‘માણસનાં સંચિત કર્મોની જેમ સંચિત અનુભવો પણ હોય છે…’
————————
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
———————
બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મોના જમાનાની આ વાત છે. હોલિવુડમાં કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એક શોટમાં હીરોએ હિરોઈનને ચુંબન કરવાનું હતું. ડિરેક્ટરે બન્નેને સૂચના આપી, કૅમેરા એન્ગલ સમજાવ્યા. એમણે હીરોને કહ્યુંઃ તારી કિસ ત્રીસ સેકન્ડ સુધી ચાલશે. ત્રીસમી સેકન્ડે હું ‘કટ’ કહું એટલે તારે હિરોઈનથી અળગા થઈ જવાનું. હીરો કહેઃ ઓકે. ‘લાઇટ્સ… કૅમેરા… એક્શન…’ના પોકાર થયા. નક્કી થયા મુજબ હીરોએ હિરોઈનને ચુંબન કરવાનું શરુ કર્યું. ત્રીસ સેકન્ડ પૂરી થઈ એટલે ડિરેક્ટરે આદેશ આપ્યોઃ ‘કટ!’ પણ હીરોના કાને જાણે આ સૂચના પડી જ નહીં. એણે ચુંબન કરવાનું ચાલુ રાખ્યું. ડિરેક્ટરે બીજી વાર જરા મોટા અવાજે બૂમ પાડીઃ ‘કટ…!’ કોઈ જ અસર નહીં. હીરો હિરોઈનને છોડે જ નહીંને. હિરોઈન અકળાઈ ગઈ. ડિરેક્ટર ક્રોધે ભરાયા. સેટ પર હાજર રહેલા ટેક્નિશિયનોને કૌતુક થયું. હીરો મદહોશ થઈ ચૂક્યો હતો. આસપાસ ઊભેલા લોકો આંખો ફાડીને એને જોઈ રહ્યા છે અને એણે માત્ર એક્ટિંગ કરવાની છે એ વાત જ જાણે એની સભાનાવસ્થામાંથી છટકી ગઈ. આખરે હિરોઈને જોરથી એને ધક્કો મારીને દૂર કર્યો ત્યારે જાણે એની સમાધિ તૂટી. આ કિસ્સો મીડિયામાં ખૂબ ચગ્યો ને મોટો હોબાળો મચી ગયો.
આ બનાવ બન્યો ત્યારે વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ મડિયા હજુ માંડ તરુણ વયના હતા. મડિયાનું અત્યારે જન્મ-શતાબ્દિવર્ષ ચાલી રહ્યું છે (જન્મઃ ૧૨ ઓગસ્ટ ૧૯૨૨, મૃત્યુઃ ૨૯ ડિસેમ્બર ૧૯૬૮). આવતા મહિને એમના જન્મને પૂરાં સો વર્ષ પૂરાં થશે. તેઓ ગામડાગામની નિશાળમાં ભણતા હતા એ જમાનામાં ‘ભમતો ભૂત’ કે એવા કશાક અતરંગી નામ ધરાવતા અઠવાડિકમાં હોલિવુડની પેલી ગોસિપ છપાઈ. ચુનીલાલે તે વાંચી ને એમના મનના કોઈક ખૂણે તે દટાઈ ગઈ.
વર્ષો પછી મડિયા મોટા આંકડિયા નામના ગામથી મુંબઈ જઈ રહ્યા હતા. લૂધીધર સ્ટેશન સુધી પહોંચવા માટે બળદગાડામાં બેસવું પડે તેમ હતું. ગાડીવાન વાતોડિયો માણસ. રસ્તામાં એણે ભેંસને જોઈને ભૂરાયા થયેલા એક પાડાનો સાચો કિસ્સો વાતવાતમાં કહી સંભળાવ્યો. આ વાત પણ મડિયાના મનમાં કશેક નોંધાઈ ગઈ.
સર્જનાત્મક દિમાગ ધરાવતા કલાકારના ચિત્તમાં ધરબાયેલી કઈ વાત ક્યારે અચાનક ધક્કા સાથે સપાટી પર આવી જશે ને કેવી રીતે એની કૃતિમાં અભિવ્યક્તિ પામશે એની એને ખુદનેય ખબર હોતી નથી. ‘કમાઉ દીકરો’ એ ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠતમ નવલિકાઓમાંની એક છે. કંઈકેટલાય સંપાદનોમાં તે સ્થાન પામી છે. આ વાર્તાના સર્જનમાં પેલા બળદગાડાવાળાએ કહેલી વાતે ટ્રિગરનું કામ કર્યું.
શું છે ‘કમાઉ દીકરામાં’? વાર્તામાં મુખ્ય બે માનવપાત્રો છે – ગલા શેઠ અને લખુડો. ગલા શેઠની ભેંસ વિયાણી ને એણે પાડીને બદલે પાડો જણ્યો. વણમાગ્યા પાડાને પાંજરાપોળ ભેગો કરી દેવાને બદલે ધર્મભાવનામાં માનતા ગલા શેઠે એને સારી રીતે ઉછેરવા માંડયો. શરુઆતમાં તો એ બે કોળી રોડાં ચાવી જતો, પણ જેમ જેમ મોટો થવા લાગ્યો એમ એનો ખોરાક વધતો ગયો. આખરે નછૂટકે ગલા શેઠ પાડાને પાંજરાપોળ મૂકવા નીકળ્યા, પણ ગામના પાદરમાં જ લખુડો ગોવાળ મળી ગયો. પાડાનું ‘તેજ’ પામી ચુકેલા લખુડાએ કહ્યુંઃ શેઠ, આ પાડાને પાંજરાપોળ મોકલવો રહેવા દિયો. ભલે મારે વાડે મોટો થતો.
પાડાને પોતાની પાસે રાખવામાં લખુડાનો સ્વાર્થ હતો. ભેંસને ગર્ભવતી બનાવવા માટે પાડા સાથે એનો સંબંધ બંધાવવો પડે. દેસી ભાષામાં એના માટે ‘દવરાવવું’ એવો શબ્દપ્રયોગ થાય છે. લખુડાએ વિચાર્યું કે જો આ પાડો મારા જ વાડે બંધાયેલો હશે તો મારી ભેંસોને દવરાવવાની મૂંઝવણ ટળશે. વળી, ગામના લોકો પોતાની ભેંસો દવરાવવા મારા પાડા પાસે આવશે તો એમની પાસેથી રુપિયા વસૂલ કરી શકાશે. ગલા શેઠ કહેઃ દવરામણમાં તને જેટલા પૈસા મળે એમાં મારો ભાગ! લખુડો કહેઃ મંજૂર.
લખુડાનો જુવાનજોધ દીકરો કમોતે વિદાય થયો હતો. લખુડાએ પાડાને એનું જ નામ આપ્યું – રાણો. સાત ખોટના દીકરાની જેમ રાણો લખુડા પાસે ઊછરવા લાગ્યો. થોડાક સમયમાં એ જુવાનીમાં આવી ગયો. એનો અવાજનો રણકો બદલી ગયો. આંખો બદલાવા લાગી. એના છાંકોટા વધતા ગયા. ખીલે બાંધેલા રાણાને ઓશરીના તોતિંગ થાંભલે બાંધવો પડયો. લખુડો સમજી ગયો કે ઋતુમાં આવી ગયેલા મારા રાણાનું નાક વીંધવાનો અને નાકર પહેરાવવાનો સમય આવી ગયો છે. લખુડાએ ગામમાં વાત વહેતી કરી કે મારા રાણા પાસે ભેંસ દવરાવવી હોય તો બે રુપિયા બેસશે. લખુડાની ઘરાકી જામવા લાગી. આજુબાજુનાં ગામડાં સુધી રાણાની ખ્યાતિ પહોંચી. રાણો સાચે જ લખુડાનો કમાઉ દીકરો બની ગયો. કમાણી વધવા માંડી એમ એમાંથી સરખેસરખો અડધો ભાગ મેળવતા ગલા શેઠની લાલચ પણ વધવા માંડી. એમણે લખુડાને એક ભેંસને દવરાવવાના બેને બદલે અઢી રુપિયા લેવાની ફરજ પાડી.
બન્યું એવું કે એક વાર ગામના પટેલ પોતાની ભેંસ દવરાવવા આવ્યા. ગામના પાદરે એક અવેડા પાસે એમણે પોતાની ભેંસ બાધી. લખુડો રાણાને લઈને આવ્યો. હાથણી જેવી ભેંસ જોઈને રાણો તરત એની તરફ વળ્યો, પણ લખુડાએ એને વેળાસર બાંધી દીધો. દરમિયાન દલા શેઠ કાનમાં ફૂંક મારી ગયા કે લખુડા, ગામપટેલ પાસેથી અઢીને બદલે ત્રણ રુપિયા લેજે. ગામપટેલ કહે, ના, હું તો અઢી રુપિયાથી વધારે એક નયો પૈસો ન આપું.
એક બાજુ લખુડા અને ગામપટેલ વચ્ચે પૈસાના મામલે રકઝક ચાલે ને બીજી બાજુ રાણાનો ઉશ્કેરાટ વધે. લખુડો એને અંકુશમાં લેવા ગયો ને રાણો વીફર્યો. પોતાને પાળીપોષીને મોટા કરનાર લખુડા સામે એણે શીંગડાં ઊગામ્યાં. આસપાસ ઊભેલા લોકોમાંથી કોઈ ચબૂતરે ચડી ગયું, કોઈ ઓટલે ચડી ગયું તો કોઈ પીપળે. રાણો જ્યાં ત્યાં શીંગડાં ઘસતો ને છાકોટા પાડતો આમતેમ દોડવા લાગ્યો. બધા સલામત જગ્યાએ લપાઈ ગયા, પણ લખુડાની આસપાસ કોઈ ઝાડઝાંખરું નહોતું. અધૂરામાં પૂરું એણે લાલ રંગનો ફેંટો પહેર્યો હતો. રાણો બમણા વેગથી લખુડા પાછળ દોડયો. ભેંસને ભોગવી ન શકેલો રાણો બરાબરનો ક્રોધે ભરાયો હતો. લખુડો જીવ બચાવીનો દોડયો, પણ રાણાના જોર સામે એ બાપડાનું કેટલું ગજું? હવે પછીનું વર્ણન મડિયાના શબ્દોમાં જ વાંચોઃ
‘લખુડાના હાંફની ધમણ સહેજ પણ ધીમી પડે એ પહેલાં જ પાંસળાની કચડાટી બોલાવતો રાણાનો એક હાથીપગ લખુડાનાં પસળા ઉપર પડયો અને બીજી જ ક્ષણે લોહીમાંસ સાથે ભળે ગયેલ એ હાડકાંના ભંગાર ટુકડાઓમાં ભાલા જેવું અણિયાળું શીંગડું ભોંકાયું અને એક જોરદાર ઝાટકા સાથે, સૂતરની આંટલી બહાર આવતી રહે તેમ આંતરડાંનું આખું જાળું બહાર ખેંચાઈ આવ્યું. આવળના એ ખાબોચિયામાં લખુડાના ઊના ઊના લોહીનું જે પાટોડું ભરાણું એમાં રાણાએ ખદબદતો પેશાબ કરીને બધું સમથળ કરી નાખ્યું.’
બસ, આ જ બિંદુ પર ‘કમાઉ દીકરો’ વાર્તાનો અંત આવે છે. ચુનીલાલ મડિયાની જ નહીં, સમગ્ર ગુજરાતી વાર્તાસૃષ્ટિમાં આ કથા વિશિષ્ટ ગણાઈ છે ને એને માનભર્યું સ્થાન મળ્યું છે. કેવી રીતે આવી આ વાર્તા? ચુનીલાલ મડિયાએ એક કેફિયતમાં કહ્યું છેઃ
‘માત્ર કિસ્સો સાંભળી લેવાથી વાર્તા ભાગ્યે જ તૈયાર થાય. માણસને સંચિત કર્મોની જેમ સંચિત અનુભવો પણ હોય છે. સંસારના અનેકાનેક ઘટનાઓના સંસ્કાર એના ચિત્તપ્રદેશમાં નદીના કાંપની જેમ સતત જમા થતા રહે છે. એ ગંજાવર કાંપનો કયો મૃત્તિકા-કણ કઈ ઘડીએ કઈ કૃતિના સર્જનમાં કામ આવી જશે એ માણસને પોતાનેય જાણ હોતી નથી. (મોટા આંકડિયાના) પેલા ગાડીવાને પાડા અને ભેંસની જે વાત કહી, એના જોડાજોડ તુરત એ પ્રકારનો બીજો (હોલિવુડના હીરોવાળો) કિસ્સો ચિત્તમાં ચમકી ગયો. આ બન્ને કિસ્સાઓ મગજમાં સંકળાઈ ગયા. એ એમાંથી ‘કમાઉ દીકરો’ વાર્તાનો પિંડ બંધાયો.’
હોલિવુડનો હીરો હોય કે પાડો – આખરે બન્ને છે તો પ્રાણી જ. માણસ પોતાના સંસ્કાર, ઉછેર અને સમાજના નીતિનિયમોને કારણે પોતાની આદિમ વૃત્તિઓનું દમન કરતાં શીખી લે છે, પણ આ વૃત્તિ ક્યારે ફૂંફાડા મારતી ઊછળી પડશે ને મર્યાદાના અંતરાયોને તોડીફોડી નાખશે એ કહી શકાતું નથી.
ચુનીલાલ મડિયાએ ‘કમાઉ દીકરો’ વાર્તા લખી ત્યારે આરંભમાં પેલો હોલિવુડવાળો કિસ્સો પણ સવિસ્તાર ટાંક્યો હતો. પણ પછી છપાવતી વખતે આગળનો કિસ્સો એડિટ કરી નાખ્યો ને માત્ર પાડાવાળી વાત જ રાખી. આંકડિયા ગામેથી મુંબઈ જતી વખતે તેઓ વચ્ચે અમદાવાદમાં ઉમાશંકર જોશીના ઘરે રોકાયા હતા. ઉમાશંકરના ચોક્સી નિવાસવાળા ઘરની ગેલેરીના એકાંતમાં એક જ બપોરમાં એમણે ‘કમાઉ દીકરો’ સહિત સહિત ત્રણ વાર્તાઓ લખી નાખી હતી.
ચુનીલાલે વાર્તાલેખનની શરુઆત અમદાવાદમાં કોમર્સનું ભણી રહ્યા હતા એ જ વખતે કરી દીધી હતી. સાથે ભણનારા કોલેજિયનો એમને અહોભાવથી પૂછતાઃ તું વાર્તા કેવી રીતે લખે છે? મડિયા જવાબ આપતાઃ આપણા ક્લાસની છેલ્લી પાટલી પર બેસીને!
-અને મડિયાની આ વાતમાં અહંકાર, ટીખળ કે જવાબ ટાળવાનો પ્રયત્ન નહોતો. આ એમનો નિખાલસ એકરાર જ હતો. ચિત્તપ્રદેશમાં દટાયેલાં સ્મૃતિ-કણોનાં પાક્કાં સરનામાં કે એમનાં ગંતવ્યસ્થાનનાં ઠેકાણાં ખરેખર હોતાં નથી!
– શિશિર રામાવત
Leave a Reply