે છે કે આ પ્રકારના કોઈ નવા કાયદા પાસ થવાના જ નથી. અમેરિકનોએ સ્વીકારી લેવાનું છે કે ટેક્સાસની સ્કૂલમાં થયેલા ગન વાયોલન્સ જેવી ઘટનાઓ ભવિષ્યમાં વધતી જ જવાની છે.’
દરેક દેશને પોતાની આગવી સમસ્યાઓ હોય છે. ગન કલ્ચર એ અમેરિકાની એક જીવલેણ સમસ્યા છે, લિટરલી.
– શિશિર રામાવત
Leave a Reply