માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછીય માણસ અપરાધભાવથી પીડાયા કરે એવું બને!
————————–
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
—————————-
‘એવરેસ્ટ બેઝ કેમ્પના પહેલા દિવસે હું ડાઇનિંગ ટેન્ટમાં ગયો તો મેં જોયું કે એક દીવાલ પર કેટલીક તસવીરો લગાડી છે. જોઈને ધ્રૂજી ઉઠાય એવી તસવીરો. કોઈ તસવીરમાં એવો પર્વતારોહક દેખાય, જેની કાળી પડી ગયેલી આંગળીઓને કાપી નાખવામાં આવી હોય. કોઈકમાં પર્વતારોહકના કાળા પડી ગયેલા નાક અને ગાલને શરીરને અલગ કરી દેવામાં આવ્યા હોય. કોઈકમાં પર્વતારોહકની નધણિયાતી પડેલી લાશ હોય, જે કદાચ મહિનાઓથી, વર્ષોથી બરફમાં દટાયેલી પડી હતી. મારા એક્સપિડીશન લીડર મારી પાસે આવીને કહ્યુંઃ એક વાતનો તું સંકલ્પ લઈ લે કે કંઈ પણ થાય, તારો ફોટો આ બધાની વચ્ચે નહીં જ મૂકાય… અને આમ કરવાનો એક જ ઉપાય છેઃ ફોકસ! જો તું ફોકસ નહીં રાખે તો તું મરી જઈશ એ પાક્કું છે…’
આ શબ્દો કુંતલ જોઈશરના છે. આ મુંબઈવાસી કચ્છી યુવાને એક વાર નહીં, બબ્બે વખત એવરેસ્ટ સર કર્યો છે – ૨૦૧૬માં અને ૨૦૧૯માં. ગયા શનિવારે આપણે જોયું કે એવરેસ્ટ સર કરનાર કુંતલ દુનિયાના સર્વપ્રથમ વીગન પર્વતારોહક છે. તેઓ છેલ્લાં વીસેક વર્ષથી વીગન જીવનશૈલીને અનુસરે છે. વીગન જીવનશૈલી એટલે માંસ-મચ્છી-ઈંડા તો નહીં જ, દૂધ અને એની બનાવટો (માખણ, પનીર, છાશ, દહીં ઇત્યાદિ)ને નહીં ખાવાની તેમજ ફરવાળા કોટ, બેલ્ટ, વોલેટ જેવી પ્રોડક્ટ્સ કે જેની બનાવટમાં જીવહિંસા થઈ હોય તેને પણ સ્પર્શવાનાં નહીં.
૨૦૧૬ પહેલાં પણ કુંતલ એવરેસ્ટનું આરોહણ કરવાનો પ્રયાસ કરી ચુક્યા હતા. એક વાર ભયાનક હિમપ્રપાત (એવલેન્ચ) થયો એટલે એવરેસ્ટ બેઝ કેમ્પથી પાછા આવી જવી પડયું હતું, અને બીજી વાર ધરતીકંપ અને હિમપ્રપાતની બેવડી આપત્તિ તૂટી પડી હતી. કુંતલ એક મુલાકાતમાં કહે છે, ‘એવરેસ્ટ બેઝ કેમ્પ ખરેખર તો અતિ સલામત જગ્યા ગણાતી હતી, પણ એપ્રિલ ૨૦૧૫માં આવેલા એભૂતપૂર્વ ભૂકંપ વખતે અમે જેના પર ઊભા હતા એ વિરાટ ગ્લેશિયર હિંચકાની જેમ હાલકડોલક થતી હતી. ભૂકંપને કારણે હિમપ્રપાત થયો. હિમપ્રપાતની સ્થિતિમાં તમે શ્વાસ લો તો નાકમાં હવા નહીં, બરફના કણો જાય. ટેન્ટની અંદર ઘૂસીને હું શ્વાસ લેવા માટે મરણિયો સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે મારી સાથેના એક જર્મન પર્વતારોહકે બૂમ પાડીઃ મારા જેકેટમાં ઘૂસી જા… મેં એના જેકેટમાં માથું નાખી દીધું. જેકેટમાં થોડા એર પોકેટ્સ હતા. મેં શ્વાસ લીધો. જાણે ગર્ભમાંથી બહાર આવેલા નવજાત શિશુએ જીવનના પહેલા શ્વાસ લીધા હોય તેવી સ્થિતિ હતી. હું શ્વાસ લઉં ને જેકેટમાંથી મોઢું બહાર કાઢું, પાછો અંદર જઈને શ્વાસ લઉં, પાછો બહાર આવું. એ જર્મન પર્વતારોહકની સમયસૂચકતા અને મદદને કારણે મારો જીવ બચી ગયો. જાણે મારો નવો જન્મ થયો હોય એવી એ અનુભૂતિ હતી. દુર્ભાગ્યે અમારી સાથેના ૨૧ પર્વતારોહકો મૃત્યુ પામ્યા હતા. સો જેટલા ઘાયલ થયા. એક જપાની મહિલાનો તો અડધા ચહેરા ગાયબ થઈ ગયો. થોડી જ મિનિટોમાં એના ચહેરાની એક બાજુ પરથી ચામડી અને માંસ જતાં રહ્યાં, સીધાં હાડકાં દેખાવા લાગ્યાં…’
કહેનારાઓએ કહ્યુંઃ કુંતલ, એવરેસ્ટ ચડવાના ધખારા રહેવા દે, તારાથી નહીં થાય… પણ કુંતલે ૨૦૧૬માં પુનઃ પ્રયાસ કર્યો અને આ વખતે એવરેસ્ટ પર પગ મૂકીને જ જંપ્યા. કુંતલનો આ આખો અનુભવ રુંવાળાં ઊભાં કરી દે તેવો છે. બેઝ કેમ્પ અને કેમ્પ-વન વચ્ચે ખુમ્બુ આઇસફોલ નામની જગ્યા આવે છે. તે ક્રોસ કરતાં સાડાબાર કલાક થાય . એવરેસ્ટ પર થતાં મોતના અડધોઅડધ કિસ્સા આ જગ્યાએ બને છે. આ જગ્યા એવી છે જ્યાં ડગલાં માંડતી વખતે તમને ખબર નથી હોતી કે હવે પછીના ડગલા વખતે તમે જીવતા હશો કે નહીં! ઊંડી ખાઈ જેવી તિરાડો ક્રોસ કરવા માટે આડી પાતળી સીડી મૂકેલી હોય. કુંતલ કહે છે, ‘પહેલી સીડી ક્રોસ કરતી વખતે ખૂબ ડર લાગ્યો હતો. આખા માઉન્ટ એવરેસ્ટમાં આવી પચાસ જેટલી સીડીઓ છે. તમે દર વખતે ડર્યા કરો તે ન ચાલે. તમારે એ શીખી લેવું પડે. એક તબક્કા પછી લેડર-ક્રોસિંગ તમારા માટે રુટિન બની જાય.’
કેવા કેવા અનુભવ! તિબેટ તરફ એક જગ્યા આવે છે, જેને સેકન્ડ સ્ટેપ કહે છે. આ ત્રણ માળ ઊંચો ખડક છે. કુંતલ કહે છે, ‘પહેલો વિચાર એ આવે કે મારે શું કામ આ ખડક ચડવો છે? આ હું શું કરી રહ્યો છું? શું કામ આટલો હેરાન થાઉં છું? નથી ચડવું. ચાલો પાછા જતા રહીએ… આવી સંજોગોમાં તમારે તમારી જાતને યાદ કરાવવું પડે કે ભાઈ, આ તો તારું સપનું છે, આના માટે તે જબરદસ્ત મહેનત કરી છે. હિંમત ન હાર, એક-એક પગલું ભર, તું આ ત્રણ માળનો ખડક ચડી જઈશ!’
એવરેસ્ટની ઊંચાઈ ૨૯,૦૩૫ ફીટ છે. જેમ જેમ શિખર નજીક પહોંચો તેમ તેમ મગજને ઓક્સિજન ઓછું પહોંચે. તમારી વિચારશક્તિ પર પણ માઠી અસર પડે. તમને બૂટ પહેરતાં વીસ-પચીસ મિનિટ લાગે. અઘવચ્ચે તમે ભૂલી જાઓ કે તમે શું કરી રહ્યા હતા. નાનામાં નાની ફિઝિકલ એક્ટિવિટી કરવામાં સતત માનસિક અને શારીરિક સંઘર્ષનો અનુભવ થાય… અને આવી હાલતમાં તમારે ભયાનક જગ્યાઓ પસાર કરતાં કરતાં માઉન્ટ એવરેસ્ટ ચડવાનો છે! તમને લાગે કે બસ, હવે નહીં જીવાય, પણ તમારે ભીતરથી, ક્યાંયથી પણ તાકાત ખેંચી લેવી પડે ને આગળ વધતા રહેવું પડે.
કુંતલ કહે છે, ‘ડેથ ઝોન નામની એક જગ્યાએ તમે કુદરતી રીતે એક્લેમેટાઇઝ થઈ શકતા નથી. ઈવન સપ્લિમેન્ટ્સ અને ઓક્સિજન ટેન્કની મદદ પછીય તમે એક્લેમેટાઇઝ ન થઈ શકો, એવું બને. ડેથ ઝોનમાં ગાળેલી પ્રત્યેક ક્ષણ ભગવાન પાસેથી ઉછીનો લીધેલો સમય છે એમ માનવું. તમે અહીં જેટલો વધારે સમય ગાળો એટલી તમારી મરવાની શક્યતા વધારે. ડેથ-ઝોન ૪માં અડધો લીટર પાણી બોઇલ કરવામાં ૪૫ મિનિટ થાય. આટલું પાણી બે જણાએ ૨૦ કલાક સુધી ચલાવવાનું. આ ૨૦ કલાકમાં તમારે એવરેસ્ટ પર ચડીને પાછા આવવાનું છે.’
…અને કેવી હતી એવરેસ્ટ શિખર પર પગ મૂકવાની ક્ષણ?
‘હું આખરે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યો ત્યારે ભાવવિભોર થઈને રડી પડયો હતો. સાવ ટોચ પર પહોંચ્યો ત્યાં સુધી હું એકધારો રડતો રહ્યો. ઉપર પહોંચીને મેં બે કામ કર્યાં. એક તો, વીગન ફ્લેગ ખોડયો. મારે ઘણી બધી માન્યતાઓને ખોટી પાડીને પૂરવાર કરવું હતું કે એક વીગન માણસ પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે છે. બીજું કામ, સેટેલાઇટ ફોન કરીને મારે મારા પપ્પાને કહેવું હતું કે પપ્પા, તમારો દીકરો દુનિયાના સૌથી ઉચ્ચતમ બિંદુ સુધી પહોંચી ગયો છે…!’
વર્ષોથી ડિમેન્શિયાથી પીડાતા કુંતલના પિતાજી પોતાનું નામ ભૂલી જાય, કુંતલ પોતાનો દીકરો છે તે પણ તેઓ ભૂલી જાય. ફોન પર કુંતલનો અવાજ સાંભળીને કદાચ એમને થોડું ઘણું સમજાય ને ધારો કે એમના ચહેરા પર નાનકડું સ્મિત આવે તો એ કુંતલ માટે બહુ મોટી વાત હતી.
આવડી મોટી સિદ્ધિ મેળવનાર માણસ પછી તો સ્વર્ગમાં વિહરતો હોય, ખરું? ના. એવરેસ્ટ સર કરીને પાછા ફર્યા પછી કુંતલના મનમાં અપરાધભાવ હતો! શા માટે? એમણે જે જેકેટ પહેર્યંુ હતું તેની બનાવટમાં બતકોને મારીને એનાં પીછાંનો ઉપયોગ થયો હતો, એટલે. આ જેકેટ પહેરવું અત્યંત જરુરી હોય છે. શિખર પર માઇનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ જેટલી આત્યંતિક ઠંડી હોય અને ૧૦૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય. જેકેટ આની સામે પર્વતારોહકનું રક્ષણ કરે છે, એને જીવાડી રાખે છે. પ્રખર વેંદાંતી આચાર્ય પ્રશાંત સાથે થયેલી અદભુત ગોષ્ઠિમાં કુંતલ કહે છે, ‘૨૦૧૨થી મેં પર્વતારોહકો માટેનાં જેકેટ બનાવતી દુનિયાભરની કંપનીઓને પત્રો લખીને વિનંતી કરવાનું શરુ કરવાનું કર્યું હતું કે તમે પ્લીઝ, મને એવું જેકેટ તૈયાર કરી આપો, જેમાં જીવહિંસા ન થઈ હોય. કંપનીઓના જવાબ આવ્યા કે જીવહિંસા કર્યા વગર આવું જેકેટ તૈયાર થઈ શકે જ નહીં. કોઈએ કહ્યું કે એનિમલ-ફ્રી જેકેટ બનાવી શકાય એવી ટેકનોલોજી વિકસી જ નથી, કોઈએ કહ્યું કે જેકેટ બની તો જાય, પણ આર્થિક રીતે પરવડે એવું નહીં હોય, તો કોઈએ વળી ટકોર કરી કે ભાઈ, આખી દુનિયામાં તમે એક જ માણસ છો, જે અહિંસક જેકેટની માંગણી કરી રહ્યા છે! હું જ્યાં જાઉં ત્યાં એવરેસ્ટ સર કરનારા સર્વપ્રથમ વીગન માણસ તરીકે મારી ઓળખાણ આપવામાં આવતી હતી, પણ મારો માંહ્યલો મને સતત ટપારતો હતો કે કુંતલ, તું એવરેસ્ટ ચડયો ત્યારે શત પ્રતિશત વીગન નહોતો, તેં જે જેકેટ પહેર્યું હતું એમાં જીવહિંસાનું તત્ત્વ હતું… ‘
કુંતલે આખરે આ સમસ્યાનો તોડ પણ કાઢ્યો. એક જર્મન કંપનીના સહયોગથી એણે ખુદ એવું જેકેટ બનાવ્યું, જેની બનાવટમાં એક પણ પ્રાણી પર હિંસા કરવામાં આવી નહોતી.
૨૦૧૯માં કુંતલે બીજી વાર એવરેસ્ટ સર કર્યો… અને આ વખતે એનિમલ-ફ્રી જેકેટ પહેરીને!
ગજબ છે કુંતલ જોઈશરનું સાહસ. કમાલ છે સિદ્ધાંતો અને સત્ય માટેની એમની લડત. યુટયુબ પર કુંતલના એકાધિક વિડીયો અવેલેબલ છે. જોજો. પાનો ચડી જશે!
– શિશિર રામાવત
Leave a Reply