ભારતનો ઇતિહાસ આપણી લઘુતાગ્રંથિને પોષે તે રીતે શા માટે લખાયો છે?
—————————–
(ગુજરાત સમાચાર, એડિટ પેજ)
—————————-
હળહળતા અસત્યથી ખદબદતી વાતો લખવા કઈ કક્ષાની અધમતા અને અપ્રામાણિકતા જોઈએ? ચાલો, પશ્ચિમી વિદ્વાનો આવો બકવાસ કરે તે હજુય સમજાય, પણ જ્યારે વિદ્વાન ગણાતા ભારતીયો આવી બદમાશી આચરવાનું શરૂ કરે ત્યારે ચોંકી ઉઠાય છે.
———————————-
વાત વિચાર : સાચું કહેજો, તમે સ્કૂલમાં ઇતિહાસ ભણતા હતા ત્યારે તમને ભારતીય હોવા વિશે, આપણા સાંસ્કૃતિક-બૌદ્ધિક વારસા માટે ગર્વની લાગણી થતી? કે પછી, જુદા જુદા આક્રાંતાઓ દ્વારા આપણા પર થયેલા અત્યાચારોના વર્ણનો વાંચીને બિચારાપણાની હીનગ્રંથિ જાગી હતી? સ્વતંત્ર ભારતની કંઈકેટલીય પેઢીઓએ સ્કૂલ-કોલેજોમાં જે ઇતિહાસ ભણ્યો છે તે પરાજિતોનો ઇતિહાસ છે. વિજેતાઓએ પોતાના દષ્ટિકોણથી તૈયાર કરેલી સિલેક્ટિવ તવારીખને ‘ભારતના ઇતિહાસ’ તરીકે સ્વીકૃતિ આપવાનું બંધ કરીને નવેસરથી ઇતિહાસ લખાવો જોઈએ એવા અવાજો છેલ્લા કેટલાક સમયથી તીવ્રતર થઈ રહ્યા છે. જાણી લો કે આ માગણી કંઈ આજકાલની નથી. અધ્યાત્મપુરુષ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પિસ્તાલીસ કરતાંય વધારે વર્ષ પહેલાં ઇતિહાસની પુનર્લેખનની આવશ્યકતા વિશે ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છે.
‘વિજિગીષુ જીવનવાદ’ નામના પુસ્તકમાં આ વિશે શાસ્ત્રીજી કહે છે કે મિસ મેયો નામના લેખિકાની ‘મધર ઇન્ડિયા’ વાંચનારને એવું જ લાગે કે ભારતીયો એક મૂર્ખ પ્રજા છે. મેક્સમૂલર જેવા વિદ્વાન માણસે ‘હિસ્ટરી ઑફ એન્શિયન્ટ સંસ્કૃત લિટરેચર’માં લખે છે કે, ‘ગ્રીક અને આર્યો આ બે પ્રાચીન માનવસમૂહો છે, જેમાંના આર્યો પાસે (એટલે કે ભારતીયો પાસે) જીવનદૃષ્ટિ નહોતી… જીવનદૃષ્ટિનો વિચાર તો ખ્રિસ્તી સંસ્કૃતિમાં છે.’ સેનાર્ત નામની ફ્રેન્ચ વિદૂષી તો પોતાના ‘કાસ્ટ ઇન ઇન્ડિયા’ પુસ્તકમાં ત્યાં સુધી લખી નાખે છે કે, ‘ભારતમાં રાજકીય વિકાસ થયો જ નથી, તેવા વિકાસનું ભારતમાં નામોનિશાન નથી.’ બ્રિટીશ વિદ્વાન મૅકોલેનું મોટું નામ છે. સંસ્કૃત સાહિત્ય વિશે એ શું લખે છે? ‘બીજા સાહિત્યની જેમ સંસ્કૃત સાહિત્યમાં કંઈ જ વિવિધતા, ચિંતનશીલતા કે ઊંડાણ નથી. સંસ્કૃતનાં થોથાં ઊથલાવવાં કરતાં તો એકાદ અંગ્રેજી પુસ્તક વાંચવું સારું.’ ફ્રેન્ક થિલી નામના એક મહાવિદ્વાન ઘસડી મારે છે કે ભારતમાં તત્ત્તવજ્ઞાન જેવું કશું છે જ નહીં. આપણાં ઉપનિષદોને એ આ રીતે વ્યાખ્યાયિત કરે છેઃ ‘એકદમ અવિકસિત અને પ્રગતિથી વિમુખ એવો લોકોનું બોલવું એટલે ઉપનિષદો!’ ‘હિસ્ટરી ઓફ એજ્યુકેશન’ પુસ્તકમાં ગ્રેવ્ય લખે છે કે ભારતમાં શિક્ષણ હતું જ નહીં. જસ્ટિસ વૂડરોફ નામના મહાશય એમના ‘ઇઝ ઇન્ડિયા સિવિલાઇઝ્ડ?’ નામના પુસ્તકમાં એમ લખે છે કે ભારત પાસે સંસ્કૃતિ જ નહોતી. લો, બોલો.
વાંચીને ચક્કર આવી જાય એવી આ વાતો છે. આવી ધડમાથાં વગરની, હળહળતા અસત્યથી ખદબદતી વાતો લખવા કઈ કક્ષાની અધમતા અને અપ્રામાણિકતા જોઈએ? પાંડુરંગ શાસ્ત્રી યોગ્ય જ કહે છે કે, ‘પ્રત્યેક વિજયી રાષ્ટ્ર પરાજિત રાષ્ટ્રનો આત્મવિશ્વાસ તોડી નાખવાના અને સત્યને હલાવવાના રસ્તાઓ શોધતા જ રહે છે. અંગ્રેજોએ પણ પોતાના વાંગમય દ્વારા આ જ રસ્તો અપનાવ્યો હતો અને તેમાં સફળ પણ થયા હતા.’
સમય બદલાય એટલે સંશોધકોની પેઢીઓ પણ બદલાય. બ્રિટનના પછીના સંશોધકોને સમજાયું કે ભારત કંઈ સાવ ફાલતુ ને નકામો દેશ નહોતો. ભારત પાસેય સારા વિચારો અને જ્ઞાન હતું… પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. હવે બ્રિટિશ વિદ્વાનો કહેવા લાગ્યા કે ભારત પાસે સાહિત્ય અને ફિલોસોફી હતી ખરી, પણ એમાંનું કશું જ મૌલિક નહોતું, બધું જ અહીંથી-ત્યાંથી તફડાવેલું હતું, ઉદાહરણ તરીકે, ભારતે નાટ્યશાસ્ત્ર ગ્રીક પાસેથી લીધું છે, રસાયણશાસ્ત્ર આરબો પાસેથી લીધું છે, ગીતા બાઇબલના આધારે લખાઈ છે અને રામાયણ ગ્રીક લેખક ‘હોમરે ઇલિયડ’ નામના પુસ્તકમાં જે ટ્રોજન-યુદ્ધનું વર્ણન કર્યું છે, તેના આધારે લખાયું છે. ‘ઇલિયડ’માં ક્વીન હેલન ભાગી જાય છે એના પરથી રામાયણમાં સીતાના અપહરણ થઈ જાય છે એવો પ્રસંગ કલ્પવામાં આવ્યો છે. ટૂંકમાં, બ્રિટિશરોનું કહેવું એમ હતું કે આપણા સંત વાલ્મીકિ અને અન્ય ઋષિમુનિઓ એક નંબરના ચોર-ઊઠાંતરીબાજ હતા.
ખેર. સમયની સાથે સંશોધનો જેમ જેમ વધારે સઘન અને સાયન્ટિફિક બનવા લાગ્યાં તેમ તેમ પશ્ચિમી વિદ્વાનોની ટાઇમલાઇનમાં ગરબડ થવા લાગી. એવું પૂરવાર થઈ ગઈ કે રામાયણ વાસ્તવમાં ટ્રોજન-વૉરની પહેલાં લખાયું હતું. પહેલાં ગીતાની રચના થઈ હતી, બાઇબલ તો પાછળથી આવ્યું. મતલબ કે ભારતીયોએ બીજાઓની નહીં, બીજાઓએ ભારતીયોની નકલ કરી છે! આ હકીકતો સપાટી પર આવવા લાગી ત્યારે પશ્ચિમી સંશોધકોએ તેમણે નવો રાગ આલાપ્યો. તેમણે કહેવા માંડ્યું કે રામ, કૃષ્ણ, ચાણક્ય, કૌરવો-પાંડવોનું યુદ્ધ આ બધું કપોળ કલ્પિત છે. નથી આવી વ્યક્તિઓ થઈ કે નથી આવી ઘટનાઓ બની.
ચાલો, પશ્ચિમી વિદ્વાનો આવો બકવાસ કરે તે હજુય સમજાય, પણ ચોંકી ત્યારે ઉઠાય જ્યારે વિદ્વાન ગણાતા ભારતીયો બદમાશી આચરવાનું શરૂ કરે. ભારત દેશ આઝાદ થયો પછી ડૉ. તારાચંદના અધ્યક્ષપણા હેઠળ ઇતિહાસની એક કમિટી રચવામાં આવી. ડૉ. તારાચંદ 194-ના દાયકામાં અલાહાબાદ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર હતા. આપણી કેટલીય પેઢીઓ સ્કૂલોમાં જે કઢંગો ઇતિહાસ ભણતી આવી છે એના મૂળમાં આ ડૉ. તારાચંદ એન્ડ પાર્ટી.એ લખેલો ભારતનો ઇતિહાસ છે. ડૉ. તારાચંદના ખુદના નામે ઇતિહાસનાં ચાર પુસ્તકો બોલે છે – ‘ઇન્ફ્લુયઅન્સ ઑફ ઇસ્લામ ઓન ઇન્ડિયન કલ્ચર’, ‘મટીરિયલ એન્ડ આઇડિયોલોજીકલ ફેક્ટર્સ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી’, ‘હિસ્ટ્રી ઑફ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’ અને ‘સોસાઇટી એન્ડ સ્ટેટ ઇન મુગલ પિરીયડ’. આર. સી. મજુમદાર નામના બીજા એક એક વિખ્યાત ઇતિહાસવિદ્ છે, જેમની વિશ્વસનીયતા ટકોરાબંધ છે. એમણે ડૉ. તારાચંદ રચિત ઇતિહાસનાં ગ્રંથ વિશે વિશે શબ્દો ચોર્યા વગર લખ્યું છે કે, ‘એક અપ્રામાણિક ઇતિહાસકારે લખેલો એક અપ્રામાણિક ઇતિહાસ…’ અરે, સ્વયં ડૉ. તારાચંદે ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ ‘મેં ઇતિહાસની બધી ઘટનાઓ આમાં લીધી નથી. તેમાંથી ચૂંટીને કેટલીક ઘટનાઓ જ લીધી છે.’
ડૉ. તારાચંદના ઇતિહાસને વૈદિક કાળ માન્ય નહોતો. શા માટે? કારણ કે એમાં ચાર વર્ણોની સામાજિક વ્યવસ્થાની વાત છે. ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા માન્ય નહોતી એટલે આધુનિક ઇતિહાસમાંથી આખેઆખા વેદકાળનો જ છેદ ઉડાડી દેવામાં આવ્યો. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ ‘વિજિગુષુ જીવનવાદ’ પુસ્તકમાં નોંધે છે કે અંગ્રેજોએ પહેલેથી નક્કી કર્યું હતું કે આ દેશમાં કંઈ સારું હતું જ નહીં કે કંઈ સારું થયું જ નથી એ રીતે ઇતિહાસ લખવો, ને સામ્યવાદીઓએ નક્કી કર્યું કે આ દેશમાં કશી પરંપરા જ નથી એ રીતે ઇતિહાસ લખવો. ઇતિહાસની કમિટીનું વલણ કંઈક એવું હતું કે યુદ્ધો થવાં એ ખેદજનક બાબત છે અને દેશમાં એકસાથે રહેતા જુદા જુદા ધર્મનાનાં મન ઊંચા થઈ જાય તેવી વિગતો ઇતિહાસમાં લખવાની જ નહીં. રાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી મારા ધર્મ પર અત્યાચાર કરનાર અકબરનું રાજ ચાલતું રહેશે અને જ્યાં સુધી હું એને ચિત્તોડમાંથી નહીં હટાવું ત્યાં સુધી હું જંગલમાં રહીશ, ઘાસ પર સૂઈશ, પતરાળાંમાં જમીશ. હવે ઇતિહાસની કમિટીવાળાઓને રાણા પ્રતાપની આ પ્રતિજ્ઞા વાંધાજનક લાગી એટલે કાઢી નાખી! મતલબ કે અકબર અને મંદિરો તોડનાર મહંમદ ગઝનીનાં વર્ણનો કરી શકાય, પણ રાણા પ્રતાપની પ્રતિજ્ઞાની વાત ન લખી શકાય! રાણા પ્રતાપ જંગલમાં ગયા એટલું લખવાનું, પણ શા માટે ગયા તે નહીં લખવાનું!
ફેબ્રુઆરી 1969માં ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ન્યાયમૂર્તિ ખોસલાએ ડૉ. તારાચંદ રચિત ઇતિહાસની આકરી ટીકા કરતા ત્રણ લેખો લખ્યા. એમણે કડક ભાષામાં લખ્યું પડ્યું હતું કે, ‘જો આવો જ ઇતિહાસ લખવાનો હોય તો છોડી દો ઇતિહાસને! અને બહેતર એ જ છે કે ઇતિહાસનો વિષય જ અભ્યાસક્રમમાંથી કાઢી નાખો.’
મજા જુઓ. અંગ્રેજોએ આપણાં પર કરેલાં અત્યાચારો વિશે આપણે સ્કૂલમાં વર્ષો સુધી ભણ-ભણ કરીએ છીએ, પણ ઇંગ્લેન્ડની સ્કૂલોમાં ભણાવવમાં આવતો ઇતિહાસ બ્રિટિશ સંસ્થાનવાદ વિશે લગભગચુપ રહે છે. ત્યાંનાં બચ્ચાઓ મોટા થઈ જાય ત્યાં સુધી એમને ખબર જ પડતી નથી કે એમના પૂર્વજોએ ભૂતકાળમાં ભારત અને દુનિયાના બીજા દેશોમાં કેવો અત્યાચાર કર્યો હતો.
ભારતનો ઇતિહાસ ગર્વભાવના સાથે નવેસરથી લખાવો જ જોઈએ ને પ્રચલિત થવો જોઈએ. કેવળ ખુદની વાહવાહી નહીં, આપણા અહંકારને અનુકૂળ આવે એવી જ હકીકતોનો સમાવેશ કરવો એમ પણ નહીં, પરંતુ વિગતોને તોડ્યા-મરોડ્યા-છૂપાવ્યા વગર, લઘુતાગ્રંથિને તિલાંજલિ આપીને, પ્રાચીન કાળના ભારતની ઑથેન્ટિક વાતોથી માંડીને આપણા આધુનિક ઇતિહાસ સુધીના કાળખંડને એની સમગ્રતામાં, સાચા સંદર્ભો સાથે આત્મવિશ્વાસપૂર્વક શબ્દસ્થ કરવો એ એક અનિવાર્યતા છે.
– શિશિર રામાવત
Leave a Reply