માંસ-મચ્છી તો શું, દૂધને પણ હાથ ન લગાડતો એક કચ્છી વીગન યુવાન જ્યારે બબ્બે વાર એવરેસ્ટ સર કરે છે…
—————–
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————-
૧૧૦ કિલો વજનનો એક મહામેદસ્વી મુંબઈવાસી કચ્છી છોકરો. એન્જિનીયરિંગ કોલેજમાં એ ભણે. ભણવા કરતા ક્લાસ બન્ક વધારે કરે. આગળ ભણવા અમેરિકા ગયો. સોફ્ટવેર એન્જિનીયર બન્યો. લગ્ન કર્યાં. પત્ની સાથે શિમલા ફરવા ગયો. પત્નીએ હિમાચ્છાદિત પહાડો ફક્ત ફિલ્મોમાં જોયાં હતાં. એણે કદી આવા બરફને સ્પર્શ કર્યો નહોતો. ટેક્સી કરીને તેઓ શિમલા નજીક આવેલા નારકંદા નામના નાનકડા સ્થળે ગયાં. ત્યાંથી ડ્રાઇવરે હાટુ પીક તરફ ગાડી વાળી (પીક એટલે શિખર). હાટુ પીક આવે તેની પહેલાં જ બરફ દેખાવો શરુ થઈ ગયો. ટેક્સી ડ્રાઇવર એક જગ્યાએ ગાડી થોભાવીને કહેઃ તમારે બરફ જ જોવો છેને? અહીં ચારે બાજુ બરફ જ બરફ છે, તમારે જેટલું એન્જોય કરવું હોય એટલું કરી લો, હું કલાકમાં પાછો આવી જઈશ. પછી આપણે પાછાં વળી જઈશું.
પતિ-પત્નીને બરફમાં જલસો પડી ગયો. યુવાન કહેઃ અહીં આટલી મજા આવે છે તો ચાલને, છેક ઉપર સુધી જઈએ, ત્યાં તો આનાથીય વધારે બરફ હશે. યુવાન અને એની પત્ની ચાર કલાકનું આરોહણ કરીને હાટુ પીકની ટોચ પર પહોચ્યાં. અહીંથી દેખાતો અદભુત નઝારો, શિખર પર પહોંચવાની એ ક્ષણ… યુવાન જાણે કે સુખદ વર્તમાનમાં થીજી ગયો. ભૂતકાળ- ભવિષ્ય એક તરફ હડસેલાઈ ગયાં. નિર્ભેળ વર્તમાનની આવી જીવંતતા, આવી ચેતના એણે પહેલાં ક્યારેય નહોતી અનુભવી. યુવાનને થયું કે સમાધિ જેવી આ માનસિક અવસ્થા હવે યથાવત્ રહેશે… પણ મુંબઈ પાછા ફર્યા બાદ બીજા દિવસે એ પોતાની અમેરિકન કંપની માટે કોડિંગ કરવા બેઠો ત્યારે કશી જ લાગણી ન અનુભવાઈ. દિવસો વીત્યા, અઠવાડિયાં વીત્યાં. ચેતનાની પેલી અનુભૂતિ ક્યાંય પાછળ છૂટી ગઈ. યુવાનને થયું કે ના, ના, આવું ના ચાલે. પેલી ફીલિંગ તો પાછી અનુભવવી જ પડે. એણે લેપટોપ ખોલ્યું, ગૂગલ બારમાં ‘વીકએન્ડ હાઇક ફોર હિમાલય’ ટાઇપ કર્યું, એકાદ એજન્સી પસંદ કરી અને દહેરાદૂનની ફ્લાઇટની ટિકિટ્સ બુક કરી નાખી. ગ્રુપ સાથે ફરી એક પહાડ ચડયો ને શિખર પર પહોંચતાં જ પુનઃ એ જ અનુભૂતિ, જેને એ ઝંખી રહ્યો હતો.
આ અનુભૂતિ, આ લાગણીએ કુંતલ જોઈશર નામના આ કચ્છી યુવાનની જિંદગી પલટી નાખી. અહીં જ પહાડો પ્રત્યેના એના તીવ્ર પ્રેમના બીજ રોપાયાં. એને તો અવારનવાર પેલી દિવ્ય ચેતનામય અનુભૂતિ કરવી હતી. તેથી તેણે નાના નાના પહાડો ચડવાનું શરુ કર્યું. એણે કલ્પના પણ કરી નહોતી કે એનો આ પર્વતપ્રેમ એને છેક માઉન્ટ એવરેસ્ટ સુધી લઈ જશે. એ પણ એક વાર નહીં, બબ્બે વાર. જી, બિલકુલ. કુંતલ જોઈશરે બે વખત માઉન્ટ એવરેસ્ટનું સફળ આરોહણ કર્યું છે – પહેલાં ૨૦૧૬માં, પછી ૨૦૧૯માં…અને હા, માઉન્ટ એવરેસ્ટ સર કરનારો એ દુનિયોનો પહેલો વીગન છે!
– – –
વીગન, સાદી ભાષામાં કહીએ તો, અતિશાકાહારનું એક સ્વરુપ છે. માત્ર ઇંડાં-માંસ-મચ્છી જ નહીં, દૂધ અને દૂધની બનાવટો જેવી કે દહીં-છાશ-માખણ-પનીર વગેરે અને શ્રીખંડ જેવી દૂધની મીઠાઈઓથી પણ દૂર રહેવાનું. પ્રાણીઓનાં ચામડામાંથી બનતી પ્રોડક્ટ્સ (બેલ્ટ, પર્સ ઇત્યાદિ) નહીં વાપરવાની, ફરના રુચ્છાવાળાં કપડાંને હાથ નહીં લગાવવાનો. કુંતલ વીગન બન્યા તે વાતને હવે તો વીસ કરતાં વધારે વર્ષ થઈ ગયાં છે. શરુઆતમાં એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ, તું પર્વતારોહણ કેવી રીતે કરી શકીશ? તું માંસ-મચ્છી-ઈંડાં તો ઠીક, દૂધ પણ લેતો નથી, તારામાં પહાડ ચડવાની તાકાત આવશે ક્યાંથી? કુંતલ એક વાતે બિલકુલ સ્પષ્ટ હતાઃ પર્વતારોહણ માટે હું મારા વીગનીઝમ સાથે કોઈ બાંધછોડ નહીં જ કરું.
મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે એવો વિચાર કુંતલ જોઈશરને સૌથી પહેલી વાર ઓક્ટોબર ૨૦૧૦માં આવ્યો હતો. એમના એક્સપિડીશન કોચે કહ્યું હતું કે જો કુંતલ, તારે ટોપ-ઓફ-ધ-વર્લ્ડ પહોંચવું હશે તો પહેલાં તારે ટોપ-ઓફ-ધ-વર્લ્ડ બોડી અને ટોપ-ઓફ-ધ-વર્લ્ડ માઇન્ડ બનાવવાં પડશે. કુંતલે તૈયારી આરંભી દીધી. ઉત્તમ કક્ષાની કાર્ડિયોવસ્ક્યુલર એન્ડયોરન્સ વિકસાવવા માટે સખત વર્કઆઉટ્સ કરવા માંડયા. કાર્ડિયોવસ્ક્યુલર એન્ડયોરન્સ વિકસાવવા માટે દોડવું, સાઇકલ ચલાવવી, પગથિયાં પર ચડઉતર કરવી, હાઇકિંગ જેવા વિકલ્પો છે. આ બધું કરવા માટે શરીરમાં સ્ટ્રેન્થ જોઈએ, જે વેઇટ ટ્રેનિંગ, પુલઅપ્સ-પુશઅપ્સ, પ્લેન્ક્સ વગેરેમાંથી આવે. કહેવાની જરુર નથી કે આ કસરતને કારણે કુંતલના શરીરની ચરબી ફટાફટ ઓગળવા લાગી હતી. કુંતલે ટ્રેનિંગ શરૃ કરી ત્યારે કસરત કર્યા બાદ ઝડપથી રિકવર થઈ શકતા નહોતા. ભારે એક્સરસાઇઝ કરે એટલે ચાર દિવસ સુધી શરીર દુખ્યા કરે. એમણે ડાયેટિશિયનની મદદ લઈને પોતાના વીગન ડાયેટમાં ફેરફાર કર્યા. ફળો, વેજીટેબલ, દાળ વગેરે પર ફોકસ કર્યું, પ્રોટીન શેઇક પ્રકારનાં મીલ શેઇક લેવા માંડયા.
કુંતલનો ભણસાળી પરિવારમાંથી કોઈ પગથિયાં ચડીને બે માળ પણ ચડયું નથી, પણ કુંતલ રોજના ૩૦૦ માળ ચડતા. હા, ૩૦૦ માળ પગથિયાં ચડવાનાં ને ૩૦૦ માળ પગથિયાં ઉતરવાનાં. એટલે કે જો દસ માળની બિલ્ડિંગ હોય તો ૩૦ વાર ચડઉતર કરવાની. અઢીસો-પોણા ત્રણસો માળ પૂરા થાય એટલે પરસેવે રેબઝેબ થઈને હાંફી રહેલા કુંતલને લાગે કે એ બેભાન થઈ જશે… પણ આવી માનસિક હાલતમાં એ મારી જાતને ચાબૂક મારીને કહે કે ભાઈ, બેભાન ન થતો, તારે હજુ બીજા પચાસ માળ ચડવાના છે! આ કક્ષાની શારીરિક તૈયારી માઉન્ટ એવરેસ્ટના આરોહક માટે બિલકુલ આવશ્યક છે. કુંતલ એક મુલાકાતમાં કહે છે, ‘પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના આખા સાહસમાં આ કક્ષાની શારીરિક તૈયારી તો કેવળ ૧૦ ટકા ભાગ જ રોકે છે. બાકીના ૯૦ ટકા છે, મેન્ટલ ફિટનેસના.’
કુંતલ આઠમા ધોરણમાં હતા ત્યારે એક વાર પનવેલમાં કેમ્પમાં ગયેલા, જ્યાં રોક ક્લાઇમ્બિંગ કરતી વખતે ઊંચાઈ પરથી પડી ગયેલા. સદ્ભાગ્યે વધારે ઇજા ન થઈ, પણ એમના મનમાં ડર પેસી ગયેલો. એમને ઊંચાઈ પર જવાનો ડર લાગે, હાઇટ પરથી નીચે જુએ તો ડર લાગે, લટકવાનો ડર લાગે. કલ્પના કરો, આવા ડરથી પીડાતા માણસને એવરેસ્ટ સર કરવો હતો! સૌથી પહેલો માનસિક અંતરાય તો આ ડર હતો, જેને દૂર કરવાનો હતો. કુંતલના એક્સપિડીશન કોચે એમને શીખવ્યુંઃ ફોકસ… ફોકસ! જો પહાડ ચડતી કે ઉતરતી વખતે તારું ફોકસ નહીં હોય તો તું મર્યો સમજજે! ક્રમશઃ કુંતલને સમજાતું ગયું કે ઉપર ચડતી વખતે કે નીચે ઊતરતી વખતે પેનિક મોમેન્ટ્સ તો આવશે જ. તેને આવવા દેવાની, પણ વિચલિત થઈને ઘાંઘા નહીં થવાનું, મગજ શાંત રાખવાનું ને પછી ટેકનિકનો ઉપયોગ કરીને આગળ વધવાનું… અને આ એટલી બધી વાર રિપીટ કરવાનું કે એ તમારો સ્વભાવ બની જાય.
કુંતલ કહે છે,’તમારી સામે આવડું મોટું લક્ષ્ય હોય ત્યારે તમારું ફોકસ રેઝર શાર્પ હોવું જોઈએ. માઉન્ટ એવરેસ્ટ સર કરવો એ ૩થી ૫ વર્ષનો પ્રોજેક્ટ છે. મેં જોકે માઉન્ટેનિયરીંગનો છ-સાત વર્ષનો અનુભવ લીધો હતો. તમારે બોડી ફિટ બોડી બનાવવું પડે ને અને સાથે સાથે જુદા જુદા અનુભવો લેવા પડે. જેમ કે, અંધારામાં કેવી રીતે પહાડ ચડશો? ધારો કે તમારો એક હાથ અને એક પગ તૂટી ગયો છે, તો તમે કેવી રીતે ક્લાઇમ્બ કરશો? તમને એક હાથે દોરડાની ગાંઠ વાળતા આવડે છે?
માઉન્ટ એવરેસ્ટના આરોહણનો આખો કાર્યક્રમ આશરે ૬૫ દિવસ ચાલે છે. આમાંથી ૩૦થી ૩૫ દિવસ તો કશું કર્યા વગર બેઝ કેમ્પ પર વીતાવવા પડે. તમારે પુસ્તકો વાંચવાના, સંગીત સાંભળવાનું અને રાહ જોઈને બેસી રહેવાનું કે ક્યારે હવામાન અનુકૂળ થાય ને ક્યારે આગળની ચડાઈ શરૃ થાય. ખરેખરું ક્લાઇમ્બિંગ તો દસ-બાર દિવસનું માંડ હોય છે. બેઝ કેમ્પ પર રાહ જોવાના સમયગાળામાં ખાસ કરીને યંગસ્ટર્સ અધીરા થવા માંડે, એમનો સ્વભાવ ચીડિયો થઈ જાય. આ તબક્કામાં ક્યારેક તેઓ ખુદનું પૂરતું ધ્યાન ન રાખે, પહાડ પર વધારે પડતી ઝડપથી દોડાદોડા કરી મૂકે, ઓલ્ટિટયુડ સિકનેસ ડેવલપ કરી નાખે, ઇન્જર્ડ થઈ જાય ને ક્યારેક તેમણે બેઝ કેમ્પથી જ પાછા વળી જવું પડે.
‘તમે હિમાલયના પહાડોની વચ્ચોવચ્ચ હો ત્યારે તમારું બધું ઘમંડ વરાળ થઈ જાય છે,’ કુંતલ કહે છે, ‘તમને સમજાય કે આ વિરાટ બ્રહ્માંડમાં તમારું સ્થાન તો સૂક્ષ્મથી ય સૂક્ષ્મતર છે. મને સમજાયું કે દુનિયાનો કોઈ માણસ કોઈ પહાડ ક્યારેય ‘સર’ કરતો નથી. પહાડ જ તમારી યાત્રા નક્કી કરે છે, પહાડ જ નિર્ણય લે છે કે એ તમને શિખર સુધી પહોંચવા દેવા માગે છે કે કેમ. આવી સ્થિતિમાં તમારો ઈગો સંપૂર્ણપણે ચૂરચૂર થઈ જાય.’
પછી શું થયું? શું તેઓ પહેલાં જ પ્રયત્ને માઉન્ટ એવરેસ્ટ ચડવામાં સફળ થઈ ગયા હતા? એમણે મોતને સાવ આંખની લગોલગ જોયું – અને તે પણ એક વાર નહીં – અનેક વાર, તે શું હતું? એવરેસ્ટ પર પગ મૂકીને એમણે સૌથી પહેલું કામ શું કર્યું? આપણને પાનો ચડાવે, આપણામાં જુસ્સો ભરી દે એવી વાતો છે કુંતલ જોઈશરની. આવતા શનિવારે વાત પૂરી કરીશું.
– શિશિર રામાવત
Leave a Reply